નૂતન વર્ષાભિનંદન
નવા વરસે….
. …આનંદ વરસે..!
– ‘લયસ્તરો’ તરફથી સૌ વાચકમિત્રોને દિપોત્સવી પર્વની મંગળ કામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…
નવું વરસ…
. …વીતે સહુનું સરસ…!!
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
પ્રકીર્ણ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
નવા વરસે….
. …આનંદ વરસે..!
– ‘લયસ્તરો’ તરફથી સૌ વાચકમિત્રોને દિપોત્સવી પર્વની મંગળ કામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…
નવું વરસ…
. …વીતે સહુનું સરસ…!!
પહેલાં તમારી આંખે
સિતારા હસી પડ્યા
વાતાવરણમાં શોકભરી
રાત થઈ પછી.
નાજુક ક્ષણોમાં કોલ
મેં મૃત્યુને દઈ દીધો
મારી જીવનની સાથે
મુલાકાત થઈ પછી.
– હરીન્દ્ર દવે
આ કવિતા પહેલા વાંચેલી ત્યારે કોઈ ખાસ અસર વિના પસાર થઈ ગયેલી. પણ આજે ફરી વાંચવામાં આવી તો ખ્યાલ આવ્યો કે કવિતાનો મર્મ પહેલા ચૂકી જવાયેલો. ખીલતી ખૂલતી ક્ષણ પછી ઘેરા શોકનો સમય આવે છે એ વાત સીધી રીતે કવિએ મૂકી છે. પણ કવિની ખરી કરામત તો એ પછી આવે છે. એ કહે છે કે એક વાર મૃત્યુ સાથે ઓળખાણ કરી લીધી – એને સાથે હાથ મિલાવી લીધા – પછી જ જીવનનો ખરો પરિચય થઈ શક્યો !
શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.
શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.
શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.
શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.
– ઉમાશંકર જોશી
શબ્દમાં કવિને માત્ર મૌન જ મળે છે. શબ્દ તો ઉઘડવાનું નામ લેતો નથી. અર્થનો પ્રકાશ શબ્દને ભેદી શકતો નથી. એ ગૂઢ રહસ્યની આભા જ શબ્દને વધુ રસપ્રદ બનાવે છે. શબ્દ વિષે ઉત્તમ ચિંતન જેવી ત્રણ અદભૂત પંક્તિ કવિ મૂકે છે. શબ્દના મૂળમાં તો કર્મ રહેલું છે – શબ્દ પોતે જ એ સંપૂર્ણ રચના છે – એ આત્માની સૌથી મહાન રચના છે. છેલ્લે ઉપનિષદમાંથી ઊતરી આવી હોય એવી પંક્તિથી કાવ્ય પૂરું થાય છે – શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક !
(આધાન=ધારણ કરવું, ગર્ભ )
પુષ્પની પાંખડી પર વહેલી પરોઢે જામતા ઝાકળનાં ટીપાં જેટલી તાજગી સૃષ્ટિમાં બીજે ક્યાંય વર્તાતી જોવા મળે ખરી? વાતાવરણમાં આખી રાત ઘૂંટાયા કરેલ ભેજ થોડો સ્થિર થાય ત્યારે પાંદડીને એક તાજી ભીનાશનું સરનામું બનવાની ધન્ય ક્ષણ સાંપડે છે. તાજી નાહીને નીકળેલ સુંદરી માટે આપણે સદ્યસ્નાતા શબ્દ વાપરીએ છીએ, નવોદિત કવિ માટે આપણે ‘સદ્યશબ્દેલ’ પ્રયોગ કરી ન શકીએ? આખી રાત સરસ્વતીના વરદાનનો ઘૂંટાતો રહેલો ભેજ શબ્દનું ઝાકળ બનીને જ્યારે કાગળ પર ઉતરે છે ત્યારે એક સદ્યશબ્દેલ કવિનો જન્મ થાય છે.
પ્રતિદિન એક નવી કવિતાના ન્યાયે ‘લયસ્તરો’ પર ગુજરાતી ભાષાના ત્રણસોથી વધુ દિગ્ગજ તથા નવોદિત કવિઓની કલમે સર્જાયેલી લગભગ સાડી આઠસો જેટલી સબળ કૃતિઓ આજે ‘માઉસ’ની એક ક્લિક્ માત્ર પર હાજર છે. અવારનવાર તરોતાજા કવિઓની રચનાને પણ યથાર્થ ન્યાય આપવાની અમારી કોશિશ રહી છે. પરંતુ ‘ફૉર અ ચેઈન્જ’ આ બે સપ્તાહ થોડા નવાનક્કોર છતાં માંજેલા સશક્ત કવિઓને સમર્પિત. તો ચાલો, રંગાઈ જઈએ ગુજરાતી ભાષાના આકાશમાં ઊગી રહેલા નવાનક્કોર મેઘધનુષ્યના થોડા રંગો…
-લયસ્તરો ટીમ
ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યની ખુશ્બૂમાં તરબતર રહેતા નેટ-ગુર્જરો હરનિશ જાનીના નામથી ભાગ્યે જ અપરિચિત હશે. છેલ્લા ચાળીસેક વર્ષથી અમેરિકામાં સ્થિર થયેલા હરનિશ અહર્નિશ હાસ્ય અને વ્યંગ્યના માણસ છે. એમનો પરિચય ન્હોતો ત્યારે શરૂમાં એમના વ્યંગથી હું ખાસ્સો છેતરાયો પણ હતો પણ જેવું હાસ્યનું હાડકું ઊગ્યું કે એમના માટે મને માન વધી ગયું. ગુજરાતી ભાષાના ઘણા સામયિકોમાં એમના હાસ્યલેખો અને વાર્તાઓ અવારનવારપ્રગટ થતા રહે છે. “કુમાર’ જેવા સામયિકના એક જ અંકમાં ત્રણ-ત્રણ જગ્યાએ એમના લેખ અને એમના વિશે છપાયેલું વાંચ્યું ત્યારે અદભુત રોમાંચ થયો હતો. ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે અમેરિકા-નિવાસી ગુજરાતી સાહિત્યકારોની પુસ્તક-પ્રકાશન યોજના હેઠળ પ્રગટ થનાર સૌપ્રથમ પુસ્તક એટલે હરનિશ જાનીનો વાર્તાસંગ્રહ – “સુધન”. આજની પરિભાષામાં દળદાર કહી શકાય એવા આ વાર્તાસંગ્રહની સૌથી પહેલી ખૂબી એ છે કે એકેય વાર્તા ભારઝલ્લી બની નથી. વાર્તાનો વિષય ગમે તેવો ગંભીર હોય, એક સમર્થ હાસ્યકારની હથોટી દિલને આંચકો આપ્યા વિના જ આખી સફર પાર કરાવે છે. ગંભીર વિષયને હળવાશથી રજુ કરવાની કાબેલિયત હકીકતમાં તો ભાવકને અંદરથી ખૂબ જ ગંભીર કરી દે છે પરંતુ અંતર પર બોજ વર્તાવા દેતી નથી અને એ જ આ વાર્તાઓની ખરી સિદ્ધિ છે. . પુસ્તક હાથમાં લો અને પોણીબસો પાનાં એક જ બેઠકે વાંચી નાંખવાનું મન થાય એવી મજાની ટૂંકી અને ઠેકઠેકાણે હાસ્ય-વ્યંગથી ભરપૂર વાર્તાઓ અને આંખના ખૂણા જરા ભીનાં થઈ જાય એવા બે ચરિત્ર લેખો અહીં સામેલ છે. પિતા સુધનલાલને અંજલિ આપવા એમણે આ સંગ્રહનું નામ “સુધન” રાખ્યું છે, પણ એ સાચા અર્થમાં આપણું સુ-ધન બની રહે એમ લાગે છે.
હરનિશ જાની પોતાની વાર્તા વિશે કહે છે: ” મારી વાર્તાઓ એટલે અમેરિકાની પહેલી પેઢીના ગુજરાતીઓનો ઇતિહાસ”. જ્યારે જાણીતા વાર્તાકાર મધુરાય એમને આમ કહીને સત્કારે છે: “હવે શરૂ થાય છે અમેરિકન ગુજરાતી વાર્તાનો સુવર્ણકાળ.”
લયસ્તરો તરફથી શ્રી હરનિશ જાનીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ….
(સાભાર સ્વીકાર: “સુધન” – વાર્તા સંગ્રહ. લે.: હરનિશ જાની. પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, 15, યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ- 3800009.)
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..
-કવિ નર્મદ
કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે આજે એમની એક લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે“- આ પંક્તિ તો આજે કહેવતકક્ષાએ પહોંચી ચૂકી છે. કવિ નર્મદનો પરિચય અને એમની અન્ય કૃતિઓ આપ અહીં વાંચી શક્શો. લયસ્તરો તરફથી યુગક્રાંતિના આ પ્રણેતાને સો સો જુહાર…
થોડા વખત પર સંદેશ યુનિકોડનો ઉપયોગ કરનારું પહેલું ગુજરાતી છાપું બન્યું હતું. આજથી દિવ્ય ભાસ્કર યુનિકોડનો ઉપયોગ કરનારું બીજું ગુજરાતી છાપું બને છે. દિવ્ય ભાસ્કર જો તમે ઈંટરનેટ એક્સપ્લોરરમાં જોતા હો તો તમને કોઈ જ તફાવત દેખાશે નહીં. પરંતુ આ સાઈટના ફોંટ (સૂર્યા) એ આજથી યુનિકોડ એનકોડિંગમાં કામ કરે છે. હવે એક વધુ છાપું તમે ગુગલથી શોધી શકો છો અને એમાંથી કોઈ પણ ‘ટેક્સ્ટ’ લઈને કોઈને ઈ-મેલ કરી શકો છો.
આનો એક વધારે ફાયદો એ છે કે સૂર્યા ફોંટનો આપ યુનિકોડ ફોંટ તરીકે (શ્રુતિની જગાએ) ઉપયોગ કરી શકો છો. આ ફોંટને મેં આજે બરાબર અજમાવી જોયા છે અને કેટલીક બાબતમાં ( દા.ત.દૃ અને શ્લો જેવા અક્ષરો માટે) એ શ્રુતિ ફોંટથી પણ વધારે સરસ કામ આપે છે. ગુજરાતીમાં ‘પ્રોફેશનલ’ લેવલના ગણી શકાય એવા આ ‘શ્રુતિ’ પછીના પહેલા યુનિકોડ ફોંટ છે.
યુનિકોડનો પવન પુરબહારમાં ફૂંકાવા માંડ્યો છે. હવે ગુજરાતીના પતંગને નેટના આકાશમાં ઊંચે ચડવામાં જરાય વાર નહીં લાગે !
જીવન જો કરશે કોઈ સવાલો તો શું થશે ?
ગમશે નહીં જો કોઈ જવાબો તો શું થશે ?
રસ્તો કરી અલગ ભલે ચાલી ગયા તમે,
યાદ આવશે જો મારો સહારો તો શું થશે ?
માંગી સફર મળે અને મનગમતો સાથ હો,
આંખોમાં ઘેલછા જો સજાવો તો શું થશે ?
તું તો જગત બનાવી નિરાકાર થઈ ગયો,
ઈશ્વર અમે બનાવ્યા હજારો તો શું થશે ?
મોજાંની રીત છે, તમે લખશો એ ભૂંસશે,
તો યે કિનારે ઘર જો બનાવો તો શું થશે ?
દોડ્યા કર્યું તમે તો ખુશી દોડતી રહી,
લેશો કદી જો ક્યાંક વિસામો તો શું થશે ?
છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?
અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?
