સાધો – જિગર જોષી ‘પ્રેમ’
कभी कभी ये तय ही हुआ ना – मंदिर है या आँगन, સાધો
હર પળ હો ખુદની મસ્તીમાં; पेड लगे कोई जोगन, સાધો
ડગમગ ડગમગ હાથ હતા ને આંખો ઝાંખું જોતી, સાધો
ક્યાંય નથી ચમકાર વીજનો કેમ પરોવું મોતી ? સાધો
હવાય ઈશ્વર જેવી છે આ ના સહેજે દેખાય છે સાધો
ને ઈશ્વર છે હવા બરાબર એ કાયમ વરતાય છે સાધો
‘જીવન’ તો એક જ ઘટના છે; અર્થો એના લાખ છે સાધો
દૃશ્યોમાંથી પામે એવું; જેવી જેની આંખ છે સાધો
વાત ગળે આ કેમ ઊતરશે ? આ કેવો વ્યવહાર છે સાધો
આખું જગ પ્રાર્થે ને સામે એક જ સાંભળનાર છે સાધો
‘પણ, હું તમને ચાહું છું’માં પ્રેમ છે સાવ નિખાલસ સાધો
‘હું તમને ચાહું છું, પણ…’માં માણસ કેવો બેબસ સાધો
– જિગર જોષી ‘પ્રેમ’
ભીતરના મોતીમાં કોઈ ધાગો આપમેળે પરોવાઈ ગયો હોય એવા વીજચમકારે જ આવી ગઝલ જન્મે. કવિનો અંદાજે-બયાઁ દાદ માંગી લે છે.
vimala said,
January 23, 2016 @ 1:39 PM
“વાત ગળે આ કેમ ઊતરશે ? આ કેવો વ્યવહાર છે સાધો
આખું જગ પ્રાર્થે ને સામે એક જ સાંભળનાર છે સાધો”
આ જ નહીં પુરી ગઝલ અહીં ઉતારી દેવા મન કર્યું પણ આટ્લું જ….
Harshad said,
January 30, 2016 @ 1:40 PM
Enjoyed Gazal with feelings. Very nice, beautiful heart touching gazal.