તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
– નેહા પુરોહિત

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રુબાઈયાત

રુબાઈયાત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




રૂબાઇયાત – ઓમર ખય્યામ (અનુ.: રૂસ્તમ યે. ભાજીવાલા)

ગર આવે તું મુજ સાથ કોઈ જંગલ અંદર,
લીલોટરીથી ભરપુર કોઈ વેરાણ સુંદર;
ત્યાં શાહ ને ગડા બે જણાએ એક શાંન,
તો જ પાદશાહતના દુઃખોની બુજાએ કદર.

કોઈ સુખ સમજે છે દુનિયામાં બનવે જરદાર,
કોઈ મુફલીશ રહી જીન્નત પર રાખે છે આધાર;
ગુમરાહ બીગાના એ બન્ને ખરા !
ફક્ત સંતોષમાં જ રહ્યાં છે સુખ ને કરાર.

ગર મલે તુંને રહેવા એક ભાંગું મકાન,
ને ખાવાને દરરોજ ફક્ત સુકી એક નાન;
ના ગુલામ કોઈનો હોય તું, ન કોઈ તારો શેઠ,
તો તુજ સમ સુખી નહીં બીજો ઇનશાન.

આ દુન્યાને સમજું છું એક જુન્ની સરાઈ,
રહ્યો નહીં જ્યાં કાયમ કોઈ મુસાફીર ભાઈ;
શાહ ને સુલતાનો બી લાખો હજાર,
આવ્યા ને રહ્યા ને ગયા તનાઈ.

ઓ ખુદા વાસ્તે આટલું તું માનજે જરૂર
ને ફરેબીના સાહ્યાથી રેજે ભાઈ દૂર;
આ દુન્યાના તકલાદી સુખને ખાતર,
હરગીઝ ન ગુમાવીસ અમરગીનું નુર

– ઓમર ખય્યામ
(અનુ.: રૂસ્તમ યે. ભાજીવાલા)

ઓમર ખય્યામની રૂબાઈઓના અનેક અનુવાદો થયા છે. અંગ્રેજીમાં એડવર્ડ ફિટ્ઝગેરાલ્ડનો અને આપણે ત્યાં શૂન્ય પાલનપુરીનો અનુવાદ વિખ્યાત છે. પણ શું આપણે જાણી છીએ કે લગભગ સો વર્ષ પહેલાં ૧૯૨૭ની સાલમાં આ રૂબાઈઓનો અનુવાદ આપણે ત્યાં એક પારસી બાવાએ પણ કર્યો હતો? રૂસ્તમ ભાજીવાલાના અનુવાદમાંથી ચાર રૂબાઈ લયસ્તરોના ભાવકો માટે રજૂ કરીએ છીએ.

પહેલી નજરે અટપટી જણાતી પારસી ગુજરાતી ભાષાની મીઠાશ જરા ધ્યાન આપતાંવેંત હૈયાને સ્પર્શી જશે.

જંગલની અંદર, જ્યાં જંગલ એટલું ગાઢ હોય કે રણ સમું વેરાન લાગે, એવી જગ્યાએ રાજા અને રંક બંને એકસમાન છે. આવી જગ્યાએ જ્યાં રણ અને જંગલ એક થાય છે, ત્યાં તું જો મારી સાથે આવે તો તને પાદશાહના દુઃખોની કદર થશે.

કોઈને લાગે છે કે પૈસાદાર બનવું જ દુનિયાનું ખરું સુખ છે તો કોઈ મુફલિસ રહીને સુખ માટે સ્વર્ગ પર આધાર રાખે છે; પણ આ બંને ખરેખર ગુમરાહ અને બેગાના છે, કેમ કે હકીકતમાં તો સંતોષમાં જ ખરા સુખશાંતિ રહ્યાં છે.

ભલે રહેવાને એક ભાંગ્યું મકાન હોય ને ખાવાને રોજ એક સૂકું નાન મળે, પણ અગર તમે કોઈના ગુલામ ન હો અને કોઈ તમારો શેઠ ન હોય તો તમારા જેવો સુખી બીજો કોઈ ઇન્સાન નથી.

આ દુનિયા એક જૂનું મુસાફરખાનું છે, જ્યાં કોઈ મુસાફર કાયમ રહેવાને આવતો નથી. લાખો હજાર બાદશાહો અને સુલતાનો પણ આવ્યા, રહ્યા અને ચાલ્યા ગયા. આપણે સહુ પળ-બે પળ અહીં રહેવાનાં છીએ.

ખુદાને ખાતર પણ તું ધોખા-ફરેબીના પડછાયાથી દૂર રહેવાની આ સલાહ માનજે. આ દુનિયાનું તકલાદી સુખ મેળવવા માટે સ્વર્ગનું નૂર હરગીઝ ગુમાવીશ નહીં.

