માણસોને સ્પષ્ટ તારવવા બહુ મુશ્કેલ છે,
સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી.
હેમેન શાહ

બંધિયાર નથી – જિગર જોષી ‘પ્રેમ’

અપાર દીવડા ને ગોખલાનો પાર નથી
નથી ‘જિગર’ તો ફકત ગમતો અંધકાર નથી

ગગનની પાર જઈનેય હું ટહુકી શકું :
તમે હશો તો હશો પણ હું બંધિયાર નથી

તમારી સાથે મુલાકાત બાદ જાણ્યું છે
તમે તો વાતો કરી જાણો – જાણકાર નથી.

ઝપટમાં આવી ગયા છે બધા કદી ને કદી
હવે ઉદાસી! નવો એક પણ શિકાર નથી

જુએ છે રાહ હતો જ્યાંનો ત્યાં ઝરૂખો હજી
દશામાં પણ કે દિશામાંય કંઈ સુધાર નથી

ગમે તે થાય ‘જિગર’ આંખમાં છુપાઈ રહે
અમારાં આંસુ હજી એવાં હોશિયાર નથી

– જિગર જોષી ‘પ્રેમ’

આમ તો આખી જ ગઝલ સુવાંગ સુંદર થઈ છે પણ ત્રીજો અને છેલ્લો શેર તો સવિશેષ સ્પર્શી ગયા. ઉપર ઉપરથી જ્ઞાનસાગર બનીને મહાલતા લોકોની સહેજ નજીક જઈએ તો જાણ થાય કે આ ભાઈ તો બસ, વાતો કરી જાણે છે, સાચુકલા જાણકાર નથી. ‘જાણ’ ધાતુના ત્રણ રૂપ –જાણ્યું, જાણો, જાણકાર- એક જ મિસરામાં વાપરીને કવિએ કેવો દમદાર શેર નિપજાવ્યો છે!

6 Comments »

  1. Harihar Shukla said,

    November 20, 2020 @ 1:41 AM

    નરી નીતરી મોજ 👌💐

  2. Harihar Shukla said,

    November 20, 2020 @ 1:42 AM

    નકરી નીતરી મોજ 👌💐

  3. pragnajuvyas said,

    November 20, 2020 @ 2:35 PM

    – જિગર જોષી ‘પ્રેમ’ની મસ્ત ગઝલનો સ રસ આસ્વાદ
    ગમે તે થાય ‘જિગર’ આંખમાં છુપાઈ રહે
    અમારાં આંસુ હજી એવાં હોશિયાર નથી
    વાહ
    સાહિત્યનું પ્રજાસત્તાક એક રીતે જોઈએ તો બંધિયાર નથી હોતું. પોતે તકલીફો કે મુશ્કેલીઓના મહાસાગરને પાર કરી આ શબ્દસર્જકો જગતને કંઈક નવું આપે છે. જગતની વિષમતાઓ કે અડચણો એમને રોકી શકતી નથી. એ લોકો હંમેશાં ખુમારી અને મસ્તીમાં જીવવાવાળા હોય છે. નિજાનંદ આગળ કોઈ પણ દુન્યવી સુખોની શી વિસાત? એવી બુલંદી ઉપર એમની ઇમારત ચણાયેલી હોય છે.કાળઝાળ ઉનાળામાં અને બળબળતી લૂમાં શેકાતું ગુલમહોર ઝાંખું પડવાને બદલે આકર્ષક રંગો થકી આકાશ સામે છાઈ જાય છે.

  4. Maheshchandra Naik said,

    November 20, 2020 @ 2:36 PM

    ઝપટમા આવી ગયા છે બધા કદી ને કદી
    હવે ઉદાસી! નવો એક પણ શિકાર નથી
    લાજવાબ……બધા જ શેર મનભાવન…..સરસ ગઝલ…..
    કવિશ્રીને અભિનદન……
    આપનો આભાર…….

  5. Anjana bhavsar said,

    November 21, 2020 @ 6:44 AM

    અંતિમ શેર તો વાહ…સરસ ગઝલ

  6. sunil shah said,

    November 23, 2020 @ 12:15 AM

    સાધ્યંત સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment