શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જિગર જોષી ‘પ્રેમ’

જિગર જોષી ‘પ્રેમ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(આહા) - જિગર જોષી ‘પ્રેમ’
આઝાદ ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’
કેમ ? - જિગર જોષી
ગઝલ - જિગર જોષી 'પ્રેમ'
ગઝલ - જિગર જોષી 'પ્રેમ'
ગઝલ - જિગર જોષી 'પ્રેમ'
મારા વિનાની સાંજ - જિગર જોષી 'પ્રેમ'
મ્હેક ઉપર લીસોટો - જિગર જોષી 'પ્રેમ'
સાધો - જિગર જોષી 'પ્રેમ'
સુરતી બોલી - જિગર જોષી 'પ્રેમ'
હકીકત છે - જિગર જોષી ‘પ્રેમ’
હવે આરામ કરવો છે ! - જિગર જોષી 'પ્રેમ'(આહા) – જિગર જોષી ‘પ્રેમ’

ચડી કોને ચાનક? ચડ્યું તાન…? આહા!
ભુવન આખું જાણે કે લોબાન… આહા!

ન શ્વાસોનું પણ કંઈ રહ્યું ભાન… આહા!
અચાનક ચડ્યું આ કેવું ધ્યાન… આહા!

ખુદાએ બનાવ્યું કેવું સ્થાન… આહા!
ખરું કહું તમારી આ મુસ્કાન… આહા!

હથેળીમાં સાક્ષાત છે સરસતીજી,
ખરો હાથ લાગ્યો છે દીવાન… આહા!

કોઈ પારકું થઈ, જતું’તું એ વેળા,
શું આંખોએ આપ્યું’તું સન્માન… આહા!

આ મન જ્યારે મંજીરા જેવું બની જાય,
ખરેખર પછી માંડી જો ! કાન… આહા!

‘ફૂલોએ કદી પણ ન મુરજાવું ક્યાંયે,’
– કર્યુ રાજવીએ આ ફરમાન… આહા!

નદી એક પાછી ચડી છે પહાડે,
પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા!

– જિગર જોશી ‘પ્રેમ’

અદભુત ગઝલ… રમતિયાળ મિજાજમાં ઊંડી વાત…

Comments (19)

મ્હેક ઉપર લીસોટો – જિગર જોષી ‘પ્રેમ’

આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.

તું અલ્યા ! એક છે પરપોટો,
તને ફોડવા – વાટાઘાટો !?

ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.

માટી સીધી નેતર થાશે,
વાગશે જ્યાં વરસાદનો છાંટો.

ભીંતમાં આજે પ્રાણ પૂર્યા મેં,
ટાંગી દીધો તારો ફોટો.

એને તો મનમાં’ય નથી કંઈ,
હું મૂંઝાયો ખોટેખોટો.

પંડિતજીએ એવું બાફ્યું,
સ્વાદ ગઝલનો ભારે ખાટો.

– જિગર જોષી ‘પ્રેમ’

એક શુદ્ધ ભાવકની નજરે આ ગઝલ જોઈએ તો છેલ્લો શેર- જે હઝલના કુળનો થયો છે એને- બાદ કરતા આખી ગઝલ આસ્વાદ્ય. આખા ઘરમાં સન્નાટા સિવાય કંઈ નથી એ વાત કહેવાનો અંદાજે-બયાં કાબિલે-દાદ છે. મહેંક પર લિસોટો પડી ન જાય એનું ધ્યાન રાખવાની ટકોર નજાકતની પરાકાષ્ઠા છે. એક ફોટોગ્રાફ નિર્જીવ દીવાલને જીવંત કરે છે એ વાત પણ મજાની. સામી વ્યક્તિના મનમાં શુંનું શું હોયની આશંકામાં પ્રત્યાયન કે પહેલ વિના જીવન વીતી જતું હોવાની વાસ્તવિક્તા પણ કવિ યથાર્થ ઉપસાવે છે.

Comments (6)

સાધો – જિગર જોષી ‘પ્રેમ’

कभी कभी ये तय ही हुआ ना – मंदिर है या आँगन, સાધો
હર પળ હો ખુદની મસ્તીમાં; पेड लगे कोई जोगन, સાધો

ડગમગ ડગમગ હાથ હતા ને આંખો ઝાંખું જોતી, સાધો
ક્યાંય નથી ચમકાર વીજનો કેમ પરોવું મોતી ? સાધો

હવાય ઈશ્વર જેવી છે આ ના સહેજે દેખાય છે સાધો
ને ઈશ્વર છે હવા બરાબર એ કાયમ વરતાય છે સાધો

‘જીવન’ તો એક જ ઘટના છે; અર્થો એના લાખ છે સાધો
દૃશ્યોમાંથી પામે એવું; જેવી જેની આંખ છે સાધો

વાત ગળે આ કેમ ઊતરશે ? આ કેવો વ્યવહાર છે સાધો
આખું જગ પ્રાર્થે ને સામે એક જ સાંભળનાર છે સાધો

‘પણ, હું તમને ચાહું છું’માં પ્રેમ છે સાવ નિખાલસ સાધો
‘હું તમને ચાહું છું, પણ…’માં માણસ કેવો બેબસ સાધો

– જિગર જોષી ‘પ્રેમ’

ભીતરના મોતીમાં કોઈ ધાગો આપમેળે પરોવાઈ ગયો હોય એવા વીજચમકારે જ આવી ગઝલ જન્મે. કવિનો અંદાજે-બયાઁ દાદ માંગી લે છે.

Comments (2)

મારા વિનાની સાંજ – જિગર જોષી ‘પ્રેમ’

મારા વિનાની સાંજ જો રસ્તે જડે તને,
એ ઝેર મારે જોવું છે કેવું ચડે તને ?

બહુ બહુ તો લઈ જવાશે પણે બાંકડે તને,
વાતાવરણ પછીનું નહીં પરવડે તને.

તું જે કરી રહ્યો છે એ તો માગણી છે, દોસ્ત !
ઈશ્વર કરે કે પ્રાર્થનાયે આવડે તને.

તું વૃક્ષ છે તો ભીંતની માફક રજૂ ન થા,
ટહુકાઈ નામનીયે નહીં સાંપડે તને.

હું બસ એ વાતની જ ‘જિગર’ રાહ જોઉં છું,
મારા સ્મરણની ક્યારે જરૂરત પડે તને ?

– જિગર જોષી ‘પ્રેમ’

સાદ્યંત સુંદર રચના…. એક એક શેર સો ટચનુ સોનું…

Comments (11)

સુરતી બોલી – જિગર જોષી ‘પ્રેમ’

આ કેવી અદાથી નજર એણે ફેંકી,
જગત આખું જાણે ઊઠયું મ્હેકી-મ્હેકી.

દીવો જ્યારથી સુરતી બોલી શીખ્યો,
પવન ત્યારથી થઇ ગયો છે વિવેકી.

પછી આપણામાં જ વરસાદ ન્હાયો,
તમે બ્હાર આવ્યા – અમે છત્રી ફેંકી.

સતત તોપમારાની વચ્ચે ઊડે છે,
કબૂતરની આ ખાનદાની ને નેકી.

‘જિગર!’ સાંજ થાતાં સ્મરણ ક્યાંથી-ક્યાંથી,
ઘૂસી જાય છે ઘરમાં વંડીઓ ઠેકી.

– જિગર જોષી ‘પ્રેમ’

બીજો શેર વાંચો !!!! કુરબાન કુરબાન……..

Comments (9)

કેમ ? – જિગર જોષી

તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ ?

હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં

હાથોમાં લજ્જાની મહેંદી મૂકી‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ ?

તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ ?

Comments (8)

આઝાદ ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

અગર માફક નહીં આવે, સરા-જાહેર કહેવાનો
સમય જેવી કુટેવો છે હું એથી બદલો લેવાનો

સતત પથ્થર કનડવાના,
ઝરણ જેવું જો વ્હેવાનો !

મને સ્થળ, કાળ જેવી કોઈ બાબત ક્યાં અસર કરતી ?
પ્રગટ થાવું હશે ત્યારે પ્રગટ થૈને જ રે’વાનો.

સતત વ્યવહાર રાખ્યો છે,
હું માંગું છું, એ દેવાનો.

કોઈની જ્યોત ઠારીને પૂછે જે ફૂંકની વ્યાખ્યા,
એ માણસ-જાત પર કાયમ મને પ્રશ્નાર્થ રે’વાનો.

– જિગર જોષી ‘પ્રેમ’

ખૂબ નાની વયે એક ગઝલ સંગ્રહ ભાગીદારીમાં અને એક સ્વતંત્રપણે આપ્યા પછીના જિગરના આ ત્રીજા સંગ્રહ – “An Endless Topic… અને હું…” (પ્રથમ કાવ્યસંગ્રહ) –નું લયસ્તરો તરફથી હાર્દિક સ્વાગત છે. ખૂબ જ લાં…બી બહેરની ગઝલથી માંડીને ટૂંકી બહેર સુધી કવિએ પોતાનો કસબ દેખાડ્યો છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાનું યોગ્ય કોક-ટેલ પણ આ સંગ્રહમાં નજરે ચડે છે અને ગીત અને ગદ્યકાવ્યો ઉપરાંત આવી આઝદ ગઝલ પણ. આ આઝાદ ગઝલના ટૂંકી બહેરના બંને શેર સવિશેષ ધ્યાન ખેંચે છે.