-હિમાંશુ ભટ્ટ
હિમાંશુ ભટ્ટનું નામ હવે ગુજનેટ-જગત માટે અજાણ્યું નથી. એમની સુંદર સ્વરચિત રચનાઓ આપ એમના પોતાના બ્લૉગ- એક વાર્તાલાપ – પર માણી શકો છો. એમની ગઝલમાં ઈશ્વરના નિરાકાર હોવાની ફરિયાદો સતત સાંભળવા મળે છે. ઊર્મિની અભિવ્યક્તિની તાજગી એ એમની લાક્ષણિક્તા છે. છંદ, કાફિયા અને રદીફના સહારા લઈને કવિ હંમેશા પોતાની વાત કરતો હોય છે, પણ જમાનો એ સમજતો-સાંભળતો નથી. જે દિવસે કવિતાની બે પંક્તિઓની વચ્ચે લખાયેલી કવિની આત્મકથા જમાનો વાંચી શક્શે એ દિવસે કયામત મચી જશે, એ વાત અહીં કેવી મસૃણતાથી એમણે કરી છે!
આજથી લગભગ એક વર્ષ પહેલા સુરેશભાઈ લયસ્તરોમાં જોડાયા હતા અને લયસ્તરોની મહેફીલમાં એ પોતાનો રસ ઉમેરતા રહ્યા હતા. છેલ્લા થોડા વખતથી એ ઉંઝા જોડણીના રંગે રંગાતા જતા’તા એનો તો મને ખ્યાલ હતો. પણ એમનો આ નવો પ્રયોગ એમના માટે કેટલો પ્રિય થઈ ગયો છે એની મને જાણ નહોતી.
આ અઠવાડિયે અચાનક એમણે પત્ર લખીને મને જણાવ્યું કે –
“મને લાગે છે કે જો હવે હું પરંપરાગત જોડણીમાં લખવાનું ચાલુ રાખીશ તો હું ઉંઝા જોડણી તરફના મારા લગાવને અન્યાય કરી રહ્યો છું … બે અલગ જોડણી વપરવાનું મારા માટે મુશ્કેલ છે. એ મારા માટે માનસિક યાતના છે. એટલે હું લયસ્તરોમાંથી તરત જ છૂટો થઈ જવા માગું છું.”
લયસ્તરોમાં લખવાનું સુરેશભાઈ ભલે છોડી શકે પણ કવિતાની રંગત તો એ કદી છોડી શકવાના નથી એ ચોક્કસ વાત છે. અને ગુજરાતી કવિતાના ચાહક તરીકેનો સંબંધ તો કદી ભૂંસાઈ શકવાનો નથી. ન તો હું ભાષાવિદ્ છું કે ન તો મને જોડણીનો મોટો અભ્યાસ છે. એ વિષય પર મારું જ્ઞાન તદ્દન સિમિત છે. આ પરંપરાગત વિ. ઉંઝા જોડણીના વિવાદમાં હું મારી તતૂડી વગાડવાની ગુસ્તાખી કરું તો મૂરખ જ ઠરું. હું તો મને જે ગમે એ રસ્તા પર ચાલુ છું. અને આ ઉંઝા જોડણી હજુ મારી આંખને કે મારા દિલને ગમતી નથી.
જ્યારે જ્યારે હું કોઈ મિત્ર સાથે સહમતિ સાધી શક્તો નથી ત્યારે હું ફ્રેંચ વિચારક વોલ્ટેઈરની આ વાત કહું છું.
I do not agree with what you have to say, but I’ll defend to the death your right to say it.
સુરેશભાઈ, આજે હું તમને પણ એ જ વાત કહું છું. લયસ્તરો તરફથી, હું અને વિવેક બન્ને, તમને સફળતા ઈચ્છીએ છીએ.
પ્રિય મિત્રો,
સત્તરમી મે, 2006નો દિવસ ગુજરાતી સાહિત્યના માથે સુનામીના વિનાશક મોજા સમો ખાબક્યો. શબ્દનગરીના બેતાજ બાદશાહ રમેશ પારેખ નામનું એક શરીર હૃદયરોગના હુમલાને નામે આપણી વચ્ચેથી સાંગોપાંગ છીનવાઈ ગયું. આપણી ભાષાને વધુ ને વધુ રળિયાત કરી શકે એવી સેંકડો કવિતાઓ અને લેખો અનાગત બનીને કાળની ગર્તામાં જ ગોપાઈ ગયા અને રહી ગઈ કદી મટી ન શકે એવા અ-ક્ષરીય પગલાંઓની અસીમ છાપ…
રમેશ પારેખને લયસ્તરો તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ !
ગયા વરસે આજ વેબ-સાઈટ ઉપર આલેખાયેલ ર.પા.નું શબ્દ-ચિત્ર આંખોમાં ભરીને આપ આજે ફરીથી એમને શ્રદ્ધા-સુમન અર્પી શકો છો:
ર.પા.ના દૈહિક અવસાન પર એમના સપ્તરંગી મિજાજને તાદ્દશ કરતી સાત અલગ-અલગ પ્રકારની કાવ્ય-રચનાઓ પણ ક્રમશઃ પ્રગટ કરી હતી… જે નીચેની લિન્ક પર ક્લિક્ કરી આપ વાંચી શકો છો:
– રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ….
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત
અસ્તુ !
