ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં,
કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ?
– નિનાદ અધ્યારુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2014

બાપુ અને ઉદરશૂળ – રમેશ પારેખ

ફરાળ કર્યું બાપુએ જમી બપોરના ફાફડી
થયો સખત ગેસ ને ઉદરમાં પીડા ઊપડી
પીધી ચસચસાવી કૈં કેટલી બીડી સામટી
થયા અરધ રાતના ગજર ને પીડા ના ઘટી

‘તને, ગધની ફાફડી,ખૂટલ,ગોલકીની, ફટ ;
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ ?
કર્યો અસલમાં દગો, કરજમાં ઉતાર્યો અને
ઉધાર દઈ, ફાફડી ય ફટકારી ખોરી મને’

મનોમન જ બાપુ આમ વદતા પડ્યા છે ભડ
ગ્રહી ઉદરને અહો, ઉભય હાથથી સજ્જડ
વદે : ‘ ભલભલા અમે દુશમનો દીધા ઝાટકે
અરે, સુભટ છું, નહીં ટકર ગેસડું લૈ શકે

કરું અબઘડી ખલાસ [ ઊંહ ] પેટની આંકડી ‘
ભરી તરત બાપુએ જલદ હીંગની ફાકડી

– રમેશ પારેખ

શબ્દોનું selection તો જુઓ !!!!!

Comments (4)

જરૂરી છે ? – કિરણસિંહ ચૌહાણ

નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે ?
તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે ?

મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેનાં હૈયાંને,
હવે એના ઉપર ગઝલો લખી દેવી જરૂરી છે ?

અહીં પણ હાલ તારાથી અલગ ક્યાં છે ? છતાં ખુશ છું.
અહીં પણ છે વ્યથા તો બહુ… બધી સહેવી જરૂરી છે ?

નહીં તો જિંદગીની વારતા આગળ નહીં વધશે,
કરો હાજર, સમસ્યા જેવી હો એવી જરૂરી છે.

નહીં તો શુષ્કતા મળશે, તિરાડો વહોરવી પડશે,
ઉદાસી ભેજ થઈને આંખમાં રહેવી જરૂરી છે.

– કિરણસિંહ ચૌહાણ

વાત-ચીત ચાલતી હોય એ જ અંદાજમાં કવિ સહજતાપૂર્વક મજાની ગઝલ લઈ આવ્યા છે. કવિનો અંદાજ-એ-બયાઁ રોજમરોજની ગૂફ્તેગુને કવિતાની ઊંચાઈ પર લઈ જાય છે.

Comments (9)

ક્ષણો અનેરી – બિપિન મેશિયા

વનવગડાની ક્ષણો ઘણેરી મેં તો મનભર માણી.

ગઠરીમાં સચવાઈ થોડી મારગમાં વેરાઈ,
ઘૂળઢગે ઢબૂરાઈ થોડી ફૂલ બની ફોરાઈ,
યુગયુગથી તરભેટે ઊભી
શાલભંજિકા જોડે થોડી હજુ નથી કરમાણી.

ઊખળી કો ફેલાઈ જેવી સમેટવા સંકેલી,
વંટોળિયે પલાણી જાણે અજાકજા બ્હેકેલી !
ઇયળે આંકી ઓકળિયુંમાં
ડાહીડમરી શાણી થઈ કો ઠામૂકી શરમાણી !

લાગી કો અણજાણી પ્હેરી રાનેરી સન્નાટો ?
ઝરડઝાંખરે થોભી વા કો સાંભળવા સુસવાટો ?
ઝાંઝરના ઝંકારે હેંડી
આખો પલ્લો વીંઝી હેંડી અણુ-અણુ પરમાણી.
વનવગડાની ક્ષણો અનેરી મેં તો મનભર માણી.

– બિપિન મેશિયા

વનવગડામાં ગાળેલી ક્ષણોનો ખજાનો કવિ તળપદી ભાષામાં આપણી સામે ખોલે છે. કેટલીક ક્ષણો યાદદાસ્તમાં સચવાઈ રહી છે, કેટલીક નહીં. કેટલીક મઘમઘી રહી છે પણ કરમાઈ એકે નથી. જો કે અણુ-અણુને પ્રમાણે એવા વનવગડા અને એવા પ્રમાણનાર પણ હવે ક્યાં બચ્યા જ છે?