Comments (3)

રુબાઈયાત – ઓમર ખય્યામ

Look not above, there is no answer there;
Pray not, for no one listens to your prayer;
NEAR is as near to God as any FAR,
And HERE is just the same deceit as THERE.

Allah, perchance, the secret word might spell;
If Allah be, He keeps His secret well;
What He hath hidden, who shall hope to find ?
Shall God His secret to a maggot tell?

So since with all my passion and my skill,
The world’s mysterious meaning mocks me still,
Shall I not piously believe that I
Am kept in darkness by the heavenly will ?

And do you think that unto such as you,
A maggot minded,starved, fanatic crew,
God gave the Secret, and denied it to me?-
Well,well, what matters it ! believe that too.

– Omar Khaiyyam [ translation – Richard Le Gallienne ]

હેતુપૂર્વક ગુજરાતી અનુવાદ નથી કરતો, કારણ કે એક અનુવાદ પર્શિયનમાંથી થઇ ચૂક્યો છે. જેટલા અનુવાદ થાય તેટલું સત્વ ઘટતું જતું હોય છે. જયારે જયારે ખય્યામની આ રચનાઓ વાંચી છે ત્યારે ત્યારે મારુ તેઓ માટેનું માન વધતું જાય છે…..સૂફી પરંપરા આમ પણ બળવાખોરી માટે જાણીતી છે, અને અહીં તો કવિ અંતિમ બળવો કરી રહ્ય છે. તમામ ઓથોરિટીને ખુલ્લેઆમ લલકારે છે…. અંગ્રેજી સરળ છે- ભાવાર્થ પ્રત્યેક ભાવક પોતાની રીતે સમજે એ જ ઉચિત છે, પણ સૂર એકદમ સ્પષ્ટ છે. ખય્યામ શબ્દો ચોર્યા વિના બધું જ કહી દે છે…..

Comments (5)

પ્રત્યેક ક્ષણને જીવી લો – ઓમર ખય્યામ

“Ah, make the most of what we yet may spend,
Before we too into the Dust descend;
Dust into Dust, and under Dust to lie
Sans Wine, sans Song, sans Singer, and–sans End!

Alike for those who for To-day prepare,
And those that after some To-morrow stare,
A Muezzin from the Tower of Darkness cries
“Fools! your Reward is neither Here nor There.”

ધૂળ-માટીનો દેહ ધૂળમાં મળે તે પહેલાં પ્રત્યેક ક્ષણને જીવી લો, નહિતર એક અંતહીન અવસ્થામાં સરી જશો જ્યાં ન તો ગાન છે,ન તો પાન છે, ન તો ગાયક છે….. આવતીકાલની તૈયારીમાં આજ ને કુરબાન કરનારાઓ ! બાંગીનો પોકાર સાંભળો – ‘ મૂરખાઓ ! તમે સઘળું ગુમાવી રહ્યા છો ! ‘
[ભાવાનુવાદ]

― Omar Khayyám

ક્રાંતિકારી વાત છે- બે પ્રમુખ ધર્મ-ખ્રિસ્તી અને ઇસ્લામ-ની પાયાની વાત એ છે કે આ જન્મમાં જો તમે હસતા મ્હોએ દુઃખ સહેશો અને ધર્મમય જીવન ગાળશો તો તમને સ્વર્ગ પ્રાપ્ત થશે. અર્થાત એક પ્રકારની લોભામણી આશા અપાય છે કે જે છેતરામણી પણ હોઈ શકે. મૃત્યુપશ્ચાતનું જીવન કોઈએ જોયું નથી. ઓમર ખય્યામ કે જે સૂફીસંત હતા, તેઓ સીધી જ વાત કરે છે- આવતીકાલની તૈયારીમાં આજ ને ગુમાવનારાઓ ! તમે બધું જ ગુમાવી રહ્યા છો !!!!!

Comments (3)

બંધ – ઉમર ખૈયામ, અનુ. શૂન્ય પાલનપુરી

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમર ખૈયામ
અનુ. શૂન્ય પાલનપુરી

Comments (9)

એક રુબાઈની લાંબી સફર : ઉમર ખૈયામ, શૂન્ય અને ફિટ્ઝેરાલ્ડ

તુંગી મય-ઈ-લાલ ખ્વાહમ ઓ દિવાની
સાદ-ઈ રમકી બાયદ ઓ નિસ્ફ-ઈ-નાની,
વાંગહ મન ઓ તુ નિશાસ્તા દર વિરાની,
ખૂવશ્ત બુવદ અઝ મામલાકત-ઈ-સુલ્તાની.

