ઉદયન ઠક્કર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 17, 2007 at 12:24 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
ન કૂંપળ, ન કળીઓ,ન કુસુમો, ન ક્યારો
સુગંધોને હોતો હશે કંઈ કિનારો ?
લતાકુંજમાં કેમ ગુંજે સિતારો ?
છે ભમરા ? કે પાંખાળા સંગીતકારો ?
લળીને ઢળીને ટહુકા કહે છે,
‘તમે ક્યાંથી અહીંયા ? પધારો, પધારો !’
આ તોળાવું ઝાકળનું તરણાની ટોચે,
અને મારા મનમાં કોઈના વિચારો….
મને જોઈને ઘાસ હળવેથી બોલ્યું,
‘જરા આમ આવો, પગરખાં ઉતારો !’
-ઉદયન ઠક્કર
Permalink
July 18, 2007 at 10:56 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, મુક્તક
હું એનું નામ શું આપું ? તું એનું નામ જાણે છે
ગગનમાં એકલે હાથે કરેલું કામ જાણે છે
એ નાહક સીધે રસ્તે ચાલવાને હઠ લઈ બેઠો
થયું શું આખરે એનુ એ આખું ગામ જાણે છે !
– ઉદયન ઠક્કર
Permalink
May 7, 2007 at 11:10 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી
અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી લીધી
નયન જો ગમે તો નયન, હ્રદય જો ગમે તો હ્રદય
હવાફેર માટે તને જગા બે બતાવી દીધી
એ તો હસ્તરેખાઓનું નસીબ જોર કરતું હશે
હથેળીમાં લઈ એમણે હથેલી દબાવી લીધી
કોઈ પ્હેરી કંકણ ફરે, કોઈ કુંડળોને ધરે
અમે કંઠી વરસાદની ગળામાં સરાવી લીધી
કે વરસાદના નામ પર તો કૈં કૈં અડપલા થયાં
નદીએ વગર હકની જમીનો દબાવી લીધી
બે આંખોના ગલ્લા ઉપર ધસારો થયો દૃશ્યનો
વરસભરની આવક જુઓ, પલકમાં કમાવી લીધી
આ વરસાદમાં જાતનું થવાનું હતું, તે થયું
જરા ઓગળી ગઈ અને વધી તે વહાવી લીધી
પરોઢે કૂણા તાપને, મળ્યા આપ તો આપને
પહેલું મળ્યું એને મેં ગઝલ સંભળાવી લીધી
– ઉદયન ઠક્કર
આજે અચાનક જ આ રમતિયાળ ગઝલ વાંચવામાં આવી ગઈ અને ખરેખર અષાઢના પ્રથમ દિવસ જેટલો આનંદ થઈ ગયો. આવા નવાનક્કોર કલ્પનો અને ગર્ભિત રમૂજથી ભરીભરી ગઝલ વારંવાર થોડી મળે છે ?! પહેલા જ શેરમાં કવિએ સરસ ગમ્મત કરી છે. કવિ અષાઢના પ્રથમ દિવસે કાલિદાસના નાયકની જેમ મેઘને પોતાની વ્યથા સંભળાવમાં રાચે છે ત્યારે એમની પ્રિયા શું કરે છે ? – કવિનું તદ્દન પોપટ કરે છે અને તાડપત્રી લગાવી દે છે 🙂 આ એક જ શેર પરથી ગઝલનો માહોલ બંધાઈ જાય છે. અષાઢનો પહેલો દિવસ તો રુઢિચુસ્ત ગઝલને માળીયે ચડાવીને શબ્દોને છૂટ્ટો દોર આપવાનો દિવસ છે ! એ મસ્તીના માહોલને મનમાં ભરીને તમે પણ આ ગઝલ ફરી એક વાર વાંચી જુઓ.
