ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શોભિત દેસાઈ

શોભિત દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મિચ્છામિ દુક્કડમ્ – શોભિત દેસાઈ

પહોંચી હો જો હાનિ તો હવાની માફી માગે છે
બધાં પંખીઓ સાંજે ઊડવાની માફી માગે છે

ન કોઈ છેતરાયું, કાફલો નીકળ્યો બહુ ચાલાક
સૂરજ, મોઢું વકાસી ઝાંઝવાની માફી માગે છે

તમે નીકળી ગયાં જ્યારે અમે ચૂકી ગયા ત્યારે
નયન, એ પૂરતું બિડાઈ જવાની માફી માગે છે

નથી આવ્યું કોઈ ના આવવાનું છે કોઈ ક્યારેય
દરદ છે જાનલેવા, ખુદ દવાની માફી માગે છે

બહાર આવ્યા તો જાણ્યું, જન્મટીપની કેદ બહેતર છે
બધા કેદીઓ ભાગી છૂટવાની માફી માગે છે

જે આવ્યો છે, નથી શું એ કે જેની રાહ જોઈ’તી?
આ ભીલડી કેમ બોરાં ચાખવાની માફી માગે છે?

ભૂરા કે લાલ બદલે ચોપડે ચીતરાય કાળો રંગ
સ્વયમ્ લક્ષ્મી હવે તો શ્રી સવાની માફી માગે છે

તમે આવ્યાં નથી સપનામાં, તો આ અડધી રાતે કોણ
બહુ મોડેથી માફી આપવાની માફી માગે છે?

– શોભિત દેસાઈ

આજે એક તરફ ગણેશ ચતુર્થી અને બીજી તરફ જૈન સંવત્સરી… વરસ આખા દરમિયાન કોઈને પણ કોઈપણ રીતે મનદુઃખ પહોંચાડવાનું થયું હોય તો આજે માફી માંગીને હૈયું હળવું કરવાનો દિવસ છે… હૈયાના સમભાવને ગઝલના માધ્યમથી વાચા આપવાથી વધુ રૂડું તો બીજું શું હોય?

જૈન સંવત્સરી પર્વ નિમિત્તે લયસ્તરોના તમામ કવિમિત્રો તથા ભાવકમિત્રોને અમારા મિચ્છામિ દુક્કડમ્…

સહજ, સરળ પણ નખશિખ આસ્વાદ્ય.

Comments (4)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

યાદગાર મુક્તકો : ૦૬ : બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, શોભિત દેસાઈ, સંદીપ ભાટિયા

રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ખાલીપણાનું એટલે કે શૂન્યતાનું એટલે કે એકલતાનું એટલે કે ન-હોવાપણાનું આ મુક્તક છે.  રેતીનું એક જ કામ તે ખરવું – પણ તે એ કરતો નથી. એકલતાને પોતાની મનગમતી ચીજોથી આસાનીથી ભરી દઈ શકાય – પણ એ ભરતો નથી. પડછાયો તો માત્ર અનુસરવાનું જ કામ કરી શકે – પણ પડછાયાના ઘાથી એ પણ બચી શકતો નથી. ને સૌથી મોટો અફસોસ – આ બધી રિક્તતા વચ્ચે પણ એ મરતો નથી. મરણ તો બહુ સહેલો જવાબ છે, અને સાહેબ, અમારો દાખલો તો એનાથી બહુ વધારે અઘરો છે!

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.

-બકુલેશ દેસાઈ

ન લખી શકવાની અવસ્થા પર લખાયેલું બેનમૂન મુક્તક. અનુભૂતિનો વરસાદ પણ છતાં કવિ છે કોરા ને કોરા. શાહીની તો રીતસર હેલી છતાં કવિને પોતાનો અવાજ મળતો નથી. પોતાનો અહમ જ પોતાના અસ્તિત્વને ડૂબાડવા બેઠો હોય તો પછી સર્જનની હોડી તરાવવાનો ફાયદો પણ શું છે?