Comments (1)

અજબ-ગજબનું જંતર – લલિત વર્મા

અજબ-ગજબનું જંતર કાયા અજબ-ગજબનું જંતર
વાદક છેડે તાર તો બોલે, નહીંતર મૂગું મંતર – કાયા

શ્વાસ શ્વાસના તાર ને નાનો હૃદય નામનો ટેકો,
અદીઠ નખલી છેડે સૂર તો લયમાં ભળે છે ઠેકો,
મંદ્ર, મધ્ય, ને તારમાં વાગે, નખશિખ સૂરિલ નિરંતર
.                                                 અજબ-ગજબનું જંતર…

તાર ચડે તો ચડત સૂરમાં, તાર ઢીલા તો બોદું,
તાર બરાબર મળે ન ત્યાં લગ મૂળ ષડ્જ ક્યાં શોધું ?
સાંગોપાંગ સમજમાં ના’વે, સૂરતાલનું તંતર
.                                                અજબ-ગજબનું જંતર…

તજો વિવાદી, વાદી, સંવાદીને લયમાં સાધી,
અલખ, અનાદિ નાદ સધાતાં લાગે સૂર સમાધિ,
ધીરે ધીરે ઘટે ‘લલિત’ અવ ખાલી સમનું અંતર.
.                                                અજબ-ગજબનું જંતર…

– લલિત વર્મા

વાદ અને વિવાદને ત્યજીને સમ્-વાદનો લય સાધીએ ત્યારે જ અલખ સાથે અનાદિ નાદ સાધી શકાય….

Comments (5)

રહ્યું નહિ – મરીઝ

બસ એક વાર મોજ લૂંટી મન રહ્યું નહિ
જીવનમાં પ્રેમ દર્દ ફરીથી સહ્યું નહિ

સૌને કહું છું, ધ્યાન તમારું જ છે મને,
કરજો ક્ષમા કે ધ્યાન તમારું રહ્યું નહિ.

મારે તો રાખવી હતી તારા વચનની લાજ,
તેથી તો ઈન્તેઝારમાં જીવન વહ્યું નહિ

અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને,
કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ

સ્નેહી જનોના પ્રેમમાં શંકા નથી મગર,
લાગે છે કેમ કે કોઈ અમારું થયું નહિ

મારો નજૂમી પણ મને સમજી ગયો ‘મરીઝ’,
ભાવિમાં સુખ છે,તેથી વધુ કંઇ કહ્યું નહિ

-મરીઝ

એક ચોક્કસ હેતુથી આ ગઝલ પોસ્ટ કરી છે….જો શાયરનું નામ ન વાંચીએ તો આટલા સિદ્ધહસ્ત ગઝલકારની આ ગઝલ હોઈ શકે એવું લાગે ખરું ?

Comments (2)

દામ્પત્ય – ચંદ્રેશ ઠાકોર

IMG_6446

હું જાઉં?
કેમ, ઉતાવળ છે?
ના.
તો, કંટાળો આવે છે?
ના.
ઉતાવળ નથી, કંટાળો નથી,
તો જવાની વાત કેમ?
જવું નથી એટલે.
એ ના સમજાયું.
તારી પાસે સાંભળવું છે ઃ
રોકાઈ જા ને…

– ચંદ્રેશ ઠાકોર

નાનકડું કાવ્ય સંબંધના સમીકરણોની મોટી સમજણ આપી શકે એમ છે.

છૂટા પડવાની વાત આવે અને સામેની વ્યક્તિ અનાયાસ જ કહી ઊઠે, ‘અભી ના જાઓ છોડકર…’ એમાં જ સંબંધની સાચી શક્તિ રહેલી છે. બને એટલો વધુ સમય સાથે રહેવાની ઈચ્છા એ જ સંબંધની મજબૂતી માપવાનું સાચું મીટર.

Comments (5)

એક કાવ્ય – લાભશંકર ઠાકર

નથી નથી
કશુંય સુપથ્ય એવી સમજણ
ખળ ખળ વહ્યા કરે તનમન મહિં-
જ્યારથી આ
ત્યારથી હા
ખોટા ખોટા માણસની ખરી ખરી વાત
ઓગળીને અટકતી
જેના તટ પરે
તારણોની લાશ પછી લાશ બધી
લટકતી
જે
સ્થળ નહિ કાળ નહિ તેવી
આશા અને ભાષા મહિં
.                              બટ-
કતી આમ:
Nothing is more real than nothing.