Permalink
February 23, 2007 at 9:28 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ત્રિપદી
દીકરીએ પ્હેરતાં પ્હેરી લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું
નાનીમાંથી મોટી સંખ્યા બાદ કર
જા, થઈ જા એની ઉંમરનો ફરી
જાદુમંતર જાત પર એકાદ, કર
નાની સરખી યુક્તિ અજમાવી લીધી
આ જુઓને, એણે શીર્ષાસન કર્યું
રમતાં રમતાં સૃષ્ટિ સુલટાવી લીધી
‘લાવો, ઓળી આપું?’ કહીને દીકરી
કોરા કેશે કાંસકીને ફેરવે
ગૂંચ ઉકેલે, ટચૂકડે ટેરવે
– ઉદયન ઠક્કર
થોડા વખત પર ત્રિપદીનો પ્રકાર મૂકેશ જોષીની કલમે માણ્યો હતો. એ જ પ્રકાર આજે ઉદયન ઠક્કરની કલમે માણો. ફરક એટલો કે આ ત્રિપદી-ગુચ્છ એક જ વિષય પર છે. વિષય પણ સરસ છે અને કલ્પનોની તાજગી અને કુમાશ તો ઊડીને આંખે વળગે છે. દીકરી વાળ ઓળવાની કોશિષ કરતા કરતા તમારા માથામાં એની નાનકડી આંગળીઓ પ્રેમથી ફેરવે એ તદ્દન નાજુક ક્ષણને કવિએ અહીં આબાદ પકડી પાડી છે !
Permalink
December 6, 2006 at 12:30 AM by ધવલ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર, શબ્દોત્સવ
મને તો ગમી ગયું છે આ ઘર
ધરતીને છેવાડે આવેલું.
રાતે નળિયાં નીતરતાં હોય, તારાઓની છાલકે
હાક મારીએ ને સામો સાદ દે, દેવતાઓ
પગ આડોઅવળો પડે તો ગબડી જવાય, અંતરિક્ષમાં
સરનામું હોય:
સ્વર્ગની પાસે.
હા, દુનિયાન નિયમો અહીં લાગુ તો પડે
પણ થોડા થોડા.
રાતે હોવાપણું, આગિયાની જેમ ‘હા-ના’, ‘હા-ના’, કર્યા કરે.
ઝાંપો હડસેલતીક નીકળે કેડી
જેની પર લખ્યું હોય
‘કશેક તરફ’
બારીએ ટમટમે આકાશગંગા
જેની પર લખ્યું હોય
‘કશેય નહિ તરફ’
ઘરમાં રહેતા હોઈએ
તું અને હું.
કહે, કઈ તરફ જઈશું ?
– ઉદયન ઠકકર
મકાન એક ભૌતિક ચીજ છે, જ્યારે ઘર તો એક અનુભૂતિ છે. ગમતું ઘર સ્વર્ગથી કંઈ કમ નથી હોતું. આવા ઘરમાં પ્રિયજનનો સંગાથ હોય તો માણસ ‘કશેય નહિ તરફ‘ જ જાય ને !
Permalink
November 12, 2006 at 7:29 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
એકનું, કે શૂન્યનું, કે આઠડાનું
ઓલિયાને કામ કેવું આંકડાનું ?
આ જગાએ કેમ શીતળ થાય રસ્તો ?
રહી ગયું છે ચિહ્ન જૂના છાંયડાનું ?
પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
રૂપિયાને રાત-દિવસ સાચવે જે
શું કહીશું એને? પાકીટ ચામડાનું ?
રેતી, કપચી, કાચ, ચૂનો, ઈંટ, આરસ
એક દિવસ કામ પડશે લાકડાનું
ક્યાં કવિતા ! ક્યાં મુ જેડો કચ્છી માડુ !
કોકિલાએ ઘર વસાવ્યું કાગડાનું.