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

મૃત્યુ જેવા વિષય પર પતંગિયાની પાંખ જેવું નાજુક મુક્તક. મૃત્યુ એટલે ‘વિસ્મરણમાં ઝૂલવું’ અને ‘હોવાની કેદનું ખૂલવું’ – આનાથી વધારે સુંદર વ્યાખ્યા કઇ હોય શકે ?

શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં

– સંદીપ ભાટિયા

અને છેલ્લે મારું અતિપ્રિય મુકતક. જીવનને સરળ કરી દેવાની અકસીર જડીબુટ્ટી. આંઠ શબ્દોમાં જાણે આખો પ્રસન્ન-ઉપનિષદ. આને સમજાવવાની ગુસ્તાખી કરું તો સમૂળગો પાપમાં જ પડું ને?

Comments (6)

આદમખોરની માફક – શોભિત દેસાઈ

ત્વચા પર રાતે મોકો શોધું છું હું ચોરની માફક
અને આ સ્પર્શ જાણે ભૂખ્યા આદમખોરની માફક

ક્ષણો આવે, લઈને ઈન્તઝારી, પાછી ચાલી જાય…
સમય વીતે છે બોટાઈ ગયેલા બોરની માફક

નથી હલચલ કોઈ પણ, ખાસ જેને કહી શકાય, એવી…
હવે મન થઈ ગયું છે ગ્રીષ્મની બપ્પોરની માફક

પલાળે છે મને વરસાદના છાંટાય આઘેથી
ઊભો છું ક્યારનો ધરતી ઉપર હું થોરની માફક

અહીંથી ત્યાં, ને ત્યાંથી અહીં, કવિ, બદલી વફાદારી-
ચરે છે ઘાસ લીલુંછમ, હરાયા ઢોરની માફક

– શોભિત દેસાઈ

પાંચમાંથી કયા શેર પર આંગળી મૂકવી એ વિમાસણ થઈ આવે એવી સંઘેડાઉતાર રચના.. મનુષ્યની આદિમવૃત્તિ -સેક્સભૂખ-ને દર્શાવતો આવો ઉત્તમ મત્લા ગુજરાતીમાં જડવો એ જ દુર્લભ ઘટના છે. આદમખોર કાફિયો અદભુત રંગછટા સર્જે છે.

શબરીના બોર જેવી એંઠી પણ અધૂરી જ રહેવા જન્મેલી પ્રતીક્ષા વિશેનો શેર પણ ‘એંઠા’ને બદલે ‘બોટાઈ’ શબ્દના કારણે વિફળ પ્રતીક્ષાની તીવ્રતમ ભાવસ્થિતિ સફળતાપૂર્વક જન્માવે છે.

ઉનાળાની બપોરે ખાલી થઈ જતા રસ્તાઓને શૂન્યમનસ્ક અવસ્થા સાથે સાંકળતો શેર પણ અંદાજ-એ-બયાઁની છટાના કારણે ધ્યાનાર્હ બન્યો છે.

છેલ્લા શેરનો કટાક્ષ તો ભઈ, વાહ !

Comments (5)

…ફૂલો છે – શોભિત દેસાઈ

મરકતાં હોય તો લાગે પરીનાં ફૂલો છે
અરે ! શિશુઓ છે ? કે જિંદગીનાં ફૂલો છે

એ ઓળખાય ભલે નભમાં કોઈ પણ નામે
જે ટમટમે છે તરલ, ચાંદનીનાં ફૂલો છે

હો ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,
તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો છે ?!

ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા
છબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે !

કરી પસાર પૂરી રાત મહેકની સાથે
ગયું આ કોણ પરોઢે ? કે ભીનાં ફૂલો છે !

ઝિલાતા હોય છે ત્યારે નથી જ જીરવાતા
ગઝલના શેર તો પયગમ્બરીનાં ફૂલો છે

– શોભિત દેસાઈ

કહતે હૈં કિ શોભિત કા હૈ અંદાઝ-એ-બયાઁ ઓર….

Comments (16)

ગઝલ – શોભિત દેસાઈ

આંખમાં ભીનો ભેદ છે કે શું ?
લાગણી પણ સફેદ છે કે શું ?

નીકળે છે પવિત્ર ઉચ્ચારો !
તારું, તે ! નામ વેદ છે કે શું ?

સૂર્યોદય તિમિર લઈ ચાલ્યો,
સીમને એનો ખેદ છે કે શું ?

લીલી ઇચ્છા, ઉદાસી કે આંસુ
બધું સંયમમાં કેદ છે કે શું ?

– શોભિત દેસાઈ

પહેલી નજરે સાવ વિચિત્ર અને નકરા પાટિયાં બેસાડી દીધેલો લાગે એવો મત્લાનો શેર જરા ધ્યાન આપીએ તો ચમત્કૃતિ કાંખમાં ભરી બેઠો છે. આંખમાં ભીનો ભેજ હોય એ જાણીતી વાત છે પણ આ કવિનો શબ્દ છે. જરા સાવધાનીથી કામ લેજો… કવિને આંખનો ‘ભેજ’ નહીં પણ ‘ભેદ’ અભિપ્રેત છે. આંખ અહીં કશાકનો ભેદભાવ જોઈ રહી છે પણ આત્માને આ ભેદ પસંદ નથી માટે આ ભેદ જરી ભીનો થઈ ગયો છે… પણ આ ભેદ છે શા માટે એ તો કહો… જરા ધીરે રહીને સાની મિસરા પાસે જઈએ ત્યાં કવિ આ ભેદ ખોલી આપે છે… લાગણી સફેદ થઈ ગઈ છે માટે… આમ તો સફેદ રંગ શાંતિનો ગણાય પણ આંખમાં ‘ભીનાશ’ અને ‘ભેદ’ જોયા પછી લાગણીનો સફેદ રંગ શાંતિની નહીં પણ કફનની યાદ અપાવે છે. દિલી લાગણીઓ તો હંમેશા રંગ-રંગથી ભરીભરી હોય… પણ લાગણીનું પોત જ ધોળું પડી જાય તો પછી બચે શું?

લાગણીના સૂકાવાની અને આંખના ભીંજાવાની આ અનુભૂતિમાંથી આપણે સહુ પસાર થયાં જ છીએ. પણ આપણી લાગણી જો સાચી હોય તો રહી રહીને પણ આ સફેદી, આ ભીનાશ વિશે પ્રશ્ન તો થવાનો જ. ખરેખર સાચું કે ભ્રમની આશંકા પાસેથી આપણે સધિયારો શોધવાના જ… અને માટે જ કવિ પણ રદીફમાં ‘છે કે શું ?’નો પ્રશ્ન ઊભો કરીને હૃદયભંગ થવા છતાં પોતાની આશા જીવંત રાખે છે…

બાકીના ત્રણ શેર વિશે હું નહીં, હવે આપ વાચકમિત્રો જ વાત કરજો…

Comments (4)

આવે છે ક્યાંથી ? – શોભિત દેસાઈ

બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,
તિમિર ડરતું રહે છે આગિયાથી.

લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી,
મળ્યું છે આભને અંધારું જ્યાંથી.

સુગંધોના, તમે જે મોકલ્યા એ,
લઈ લીધા મેં સંદેશા હવાથી.

અલગ ઊભો રહી જોયા કરું છું,
બધા કયાં જાય છે ? આવે છે ક્યાંથી ?

જનારો ક્યારનો ચાલ્યો ગયો છે,
હવે શો ફાયદો ભેગા થવાથી !

– શોભિત દેસાઈ

પહેલો જ શેર બહુ મઝાનો છે. અલ્પનો પ્રભાવ અલ્પ જ હોય જરૂરી નથી. ઈતિહાસના પાના આ સત્યના ગવાહ છે. ને વળી, અલગ ઊભો રહી… તો એનાથી ચડે એવો શેર છે. સમ્યક થયા સિવાય સર્જક થવું અશક્ય છે.

Comments (10)

ત્યારે આવજે – શોભિત દેસાઈ

શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે.

હમણા તો તું વ્યસ્ત છે પ્રતિબિંબના શૃંગારમાં,
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે.

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર,
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે.

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ,
કાળ-સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે.

હું નહીં આવી શકું મારા અહમને છોડીને,
મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજે.