– લાભશંકર ઠાકર

ખોટા માણસો પાસેથી મળેલા તારણો પર આપણી સમજણ અટકી-લટકી પડે તો કશું સુપથ્ય લાગતું નથી. બટકતી શબ્દને બટકાવીને કવિ કવિતાને અલગ જ ઓપ સાપે છે. Nothingnessની વાત પર તો ગ્રંથોના ગ્રંથ લખાયા છે-લખાશે…

Comments (2)

ઘસી ઘસીને – મનોજ જોશી

ઘસી ઘસીને ઘણા સાફ તો કરેલા છે,
છતાં વિચાર અમારા હજુય મેલા છે.

દિશાના નામ ફક્ત સૂર્યથી પડેલાં છે,
ઘણાના સ્વપ્ન ઉગમણેય આથમેલાં છે.

નથી હું આપતો ક્યારેય મારું સરનામું,
અનેક પ્રશ્ન છતાં ઉંબરે ઊભેલા છે.

દિવસ ને રાત સતત આવજાવ ચાલુ છે,
આ કોના પ્રેમમાં શ્વાસો બધાય ઘેલા છે ?

ભલેને અટપટા સૌ દાખલા છે સંબંધો,
અહમને બાદ કરો તો જવાબ સહેલા છે.

– મનોજ જોશી

આ કવિની ગઝલો જેમ જેમ વાંચતો જાઉં છું, હું વધુ ને વધુ એના પ્રેમમાં પડતો જાઉં છું. કયા શેર પર આંગળી મૂકવી એ પ્રશ્ન થઈ જાય એવી ગઝલ. હા, જો કે છેલ્લો શેર જરા સપાટ લાગ્યો.

Comments (8)

પડદામાં – હર્ષદ ચંદારાણા

રાખવાથી ગુલાબ પડદામાં
ખુશબૂ રહેશે જનાબ ! પડદામાં ?

છે ખુશીની બધી ક્ષણો જાહેર
આંસુનો છે હિસાબ પડદામાં

એક પડદાને ખોલવા માટે
પેસવું બેહિસાબ પડદામાં ?

રાત પડવાનું એ જ છે કારણ ?
શું હતો આફતાબ પડદામાં ?

સર્વ શબ્દો નકાબ છાંડે છે
વાંચે છે તું કિતાબ પડદામાં

– હર્ષદ ચંદારાણા

સાદ્યંત સુંદર રચના….

Comments (4)

ફરી ઘર સજાવ તું – રમેશ પારેખ

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું

આંસુભર્યા રૂમાલ સૂકવવાની આજકલ ઋતુ છે શહેરમાં
પંપાળ મા તું ઘાવ, ઢળેલી નજર ઉઠાવ, નજર ના ઝુકાવ તું

સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે
કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું

અચરજ છે એ જ એક કે સર્વત્ર મ્હેક મ્હેક મધુરપનો મોગરો
થોડી ક્ષણોને ઘૂંટ કે આખોય બાગ લૂંટ ને ઉત્સવ મનાવ તું

હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ શું આ આપણે છીએ?
તારો છે હક કે માંગ, અનાગતની પાસે રાગ ને મહેફિલ જમાવ તું

બેઠો ર.પા. ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઇ
ના ચૂપચાપ તાક, ને ભીતર જરાક ઝાંક, છે એનો અભાવ તું

Comments (5)

મેરે પિયા – સુન્દરમ્

મેરે પિયા મૈં કછુ નહિ જાનૂં ,
મૈં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન.
મૈં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી
મૈં તો પલપલ બ્યાહ રહી.

– સુન્દરમ્

વિશુદ્ધ પ્રેમની બાની….. કેટલા સરળ શબ્દો ! એટલો અદભૂત ભાવ છે કે આ વિષે કંઈ પણ બોલવું-લખવું મારા ગજાની બહારની વાત છે…..

Comments

ગઝલ – અંકિત ત્રિવેદી

મણકો છું, પણ હું માળાની બ્હાર ઊભો છું,
સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું.

રંગ ઉછીના સાંજ કનેથી લઈને જીવ્યો,
અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું.

ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો,
પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું.

બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,
ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું!

ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,
ઊભો છું પણ કૂંડાળાની બ્હાર ઊભો છું.

– અંકિત ત્રિવેદી

ગાડરિયા પ્રવાહથી અલગ ઊભા રહેવાનો મિજાજ… ભલેને મણકો છું પણ માળામાં નથી પરોવાયો. સ્વયંનિર્ભર, પગભર થઈ માળાની બહાર ઊભો છે. જો કે બીજા જ શેરમાં વળી ઉછીનું લેવાની વાત પણ આના વિરોધાભાસમાં નજરે ચડે છે.

Comments (4)

વેશપલટો – ગૌરાંગ ઠાકર

મેં તમને જ ઓઢી કર્યો વેશપલટો,
તો ભીતરમાં પણ થઈ ગયો વેશપલટો.

સમયસર ફગાવે શક્યો ના હું તેથી,
ત્વચા સાથે કેવો મળ્યો વેશપલટો ?

મને ઊંઘતો જોઈ રાજી રહે છે,
હું જાગ્યો છું ત્યારે ડર્યો વેશપલટો.

જવલ્લે જ જોવા મળે પારદર્શક,
બરફરૂપે જળને જડ્યો વેશપલટો.

અસલ તો ઊડ્યું… આખરી શ્વાસ સાથે,
પછી શેષમાં બસ રહ્યો વેશપલટો.

– ગૌરાંગ ઠાકર

જાગવાનો સંદર્ભ વેશપલટાના પરિપ્રેક્ષ્યમાં કેવો અદભુત રીતે ખોલી આપે છે !

Comments (8)

હૉસ્પિટલ – ચંદ્રા

એક હોસ્પિટલ
ચોધાર આંસુએ રડ્યા કરે
રોજ રોજ ઉભરાતાં મબલખ રોગીઓને જોઈને
રોગ પણ કેવા!
કોઈની નજરમાં કાણું,
કોઈની જીભમાં દોઢું હાડકું,
કોઈના ઉચ્છવાસમાં ‘નજાકત’ ચીમળાઈ જાય એટલું ઝેર,
તો કોઈની બુદ્ધિને દૂરના ચશ્મા
રોગીઓની સંખ્યા વધતી જતી જોઇને
પરાણે-મહાપરાણે,
‘પથારી’ઓની સંખ્યા પણ વધારવી પડી
હોસ્પિટલને દુ:ખ થયું
આમ ને આમ થતું રહેશે તો
એક દિવસ બધી ‘પથારી’ઓ ઓછી પડશે અને,
ખુદ રોગીઓ જ
એકબીજાની સામે જોઈને બોલતા રહેશે:
“આના કરતા ‘પથારી’ બન્યા હોત તો સારું હતું”

આ ‘પથારી’એ તો પથારી ફેરવી નાખી છે,
પેરેલિસિસ થયેલ ઈજ્જતની,
એન્જિયોપ્લાસ્ટિ કરાવેલ આદરની,
ટ્રાન્સપ્લાન્ટ થયેલ સ્વચ્છંદતાની
અને
ઓપરેશન માટે ક્યારની વેઈટીંગમાં ઉભેલ….શર્મની…..

~ચંદ્રા

જોહન ડૉનની મેટાફિઝિકલ કવિતાની યાદ અપાવે એ શૈલીમાં લખાયેલ આ કવિતા બે ઘડી વિચારતા કરી દે છે. A poem should not mean, but be ની પણ સ્મૃતિ થાય. જો કે અહીં કવિતાનો અર્થ અને અસ્તિત્ત્વ બંને રહેલા છે. શહેરીકરણ, વસ્તીવધારા, પ્રદૂષણ જેવા પેટ ચોળીને ઊભા કરાયેલા શૂળના પ્રતીક સમી હૉસ્પિટલ એ ઈંત-રેતી-સિમેન્ટનું બનેલું મકાન જ નહીં, જાત-ભાતની માનસિક રુગ્ણતાઓથી ખબદતી આપણી પોતાની જાત પણ ન હોઈ શકે ?!