-ઉદયન ઠક્કર
લયસ્તરો સાથે જોડાયો ત્યારથી લગભગ રોજની બે થી ત્રણ ગઝલો સરેરાશ વાંચવાનો નિત્યક્રમ સ્થપાયો એ લયસ્તરોમાં જોડાવાની સૌથી મહામૂલી ફળશ્રુતિ. ઢગલાબંધ સામયિકો અને પુસ્તકોની નિયમિત લટાર લેવાની યુવાનીના ચઢતા દિવસોની આદત ફરીથી પુનર્જીવિત થઈ એ અર્થમાં લયસ્તરોએ મને નવયૌવન બક્ષ્યું. આટલા બધા વાંચનમાં વાંચતા જ સર્વશ્રેષ્ઠ લાગેલી કોઈ ગઝલ મારે પસંદ કરવાની હોય તો ઉદયન ઠક્કરની આ ગઝલ પર હું પસંદગી ઉતારું. પાંદડાને પાંદડાનું લાગી આવે? કલ્પના જ કેટલી રોચક અને દુર્લભ છે! ભૂતકાળની કોઈ શીળી યાદ વર્તમાનના આકરા રસ્તાને પણ શીતળતા બક્ષે છે…કેવી સરસ વાત કહી દીધી! રૂપિયાને આપણેચામડાના પાકીટમાં જ સાચવીએ છીએ, પણ અહીં ચામડાનું પાકીટ શબ્દ શું શબ્દશઃ પાકીટ માટે વપરાયો છે? પાકીટની જેમ આખી જિંદગી રૂપિયાને સાચવવામાં જ કાઢતા ચામડાના દેહધારીઓ પર કેવો વેધક કટાક્ષ છે ! ફક્ત એક પ્રશ્ન ચિહ્ન આખા શેરના અર્થને બદલી નાંખે છે. લાકડાની નિશ્ચિતતાવાળી વાત પણ એટલી જ સુંદર છે. અંતે મક્તામાં કચ્છી ભાષામાં કોયલ કાગડાના માળામાં ઈંડા મૂકે છે એ લોકોક્તિનો અને પોતાના જેવા કચ્છી માણસને ક્યાંથી કવિતા આવડી ગઈ એ વાતની સુંદર હૃદયસ્પર્શી રજૂઆત કરીને ઉદયનભાઈ મેદાન મારીગયા છે એવું નથી લાગતું?
Permalink
September 22, 2006 at 6:20 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, મુક્તક
ક્યારે, કઈ રીતે, ને એમાં વાંક કોનો? શું કહું?
વાતેવાતે એમ દસ્તાવેજ થોડા હોય છે ?
પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?
– ઉદયન ઠક્કર
Permalink
August 21, 2006 at 8:18 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
દૃશ્યથી ધીમા સ્વરોને, લાબું અંતર પાર કરતાં વાર તો લાગે જ ને !
આ ગઝલ વંચાઈ ગઈ પણ આંસુઓને કાને પડતા વાર તો લાગે જ ને !
રીસમાં ભીનાં થઈ બિડાઈ ગયેલાં નેણ એનાં, એમ તો ક્યાંથી ખૂલે ?
બોજ ઝાકળનો લઈને પાંખડીઓને ઉઘડતાં, વાર તો લાગે જ ને !
પાંખડીઓને વકાસી, સૂર્યની સામે કમળ જોયા કરે છે ક્યારનું,
ફેરવી લે મોં તિમિરથી એને અજવાળું સમજતાં વાર તો લાગે જ ને !
ઊછળી-ઊછળીને ફોરાં, વારે વારે દઈ ટકોરા, બ્હાર બોલાવી રહ્યાં,
ડોકિયું કાઢીને કૂંપણ એમ કહેતી, હસતાં હસતાં : વાર તો લાગે જ ને !
હા, એ કહેતા તો હતા કે વાડીનું રખવાળું કરવા ટાંકણે આવી જઈશ,
એક એક પતંગિયાની પાંખમાં રંગોળી પૂરતાં વાર તો લાગે જ ને !
– ઉદયન ઠક્કર
આ ગઝલ વાંચતા અનાયાસ જ જગજીતસિંહે ગાયેલી ગઝલ प्यार का पहला खत लिखने में वक्त तो लगता है યાદ આવી ગઈ. જોકે આ ગઝલનો મિજાજ અને કલ્પનો તદ્દન અલગ છે.