– ઉમર ખૈયામ

( એક લાલ મદિરાની સુરાહી અને કવિતાનું એક પુસ્તક હું ઈચ્છું છું. શરીર અને આત્માને સાથે રાખવા માટે રોટીનો એક ટુકડો પર્યાપ્ત છે. પછી હું અને તું બેઠા હોઈએ આ વિરાનમાં. આ સ્થિતિ કોઈ સુલતાનની સલ્તનત કરતા પણ વધારે આનંદદાયક હશે. અનુવાદ: બકુલ બક્ષી)

એક રોટી ઘઉંની, એક શીશામાં અંગૂરી અસલ,
શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ;
ભલભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે,
ભોગવું છું વાસ્તવમાં ઐશ હું એવો વિરલ.

– શૂન્ય પાલનપુરી

Here with a loaf of bread beneath the bough
A flask of wine, a book of verse, and Thou,
Beside    me   singing   in   the  wilderness –
And      wilderness     is     Paradise   now !

– Edward FitzGerald

ઉમર ખૈયામની અતિ પ્રસિદ્ધ રુબાઈના આ ત્રણ સંસ્કરણ છે. કહે છે તમારી દરેક કવિતામાં માના દૂધનો સ્વાદ હોય છે. એટલે કે તમે જે વાતાવરણમાં ઉછરેલા હો એ વાતાવરણની અસર હંમેશ કવિતામાં દેખાવાની જ. ખૈયામની સલ્તનત ફિટ્ઝેરાલ્ડની કવિતામાં paradise બની જાય છે. જ્યારે ‘શૂન્ય’ની પ્રિયા તો ગઝલને વીણા પર વગાડે છે ! એક કવિતા કઈ રીતે સમય અને સંસ્કૃતિના પરિબળોથી બદલાય છે – અને છતાં ય એનો મૂળ વિચાર એટલો જ મોહક રહે છે – એનું આ સરસ ઉદાહરણ છે.

Comments (8)

કૂંચી – શૂન્ય પાલનપુરી

પ્રેમ  કાજે,   પ્રેમ  દ્વારા,   પ્રેમ  કેરા  ટાંકણે,
સર્જકે  મુજ  શિલ્પ  કંડાર્યું  જીવનના આંગણે;
દિલને ઘડતાં રજ ખરી એનાથી જે કૂંચી બની,
કામ   લાગી   જ્ઞાનના   ભંડાર   કેરા  બારણે.

– શૂન્ય પાલનપુરી

Comments (5)

રુબાઈ – શૂન્ય – ખૈયામ

બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,
છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;
કોઈની આંખોથી આંખો મેળવી, પીતો રહે,
દિલના અંધેરા ઉલેચી, રોશની પીતો રહે.

– ખૈયામ – શૂન્ય પાલનપુરી

Comments (2)

રુબાઈ – ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું;
વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.

*

ડંખ દિલ પર કાળ-કંટકના સહન કીધા વગર,
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર;
કાંસકીને જો કે એના તનના સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રુયાની જુલ્ફ પર.

*

એમ લાગે છે કે આ કુંજો પણ ખરો પ્રેમી હશે,
કો સનમની રેશમી જુલ્ફોનો એ કેદી હશે;
હાથ આ રીતે વળે ના ડોક પર કારણ વિના,
યારની ગરદનનો મારી જેમ એ ભોગી હશે.

*

અ સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ,
બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ;
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ,
થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.

-હકીમ ઉમર ખૈયામ નીશાપુરી

ઈસવીસનની અગિયારમી સદીમાં ઈરાનમાં થઈ ગયેલા ઉમર ખૈયામની રુબાઈયાત આજે પણ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં મોખરે સ્થાન પામે છે. એમનું મૂળ નામ ગ્યાસુદ્દીન ફત્હ ઉમર. ખૈયામ એમનું તખલ્લુસ. ખૈયામનો એક અર્થ તંબુ સીવનાર પણ થાય છે. (એમના પૂર્વજોનો એ ધંધો હતો). જન્મ ઈરાનના ખોરાસન મુકામે નીશાપુર ગામે. યાદદાસ્ત તીવ્ર. જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, વાયુશાસ્ત્રમાં નિષ્ણાત. સુલતાન જલાલુદ્દીન મલેક શાહના દરબારમાં રાજજોષી તરીકે રહ્યા. હિજરી સન ૫૦૬માં પ્રાર્થનાના શબ્દો હોઠ પર રાખીને ૧૦૯ વર્ષની વયે દેહત્યાગ. એમની રુબાઈઓમાં ઈશ્વરીય પ્રેમ અને જીવન જીવવાની ફિલસૂફી સાકી, સનમ, શરાબના પ્રતીકો બનીને ઉપસી આવે છે.

