ઉદાસી આ સૂરજની આંખે ચઢી છ,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
ભગવતીકુમાર શર્મા

કોઈ હથોડી છે? -ઉદયન ઠકકર

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !

ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

ઉદયન ઠક્કરની આ નાનકડી નટખટ ગઝલ મારી પ્રિય ગઝલ છે. પહેલો અને છેલ્લો એ બન્ને તો ખ્યાતનામ શેર છે. ચંદ્ર તો ગપોડી છે – એ શેર મનને ગમી જાય એવો શેર છે પણ એનો બૃહદ અર્થ મને સમજાતો નથી. (કદાચ એનો વધારે અર્થ સમજવાની જરુર જ નથી ?! )

5 Comments »

  1. udayan thakker said,

    May 9, 2010 @ 2:26 AM

    SAMAST SRUSHTI RAJATNI BANYANO DAVO CHHE-DHAVAL,the moon makes a false claim that the world is silvery.Walter de la Mare says,`Slowly,silently,now the moon/Walks the night on her silver shoon/This way and that she peers and sees/Silver fruit upon silver trees!`

  2. કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? - ઉદ્દયન ઠક્કર | ટહુકો.કોમ said,

    August 5, 2010 @ 6:55 PM

    […] લયસ્તરો પર આ ગઝલ સાથે એના ચંદ્રવાળા શેર માટે કંઇક આવી […]

  3. Suesh Shah said,

    March 10, 2015 @ 4:38 AM

    સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
    હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !

    દરિયો પણ ચાંદ જોઈને ગાંડોતૂર થઈ ઉછળે છે. તો માનવી ની શું વિસાત?
    ચંદ્ર બધાને ગાંડા કરી મૂકે છે.

    ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
    કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

    ખૂબ સુંદર ઉક્તિ છે. વાત સાચી લાગે છે – અને ગીત તથા ગઝલ સિવાય એ શોભે પણ ક્યાં?

  4. Janak Desai said,

    June 25, 2015 @ 1:55 PM

    સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
    હું નથી માનતો આ ચંદ્ર તો ગપોડી છે! / – ઉદયન ઠક્કર

    મારો વિચાર: આ શેરની શરૂઆત કવિએ “સમસ્ત સૃષ્ટિ” શબ્દોથી કરી છે. પૃથ્વી, સમસ્ત સૃષ્ટિનો એક માત્ર ભાગ છે. રાતના અંધકારમાં, ચંદ્ર નો પ્રવેશ થયે માત્ર પૃથ્વી ખીલી ઉઠે છે. ચંદ્ર જો દાવો કરે કે મારા થકી “સમસ્ત સૃષ્ટિ” તેજવાન થાય છે, તો એ ઐશ્વર્યતાની અવગણના છે, અભિમાન છે.

    માનવીનું જીવન પણ “સમસ્ત સૃષ્ટિ” નો ભાગ છે. માનવ-જીવન પુનર્જન્મની ઘટમાળનો ભાગ છે. અંતે બધું જ અદ્વૈત છે. કશું જ સ્વતંત્ર નથી. એ અનુસંધાનમાં , વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ પણ સ્વાધ્યાય માત્રથી ક્યા શક્ય છે? સર્વોપરિતા, વિભૂતિ કે અધિપતિપણું સ્વીકારીએ કે ન પણ, પરંતુ, કોઈક તો બળ છે જે નિજ થી પર છે. જે પણ નામથી એને સ્વીકારીએ, તે સ્વીકાર માટે ગર્વ ત્યાગવો જરૂરી હોય છે.

  5. Janak Desai said,

    June 25, 2015 @ 1:58 PM

    મૂળ વાત અહી છે મૂળ ની, સમજાય જો,
    કે અડીખમ હોય જે, તે દે અભિગમ, સંભળાય જો. / ~ ~ જનક – ૬/૨૪/૨૦૧૫
    ——————————————————-
    હું હવે વર્તી રહ્યો છું મૌનમાં,
    કે હોય લાંબી રાતની ચિંતા નથી,
    કે હોય દરિયા પાર તે, તોય શું;

    હું હાર્દમાં લઈને હવે સંવાદના
    બંને હલ્લેસા
    જઈ રહ્યો છું મઝધારમાં ડૂબવા થકી,

    કે હું જ નાવિક, હું જ હોડી, હું હલ્લેસા બેય છું,
    તેથી જ તો, તેથી જ તો, તેથી જ તો…
    આવશે સૌએ કિનારા શઢ સુધી. / ~ ~ જનક – ૬/૨૪/૨૦૧૫
    ——————————————————-
    કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
    કૂંપળની પાસે શું કુમળી કોઇ હથોડી છે?

    તમારે સાંજને સામે કિનારે જાવું હો,
    તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે. / – ઉદયન ઠક્કર

    [અભિગમ=પદેશ સાંભળવાથી થતું જ્ઞાન / વિષયની વ્યક્તિનિષ્ઠ સમઝ,]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment