મલમની કરું શૂન્ય કોનાથી આશા ?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.
‘શૂન્ય’ પાલનપૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિતા મૌર્ય

કવિતા મૌર્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)

ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી  સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..

*

IMG_4689

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.

-ગૌરાંગ ઠાકર

*

IMG_4693

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

– દિવ્યા મોદી

*

IMG_4711

સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

– ડેનિશ જરીવાલા

*

IMG_4716

આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.

હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

– કવિતા મૌર્ય

*

IMG_4696

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

-સુનીલ શાહ

*

IMG_4726

હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.

આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.

– પ્રમોદ અહિરે

*

IMG_5167

હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.

અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.

– જનક નાયક

*

IMG_4676[1]

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (22)

ધબકતી ઝંખના – કવિતા મૌર્ય

પળેપળ છેતરાવાના જ આઘાતે  લખું છું,
કલમ ત્યાગી હવે  હું  ટેરવાં  વાટે લખું છું.

નથી સંભવ શબદમાં લાગણીઓને કહેવી,
છતાં  કૈં  ભાર હળવો થાય એ માટે લખું છું.

અમારે  કાજ સઘળી વેદના આશા બરાબર,
કહેશો નહિ કદી પણ ભાગ્યના ઘાતે લખું છું

ધરા પર હું લખું છું,આ ગગન પર હું લખું છું,
લખું છું  હા,પ્રથમ વરસાદના  છાંટે  લખું છું

અમારી  જિંદગીમાં પણ ફુલો  ખીલી શકે છે,
ધબકતી  ઝંખના  હર  પાંદડે, કાંટે  લખું છું.

– કવિતા મૌર્ય

કવિતા મૌર્યની એક સીધીસટ સાદ્યંત સુંદર ગઝલ સીધેસીધી જ આપના માટે, મારા શબ્દોનું વ્યવધાન ઊભું કર્યા વિના…

Comments (12)

ઝાકળબુંદ : ૪ : મુક્તક અને ગઝલ- કવિતા મૌર્ય

મુકતક

અહમથી જ્યારે અહમ ટકરાય છે,
પ્રેમનો આ સાથ છૂટી જાય છે,
ડાળ પરથી પાંદડું ખરતું અને,
જિંદગી આ રણસમી પથરાય છે.

ગઝલ

કૈંક ક્ષણની યાદ લઇને બેઠી છું,
હોઠ પર ફરિયાદ લઇને બેઠી છું.

આવશે, વિશ્વાસ પાકો છે છતાં,
શ્વાસમાં હું સાદ લઇને બેઠી છું.

આગમન ટાણે અબોલા લઇ લીધા,
મૌનમાં સંવાદ લઇને બેઠી છું.

કેટલી નાજુક પળો સર્જાઇ ગઇ ,
ભીતરે ઉન્માદ લઇને બેઠી છું.

-કવિતા મૌર્ય

કવિતા મૌર્ય વિનાયક શાખાના સ્નાતક છે અને સૂરતમાં જ રહે છે. મુક્તકમાં ડાળ પરથી એક પાંદડું ખરવાની ઘટનાને જિંદગીના રણ સમા બની જવા સાથે કેટલી અર્થગહનતાસભર સાંકળી લેવાઈ છે!અને ભીતરી ઉન્માદથી ભરપૂર ચાર જ શે‘રની ગઝલ પણ એટલી જ આસ્વાદ્ય બની છે…

Comments (10)

ગઝલ – કવિતા મૌર્ય

મૌન છળતું હોય છે,
ક્યાં ઉઘડતું હોય છે.

ફૂલસમ એકાંતમાં,
કોઇ રડતું હોય છે.

આ ધબકની શી વ્યથા?
શેં ધબકતું હોય છે?

એક ચાહક દિલમહીં,
નામ રટતું હોય છે.

કોણ છે? આ યાદમાં,
કેમ ભમતું હોય છે ?

કંટકો આગળ કદી,
ફૂલ નમતું હોય છે?

– કવિતા મૌર્ય

શબ્દનો અર્થ ન ઉઘડવાની ફરીયાદ તો ઘણી વાર કવિતામાં આવે છે. પણ અહીં તો મૌન ઉઘડતું ન હોવાની વાત છે. દિલ શા માટે હંમેશ ધડકતું હોય છે એ સવાલ કોઈ કવિને પૂછો તો શું ઉત્તર મળે ? – એ તો પ્રિયજનનું નામ રટતું હોય છે ! ને છેલ્લો શેર તો ગઝલનો સરતાજ શેર છે. કાંટા અને ફૂલનો સંબંધ અસંખ્ય વાર કવિતાઓમાં ખેડાયો છે. છતાં ય કવિ અહીં એક નવી વાત કરવામાં સફળ થયા છે. લયસ્તરોને આ ગઝલ મોકલવા માટે આભાર.

Comments (5)