કવિને ખૂબ ખૂબ અભિનંદન !

Comments (10)

હવે આરામ કરવો છે ! – જિગર જોષી ‘પ્રેમ’

અરીસો સામે લાવીને હવે આરામ કરવો છે,
બધાં મ્હોરાં ઉતારીને હવે આરામ કરવો છે.

સ્મરણની ભેખડો નીચે સતત ચગદાયું છે જીવન,
બધી ભેખડ હટાવીને હવે આરામ કરવો છે.

ખભે વેતાળ માફક બેઠી છે ટાંપીને સદીઓથી,
જુઓ, નફ્ફટ ઉદાસીને હવે આરામ કરવો છે !

‘કશો તો મર્મ છે એમાં, અમસ્તું કંઈ નથી થાતું’ –
ચલો એ ખ્યાલ ત્યાગીને હવે આરામ કરવો છે.

વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,
આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.

સમયના જીર્ણ ટેબલ પર પડ્યા છે એક-બે પત્રો,
‘જિગર’ ! એ પત્રો બાળીને હવે આરામ કરવો છે.

– જિગર જોષી ‘પ્રેમ’

વાંચતાવેંત આરામ આવી જાય એવી મજાની ગઝલ..

Comments (11)

ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

એવું ગજું નથી કે છુપાવું આ ઘાવને,
તસવીર જેમ ટાંગશું તારા અભાવને.

આઘેથી એક મત્સ્યપરી જોઈ ને પછી,
દરિયાને કીધું, ‘એય ! પરિચય કરાવને !’

હોઠોનાં સૌ કમાડ કરીને જરાક બંધ,
કેવું સરસ એ મૌનમાં બોલી’તી, ‘જાવ ને !’

ઇચ્છા તો છેલ્લી એ જ કે દર્દોનું ઘર મળે,
દુઃખતી રગોને સહેજ તું પાછી દબાવને.

તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યું’તું જે,
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.

પીળાશ પાનખર સમું ક્યાયે કશું નથી
કમળો થયો છે ‘પ્રેમ’ તમારા સ્વભાવને..

– જિગર જોષી ‘પ્રેમ’

જિગરની આ ગઝલ કલમમાંથી નહીં, સીધી જિગરમાંથી ઉતરી આવી છે એટલે બધાય શેર સાવ અનાયાસ અને સંતર્પક લાગે છે… કાફિયાઓનો જે ખૂબીપૂર્વક પ્રયોગ આ ગઝલમાં થઈ શક્યો છે એ સાચે જ કાબિલે-દાદ છે…

Comments (12)

હકીકત છે – જિગર જોષી ‘પ્રેમ’

હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે,
હું પાછો ક્યાંયથી વળતો નથી, એ પણ હકીકત છે.

સતત ફરિયાદ, ઈર્ષાઓ, સખત પીડા ને સીમાઓ,
છતાં આ જિંદગી ધક્કો નથી, એ પણ હકીકત છે.

બધી ડાળે બહારો છે, બગીચાઓય મહેંકે છે,
અને ત્યાં નામનો ટહુકો નથી, એ પણ હકીકત છે.

સમય જ્યારે મળે ત્યારે તને સંભારતો રહુ છું,
સમય ક્યારેય પણ હોતો નથી, એ પણ હકીકત છે.

ભલે એમાંય છે તોફાન, ભરતી, ઓટ, મોજા, ‘પ્રેમ’,
છતાં આ આંખ એ દરિયો નથી, એ પણ હકીકત છે.

–  જિગર જોષી ‘પ્રેમ’

આપણા સુખનાં બાગ-બગીચાઓ ફુલો અને ખુશબોથી હર્યા-ભર્યા હોવા છતાંયે ક્યારેક જિંદગી જીવવા જેવી ન પણ લાગે, પણ તોય જિંદગીનો આ ફેરો માત્ર ધક્કો નથી જ- એવી પ્રતિતી માટે તો પ્રેમનાં ટહુકાની માત્ર થોડી ક્ષણો પણ પૂરતી હોય શકે…

Comments (16)

Page 1 of 212