આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ
ભરત વિંઝુડા

તો શું થશે? -હિમાંશુ ભટ્ટ

જીવન જો કરશે કોઈ સવાલો તો શું થશે ?
ગમશે નહીં જો કોઈ જવાબો તો શું થશે ?

રસ્તો કરી અલગ ભલે ચાલી ગયા તમે,
યાદ આવશે જો મારો સહારો તો શું થશે ?

માંગી સફર મળે અને મનગમતો સાથ હો,
આંખોમાં ઘેલછા જો સજાવો તો શું થશે ?

તું તો જગત બનાવી નિરાકાર થઈ ગયો,
ઈશ્વર અમે બનાવ્યા હજારો તો શું થશે ?

મોજાંની રીત છે, તમે લખશો એ ભૂંસશે,
તો યે કિનારે ઘર જો બનાવો તો શું થશે ?

દોડ્યા કર્યું તમે તો ખુશી દોડતી રહી,
લેશો કદી જો ક્યાંક વિસામો તો શું થશે ?

છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?

અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?

-હિમાંશુ ભટ્ટ

હિમાંશુ ભટ્ટનું નામ હવે ગુજનેટ-જગત માટે અજાણ્યું નથી. એમની સુંદર સ્વરચિત રચનાઓ આપ એમના પોતાના બ્લૉગ- એક વાર્તાલાપ – પર માણી શકો છો. એમની ગઝલમાં ઈશ્વરના નિરાકાર હોવાની ફરિયાદો સતત સાંભળવા મળે છે. ઊર્મિની અભિવ્યક્તિની તાજગી એ એમની લાક્ષણિક્તા છે. છંદ, કાફિયા અને રદીફના સહારા લઈને કવિ હંમેશા પોતાની વાત કરતો હોય છે, પણ જમાનો એ સમજતો-સાંભળતો નથી. જે દિવસે કવિતાની બે પંક્તિઓની વચ્ચે લખાયેલી કવિની આત્મકથા જમાનો વાંચી શક્શે એ દિવસે  કયામત મચી જશે, એ વાત અહીં કેવી મસૃણતાથી એમણે કરી છે!

4 Comments »

  1. J Shah said,

    July 1, 2007 @ 10:49 AM

    મોજાંની રીત છે, તમે લખશો એ ભૂંસશે,
    તો યે કિનારે ઘર જો બનાવો તો શું થશે ?

    બહુ સરસ …

  2. Sangita said,

    July 2, 2007 @ 2:30 PM

    ખૂબ સરસ!

  3. પંચમ શુક્લ said,

    July 3, 2007 @ 1:34 PM

    છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
    સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?

    સંકેત જો જમાનો સમજશે તો ગજબ થઇ જશે હિમાંશુ ભાઇ.

  4. tejal said,

    May 25, 2012 @ 1:30 AM

    અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
    ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?

    હિમાંશુ સર ખુબ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment