કેટલાં દૂર જઈ અને દેવો વસ્યાં
આમ આપણને કરાવી જાતરા !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઈન્ટરનેટ પર ગુજરાતી

ઈન્ટરનેટ પર ગુજરાતી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'ઉદ્દેશ' : એક વધુ સત્વશીલ સામયિક વેબ પર
'ડોટ કોમ'ના રંગે રંગાયા કવિશ્રી રાજેન્દ્ર શુકલ
'લયસ્તરો'ની સફરને આજે પાંચ વર્ષ પૂરાં થયાં...
'વીસમી સદી' અને હાજીમહમ્મદ અલ્લારખા શિવજી
ઈન્ટરનેટ પર ગુજરાતી
ઉત્તમ ગુજરાતી સાહિત્ય : એક યાદી
એક કદમ...શબ્દની કેડી તરફ...
ઓનલાઈન ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન
કલાગુરુ શ્રી રવિશંકર રાવળની કૃતિઓનો ખજાનો
કવિ ડૉટ કોમ
કવિતા અને કમ્પ્યુટરનો કલાકાર
કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવું સહેલું છે !
ગઝલ ગુર્જરીનો નવો અંક
ગઝલ શીખવી છે? - સરળ ભાષામાં પ્રાથમિક ગઝલશાસ્ત્ર
ગુજરાતથી દૂર ભૂરી કવિતા જીવતો કવિ -ચંદ્રકાંત શાહ
ગુજરાતી ભાષાના 200 શ્રેષ્ટ પુસ્તકો : તમને કયું ગમે છે ?
ગુજરાતી યુનિકોડ માટે સોનાનો સૂરજ !
ગુજરાતી યુનિકોડને વધાઈ નંબર બે : દિવ્ય ભાસ્કર પણ હવે યુનિકોડિત !
ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ
ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના
રીડ-ગુજરાતી.કોમ
લેક્સીકોન શબ્દકોશ અને સ્પેલચેકર હવે તમારા ડેસ્કટોપ પર !
શીતલ સંગીત : નેટ પર ચોવીસે કલાક ગુજરાતી સંગીતનો વરસાદ
સ્વાગત સુરેશભાઈ !
હવે ગુજરાતીમાં યાહૂ !



‘લયસ્તરો’ની સફરને આજે પાંચ વર્ષ પૂરાં થયાં…

‘લયસ્તરો’ને આજે પાંચ વર્ષ પૂરા થાય છે. પાંચ વર્ષ આમ તો બહુ નાનો ગાળો છે અને રોજેરોજ આખી દુનિયામાં બનતી અગણિત રોમાંચક ઘટનાઓમાં ‘લયસ્તરો’ના જન્મદિવસનું મહત્વ અલ્પ છે. છતાં પણ, આ નાના ડગલાને આટલી મજલે પહોંચતા જોવું મનને એક અજબ શાતા આપે છે.

‘લયસ્તરો’ બ્લોગ કવિતાના આનંદને વહેંચવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરેલો ત્યારે આ કાફલો આટલો મોટો થશે એવો ખ્યાલ ન હતો. તે વખતે વિશ્વભરમાં ગુજરાતી કવિતાના આટલા ચાહકો હશે એવું કોઈને કહીએ તો લોકો તમને ગાંડા ગણે એવી સ્થિતિ હતી. પણ આજે એ વાત સાચી ઠરી છે. ‘લયસ્તરો’ જ નહીં પણ બીજી અનેક ગુજરાતી કવિતાની વેબસાઈટ્સ-બ્લોગ્સ હોંશભેર વંચાય છે, એ પોતાની રીતે જ એક મહત્વની ઘટના છે. એમ કહી શકાય કે ગુજરાતી કવિતાને એનું નવું સરનામું સાંપડ્યું છે… ૫૫૦થી વધુ કવિઓની ૧૬૫૦થી વધુ રચનાઓ આજે આ ખજાનામાં ક્લિક્વગી થઈ પડી છે અને પ્રતિદિન એક નવી કવિતાનો એમાં ઉમેરો થતો રહે છે… ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ એક સીમાચિહ્નરૂપ ઉપલબ્ધિ છે…