આજે ‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે એક તરફ રૂમીની દાર્શનિક રુબાઈઓ માણીએ અને બીજી તરફ ખૈયામની પ્રણયોર્મિથી ચકચૂર રુબાઈઓનો ગુલાલ પણ કરીએ. શૂન્ય પાલનપુરીએ એમની રુબાઈઓના કરેલા અનુવાદ વિશે એવું પણ કહેવાય છે કે જો ઉમર ખૈયામ પોતે આ અનુવાદો વાંચે તો પોતાની તમામ રુબાઈઓ શૂન્યને જ અર્પણ કરી દે.

Comments (5)

રુબાઈઓ – રૂમી (અનુ. સુરેશ દલાલ)

અગ્નિથી જ ઝાળ લાગે એવું નથી હોતું.
જ્યારે તું એકાએક મારે બારણેથી
ચાલ્યો જાય છે ત્યારે
મને ઝાળ લાગે છે.
જ્યારે તું આવવાનું વચન આપે છે
અને આવતો નથી
ત્યારે હું એકલવાયી અને ઠંડીગાર થઈ જાઉં છું.
હિમ પાનખરમાં જ દેખાય એવું નથી.

*

જો મેં જાણ્યું હોત કે
પ્રેમ આટલો જંગલી છે
તો મેં પ્રેમના મકાનના દરવાજા
બંધ કરી દીધા હોત !
પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
પણ હું મકાનમાં છું… અસહાય…

*

તારા હૃદયથી
મારા હૃદય સુધીનો એક રસ્તો છે
અને મારું હૃદય એ જાણે છે,
કારણ કે એ જળ જેવું સ્વચ્છ અને શુદ્ધ છે.
જ્યારે જળ દર્પણ જેવું સ્થિર હોય
ત્યારે જ એ ચંદ્રને જોઈ શકે, ઝીલી શકે.

*

તારા ઉઘાડા પગ જ્યાં ચાલે છે
ત્યાં મારે પહોંચવું છે,
કારણ એવું પણ બને
કે તું પગ મૂકે એ પહેલાં
જમીનને જુએ પણ ખરો.
મને જોઈએ છે એ આશીર્વાદ.

*

તારે માટે મને જે પ્રેમ છે
એમાં જ હું આ રીતે મરીશ.
જેમ વાદળોના ટુકડાઓ
સૂર્યપ્રકાશમાં ઓગળી જાય, એમ.

*

પ્રેમ,
એક એવી જ્વાળા છે
કે જ્યારે એ પ્રકટે છે
ત્યારે બધું જ બાળી નાખે છે.
કેવળ રહે છે ઈશ્વર.

– મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી
(અનુવાદ: સુરેશ દલાલ)

તેરમી સદીના પર્શિયન ભાષાના સૂફી કવિ મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી સાચા અર્થમાં કવિતા જીવી ગયા, કવિ હોવાના અહેસાસના કોઈ પણ બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. શ્રી સુરેશ દલાલ “હું તો तमने પ્રેમ કરું છું” નામના અદભુત પુસ્તકરૂપે એમની રુબાઈઓનો અમૂલ્ય અનુવાદ આપણા માટે લઈ આવ્યા છે. આ પુસ્તક પ્રગટ થયાના પાંચ વર્ષ મોડું કેમ હાથમાં આવ્યું એનો જ વસવસો છે…

આજે ‘વેલેન્ટાઈન ડે’ના અવસર પર ‘લયસ્તરો’ના પ્રેમીઓ માટે મહાસાગરના કયા મોતીઓ -રુબાઈઓ- પસંદ કરવા અને કયા છોડવા એ જાણે પ્રાણપ્રશ્ન બની ગયો. નાની-નાની રુબાઈઓના સ્વરૂપે અહીં ચારે તરફ ઈશ્વરીય પ્રેમનો અખૂટ ખજાનો ભર્યો પડ્યો છે. આ રુબાઈઓ જેટલી સરળ ભાસે છે, એટલી જ અર્થગહન છે. એને પોતપોતીકી સમજણ મુજબ જ મમળાવીએ…

(રૂમી: જન્મ: ૩૦-૦૯-૧૨૦૭, બાલ્ખ, અફઘાનિસ્તાન ~ મૃત્યુ: ૧૭-૧૨-૧૨૭૩, કોન્યા, તુર્કી)

Comments (3)

રમવું જોઈએ – ઉમર ખૈયામ અનુ.’શૂન્ય’ પાલનપુરી

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની  ચોપાટ  છે  ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ   પડતા   જાય   એમ  રમવું જોઈએ !

– ઉમર ખૈયામ
( અનુ.’શૂન્ય’ પાલનપુરી )

Comments (4)

રુબાઈયાત -ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

Comments (5)