નીલમ દોશી નામથી નેટ-ગુજરાતીઓ અણજાણ નથી. પરમ સમીપે બ્લૉગ પર એ સતત શબ્દોની સુવાસ પાથરતા રહે છે. તાજેતરમાં જ નેટ-ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવી એક ઘટનાએ આકાર લીધો છે અને એ છે નીલમ દોશી લિખિત બાળનાટિકાઓના પુસ્તક “ગમતાનો ગુલાલ”નું પ્રકાશન. ચોથા ધોરણથી દસમા ધોરણના બાળકો ભજવી શકે એવા મજાના સાત પ્રહસનો જાણે કે એક સાત રંગનું મેઘ-ધનુષ રચે છે. સામાન્યરીતે નાટકો લખાયા પછી ભજવાતા હોય છે, પરંતુ આ પુસ્તિકાની ખાસ વિશેષતા એ છે કે આ બધા જ નાટકો ભજવીને લખાયા છે. વર્ષો સુધી ભજવતા-ભજવતા લખતા જવાયેલા આ નાટકો એમના જ નિર્દેશનમાં બાળકોએ સફળ રીતે ભજવ્યા પછી આ પુસ્તકનો પિંડ બંધાયો હોવાથી નાટક લખવા અને ભજવવાની વચ્ચે જે અડચનો ઉપસતી હોય છે એની અપેક્ષા મુજબની ગેરહાજરી અહીં નાટકોને સરળ પ્રવાહિતા બક્ષે છે. હાસ્યરસ, કરુણરસ, દેશભક્તિ, ભણતરનો ભાર, સામાજિક દૂષણો અને જનરેશન-ગેપ જેવા ભારી વિષયોને સજિંદી હળવાશ અપાઈ હોવાથી નાટકો મોટાઓને પણ ગમી જાય એવા છે. એકાદ-બે અપવાદોને બાદ કરતાં નાટકની ભાષા બાળકોએ જ લખી હોય એટલી સુગમ રહી છે જે લેખિકાની સિદ્ધિ. ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ પુસ્તિકાના પ્રકાશનમાં રસ દાખવ્યો એ બાબત નાટિકાઓ વિશે એક લીટીમાં ઘણું કહી નાંખે છે. નીલમ દોશીને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ.
(લયસ્તરોને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રીમતી નીલમ દોશીનો ખૂબ ખૂબ આભાર).
ગમતાનો ગુલાલ – બાળનાટકો (ધોરણ ચારથી દસના બાળકો માટે)
કિંમત : રૂ. 60.
પ્રાપ્તિ સ્થાન : ગૂર્જર એજન્સી, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ- 380001.
લેખિકા : નીલમ દોશી, બંગલા નં-2, ખટાઉ જંકર હાઉસીંગ કોમ્પ્લેક્સ, લક્ષ્મીનારાયણ સૉસાયટી, ધરમનગર સામે, ભોલાવ, ભરૂચ – 392002.
ઈ-મેઈલ : nilamdoshi@yahoo.com
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !
– નિરંજન ભગત
આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.
આજથી વાચકો માટે એક નવી સુવિધા ઉમેરીએ છીએ. નીચે ઈ-મેલ લીસ્ટમાં તમારું ઈ-મેલ ઉમેરો અને પછી લયસ્તરો પર જ્યારે પણ નવો પોસ્ટ મૂકાય કે તરત અમે તમને ઈ-મેલથી જાણ કરીશું. ઘણા વાંચકો કહેતા હતા કે લયસ્તરો પર આવીને વારંવાર ‘ચેક’ કરવું પડે છે નવો પોસ્ટ મૂકાયો છે કે નહીં. હવે માત્ર ઈ-મેલ લીસ્ટમાં જોડાવ ને પછી નવો પોસ્ટ લયસ્તરો પર મૂકાયો નથી કે તમને ઈ-મેલ પહોંચ્યો નથી !
લયસ્તરો ઈ-મેલ લીસ્ટ માં જોડાવામાં કોઈ તકલીફ થાય તો મને ઈ-મેલ કરો : mgalib@hotmail.com
શોધ સંસ્થાના ઉપક્રમે ડલાસમાં યુવા કાવ્ય-સંગીત ઉત્સવ ફ્રેબ્રુઆરી 24ના રોજ યોજાયો છે. આ કાર્યક્રમમાં કવિતા, ગીત કે સંગીત પ્રસ્તુત કરવા માટે 5 થી 18 વર્ષના બાળકો-યુવકો-યુવતીઓને નિમંત્રણ છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો.
ઈ-મેલ સંપર્ક: હિમાંશુ ભટ્ટ hvbhatt@yahoo.com
અત્યાર સુધી અહીં અમેરિકામાં રેડિયા પર ગુજરાતી ગીતો સાંભળવાની ઈચ્છા થાય તો એનો એક જ ઉપાય હતો – ટિકિટ કપાવીને ઈંડિયાની વાટ પકડવી ! પણ હવે એક બીજો ઉપાય પણ છે – શીતલ સંગીત નેટ રેડિયો.
કેનેડાથી પ્રસારિત થતું આ નેટ રેડિયો સ્ટેશન ચોવીસે કલાક ગુજરાતી કાર્યક્રમો પીરસે છે. ગુજરાતી ગીત-ગઝલથી માંડીને હાસ્ય કલાકારોના કાર્યક્ર્મો તમે શીતલ સંગીત પર માણી શકો છો. તમને મનગમતા ગીતની ફરમાઈશ પણ બને ત્યાં સુધી શીતલ સંગીત પૂરી કરે છે. એમની વેબસાઈટ પર ગુજરાતી સંગીત કલાકારોનો પરિચય પણ મૂક્યો છે એ સોને પે સુહાગા જેવી વાત છે.
તા.ક. : આ વખતના ચિત્રલેખામાં શીતલ સંગીત પર લેખ આવ્યો છે એ લેખ તમે અહીં વાંચી શકો છો. ( આભાર, જયશ્રી અને ઊર્મિ ! )
તાજેતરમાં લયસ્તરોને બે વર્ષ પૂરા થયા. આ અવસરે લયસ્તરોને મળેલી સૌથી અનોખી ભેટ સહિયારું સર્જન પર લયસ્તરોના શુભેચ્છકોએ લયસ્તરોને પાઠવેલી કાવ્યાત્મક શુભેચ્છાઓ છે. આનાથી વધારે સારી ભેટ તો કઈ હોય શકે ! આભાર – ઊર્મિ, કિરીટભાઈ, ચીમનભાઈ, નીલાબેન, વિજયભાઈ અને નીલમબેન.
