આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
હસમુખ પાઠક

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુરેશ પરમાર

સુરેશ પરમાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ઝાકળબુંદ : ૧ : સમજણ પડી - સુરેશ પરમાર
નહિ લખું - સુરેશ પરમાર 'સૂર'
વરસાદમાં - સુરેશ પરમાર 'સૂર'વરસાદમાં – સુરેશ પરમાર ‘સૂર’

વા-ઝડી થઈ યાદ સૂસવાતી રહી વરસાદમાં,
હું અહીં, ત્યાં તુંય વળ ખાતી રહી વરસાદમાં.

જાગરણ પ્રોઈ શકું હું જિંદગીની સોયમાં,
એ જ કારણ વીજળી થાતી રહી વરસાદમાં.

હું કવિનો કોટ પહેરી બારીએ બેસી રહ્યો,
ને ગઝલ સાબોળ ભીંજાતી રહી વરસાદમાં.

લાકડાં લીલા જલાવી ડાઘુઓ ચાલ્યા ગયા,
એકલી ચિતા જ ધુમાતી રહી વરસાદમાં.

પિંજરામાં કેદ મેના ‘સૂર’ સામે જોઈને
ભીની આંખે મેહૂલો ગાતી રહી વરસાદમાં.

– સુરેશ પરમાર ‘સૂર’

બધા જ શેર મમળાવવા ગમે એવા… હર મોસમમાં તરબતર કરી દે એવી મજાની વરસાદી ગઝલ…

Comments (6)

નહિ લખું – સુરેશ પરમાર ‘સૂર’

“તું લખે તો હુંય લખું” એવાં બહાને નહિ લખું;
છે પૂરું સામર્થ્ય પણ, ખોટા ઉપાડે નહિ લખું.

વાત પાયાની અને સાર્થક રહે, ત્યાં છે ગઝલ;
એ સમજ છે એટલે, વહેતા વિચારે નહિ લખું.

તુંય જાણે છે કે શું છે ન્યાય ? શું છે સમતુલા ?
એમ જાણી દોસ્ત, ઓછું કે વધારે નહિ લખું.

વાહવાહી, દાદ, તાળી-ગુંજ, બહુ સારી છે પણ;
હું સભાને આંજી દેવાના ઈરાદે નહિ લખું.

‘સૂર’મય બે શબ્દ લઈ, કાને પડું તો ઠીક છે;
માથે યા છાપે ચડું, એવા હિસાબે નહિ લખું.

– સુરેશ પરમાર ‘સૂર’

આજના ગઝલકારોએ આંખ સામે ૨૪ કલાક મૂકી રાખવા જેવી ગઝલ…

Comments (16)

ઝાકળબુંદ : ૧ : સમજણ પડી – સુરેશ પરમાર

ડગલે ને પગલે નડી છે;
જ્યારથી સમજણ પડી છે.

વાંચ ને ઉકેલતો જા;
પત્રમાં જે એક ગડી છે.

એના જેવી, આહ ભરતાં;
ક્યાં મને પણ આવડી છે ?

આંખ કેવી, જળકમળવત !
સાવ કોરી રહી, દડી છે.

એ કહે છે: “મૌનને ગા”;
‘સૂર’ સંકટની ઘડી છે.

– સુરેશ પરમાર

એક જ શેર મારે માટે તો ઘણો છે… ખરી વાત છે, પોતાની સમજણ માણસને જેટલી નડે છે એનાથી વધારે કોઈ ચીજ નડતી નથી ! આંખ કેવી… શેર પણ ખૂબ સરસ થયો છે.

Comments (8)