છેલ્લા શેરમાં કવિએ ભગવાને આપેલા વચન – ‘ધર્મની ગ્લાનિ અને અધર્મનો ઉદય થશે ત્યારે હું આવીશ’- વિષે અલગ રીતે વાત કરી છે. હજુ ભગવાન દેખાતા નથી એનું કારણ અહીં કવિ આપે છે. આ નખશીખ કવિતાની છે. અહીં તો પતંગિયાની પાંખ રંગવાનું કામ જગતનો ઉદ્ધાર કરવા જેટલું જ (કે કદાચ વધારે) જરૂરી છે !
Permalink
August 15, 2006 at 9:57 AM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
ઘૂઘવાટોથી ન આવ્યો હાથમાં
કેવો ઝિલાઈ ગયો, નિરાંતમાં
નેણ તો એનાંય ઝરમરતાં હશે
ચાંદ નીતરતો હશે, વરસાદમાં
ઊજળો ધંધો તો સોમાલાલનો!
વેચે રોકડમાં ને લે ઉધારમાં
આ અમાસો તો હવે કોઠે પડી
અમને મોટો લાડવો દેખાડ મા!
આ સળગવું, આખરે, શું ચીજ છે?
ચાંદ પૂછે કોડિયાને, કાનમાં
– ઉદયન ઠક્કર
ચંદ્ર વિષે ઘણી રચનાઓ છે પણ ચંદ્રની ઉધારનો ઘંધો કરતા સોમાલાલ તરીકે વાત તો અહીં જ જોવા મળશે ! પહેલા શેરમાં ચંદ્રનું પ્રતિબિંબ ઘૂઘવતા પાણીમાં પડતું નથી પણ શાંત પાણીમાં સુપેરે ઝીલાય છે એ વાત બહુ નાજુક રીતે કરી છે. આટલો મોટો ચાંદો થયો પણ આખરે એ તો બાપકમાઈનો જ પ્રકાશ વાપરે છે. જાતે બળવાનો અર્થ તો એણે પણ આપકમાઈથી પ્રકાશતા કોડિયાને જ પૂછવો પડે.
Permalink
July 28, 2006 at 12:16 PM by ધવલ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે
કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી,
સંચાલકો અને માતા-પિતાની
બેદરકારીને કારણે, પલક મીંચવા-
ઉઘડવા વચ્ચેની કોઈ ક્ષણે… ગુજરાતી
વાંચતી-લખતી એક આખી પેઢી.
ઓળખવા માટે નિશાની: ‘કાનુડાએ
કોની મટુકી ફોડી?’ એમ પૂછો તો
કહેશે, ‘જેક એન્ડ જિલની’
ગોતીને પાછી લાવનાર માટે
ઇનામ એકે નથી. કારણ કે એ
હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.
-ઉદયન ઠક્કર
(‘સેલ્લારા’)
ઉદયન ઠક્કર હંમેશ નવા પ્રયોગો કરતા જ રહે છે.આ ‘ટચૂકડી’ કવિતા એમણે લીડિયા સિગુર્નીની વેડફાયેલા સમય વિષેની પંક્તિઓ પરથી પ્રેરણા લઈને લખી છે.
( મૂળ અંગ્રેજી પંક્તિઓ : Lost, yesterday, somewhere between sunrise and sunset, two golden hours, each set with sixty diamond minutes. No reward is offered, for they are gone forever! )
Permalink
June 19, 2006 at 4:30 PM by ધવલ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.
વધુ આગળ વાંચો…
Permalink
April 4, 2006 at 12:20 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
પરોઢે, પ્હેલા કલરવમાં મને ચુપચાપ મરવા દો,
ઉષાના મંગલોત્સવમાં મને ચુપચાપ મરવા દો.
શિયાળામાં, પડ્યા રહી ઓસભીની લાલ માટી પર
અહીં, તરણાના નીરવમાં મને ચુપચાપ મરવા દો.