લયસ્તરોની બીજી વર્ષગાંઠના પ્રસંગે એક નવી સવલત ઊમેરી છે. આ વાંચતા પહેલા જ મોટે ભાગે આપે જોઈ જ લીધું હશે કે દરેક પાનાના મથાળે હવે એક કાવ્યકણિકા – શેર, મુક્તક કે કાવ્યપંક્તિ -દેખાય છે. મઝાની વાત તો એ છે કે દરેક વખતે પેજ રીફ્રેશ થતા નવી જ કાવ્યકણિકા દેખાશે. દરેક પાને અને દરેક ક્લીકે ગુજરાતી સાહિત્યની યાદગાર કાવ્યકણિકાઓમાંથી એક આપનું સ્વાગત કરશે !
લયસ્તરોની આજે બીજી વર્ષગાંઠ છે. બે વર્ષ પહેલા મનને ગમી ગયેલી અને દિલને અડી ગયેલી ગુજરાતી કવિતાઓ બધા માણી શકે એ માટે આ બ્લોગ શરૂ કરેલો. બે વર્ષમાં આ બ્લોગે અમને ઢગલાબંધ કવિતાઓ સાથે અને એનાથીય વધુ તો કવિતા જેવું દિલ ધરાવતા મિત્રો સાથે ઓળખાણ કરાવી આપી છે. આજે એ પ્રસંગે મિત્રોએ મોકલેલ પ્રતિભાવો અહીં માણો.
મુંબઈથી મીનાબેને એમના સ્નેહાળ શબ્દો મોકલ્યા છે:
મિત્ર ધવલ, લયસ્તરો આ નામ નથી જાણતી તેં કયા વિચારથી પ્રેરાઈને પસંદ કર્યું છે પણ આ સ્તરનો લય અવિરત સુગંધ પસરાવતો વહી રહ્યો છે. આ માટે તમારા ત્રણેની ટીમ – તું, વિવેક અને સુરેશભાઈ … આપ ત્રણેના કાર્ય સામે નતમસ્તક છું. અહીં નેટ પર વિવેકના બ્લોગ બાદ લયસ્તરો જ છે જેના પર હું વાંચવા આવું છું. સમયની અછતને કારણે બીજા પણ સારા બ્લોગ વાંચવાના રહી જાય છે ને આ બે બ્લોગ પણ હું સમય પર વાંચી નથી શકતી પણ જે ઘડીએ વાંચું છું લાગે છે કે એ દિવસનો મારો માનસિક આહાર મેં બરાબર લીધો છે. આપ ત્રણેને મારી શુભકામના. લયસ્તર પર આવતા એવું લાગે છે જાણે આખા દિવસના કામબાદ થાક્યા ઘરે પાછા ફર્યા છીએને થોડી જ વારમાં મન પ્રફુલ્લિત થઈ જાય છે. આગળ હવે આપ સૌની જવાબદારી પણ વધી જાય છે. આટલું સરસ સ્તર બનાવ્યા બાદ એની પાત્રતા વધુ ને વધુ સારી રીતે જળવાઈ રહે એની દરકાર રાખશો જ.
જરૂરથી મીનાબેન, અમે લયસ્તરોનું સ્તર જાળવવા માટે કોઈ કસર નહીં છોડીએ.
૪ ડિસેમ્બર, ૨૦૦૪… થી ૪ ડિસેમ્બર, ૨૦૦૬…. લયસ્તરોની યાત્રા શરૂ થયાના બે વર્ષ…
લોહીમાં સુરતની ગલીઓ લઈને અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા એક ગુજરાતીને બે વર્ષ પહેલાં પિત્ઝામાં રોટલીના દર્શન થયા હોય એમ મા ગુર્જરીનો સાદ સંભળાયો. વેબ-લોગના વધતા જતા વ્યાપ અને વિન્ડૉઝ-એક્ષ.પી.માં વૈશ્વિક ભાષાઓના પ્રયોગની ઉપલબ્ધિએ એક એવી દિશાના દરવાજા ખોલ્યા ને ‘લયસ્તરો’ની શરૂઆત થઈ. ધવલ શાહની એક નાનકડી રમત, જે શરૂમાં માત્ર શોખ હતી, ધીમે-ધીમે એક પ્રતિબદ્ધતામાં પલટાઈ ગઈ. અનિયમિત પૉસ્ટ કાળક્રમે અઠવાડિયે પાંચ કવિતાની જવાબદારી બની ગઈ… લયસ્તરો પરની પ્રથમ પોસ્ટ કદાચ ગુજરાતી વાચકો માટે યુગપરિવર્તનનો – સાહિત્યના કૉમ્પ્યુટરીકરણનો સંદેશ લઈને ઊગી હતી…
ગુજરાતી ભાષામાં બે સામાયિકો એવા છે કે જેમાં પોતાની કવિતા પ્રકાશિત થાય તો કોઈ પણ કવિને ગર્વ થાય. એક છે ‘કવિતા’ અને બીજું છે ‘કુમાર’. વિવેકની એક સુંદર ગઝલ ‘કવિતા’ના છેલ્લા અંકમાં પ્રકાશિત થઈ છે. અભિનંદન, વિવેક !
વિવેકની વધુ રચનાઓ આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારા પર માણી શકો છો.
રીડ ગુજરાતી.કોમ પર મૃગ્રેશે આજે ભૂલાતા જતા ગુજરાતી સામાયિકો વિષે સરસ લેખ પ્રગટ કર્યો છે. ગુજરાતી સાહિત્યના વિકાસમાં પાયાનું કામ કરતા આ સામાયિકો આર્થિક તકલીફોથી સામે સતત ઝઝૂમી રહ્યાં છે. ભારતના સૌથી સંપન્ન રાજ્યોમાંથી એક હોવા છતાં આપણે આપણી ભાષા અને સાહિત્ય માટે કાંઈ કરતા કે કરી શકતા નથી. ગુજરાતી સાહિત્યના મોભ જેવું ‘કુમાર’ પણ થોડા વખત પર બંધ થઈ ગયું હતું એનાથી વધારે ચોંકાવનારી વાત તો કઈ હોય શકે? એ તો સદનસીબે ફરી શરૂ થયું છે પણ બીજા કેટલાય સામાયિકો મરવાના વાંકે જીવી રહ્યાં છે. ‘શું શા પૈસા ચાર’વાળુ મહેંણું આપણે ક્યાં સુધી સાંભળતા રહીશું ?
