જમાનાના ખાધેલ હૈયાને પૂછો, અમે શું ગુમાવ્યું ને શું મેળવ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી, ફક્ત એક નજર પર યુગોની કમાણી !
શૂન્ય પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિનેશ કાનાણી

દિનેશ કાનાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - દિનેશ કાનાણી
ગઝલ - દિનેશ કાનાણી
તારા હાથમાં છે - દિનેશ કાનાણી
વારતાનાં અંતમાં - દિનેશ કાનાણી 'પાગલ'તારા હાથમાં છે – દિનેશ કાનાણી

એક લીલું પાન તારા હાથમાં છે,
પંખીની ઉડાન તારા હાથમાં છે.

જે મથે છે દૂર કરવા નામ તારું,
એમનું સન્માન તારા હાથમાં છે.

એમ ઝાલ્યું છે કમળનું ફૂલ જાણે,
ફૂલની મુસ્કાન તારા હાથમાં છે.

જીવ મારો ત્યાં જ વારંવાર મૂકું,
જીવનું સંધાન તારા હાથમાં છે.

સાવ અમથો ધ્યાનમાં બેઠો નથી હું,
મારું સઘળું ધ્યાન તારા હાથમાં છે.

– દિનેશ કાનાણી

બધા જ શેર સરસ. મત્લાના શેરમાં લીલું પાન અને પંખીની ઉડાનના સંદર્ભમાં બાળકો અને એમના ભવિષ્ય વિશે કેવો કૂમળો ઈશારો કરે છે ! સન્માન, સંધાન અને ધ્યાનવાળા શેર પણ મનનીય થયા છે.

Comments (6)

ગઝલ – દિનેશ કાનાણી

દઉં પુરાવા કોઈ ભીની યાદના
મોકલું ફોટા તને વરસાદના

ગીત ગાયા મેં ઉદાસીના અને
ચિત્ર દોર્યાં એકલા ઉન્માદના

છે હથેળી મખમલી સૌની ભલે
છે બધાના આંગળા પોલાદના

પત્ર, ફૂલો, મોસમી આબોહવા
છે ઘણાંયે કારણો સંવાદના

સેંકડો લાગી ગયા છે દાવ પર
ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !

-દિનેશ કાનાણી

રાજકોટના દિનેશ કાનાણીની ગઝલોમાં તાજપ વર્તાય છે.  આમ તો આખી ગઝલ મજાની થઈ છે પણ છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા…

Comments (23)

વારતાનાં અંતમાં – દિનેશ કાનાણી ‘પાગલ’

એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં,
હું દિલાસો આપવાનો, વારતાનાં અંતમાં.

સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું, પુરાવો માગવાનો વારતાનાં અંતમાં.

પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણાવા,
રાત આખી જાગવાનો, વારતાનાં અંતમાં.

જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.

– દિનેશ કાનાણી ‘પાગલ’

ખરો ખેલાડી હંમેશા રમતના અંતને ધ્યાનમાં રાખીને જ રમે છે. છેલ્લો દાવ જીતે એ જ ખેલાડી બધુ જીતી જાય છે. અને ફાઈનલમાં જીતે એને જ સિકંદર કહેવાય છે.  એમ વારતામાં પણ ખરું મહત્વ એના અંતનું જ છે. કવિ, અર્જુનની નજર જેમ માછલીની આંખ પર હતી એમ, વારતાનાં અંત પર નજર બાંધીને જીવવાની વાત લઈને આવ્યા છે. ગમે તેવી જિંદગી જાય પણ છેલ્લા ડગલે એને કાપી, માપી ને મઠારી લેવાની કવિની પૂરી તૈયારી છે.

Comments (15)

ગઝલ – દિનેશ કાનાણી

ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !

જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !

સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !

લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !

શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !

– દિનેશ કાનાણી

આમ તો આખી ગઝલ ગમી જાય એવી છે પણ ગઝલનો મત્લા બીજા બધા શેરોને ‘આઉટશેડો’ કરી જાય છે. ઊંડી નદીના શાંત ધીરા જળ સાથે પ્રિયજનની ગંભીરતા સાંકળી લેવાની વાત તરત જ સ્પર્શી જાય છે… છેલ્લો શેર પણ એવો મજાનો થયો છે. આપણે જેને સહુથી વિશેષ ચાહતા હોઈએ એ જ આપણને તીર જેવી સૌથી ઘેરી અને તાતી ચોટ પહોંચાડી શકે છે પછી એ શબ્દ હોય કે કોઈ વ્યક્તિ…

Comments (16)