આ અવસરે જે જે લોકોએ ‘લયસ્તરો’ને ટેકો કર્યો છે એ બધાનો અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ખાસ આભાર તો એ કવિઓનો કે જેમની રચનાઓ અહીં સંગ્રહિત થઈ છે. અને સૌથી વધુ આભાર અમારા વાચકોનો, જે અમને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠે કંઈક નવું કરવાની કોશિશ કરીએ છીએ. આ વખતે આવતા 15 દિવસમાં ગુજરાતી સાહિત્યના 30 યાદગાર ગીતો ‘લયસ્તરો’ પર મૂકીશું. ગુજરાતી ગીતોના ઈતિહાસનો ફલક તો બહુ વિશાળ છે એટલે આ યાદગાર ગીતોની શ્રેણીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોય એવા ગીતકારોના ગીત સુધી જ સીમિત રાખવાનું નક્કી કર્યું છે. એક ગીતકાર દીઠ એક ગીત પસંદ કરીને આપની સમક્ષ 30 અલગ અલગ ગીતકારોના 30 યાદગાર ગીતો રજૂ કરીશું. તો તૈયાર થઈ જાવ … આવતી કાલથી યાદગાર ગીતોની સફરમાં જોડાવા માટે !

- ધવલ-વિવેક-ઊર્મિ

Comments (53)

કવિ ડૉટ કોમ

ગુજરાતી બ્લૉગ્સની જ્યારે શરૂઆત થઈ ત્યારે જ ખાતરી હતી કે આવતીકાલે પુસ્તકનો ઉંબરો વળોટીને સાહિત્ય અહીં આવશે જ અને ઇન્ટરનેટ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું બની રહેશે… સાહિત્યરસિકો તો લગભગ મચી જ પડ્યા છે પણ પ્રતિષ્ઠિત કવિઓ અને એમના પરિવારજનો પણ હવે આમાંથી બાકાત નથી… વધુ ને વધુ કવિઓ નેટ-ગુર્જરીના સભ્ય બની રહ્યા છે એ જોતાં ‘નવા સરનામાં’વાળી ભવિષ્યવાણી લગીરેય ખોટી પડે એમ લાગતું નથી… નથી માનતા ? આ કવિઓ અને એમની વેબસાઈટ્સનું લિસ્ટ જ જોઈ લ્યો ને !!

- અને હવે દિગ્ગજ કવિઓ પણ આ હરોળમાં જોડાયા છે… ક્યારેક કવિ પોતે પોતાની હયાતીમાં તો ક્યારેક કવિના સંતાનો કે મિત્રો એમના દેહાવસાન બાદ… પણ આ ‘ટ્રેન્ડ’ સૂચક છે આવતીકાલના ઊજળા અજવાળાનો !

(તા.ક.: કોઈ કવિની વેબસાઈટ કે બ્લૉગ આ લિસ્ટમાં સરતચૂકથી રહી ગયું હોય તો જણાવવા વિનંતી)

Comments (30)

ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના

વ્હાલા મિત્રો,

13 એપ્રિલ, 2008ના રોજ લયસ્તરો પર એક પોસ્ટ મૂકી હતી જેના ઢગલાબંધ મિશ્ર પ્રતિભાવો સાઈટ ઉપર અને ઈ-મેઈલ દ્વારા સાંપડ્યા હતા. પોસ્ટ હતી, “દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર…“. વાત હતી ગુજરાતી ભાષાના મહાન જ્ઞાનકોશ ‘ભગવદ્ગોમંડલ’ના પુન: પ્રકાશન અંગેની અને માત્ર એક હજાર નકલો વેચવા માટે પડતી તકલીફની. (એક ખુશીની વાત જોકે એ પણ હતી કે આ પોસ્ટની સહાયથી કુલ્લે દસ નકલો (1%) વેચાવડાવવામાં હું સહાયભૂત બની શક્યો!) આ વાતને હજી પાંચ મહિના પણ માંડ થયા છે અને આ આખ્ખેઆખ્ખો ખજાનો ‘મફત’માં ઓન-લાઈન ઉપલબ્ધ થઈ ગયો છે. છાપેલા ચોપડાઓ માથે પડે એ હકીકતથી જ્ઞાત હોવા છતાં આવું મોટ્ટું સાહસ ખેડનાર પ્રવીણ પ્રકાશન ફરી ફરીને અભિનંદનના અધિકારી બને છે.