સૂરત શહેરને પૂરના પાણીથી થયેલ ખાનાખરાબીની ઘીમે ધીમે મરામત થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખૂબ કપરું કામ છે. આવા કપરા કાળમાંથી પસાર થનાર વ્યક્તિના માનસને થતી વિપરીત અસર માટે તબીબો Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. આખા શહેરના દિલ પર લાગેલ જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.
સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાના આ લેખમાં છે.
તમે પણ સાંભળો સૂરતના ઘા મટાડતું આ ગીત.
પ્રિય પપ્પા,
તમે આમ અચાનક અને આટલા જલ્દી અમને છોડીને ચાલ્યા જશો એવી આશા તો અમને ક્યાંથી હોય ? ફક્ત બે મિનિટ… મૃત્યુને ગળે લગાડવાની આટલી ઉતાવળ ? મારા હાથમાં પસાર થયેલી એ બે મિનિટ, થોડા શ્વાસ અને મોનિટર પર ઝબકેલા થોડા ધબકારા… એડ્રીનાલિન, એટ્રોપીન, ઈંટ્રાકાર્ડિયાક ઈંજેક્શન, કૃત્રિમ શ્વાસ અને હૃદયનું પમ્પીંગ… એક ડૉક્ટરને ખબર હતી કે આ બધી કસરત વ્યર્થ હતી કેમકે જે શરીર પર એ મહેનત કરી રહ્યો છે એમાંથી ચેતન તો ક્યારનું ય વહી ગયું છે પણ એક પુત્ર જાણે એ બે મિનિટના શ્વાસમાંથી એક આખી જિંદગી ખેંચી આણવા મથતો હતો…
મૃત્યુ મારે માટે કોઈ મોટી ઘટના નથી. સિવીલ હૉસ્પિટલથી શરૂ કરીને આજદિન લગી કંઈ કેટલાય લોકોને મરતા જોયા છે અને કેટલાંય લોકોએ તો આ હાથમાં જ દમ તોડ્યો છે. મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો કે કોઈપણ સગાનું મૃત્યુ મને લગીરે વિચલિત નહીં કરી શકે. અને આ ત્રણ દિવસોમાં હું વર્ત્યો પણ એમ જ. ત્રેવીસમીના એ ગોઝારા દિવસે પણ મેં પપ્પાના મૃત્યુના ગણતરીના કલાકોમાં જ બે દર્દી, જે મારી જ સારવાર લેવા ઈચ્છતા હતા એમને હૉસ્પિટલમાં દાખલ પણ કર્યા. કોઈપણ સગાને કે મમ્મી કે વૈશાલીને પણ રડવા ઉપર મનાઈ ફરમાવી. છૂટક-છૂટક રૂદનને બાદ કરતાં આખો પ્રસંગ કોરો રહે એની ખાસ કાળજી રાખી. કદાચ મારી સ્વસ્થતા લોકો માટે આશ્ચર્ય પણ હતી…
…શૂન્ય ધબકારા…શૂન્ય શ્વાસ અને આંખોની પહોળી થઈ ગયેલી કીકી… સવારે અગિયાર વાગ્યે એક ડૉક્ટરે એક દીકરાને સમજાવી દીધું કે હવે આ શરીર ફક્ત શરીર જ છે. સૌથી પહેલો ફોન મેં મારા ચક્ષુરોગ નિષ્ણાંત મિત્ર નીરવને કર્યો, ‘પપ્પા નથી રહ્યાં, ચક્ષુદાનની વ્યવસ્થા કર.’ અને ત્યારબાદ બીજો ફોન કર્યો મારી બહેનને…
ઘરની બહાર ચાલવા માટે નીકળેલો માણસ આંટા મારતા મારતા ઘરની બહાર જ ફસડાઈ પડે અને મચેલી બૂમરાણની સીડી પર દોડીને એક તબીબ-પુત્ર એની નાડી ગણતરીની ક્ષણોમાં તપાસે અને અનિવાર્ય મૃત્યુને પોતાના ખોળામાં શ્વસતું નીરખે એનાથી વધુ કરૂણ ક્ષણ એક પુત્રના જીવનમાં બીજી કઈ હોય શકે ? થોડો સમય તો આપવો હતો…. થોડી કોશિશને તો આપવો હતો થોડો અવકાશ… પણ તમને તો સામો તમારી પાસે કંઈ માંગે તે પહેલાં જ આપી દેવાની આદત પડી ગઈ હતી ને ! પણ જીવનનો એ શિરસ્તો મોત સાથે પણ નીભાવવાનો ?!
અત્યંત ખેદને લાગણી સાથે જણાવવાનું કે વિવેકના પિતા શ્રી મનહરભાઈ ટેલરનું સૂરત ખાતે આજે નિધન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. બહુ ઓછા લોકો ચોખ્ખા દિલ અને ઉન્નત મસ્તક સાથે જીવવાનો દાવો કરી શકે છે, મનહરકાકા એમાંથી એક હતાં. વિશાળ વાંચન અને વિશાળ હ્રદયનો એમનામાં સંગમ થયો હતો. જીવનના આ અઘરા મુકામે પ્રભુ એમના બધા કુટુંબીજનોના હ્રદયને શાતા આપે એવી પ્રાર્થના.
રૂડું સૂરત સરખું શહેર, જગરેલે કાઢ્યું ઝેર,
કંઈક દહાડાનું વેર, એણે લીધું છે.
