ક્રાન્તિનાદ – કૃષ્ણલાલ શ્રીધરાણી
(પૃથ્વી)
અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું : દિશ દીવાલ : શય્યા ધરા !
અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી : અને હૃદય દુઃખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.
પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળનાં,
ન ઇચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના !
સહુ વીતક વીતજો ! વિઘન ના નડો શાંતિનાં !
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
નાની વયે પિતાને ગુમાવનાર કવિ બાળપણમાં મોસાળમાં જૂનાગઢ ખાતે ભણવા ગયા. નાની ઉંમરે જ “ટ્રેડિશનલ” શાળાશિક્ષણ એમને જરાય કોઠે ન પડ્યું. ગણિતની પરીક્ષામાં ઉત્તરવહી સાવ કોરી રાખી અને ઉપરથી નોંધ મૂકી કે સફાઈ માટેના દસ માર્ક્સ મને મળવા જ જોઈએ અને વિજ્ઞાનના પેપરમાં કવિતા લખી આવ્યા… જો કે ગુજરાતી ભાષાનું સદભાગ્ય કે એમના વિધવા માતાને એવું સૂઝ્યું કે ગાંધીની આંધીમાં જાગેલ દેશભક્તિના જુવાળમાં બેમાંથી એક પુત્રે તો રાષ્ટ્રીય શાળામાં ભણવું જ જોઈએ અને કૃષ્ણલાલ ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ શાળામાં દાખલ થયા જ્યાંનું શિક્ષણ એમને કોઠે પડી ગયું… ત્યાર બાદ ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) અને પછી ટાગોરની નિશ્રામાં શાંતિનિકેતન ખાતે ભણ્યા અને પછી ન્યૂયૉર્ક જઈ MA, MS અને PhD પણ કર્યું…
પ્રસ્તુત સૉનેટમાં કવિ આંચકો લાગે એવી વાત કરે છે. ચંદરવો જેમના ઘરનું છાપરું છે, દિશાઓ જ દીવાલો છે અને ધરતી જ પથારી છે એવા ગરીબજનોના પ્રત્યક્ષ ઉત્કર્ષના બદલે કવિ ઝંખે છે કે એમને વધુ ને વધુ તકલીફો પડે, શાંતિ નામનું વિઘ્ન ન નડે જેથી કરીને ક્રાંતિનો માર્ગ મોળો ન પડે… ઉમાશંકર જરૂર યાદ આવે કે ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.’