Bhagvadgomandal_cover page Bhagvadgomandal_back cover

મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….

તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :

http://bhagavadgomandalonline.com/

Comments (45)

‘ઉદ્દેશ’ : એક વધુ સત્વશીલ સામયિક વેબ પર

ગુજરાતીનો વ્યાપ વેબ પર ખૂબ વધી રહ્યો છે એ તો આનંદની વાત છે જ. પરંતુ એનાથી પણ વધુ આનંદની વાત એ છે કે સત્વશીલ સાહિત્ય સામયિકો પણ હવે વેબ પર આવી રહ્યા છે. થોડા દિવસ પર સુધીરભાઈ પટેલે મને ‘ઉદ્દેશ’ની વેબસાઈટ વિશે ખાસ લખી જાણાવ્યું.

‘ઉદ્દેશ’ની વેબસાઈટ ગુજરાતી સાહિત્યના દરેક રસિયા માટે નાના ખજાના સમાન છે. એમાં ‘ઉદ્દેશ’ના તાજા અંકમાંથી સામગ્રી (ઉદ્દેશ-સુરખી) ઉપરાંત બીજા ઊંચી ગુણવત્તાવાળા સામાયિકોમાંથી ચયન (આચમન) અને સાહિત્ય સમાચાર (ઉદ્દેશ વૃત્ત) પણ છે. ‘ઉદ્દેશ’ના સન 1990-91ના બધા અંકો પૂરેપૂરા અહીં મૂક્યા છે. કદાચ આગળ જતા બીજા અંકો પણ મૂકાશે એવી આશા રાખીએ. વધારામાં, સુંદરમ સંપાદિત ‘દક્ષિણા’ના થોડા વિરલ અંકો પણ મૂક્યા છે.

વેબસાઈટ સરસ ‘ડિઝાઈન’ કરેલી છે. કમનસીબે, કોઈ ફોંટનો ઉપયોગ કરવાને બદલે બધી સામગ્રી ‘સ્કેન’ કરીને મૂકેલી છે. સામગ્રી ઘણી છે પણ તેને કોઈ પણ રીતે ‘સર્ચ’ કરવાની વ્યવસ્થા નથી એ એક બીજી મર્યાદા છે. આ નાની બાબતોને નજરઅંદાજ કરી તમે જરૂરથી આ સાહિત્યના ખજાનાની સત્વરે મુલાકાત લેશો.

Comments (3)

ગુજરાતી યુનિકોડને વધાઈ નંબર બે : દિવ્ય ભાસ્કર પણ હવે યુનિકોડિત !

થોડા વખત પર સંદેશ યુનિકોડનો ઉપયોગ કરનારું પહેલું ગુજરાતી છાપું બન્યું હતું. આજથી દિવ્ય ભાસ્કર યુનિકોડનો ઉપયોગ કરનારું બીજું ગુજરાતી છાપું બને છે. દિવ્ય ભાસ્કર જો તમે ઈંટરનેટ એક્સપ્લોરરમાં જોતા હો તો તમને કોઈ જ તફાવત દેખાશે નહીં. પરંતુ આ સાઈટના ફોંટ (સૂર્યા) એ આજથી યુનિકોડ એનકોડિંગમાં કામ કરે છે. હવે એક વધુ છાપું તમે ગુગલથી શોધી શકો છો અને એમાંથી કોઈ પણ ‘ટેક્સ્ટ’ લઈને કોઈને ઈ-મેલ કરી શકો છો.

આનો એક વધારે ફાયદો એ છે કે સૂર્યા ફોંટનો આપ યુનિકોડ ફોંટ તરીકે (શ્રુતિની જગાએ) ઉપયોગ કરી શકો છો. આ ફોંટને મેં આજે બરાબર અજમાવી જોયા છે અને કેટલીક બાબતમાં ( દા.ત.દૃ અને શ્લો જેવા અક્ષરો માટે) એ શ્રુતિ ફોંટથી પણ વધારે સરસ કામ આપે છે. ગુજરાતીમાં ‘પ્રોફેશનલ’ લેવલના ગણી શકાય એવા આ ‘શ્રુતિ’ પછીના પહેલા યુનિકોડ ફોંટ છે.