ઘણું કીધું છે નુકશાન, સૌનાં ઉતાર્યા છે માન,
એ તો કરતી આવી તાન, દુ:ખ દીઘું છે.
ફરતી ફરતી ઠામેઠામ, સૌએ મૂકી મનની હામ,
કાંઠા ઉપરના ગામ, ઘસડી લાવી છે.
બીજે દહાડે મંગળવાર, માએ રસ્તા રોક્યા બાર,
જોવા નીકળ્યા અમલદાર, હારી બેઠા છે.
જ્યાં જ્યાં જઈએ ત્યાં પાણી, દુનિયા કરી ધૂળધાણી,
જાણે સૂરત લેશે તાણી, ભય લાગે છે.
આજે જ કોઈએ આ પંક્તિઓ તાપીના પાણી સામે હારી ગયેલા સુરતની હાલત જોઈને લખી હોય એવી લાગે છે. પણ ખરેખર આ પંક્તિઓ સો વરસ કરતા પણ જૂની છે. આ કૃપાશંકર વ્યાસે 1883માં લખેલી ગરબી ‘શહેરમાં પધાર્યા તાપી માત!’માંથી લીધી છે.
સવાસો વર્ષના સમય પછી અને બે-બે બંધ બાંધેલ હોવા છતાં આજે પણ પરિસ્થિતિ એની એજ છે એ પણ જોવા જેવી વાત છે. કાલ સુધીમાં ધીમે ધીમે પાણી ઉતરશે એવી વાત છે. આ તો માત્ર શક્યતાની જ વાત છે અને વળી સામે વધુ વરસાદની આગાહી છે. સુરતમાં મારા ઘરમાં બેથી ચાર ફૂટ પાણી ભરાયા છે એવા સમાચાર મળ્યા છે. (અત્યારે ત્યાં કોઈ રહેતું નથી) હવે સુરતમાં કોઈ ફોન લાગતા નથી. માત્ર સમાચાર પરથી પરિસ્થિતિનો અંદાજ મેળવવાની કોશિશ કરું છું પણ આ તો કોઈ રીતે મગજમાં ના ઉતરે એવી વાત છે.
આજે સુરતના માથે મોટી આફત આવી પડી છે. અતિવૃષ્ટિને કારણે તાપી છલકાય ગઈ છે. એક બાજુથી ઊકાઈ બંધમાંથી વધુને વધુ પાણી છોડ્યા વગર છૂટકો નથી જ્યારે બીજી બાજુ ભરતીને કારણે દરિયો પાણી લેતો નથી. મોટા ભાગના શહેરમાં ઓછાવત્તા પ્રમાણમાં પાણી ફરી વળ્યું છે. 1968ની રેલથી પણ વધારે પાણી શહેરમાં આવી જશે એવો ડર છે. આટલે દૂરથી કાંઈ કરી ન શકવાનો ખેદ થાય છે. વિવેકને ત્યાં ફોન લાગતો નથી પરંતુ એ શહેરના જે ભાગમાં છે ત્યાં પાણી ભરાયા નથી.
સુરત શહેરને બધાની શુભેચ્છાઓની જરૂર છે. કહે છે કે મંગળવારનો દિવસ નીકળી જાય તો પછી પાણી ઓસરી જશે. આશા રાખીએ કે ‘સોનાની મૂરત’ આ આફતમાંથી ઓછામાં ઓછા નુકશાન સાથે બહાર આવે.
1938ની સાલમાં સૂરતમાં બળેવના દિવસે જ એક હોનારતમાં હોડી નદીમાં ડૂબી જવાથી 80 જણાએ જાન ગુમાવેલા એ હોનારત હજુ ઘણા યાદ કરે છે. આ બળેવે તો આખું શહેર જ ડૂબવા બેઠું છે. સુરતને ભગવાન જ બચાવી શકે એમ છે. સુરતનો હાથ ઝાલ, ભગવાન !
તા.ક. : વિવેકે મોકલેલા સુરતના ફોટા અહીં છે.
શ્રી રવિશંકર રાવળે ગુજરાતમાં કળાના વિકાસ માટે જેટલું કામ કર્યું છે તેટલું કદાચ બીજા કોઈએ કર્યું નથી. ગુજરાતમાં કલાકારોની એક આખી પેઢી એમના માર્ગદર્શન અને પ્રેરણાથી તૈયાર થઈ. ગુજરાત કલા સંઘમાં એમના શિષ્યોમાં રસિકલાલ પરીખ, કનુ દેસાઈ, જગન મહેતા, સોમાલાલ શાહ જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે. એમણે શરૂ કરેલ ‘કુમાર’ સામાયિક તો ગુજરાતી સાહિત્યનો મોભ છે. શ્રી કાકાસાહેબ કાલેલકરે સાચી રીતે જ એમને ‘કલાગુરુ’ કહીને બિરદાવ્યા છે.
એમની કૃતિઓની વેબસાઈટ એમના પુત્ર શ્રી કનક રાવળે બનાવી છે. આ વેબસાઈટ પર ર.મ.રા.ની બધી ખ્યાતનામ કૃતિઓ મૂકી છે. ગુજરાતી સાક્ષરોના એમણે કરેલ વ્યક્તિચિત્રો અને કનૈયાલાલ મુનશીની કૃતિઓ પરથી એમણે કરેલ ચિત્રશ્રેણી ખાસ માણવાલાયક છે. એમણે કરેલ પ્રેમાનંદ, મીરાં, અખો વગેરેના ચિત્રો તો ગુજરાતીઓના માનસમાં અમર થઈ ગયા છે.