જુઓ, ત્યાં પગલીઓ મૂકી પવન પર, ચકલીઓ ચાલી
હવાથી ખરતા પગરવમાં મને ચુપચાપ મરવા દો.
પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓષ્ટ પલળ્યા છે,
આ ઝાકળભીના આસવમાં મને ચુપચાપ મરવા દો.
આ રાની ઘાસ વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.
– ઉદયન ઠક્કર
આ ગઝલ વાંચીને ‘આનંદ’ ફીલ્મ માટે ગુલઝારે લખેલી કવિતા ‘મોત તુ એક કવિતા હૈ’ યાદ આવે છે. એમાં પણ આવા જ એક સહજ-મૃત્યુની વાત હતી.
આપણે એક હદ સુધી મૃત્યુને ટાળી શકીએ, એ હદ પછી તો મોતને વધાવી જ લેવું રહ્યું. એમા વળી કવિને તો કલરવ અને ઝાકળથી શોભિત સવારમાં કુદરતના ખોળે મળે એવું જ મોત ખપે છે. ‘વગડાઉ વૈભવમાં’ જીવવાનું જ નસીબ બહુ ઓછા લોકોને મળે છે, અને ‘વગડાઉ વૈભવ’માં મરવાનું તો એનાથીય ઓછા લોકોને !
મોતને ખુલ્લમખુલ્લા વધાવવાની વાત કરતી કવિતાઓ ઓછી જ મળશે. એમાંય આ ગઝલ તો કવિએ એવાં નમણાં કલ્પનોથી સજાવી છે, જે મૃત્યુના સંદર્ભમાં કદી જોવા જ ન મળે.
Permalink
April 4, 2006 at 12:16 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, મુક્તક
સુધારી શકાતી નથી
સમારી શકાતી નથી
ઈમારત અમુક વર્ષ બાદ
ઉગારી શકાતી નથી.
– ઉદયન ઠક્કર
Permalink
December 14, 2005 at 1:49 AM by ધવલ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.
2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.
3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.
4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.
5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.
6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)
7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી?
8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.
– ઉદયન ઠક્કર
Permalink
November 11, 2005 at 11:24 AM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
આસમાનમાં એકાએક લિસોટા પડતા જોયા છે ?
અંધારી રાતે વાયુના ફોટા પડતા જોયા છે ?
વૃક્ષો વત્તા વેલી ઓછા માણસ ગુણ્યા ફેકટરીઓ,
અચ્છા અચ્છા ગણવાવાળા ખોટા પડતા જોયા છે.
વચ્ચે આવે સોયનું નાકું, બાકી સુખ તો સામે છે;
લોકોને મેં મોટા ભાગે, મોટા પડતા જોયા છે.
ખોટો માણાસ પણ રૂપિયામાં એક-બે આની સાચો છે,
સોળ આનીના રૂપિયાઓને ખોટા પડતા જોયા છે.
-ઉદયન ઠક્કર
ઉ.ઠ.ની ગઝલોમાં હંમેશા નવા કલ્પનો જોવા મળે છે. વાયુના ફોટા પડતા જોવાની વાત ઉદયન જ લખી શકે ! માણસોના નાના પડવાની વાત ઘણી વાર સાંભળશો, પણ માણસના મોટા પડવાની વાત તો અહી જ મળશે.
Permalink
August 15, 2005 at 2:27 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.
સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !
ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?
ઉદયન ઠક્કરની આ નાનકડી નટખટ ગઝલ મારી પ્રિય ગઝલ છે. પહેલો અને છેલ્લો એ બન્ને તો ખ્યાતનામ શેર છે. ચંદ્ર તો ગપોડી છે – એ શેર મનને ગમી જાય એવો શેર છે પણ એનો બૃહદ અર્થ મને સમજાતો નથી. (કદાચ એનો વધારે અર્થ સમજવાની જરુર જ નથી ?! )
Permalink