યુનિકોડનો પવન પુરબહારમાં ફૂંકાવા માંડ્યો છે. હવે ગુજરાતીના પતંગને નેટના આકાશમાં ઊંચે ચડવામાં જરાય વાર નહીં લાગે !

Comments (8)

‘ડોટ કોમ’ના રંગે રંગાયા કવિશ્રી રાજેન્દ્ર શુકલ

rajendra_shukla

કવિશ્રી રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી સાહિત્યમાં ‘લિવિંગ લેજંડ’ છે. સફેદ દાઢીને કારણે કવિ પહેલી નજરે ઋષિ-સમાન લાગે છે અને એ વાત મહદ અંશે સાચી પણ છે. એમનો શબ્દ હંમેશા કેટલીય ચાળણીથી ચળાઈ ને આવતો હોય એવું દેખાઈ આવે છે. ગુજરાતી ગઝલને તો એમણે એકલા હાથે નવી દિશા બતાવી છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં કોઈ પુરસ્કાર એવો નથી જે એમને અર્પણ ન થયો હોય.

એમના ચાહકોએ મળીને એમના વિષે સરસ વેબસાઈટ રાજેન્દ્રશુક્લ.કોમ બનાવી છે. વેબસાઈટ હજુ શરૂઆતની અવસ્થામાં છે. તરત દેખાઈ આવે છે કે વેબસાઈટ કવિશ્રી રાજેન્દ્ર શુક્લના નામને શોભે એવી સુંદર બની છે. એમાં કવિના પરિચય અને બીજી ઔપચારિક માહિતી ઉપરાંત કવિના પોતાના કંઠે કવિતા તમે સાંભળી પણ શકો છો. કવિના અવાજમાં એમની કવિતાના ધ્વનિમુદ્રણને સી.ડી.ના રૂપમાં તમે ખરીદી પણ શકો છો. આગળ જતા આ વેબસાઈટ પર ઘણી વધુને વધુ સામગ્રી મૂકવાની યોજના છે.

Comments (2)

‘વીસમી સદી’ અને હાજીમહમ્મદ અલ્લારખા શિવજી

veesami sadi Haji Mohammad Allarakha Shivji

‘વીસમી સદી’ સામયિકનું નામ પૂછો તો સો માંથી નવ્વાણું જણાએ માથુ ખંજવાળવાનો વારો આવે. અને એમનો વાંક પણ નથી. આ ‘વીસમી સદી’ સામાયિક માત્ર પાંચ વર્ષ ચાલેલું અને એ પણ છેક 1916થી 1920માં. તો તમે કહેશો કે ભલા માણસ આવા તો કેટલાય સામાયિક આવ્યા ને ગયા એમાં આ ‘વીસમી સદી’ની વાત આજે માંડવાની જરૂર શું છે ? – જરૂર છે. ‘વીસમી સદી’ અને એના સ્થાપક હાજી મહમ્મદ અલ્લારખા એ ગુજરાતી સાહિત્યને માટે જે કામ કરેલું છે એ હંમેશા સુવર્ણઅક્ષરમાં લખાયેલું રહેવાનું છે.

વાત માંડીને કરું તો હાજીમહમ્મદ એક શ્રીમંત કુટુંબમાં જન્મેલા. પિતાની પેઢીમાં બેસવા સિવાય એમણે કાંઈ કરવાની જરૂર હતી જ નહીં. પણ કિસ્મતનું કરવું કે એમને સાહિત્યનો શોખ લાગ્યો. કવિઓ સાહિત્યકારો સાથે રોજની બેઠક થઈ ગઈ. નરસિંહરાવ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ, રણજીતરામ બધા એમના મિત્રો. ઘરના પૈસા કાઢીને એ કલાનો પ્રચાર કરવાનું કામ કરતા. એમણે એ જમાનામાં ‘વીસમી સદી’ નામના રંગીન અને સચિત્ર સામાયિકની યોજના ઘડી. સાથે લીધા કલાગુરુ રવિશંકર રાવળને. સામયિકનું બધુ ટેકનિકલ કામ લંડનમાં કરાવેલું. ‘વીસમી સદી’માં પાને પાને ચિત્રો. એક એક કવિતા કે ગીતને રવિશંકર રાવળની પીંછીંનો લાભ મળતો. ટૂંકમાં, હજુ આજે પણ પ્રગટ નથી થતું એટલું સુંદર સામયિક હાજીમહમ્મદે નેવું વર્ષ પહેલા પ્રગટ કરેલું. અહીંથી આગળની વાત દિલ તૂટી જાય એવી છે. ઘર બાળીને તીરથ કરવાની વાતમાં હાજીમહમ્મદે પોતાના બધા પૈસા ગુમાવ્યા, ઘર ગુમાવ્યું અને દેવું કર્યું તે અલગ. 1921માં એમના ગયા પછી ‘વીસમી સદી’ બંધ થઈ ગયું.