મુંબઈ પશ્ચિમ રેલ્વે લાઈન પર ‘દોડતું શહેર’ કહેવાતી પરાંની ટ્રેનોમાં અગિયારમી જુલાઈએ (7/11) સાંજના દસ જ મિનિટના ગાળામાં થયેલા આઠ પ્રચંડ બૉમ્બ વિસ્ફોટોએ મુંબઈની ધોરી નસ કાપી નાંખી આખા રાષ્ટ્રને જાણે બાનમાં લીધું. સાંજ પડ્યે ખિસ્સામાં સપનાં, આશા અને સંબંધો લઈને પાછી ફરતી લગભગ બસો જેટલી જિંદગી અચાનક ‘હતી’ થઈ ગઈ… ઘરના રાહ જોતા ઊંબરા પર એ પગલાં હવે કદી નહીં પડે.
રમેશ પારેખની લયસ્તરો પર અગાઉ પ્રકાશિત એક ગઝલના બે શેર અહીં રજૂ કરી ત્રાસવાદના આકસ્મિક શિકાર બનેલા એ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ….
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
લયસ્તરોના નવા રૂપમાં આપનું સ્વાગત છે.
લયસ્તરો બ્લોગ શરું કર્યો ત્યારે આટલો મ્હોરશે એની કલ્પના ન હતી. કેટલાક વખતથી ઈચ્છા હતી કે લયસ્તરોમાં ઘણી વધારે સવલતો ઊમેરવી. ઘણા વિચારો કર્યા અને ઘણા લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા. ધીમે ધીમે એક પછી એક વિચારો ગોઠવાતા ગયા અને હવે છેવટે નવું રૂપ તૈયાર થઈ ગયું છે. નવા રૂપની સાથે જ લયસ્તરોનું વેબ-એડ્રેસ પણ બદલ્યું છે.
સરનામું બદલાવાની સાથે જ RSS feed પણ બદલાશે. નવું ફીડ એડ્રેસ છે : https://layastaro.com/?feed=rss2
નવું સરનામું બુકમાર્ક કરવાનું અને RSS ફીડનું સરનામું બદલવાનું ચૂકશો નહીં.
લયસ્તરો બ્લોગ હવે વર્ડપ્રેસના ઉપયોગથી ચાલે છે. એટલે અહીં ઘણી નવી સવલતો ઉમેરી છે.
થોડા વખતમાં અમે હજુ વધારે સવલતો ઉમેરીશું.
આપના અભિપ્રાય સદા આવકાર્ય છે.
પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે,
વાણી પણ ખુદની તમારી જીભને દઈ દીધી છે.
વાતો ને ગાળો અને અપમાન લોહીથી યે લાલ,
પીધી છે, પીધી છે, મેં તો જિંદગીને પીધી છે.
તુજ વિના હાલી શકું, હાલત નથી એ મારી તોય
આંગળી તારા તરફ કહી ને બિમારી ચીંધી છે.
જિદ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ,
કોની લીટી કોનાથી કહો તો વધારે સીધી છે !
રહી ગયેલાં શ્વાસનો બોજો હતો કે શું ખભે ?
કે પછી વધતી પીડાએ વક્ર રેખા કીધી છે ?!
હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?
સૂર્ય પેઠે હું ઊઠી શકતો હતો પણ તે છતાં,
સાંજ ને કાયમ મેં મારી કાખઘોડી કીધી છે.
હું મરું ત્યારે દિલે ખટકો જરી થાશે નહીં,
શું ઉપાધિ આ બધી સાવ જ અકારણ કીધી છે?!
ડૉ. વિવેક મનહર ટેલર
આજે “વિશ્વ પાર્કિન્સન દિવસ” છે. પાર્કિન્સનની બિમારી -શેકિંગ પાલ્સી- એટલે મનુષ્યની સાહજિક ગતિને થતા લકવાની બિમારી. આખા શરીરે અવિરત થતું કંપન ચાનો કપ પણ સહજતાથી પકડવા દેતું નથી. સમયની સાથોસાથ વાંકું વળતું જતું શરીર અને શરીરનું ગુરૂત્વબિંદુ ખસી જતાં વારંવાર સંતુલન ગુમાવી જમીનદોસ્ત થવાની લાચારીનું બીજું નામ એટલે પાર્કિન્સન્સ ડિસીઝ. સપાટ ભાવહીન ચહેરો, મોઢામાંથી ટપકતી રહેતી લાળ, સામાની ધીરજનો બંધ તૂટી જાય એવી અંતહીન શિથિલતા, ઝીણા થતા જતા અક્ષરોની સાથે ઝીણા થતા જતા સંબંધોના પોત અને ક્ષીણ-અસ્પષ્ટ વાચા- પોતાની લાશને પોતાના જ ખભા પર વેંઢારવાની મજબૂરી મૃત્યુની પ્રતિક્ષા બનીને આંખમાં અંકાઈ જાય છે. મોહંમદઅલી, યાસર અરાફાત, પોપ જહોન પોલ, હિટલર જેવી હસ્તીથી માંડીને મારા પિતા જેવા 63 લાખ લોકોને હંફાવતી આ બિમારીથી પિડાતા દર્દીઓને આ નાનકડી શબ્દાંજલિ છે.
This week I am away from home. Unfortunately I can’t find a Gujarati enabled computer here. I won’t be able to post for rest of the week.
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ હેઠળ લાયબ્રેરી ઓફ કોંગ્રેસે ભારતીય સાહીત્યકારોની રચનાઓ એમના પોતાના અવાજમાં રેકોર્ડ કરીને વેબ પર મૂકી છે. ગુજરાતીના બે સાહીત્યકારનો સમાવેશ કરાયો છે – સુરેશ દલાલ (પધ્ય) અને વર્ષા અડલજા (ગ્ધ્ય). સુરેશ દલાલ અને વર્ષા અડલજાની રચનાઓ એમના પોતાના કંઠેથી સાંભળવી એ અમૂલ્ય લહાવો અહીં ઘરબેઠા માણી આનંદ થઈ ગયો. ભારતની બીજી અનેક ભષાઓના ખ્યાતનામ કવિઓની રચનાઓ પણ આ સાઈટ પર ઉપલબ્ધ છે.
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ : ગુજરાતી પેજ
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ વિષે વધુ માહિતી