અર્ધી ડૂબેલી ભેસનો પણ મંચ જ્યાં મળ્યો,
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિલીપ ઝવેરી

દિલીપ ઝવેરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(આભાસી મૃત્યુનું ગીત) - રાવજી પટેલ (Translated by 1. Pradip Khandwala, 2. Dileep Jhaveri)
કવિતા વિશે કવિતા - દિલીપ ઝવેરી
જીભતર - દિલીપ ઝવેરી(આભાસી મૃત્યુનું ગીત) – રાવજી પટેલ (Translated by 1. Pradip Khandwala, 2. Dileep Jhaveri)

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

ગુજરાતી કવિતાના કર્ણફૂલ સમું આ લગ્નગીતના ઢાળમાં મૃત્યુને પોંખતું અમર ગીત આગળ લયસ્તરો પર મૂક્યું હતું અને ભાવકમિત્રોને એનો આસ્વાદ કરાવવાનું કામ આપ્યું હતું અને લગભગ ત્રણ ડઝન વાચકોએ આ ગીતનો પોતપોતાની રીતે આસ્વાદ કરાવ્યો હતો.

બીજા દિવસે સુરેશ દલાલ અને હરીન્દ્ર દવેના આસ્વાદ સાથે મારા વિચારોને સેળભેળ કરીને સવિસ્તાર સમજૂતી રજૂ કરી હતી.

આજે આ અમર કવિતાના બે અંગ્રેજી અનુવાદ આપ સહુ માટે રજૂ કરીએ છીએ:

Swan song

Vermilion suns have set in my eyes…
adorn my nuptial wagon brother, adjust the flame
O breaths on feet are restive, attired in lights !
Vermilion suns have set in my eyes…

Green stallions drowned in yellowed leaves
sank gay kingdoms, sank gay deeds
O I heard such neighing scent !
Vermilion suns have set in my eyes…

A shadow restrains me in the courtyard
holds me half by words, half by anklets
O I am wounded by a live tenderness !
Vermilion suns have set in my eyes…

– Ravji Patel
(Translated by Pradip Khandwala)

*

The Song of Illusive Death

Vermilion suns have set in my eyes
Deck my litter, brother, trim the wick
Oh, the breaths await draped in brilliance
Vermilion suns have set in my eyes

Verdant stallions have drowned in ochre leaves
Vast dominions drowned, drowned joyous deeds
Oh, I have heard the neighing scent
Vermilion suns have set in my eyes

By a shadow I am halted in the square
Held partly by an utterance, partly by anklet
A living tenderness nudges me
Vermilion suns have set in my eyes.

– Ravji Patel
(Translated by Dileep Jhaveri)

Comments (14)

કવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી

બળતી મીણબત્તીને ફૂંક મારી
કોઈ
બહાર થંભેલા અંધકારને કહે
‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’
એમ કવિતા બોલાવે
‘તારું બધું ઓલવીને આવ હવે
.                           ખોવા જેવું કંઈ નથી.’
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય
પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.

– દિલીપ ઝવેરી

કવિતાની કેવી સરસ વ્યાખ્યા ! પાશ્ચાત્ય સાહિત્યની વ્યાખ્યાઓ સાથે તંતોતંત ટક્કર ઝીલે એવી.

Comments (4)

જીભતર – દિલીપ ઝવેરી

મેલા વરસાદમાં પલળ્યા હો
છાંયડા વિનાના રસ્તે ન હટતા પરસેવાને હડસેલતા હો
લોકલ ટ્રેનની ગરદીમાં છુંદાતા હો
દુર્ગંધમાં અકળાતા હો
જીવવા સાથે લગરીક પણ લગાવ ન રહ્યો હો
અને ચાલવાનું ખૂટે નહીં
ત્યારે સમજાય
ઘર એટલે શું

તમે જેને ઘર સમજો છો
તે મારા માટે કવિતા છે

ઘર તો ક્યારેક જ સજાવેલું હોય
બાકી તો વેરવિખેર

પણ એની એ જ ખુરશીમાં બેસી
એની એ જ રંગની ભીંત સામે જોતાં જોતાં
ફૂંકથી છારી હઠાવી ટાઢી ચાને હોઠે લગાડતાં
જૂના ધાબામાં એકાદ નવો ચહેરો વરતાય
કે મિજાગરે ત્રાંસી બારીની ફાટમાંથી દેખાતી
ઓળખીતી અણગમતી શેરીમાં
અજાણ્યો પવન ફરફરિયાં ઉડાવી જાય
અને એની એ જ રોજની ભૂખ માટે
એની એ જ દાળમાં
એનો એ જ રાઈમેથી લસણનો વઘાર પડે
તોય જીભે નવેસરથી રઘવાટ થાય

એમ જ
કવિતા નવા શબ્દને જીભ પર સળવળતો કરી દે છે.

– દિલીપ ઝવેરી

કવિની કરામત અહીં શીર્ષકથી જ જોવા મળે છે. જીવતરના સ્થાને કવિ જીભતર જેવો શબ્દ ‘કોઇન’ કરે છે જે કવિતા માટેની ઉત્સુક્તા વધારે છે અને કવિ પણ આગળ જતાં નિરાશ નથી કરતાં. ઘરની વ્યાખ્યા નિશ્ચિત કરીને કવિ પછી ઘરની અંદરના નાનાવિધ રોજિંદા ચિત્રોને તાદૃશ કરે છે… પણ આ તો ઘર થયં… કવિનું ઘર તો એની કવિતા જ ! ઘર એટલે એક લગભગ નિશ્ચિત કરી શકાય એવી ઘરેડ. એનું એ જ ભોજન પણ જીભને દર વખતે નવેસરથી ઉત્તેજે છે… એ જ રીતે કવિતા પણ !

Comments (5)