પણ ‘વીસમી સદી’ની જે ધૂણી હાજી મહમ્મ્દે ધખવેલી તે ખાલી ગઈ નહીં. એમાં તૈયાર થયેલા રવિશંકર રાવળે ‘વીસમી સદી’ પરથી પ્રેરણા લઈ નવું સામાયિક અમદાવાદમાં ચાલુ કર્યું. અને તે માસિક તે ગુજરાતી સાહિત્યનો મોભ – ‘કુમાર’.

આ આખી વાત આજે એટલા માટે લઈને બેઠો છું કે ‘વીસમી સદી’ હવે આપ બધા માણી શકો છો. હા, ‘વીસમી સદી’ના બધા અંક હવે ઈંટરનેટ પર ઉપલબ્ધ છે ! નવનીતલાલ શાહ, રજનીકુમાર પંડ્યા અને ધીમંત પુરોહિતે મળીને ‘વીસમી સદી’ને છાજે એવી સરસ વેબસાઈટ બનાવી છે. એના પર આપ ‘વીસમી સદી’ના બધા અંકો એના મૂળ કલેવરમાં જોઈ શકો છો. લેખકના નામ કે ચિત્રકારના નામ પ્રમાણે બધી રચનાઓ ઝડપથી શોધી શકો એવી સગવડ પણ કરી છે. આ વેબસાઈટ જોઈને તમે મોંમા આંગળા ન નાખી જાવ તો પૈસા પાછા ! અને હા, ‘વીસમી સદી’ વાંચો ત્યારે હાજીમહમ્મદ અને એમની દરિયાદિલીને યાદ કરવાનું ચૂકશો નહીં.

(હાજી મહમ્મદ અલ્લારખાનું ચિત્ર: રજની વ્યાસ)

Comments (5)

ગુજરાતી યુનિકોડ માટે સોનાનો સૂરજ !

તમે સંદેશની નવી વેબસાઈટ જોઈ ? ના જોઈ હોય તો ભલા માણસ અત્યારે જ તરત જુઓ. ગુજરાતી ભાષાની ‘એસ્ટાબ્લીશ્ડ ન્યૂઝપેપર’ વેબસાઈટમાંથી આ પહેલી જ વેબસાઈટ છે કે જે સંપૂર્ણપણે યુનિકોડમાં બનવી છે. મારા જેવા યુનિકોડના આશિકને આ જોઈને એક શેર લોહી તો તરત ચડી ગયું !

આ એક છાપાએ શરૂઆત કરી એટલે એક પછી એક બધાને યુનિકોડનું મહત્વ સમજાશે. ( યુનિકોડની બે મુખ્ય સગવડો એટલે 1. કોઈ પણ કોમ્પ્યુટર પર સુલભ અને 2. સરળ રીતે શોધી શકાય ) ગુજરાતીને વેબ પર વિસ્તરતી જોવી હોય તો યુનિકોડ સિવાય કોઈ આરો નથી એ બધાને ખ્યાલ આવશે. હવે એક પછી એક વેબસાઈટ હવે યુનિકોડમાં આવતી જ જવાની. આજનો દિવસ ખરેખર ગુજરાતી યુનિકોડ માટે સોનાનો સૂરજ લઈને ઊગ્યો છે એમાં કોઈ શંકા નથી. જય ગરવી ગુજરાતી ! જય ગરવી યુનિકોડ !

Comments (6)

હવે ગુજરાતીમાં યાહૂ !

1999-98માં મહીનાના એક લેખે ગુજરાતી પોર્ટલ ચાલુ થતા’તા. ગુજરાતથી દૂર બેઠેલા બધા ગુજરાતીને વેબ ઉપર ચમકતી જોઈને ખૂશ થતા. કમનસીબે એ બધા પોર્ટલો અને વેબસાઈટ ધીમે ધીમે ‘અવસાન’ પામ્યા. આનંદની વાત એ છે કે છેલ્લા થોડા વખતથી ફરી આ આખી ‘ઈંડિક વેબ’ની વાત જોર પકડવા માંડી છે.

મોટી મોટી કંપનીઓને ખ્યાલ આવ્યો છે કે હવે વધારેને વધારે વાંચકો જોઈતા હોય તો એમણે વાચકોની પોતાની ભાષામાં ‘વાત’ કરવાનું શીખવું પડશે ! આ વાતની એક નંબરની સાબિતી રૂપે યાહૂએ ભારતીય ભાષાઓમાં વેબસાઈટો શરૂ કરી છે એ છે. એમાથી એક છે યાહૂ ગુજરાતી. એક પછી એક મોટી કંપનીઓ હવે ગુજરાતીમાં આવતી જ જવાની. ગૂગલ પણ ભારતીય ભાષાઓમાં પોતાની રજૂઆત થોડા સમયમાં કરશે એવી વાત છે. આ બે કંપનીઓ આવે તો એમ.એસ.એન. પણ આવશે. ગુજરાતી ભાષા માટે આ બહુ સારા સમાચાર છે.

યાહૂ ગુજરાતીને પોતાનો સાહિત્ય વિભાગ પણ છે. એમા એક રસપ્રદ લેખ રમેશ પારેખ વિષે છે એ ખાસ જોજો. લયસ્તરોના વાંચકોને તરત ખ્યાલ આવશે કે આ લેખ યાહૂએ લયસ્તરો પરથી લઈને જ ત્યાં મૂક્યો છે ! એ લેખ મૂળ વિવેકે લખેલો છે અને એ તમે અહીં જોઈ શકો છો. અમે યાહૂને જણાવ્યું છે એટલે આશા રાખીએ કે તમે થોડા વખતમાં વિવેકનું નામ લેખક તરીકે ત્યાં જોઈ શકશો !

અને સૌથી આનંદની વાત કરવની તો રહી જ ગઈ. યાહૂ ગુજરાતી યુનિકોડમાં છે ! એટલે ફોંટની કોઈ ઝંઝટ જ નહીં.

Comments

શીતલ સંગીત : નેટ પર ચોવીસે કલાક ગુજરાતી સંગીતનો વરસાદ

અત્યાર સુધી અહીં અમેરિકામાં રેડિયા પર ગુજરાતી ગીતો સાંભળવાની ઈચ્છા થાય તો એનો એક જ ઉપાય હતો – ટિકિટ કપાવીને ઈંડિયાની વાટ પકડવી ! પણ હવે એક બીજો ઉપાય પણ છે – શીતલ સંગીત નેટ રેડિયો.

કેનેડાથી પ્રસારિત થતું આ નેટ રેડિયો સ્ટેશન ચોવીસે કલાક ગુજરાતી કાર્યક્રમો પીરસે છે. ગુજરાતી ગીત-ગઝલથી માંડીને હાસ્ય કલાકારોના કાર્યક્ર્મો તમે શીતલ સંગીત પર માણી શકો છો. તમને મનગમતા ગીતની ફરમાઈશ પણ બને ત્યાં સુધી શીતલ સંગીત પૂરી કરે છે. એમની વેબસાઈટ પર ગુજરાતી સંગીત કલાકારોનો પરિચય પણ મૂક્યો છે એ સોને પે સુહાગા જેવી વાત છે.

તા.ક. : આ વખતના ચિત્રલેખામાં શીતલ સંગીત પર લેખ આવ્યો છે એ લેખ તમે અહીં વાંચી શકો છો. ( આભાર, જયશ્રી અને ઊર્મિ ! )

Comments (15)

Page 1 of 3123

Powered By Indic IME