મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કાન્ત

કાન્ત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એક કવિતા કાન્તની, એક કવિતા કલાપીની…

વ્હાલાંઓને પ્રાર્થના – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

[અંજનીગીત]

રોનારું ભીતરમાં રોતું :
લ્હોનારું ભીતર ના લ્હોતું :
દૂર સખાનું હૈયું
.                   સાથે રોતું ને જોતું !

વ્હાલાંઓ ! વ્હાલાંને કહેજો !
સાગરમાં તો સાથે વ્હેજો !
સ્હેવાનાં એકાબીજાનાં
.                   સાથે સૌ સ્હેજો !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

* * *

વીત્યાંને રોવું – કલાપી

રોતું અન્તરનુ રોનારૂં :
રોતું ભીતરનું જોનારૂં :
લ્હોનારૂં હૈયું એ લ્હોતુ
પણ વીત્યાંને શુ રોવું ?

મળતાં પ્રેમજમાતી ખાખી,
હજુ એ ના રોશું પડ રાખી,
ભર સમુદરિયે સાથે વ્હેશું,
વીત્યાંને રોશુ :
ત્હેાયે વીત્યાંને રોશુ :

– કલાપી
(૨૯-૪-૧૮૯૭)

આ બે કાવ્યોને અડખે પડખે રાખીને જોવા જેવાં છે. કાન્તનો સમયકાળ ૧૮૬૭થી ૧૯૨૩. કલાપીનો સમયકાળ ૧૮૭૪થી ૧૯૦૦. કલાપીએ કાવ્યસર્જનની તારીખ લખી છે, જ્યારે કાન્તની રચનાઓમાં એની અનુપસ્થિતિ જોવા મળે છે. બંને કવિઓનો જન્મસમય ખૂબ નજીકનો હોવાથી બંનેનો સક્રિય કાવ્યસર્જનનો સમય એકસરખો જ હોવાનો એ સમજી શકાય છે.

આ બંને રચનાનો વિષય એકસમાન છે અને કલાપીએ એક પંક્તિ વધુ ઉમેરી છે, એને નજરઅંદાજ કરીએ તો બંનેની કાવ્યરીતિ પણ એક –અંજનીગીત- જ છે. કાન્ત પણ ભીતરમાં રોનારાની વાત કરે છે પણ આંસુ લૂંછનાર ભીતર લૂંછી શકતું ન હોવાની વાસ્તવિક્તા પણ સમજે છે. કલાપી પણ ભીતરમાં રોનારની જ વાત કરે છે પણ આજન્મ નખશિખ પ્રેમી હોવાના કારણે જે ભીતરને જોઈ શકે છે, એ રોનારના ભીતરને લ્હોઈ પણ શકે છે એવો આશાવાદ સેવે છે અને સાથોસાથ વીત્યાંને શું રોવું કહીને carpe diem –આજમાં જીવવાનો મંત્રોચ્ચાર પણ કરે છે. બીજા બંધમાં કાન્ત વહાલાંઓને વહાલાંઓને સાગરમાં સાથે વહેવાનો બોધ આપે છે, તો કલાપી પણ વહાલાંઓની આખી પ્રેમજમાતને એક જ રંગે રંગી દઈને ભર સમુદ્રમાં સાથે જ વહેવાનું કહે છે.

કેટલું સામ્ય! બંને કવિઓએ એકમેકની રચના વાંચી હશે કે કેમ અને વાંચી હોય તો કોણ કોનાથી પ્રેરિત થયું હશે એ તો સંશોધન કે કલ્પનાના જ વિષય બની રહે છે. જો કે એક હકીકત એ પણ છે કે કલાપી કવિતાની બાબતમાં કાન્તની સલાહ ઘણીવાર લેતા હોવાની હકીકત આપણે જાણીએ જ છીએ… એટલે આ બધી પળોજણમાં પડવાના બદલે આપણે તો બસ, કવિતાનો આનંદ લઈએ…

Comments (8)

ઉદ્ગાર – કાન્ત

વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :

પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!

નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :

હરે દૃષ્ટિ, વ્હાલી! સદય મૃદુ તારી જ રુજને!

સદા રે’શે એવી :
સુધાવર્ષા જેવી :

કૃતી માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!

– કાન્ત

મનગમતી એક વ્યક્તિ સાથે તાર જોડાઈ જતાં માણસ દુનિયા સાથે તાર જોડવું નિરર્થક સમજે છે. કોઈકના હૈયામાં વસવાટ કર્યાના આધારે પ્રેમીજન દુનિયાથી પ્રેમ કરતો નથી અને નવા સંબંધો બાંધવાનો સમય જતો કરે છે. પણ આમ એકલવાયા પડવાનો એને કોઈ ઉદ્વેગ પણ નથી હોતો. અર્જુન જેમ પક્ષીની આંખને એમ પ્રેમી માત્ર પ્રિયજનને જ નીરખે છે. પ્રિયાની પ્યારભરી દયાવાન દૃષ્ટિ સર્વ બિમારીઓ પણ હરી લે છે. પ્રણયની આ અમૃતવર્ષા સદાકાળ આવી ને આવી જ રહેશે એવી આસ્થાના લીધે જીવનની પ્રત્યેક ક્ષણ કૃતાર્થતા અનુભવાય છે…

ખંડ શિખરિણી અને શિખરિણીમાં લખાયેલ આ ગીત પ્રેમોદ્ગારની ચરમસીમાને સ્પર્શે છે…

(સદય = દયાળુ; રુજ = બિમારી; કૃતી = કૃતકૃત્ય,ભાગ્યશાળી; પ્રમત્તાવસ્થા= ઉન્મત્તાવસ્થા,પ્રમાદયુક્ત)

Comments

અતિજ્ઞાન – કાન્ત

ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે,
જામી ગઈ તરત ઘોર,કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.

ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

દુર્યોધનપ્રેષિત દૂત એક,
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક,
જતો હતો અંધ થતી નિશામાં,
સુગુપ્ત રાજગૃહની દિશામાં !

શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા !

નિગૂઢ શંકા પુરવાસીઓની આ,
જરાય નિષ્કારણ તો નહોતી હા !
કરેલ આમંત્રણ ધર્મરાજને,
રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.

શિશુસમાન ગણી સહદેવને,
ખબર આ કંઈયે ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને,
પરમ દુ:ખિત અંતરમાં થતા !

કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો,
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો.

ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને,
નજીક આંખે નીરખે થનારને :
સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય,
વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય !

જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.

નહીં શકું હાય ! બચાવી કોઇને,
અશક્ત જેવો રહું બેસી રોઈને,
અરે ! દીસે દુ:ખદ શાપ આ મને,
નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને !

“હા ધિક્ ! હા ધિક્ ! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું :
આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું ! ”

વિચારતાં નેત્ર જલે ભરાય છે,
શરીરનું ચેતન ત્યાં હરાય છે;
લઈ જઈને પ્રિય વક્ષની સમી,
ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી !

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી :
“પ્રિયે ! સ્પર્શ કરું શું હું ! અધિકાર જરા નથી !

કરાય શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ,
થનાર ચીજો નવ થાય અન્યથા:
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું;
અનેક હું એકલડો સહ્યા કરું !

રજની મહીં,સખી,ઘણીક વેળા,
નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન સુધાકરને રહું નિહાળી !”

આવું કહ્યું,ત્યાં શિર શૂળ ચાલ્યું,
રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્ત હાય,
કહ્યું, ‘હવે એક જ છે ઉપાય !’

ચાલી જરા ને ગ્રહી એક શીશી,
પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી:
ખાલી કરી કંઠ વિષે ત્વરાથી;
ગયો બધો એ બદલાઈ આથી !

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ !

– કાન્ત

પાઠ્યપુસ્તકમાં આ કવિતા ભણ્યા હતા ત્યારે તે જેટલી poignant લાગી હતી,તેટલી જ poignant આજે પણ લાગે છે….!

Comments (12)

વિપ્રયોગ – કાન્ત

“આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા –
.                          ક્યાં છે એની એ ?

“શું એ હાવાં નહિ જોવાની ?
આંખડલી શું નહિ લ્હોવાની ?
ત્યાંયે ત્યારે શું રોવાની –
.                          દારા એની એ ?”

* * *

“છે, જ્યાં છે સ્વામીની તારા !
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :
નહિ જ નિશા જ્યાં આવે, દારા –
.                          ત્યાં છે એની એ !

“છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખડલી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની –
.                          દારા એની એ !”

– કાન્ત

ગઈકાલે આપણે અંજની ગીત વિશે જાણ્યું. આજે આ કાવ્યના ગુજરાતીમાં પ્રણેતા ગણાતા કવિ કાન્તનું એક અંજની ગીત.  અસલ અંજની ગીત માત્ર બે જ ચરણનું હતું જેમાં નિરવધિ વિયોગની નિરાશા પ્રગટ થાય છે. પાછળથી કવિ કાન્તે ધર્મપરિવર્તન કર્યું અને સ્વર્ગમાં ફરી મળવાની આશા પ્રગટ કરતા બીજા બે ફકરા એમાં ઊમેર્યા.  જો કે વિદ્વાનોને પાછળથી ઉમેરેલા પદમાં કવિતા બગડી હોવાનું અનુભવાયું છે. (સૌજન્ય: શ્રી ચન્દ્રકાન્ત શેઠ સંપાદિત ‘કાન્તનો પૂર્વાલાપ’)

લયસ્તરોના વાચકો માટે ફૂદડી મૂકીને મૂળ અને નવા- એમ બંને પાઠ અહીં રજૂ કર્યા છે.

*
વિપ્રયોગ = સ્વજન કે પ્રિયજનનો સહવાસ નહિ તે; વિયોગ; વિખૂટા પડવું તે; વિપ્રલંભ
દારા = પત્ની
જ્યોત્સ્ના = ચાંદની, એ નામની ચંદ્રની એક કળા (અમૃતા, માનદા, પૃષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સ્ના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા ને પૂર્ણામૃતા એ ચંદ્રની સોળ કલા છે)

Comments (2)

હિંદમાતાને સંબોધન – કવિ કાન્ત

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

હિંદુ અને મુસલ્મિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !

ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

– કવિ કાન્ત

(સૌજન્ય: ટહુકો)

લયસ્તરોના વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ પ્રસ્તુત છે, આપણી પાઠશાળાઓમાં ગવાતું એક ખૂબ જ જાણીતું અને માનીતું ગીત…  જય હિંદ !

Comments (8)

સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

(ગઈકાલે આ કાવ્યનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આજે આ કાવ્યનો રસાસ્વાદ શ્રી સુરેશ જોષીએ કરાવેલા વિલક્ષણ અને વિચક્ષણ આસ્વાદના અતિટૂંકસાર સ્વરૂપે માણીએ)

ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે. હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં ઉલ્લાસની વધતી જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે !

સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને કવિ હૈયું બોલી ઊઠે છે કે જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે. ચારેબાજુ કુસુમોનું વન (વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે ! પળેપળ વિખેરાતાં ને એ રીતે નિતનવી ભાત સર્જતા વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ આખા આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ… સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તે ઇન્દ્રિયવ્યત્યય પામીને હવે ઘ્રાણેન્દ્રિયગોચર થયો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો.

આટલે આવીને કવિનું પુલકિત ચિત્ત કૃતજ્ઞભાવે બોલી ઊઠે છે: પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે. આ કૃતાર્થતાથી પુલકિત થઈ કવિ આભાર વ્યક્ત કરતી પંક્તિનું પુનરુચ્ચારણ કરી આનન્દનો પુટ વધુ ઘૂંટે છે.

બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે. સમુદ્રની ઊછળતી ઊર્મિમાળા પર ચાંદનીનું ચમકવું વીજળીના ચમકારા જેવું લાગે છે . સાગરની ગતિ સામે કવિ આકાશમાં પસાર થતી રાત્રિને સરોવરની નિશ્ચલતામાંથી પસાર થતા સમય સાથે સરખાવે છે વળી આ નિશ્ચલતાનું પાત્ર ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાના કૂજનથી છલકાઈ ઊઠે છે. એની સાથે જ કવિ ભવ્ય ભરતીની વાત કરીને ભરતીનો આખો ઊછાળો પૂરો કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે અને એ છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે.  કવિનો આનંદોદગાર અહીં પણ પુનરુક્તિ પામે છે અને એ રીતે જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે.

ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.

Comments (26)

સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઝુલણા છંદ અને શંકરાભરણની ચાલમાં ચાલતું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે ! નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઉરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા એ જ છંદ વાપરે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે… ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતું સંગીત પોતે સાગરના આવ-જા આવ-જા કરતા ફેનિલ મોજાં સમું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર ઊભું કરવામાં એ રીતે ઉપકારક નીવડે છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત !

કાવ્ય દ્રુતવિલંબિત લયમાં ચાલે છે.. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે) , જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય!

૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. થોડાંક વરસ સુધી બન્ને વચ્ચે કવચિત્ મુલાકાત અને કવચિત્ પત્રવ્યવહાર ચાલ્યો. ન્હાનાલાલ એમનાં કાવ્યો કાન્તને મોકલે અને કાન્ત સુધારા સૂચવે તે ન્હાનાલાલ સ્વીકારે, ચર્ચાઓ થાય એમ ઉભયપક્ષે ચાલ્યું. ૧૮૯૮માં કવિ કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ધર્માન્તરને કારણે જ્યારે સૌએ કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્તના કુટુંબ સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૬/૬/૧૯૦૨નારોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

આજે આ ગીતનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આવતીકાલે આ કાવ્યની મસ્તીનો પણ થોડો સ્વાદ ચાખવા ફરી મળીશું…

Comments (29)

ગઝલ – મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?

સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?

સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ?

–મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઉત્તમ કવિ, વિવેચક, નાટ્યકાર અને અનુવાદક કવિ ‘કાન્ત’નો જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ અમરેલીના ચાવંડ ગામમાં. ઈ.સ. ૧૯૦૦ની સાલમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો પણ પ્રચંડ વિરોધ ફાટી નીકળતા બે વર્ષ પછી આર્યસમાજમાં પાછા ફર્યા પણ અંતઃકરણથી જીવનપર્યંત ખ્રિસ્તી જ રહ્યા. યાદગાર ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યો થકી ગુર્જર સાહિત્યાકાશે કાયમી સ્થાન અંકિત કર્યું. ખંડકાવ્ય નામનો કલાત્મક કાવ્યપ્રકાર ગુજરાતી ભાષામાં એમણે સૌપ્રથમ પ્રયોજ્યો હતો એ નાતે એમને તમે ખંડકાવ્યોના અધિષ્ઠાતા પણ ગણી શકો. લાગણીની ગહરાઈ, સુરેખ શબ્દનિરૂપણ, ભાવાનુસાર છંદ-પલટા, શિષ્ટ-મિષ્ટ અને સ્વચ્છ-સઘન શૈલી અને સમગ્ર કાવ્યની સુગ્રથિતતાના કારણે એમના કાવ્યો આજે પણ બેનમૂન રહ્યાં છે. ૧૬-૦૬-૧૯૨૩ના રોજ કાશ્મીરથી પરત થતી વેળાએ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં જ અવસાન અને એ જ દિવસે અમદાવાદ ખાતે એમના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’નું પ્રકાશન થયું.

Comments (8)