Comments (6)

તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી
તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઈ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઈ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડૂબેલી નદીઓના નામ
તમે નદીઓના ડૂબેલા ગાન
અમે ડૂબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડૂબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

– ભાગ્યેશ જહા

એક રળિયામણું ગીત……

Comments (2)

जागो – source – ओशो

प्रत्येक अनिश्चय से कुछ नष्ट होता हूं
प्रत्येक निषेध से कुछ खाली
प्रत्येक नए परिचय के बाद दूना अपरिचित
प्रत्येक इच्छा के बाद नयी तरह से पीड़ित
हर अनिर्दिष्ट चरण निर्दिष्ट के समीपतर पड़ता है             [ अनिर्दिष्ट = Unspecified ]
हर आसक्ति के बाद मन उदासियों से घिरता है।
जागो और ज़रा देखो।
हर अनुरक्ति मुझे कुछ इस तरह बिता जाती है।                [ अनुरक्ति = Attachment ]
मानो फिर जीने के लिए कोई भविष्य नहीं बचता है।

source – ओशो – अजहूं चेत गंवार [ page 51 ]

શું અદભૂત કવિતા છે !!! દરેક પંક્તિ અર્થસભર…. એક શબ્દ પણ વધારાનો નહિ ! તમામ રોજિંદા અનુભવોને પૃથક્કૃત કર્યા છે અને તે પણ પૂરી નિખાલસતાથી અને સભાનતાથી. ખરા અર્થમાં ‘તત્વ’ચિંતન તે આનું નામ ! ઓશોની હિન્દી books માં આવી ઘણી સુંદર કવિતાઓ હોય છે – માત્ર તકલીફ એ છે કે એ કદી કવિનું નામ નથી લખતા.

desires ને નિષ્પક્ષપણે examine કરતા કવિને જે સત્યો દ્રષ્ટિભૂત થયાં છે તે ખૂબીપૂર્વક નિરૂપાયા છે. અહીં जागो શબ્દ બાઈબલમાં જે રીતે વારંવાર Awake શબ્દ પ્રયોજાયો છે તે ધ્વનિમાં પ્રયોજાયો છે. જાગૃતિ [ awareness ] નો કોઈ વિકલ્પ નથી. દરેક ક્ષણની-સતત-નિરંતર-નિરપવાદ જાગૃતિ [ awareness ].

Comments (2)

ગઝલ – હેમેન શાહ

એ વળી ક્યારે ધીમી ધારે પડે ?
વીજળીનું શું ? પડે ત્યારે પડે.

સૂર્ય જેવું જ્યાં કશું હોતું નથી,
સર્વ પડછાયા શા આધારે પડે.

કેટલી ચીજો સમય લઈ જાય છે,
પણ ખબર કોને અને ક્યારે પડે ?

આજે ટહુકા, કાલે ખુશબૂ બંધ છે,
બહાર ફતવા વાર-તહેવારે પડે.

સામે કાંઠે હોય છે વાંછિત બધું,
પણ નદી તરવી બહુ ભારે પડે.

– હેમેન શાહ

સંઘેડાઉતાર રચના. પહેલો અને છેલ્લો શેર તો વાહ ! વાહ ! વાહ !!

Comments (11)

ગઝલ – જયેન્દ્ર શેખડીવાળા

ભોમિયા ભોંઠા પડે એવું કરો,
આંસુની સરહદ જડે એવું કરો.

સૂર્યને મૂકી ચરણના તાળવે
જળ ઉપર પગલાં પડે એવું કરો.

જળની ભાષામાં કિરણ જે ઓચરે,
વાંચતાં એ આવડે એવું કરો.

ભીંત પર ચિતરી ફૂલો ભીનાશનાં,
અશ્રુછાયા સાંપડે એવું કરો.

આ ગઝલ ઊતરીને ઊંડે કાનમાં,
શિલ્પ આંસુનાં ઘડે એવું કરો.

– જયેન્દ્ર શેખડીવાળા

આંસુ અને જળની ભીની ભીની ગઝલ…

Comments (6)

ગઝલ – ચિનુ મોદી

આ સ્મરણ પણ અજાયબ ચીજ ન્હૈં ?
ત્રાટકી પડનાર કોઈ વીજ, ન્હૈં ?

આટલો મબલખ અહીં અંધાર છે
ભૂલથી વાવ્યું હશે મેં બીજ, ન્હૈં ?

જળકમળવત્ લેખતો હું જાતને –
પાણીમાં પધરાવી દઉં આખી જ, ન્હૈં ?

કેમ દેખાયો નહીં હોવા છતાં ?
આડી આવી જાત પોતાની જ, ન્હૈં ?

જ્યાં બિરાજે એ જ ડાળી કાપતો
આપનો ‘ઈર્શાદ’ આ નાચીજ, ન્હૈં ?

– ચિનુ મોદી

મજાની ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય. પણ મારું મન ગઝલની રદીફ પર અટકી ગયું – “ન્હૈં” ?! શિષ્ટ ગુજરાતીમાં ‘નહિ’ લખીએ તો પણ છંદ યથાવત્ જ રહે છે તો પછી આ શબ્દપ્રયોગ જ કેમ ? જો તળપદી ભાષાનો આ પ્રયોગ હોય તો આખી ગઝલમાં અન્યત્ર એ દેખાવી ન જોઈએ ?

Comments (7)

કહેવાય નહીં – હરીન્દ્ર દવે

આમ એવી શૂન્યતા છે કે હવે રહેવાય નહીં ,
તારી યાદ આવે ને જીવી જાઉં તો કહેવાય નહીં.

આ અરીસાના બધા ટુકડા વીણો તો શું થશે ?
ત્યાં જે દેખાતો હતો ચહેરો હવે દેખાય નહીં.

હું તો અવળે માર્ગ ચાલુ છું હવે હાથે કરી,
તું ન ધારે ત્યાં સુધી તારા લગી પ્હોંચાય નહીં.

હું સુરાલયમાં તો મારા પાયને વાળી શક્યો,
કેવું આ કે હાથે પ્યાલો છે ને હોઠે જાય નહીં.

એથી તારા સાથનો મહિમા વધી જાતો હશે,
ચાલનારો હું,છતાં મારા સુધી પ્હોંચાય નહીં.

તું ભલે મઝધારનું તોફાન માનીને ઝૂઝે,
ને કિનારે નાવ પહોચી જાય તો કહેવાય નહીં.

– હરીન્દ્ર દવે

Comments (6)

મારું એકાંત – મકરંદ દવે

બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !

બોલો તો વેણ બહુ મીઠાં લાગે ને
તમ સ્પર્શે હવા વહે છે શીળી
મધુરપથી સીંચ્યા આ માંડવામાં તોય પડે
પાંદડી સંબંધની પીળી;
સામે જુઓ, આ મારો સમદર અગાધ અને
સમદરમાં એકલો તરાપો .

ઝાંખીપાંખી આ બધી બત્તી બુઝાવો
ને ઘરનું સંગીત કરો બંધ,
અંધારું ધોધ બની તાણી લઈ જાય મને
અંધારે ભાળું હું અંધ;
ઘરની આ માયા ને છાપરીની છાયાને
અધપળમાં આજ તો ઉથાપો !

બંધુ, ન લેશ આજ માઠું લાગે હો ભલા
બંધુ, આ પ્રીત નથી પોચી ,
આઘે કર્યા તે નથી અળગા જરાય
નથી ખાલીપે ગોઠડી ઓછી;
ઊંડે ઊંડે મને પામું, પામું ને બજે
સંગીના ઊંચે આલાપો,

બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !

– મકરંદ દવે

 

ભગવાન બુદ્ધની મહાભિનિશ્ક્રમણના થોડા દિ પહેલાંની અવસ્થાની આ વાત હોય તેવું નથી લાગતું ! મીરાંબાઈના શબ્દોમાં – આ હંસલાને હવે મોતી ચણવા નથી…..ઊડવું નથી…..કંઈ ગમતું નથી….બસ એકલા બેસીને ગગનને તાકવું ગમે……

Comments (3)

કવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી

બળતી મીણબત્તીને ફૂંક મારી
કોઈ
બહાર થંભેલા અંધકારને કહે
‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’
એમ કવિતા બોલાવે
‘તારું બધું ઓલવીને આવ હવે
.                           ખોવા જેવું કંઈ નથી.’
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય
પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.

– દિલીપ ઝવેરી

કવિતાની કેવી સરસ વ્યાખ્યા ! પાશ્ચાત્ય સાહિત્યની વ્યાખ્યાઓ સાથે તંતોતંત ટક્કર ઝીલે એવી.

Comments (4)