– શોભિત દેસાઈ

પ્રેમીજનને આવવાનું આહ્વાન કરતી આ ગઝલ મને આજે જ ‘ચહેરાપોથી’ પર વાંચવા મળી… મને લાગ્યું કે જાણે મને પણ આપ સૌની સાથે એને અહીં વહેંચવાનું આહ્વાન મળ્યું ! 🙂

Comments (8)

લઇ આવ્યો – શોભિત દેસાઈ

જરા અંધારનાબૂદીના દસ્તાવેજ લઇ આવ્યો;
અરે! લો આગિયો સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.

‘તમે છો’ એવો ભ્રમ ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શકયાતામાં બસ હું થોડો ભેજ લઇ આવ્યો.

હતી મર્મર છતાં પર્ણો અનુભવતાં’તાં એકલતા,
પવન જઇ રાતરાણીથી મહેકની સેજ લઇ આવ્યો.

પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં હું એ જ લઇ આવ્યો.

– શોભિત દેસાઈ

રંગનું એક ટપકું મેઘધનુષ થઈ જાય અને પછી પ્રસરીને લોહીનો રંગ થઈ જાય … હોઠ એ રીતે આ ગઝલ ગણગણતા થઈ જાય  ઃ-)

Comments (2)

મુક્તક -શોભિત દેસાઈ

હું જ છું પાતાળમાં ને કહેકશાંમાં હું જ છું,
ભાન પણ છું હું જ, નવરંગી નશામાં હું જ છું;
હું છું એવા ભ્રમને હું ભૂંસી રહ્યો છું ક્યારનો,
હું નથી એ નામની અંતિમ દશામાં હું જ છું.

-શોભિત દેસાઈ

નવરંગી નશો… આહાહાહા !!!  🙂

Comments (10)

કોઈ જાણીતો શ્વાસ લાગે છે – શોભિત દેસાઈ

કોઈ જાણીતો શ્વાસ લાગે છે,
એ અહીં આસપાસ લાગે છે.

સાવ લીલો ઉજાસ લાગે છે,
ઓસની નીચે ઘાસ લાગે છે.

જે દિવસભર રહ્યો છે નિર્જન એ,
રાતરાણીનો વાસ લાગે છે.

ગત જનમમાં કૂવો હશે શું અહીં ?
આવીને કેમ પ્યાસ લાગે છે ?

કોયલોના આ તરબતર ટહુકા,
મારાં કાવ્યોના પ્રાસ લાગે છે.

શાંત ઊંડા નદીના પાણીનો,
સાચું કહું તો રકાસ લાગે છે !

પ્હાડ પર વેરવિખેર તડકો છે,
ખીણ તેથી ઉદાસ લાગે છે.

– શોભિત દેસાઈ

નવીન કલ્પનોથી શોભતી શોભિત દેસાઈની રમતિયાળ ગઝલ.

Comments (23)

હું હજી પણ ત્યાં જ ઊભો છું – શોભિત દેસાઈ

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

– શોભિત દેસાઈ

ચોધાર વરસતા વિષાદથી પલળેલી આ ગઝલમાં કવિ એક પછી એક શેરમાં જ્યારે ‘હું હજી પણ ત્યાં જ ઊભો છું’ ઘૂંટે છે ત્યારે હ્રદય પર ચાસ પાડતા હોય એવી લાગણી થઈ આવે છે. પોતાની લાચારીની વાત કવિ તદ્દન નિર્દયતાથી કરે છે. અહીં કોઈ ફરિયાદ નથી, કોઈ કારણ નથી, કોઈ આરો નથી કે કોઈ સહાનુભૂતિ નથી. છે તો માત્ર પલળવા, ચગળવા, કથળવા, બળવા ને છેલ્લે પીગળવાની વાત છે. મીણના પૂતળાઓને આનાથી વધારે કોઈ હક નથી.

Comments (3)

મુક્તક – શોભિત દેસાઈ

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

કોણ જાણે કેમ છેલ્લા થોડા વખતથી મૃત્યુ વિષય પરની વધુ ને વધુ કવિતાઓ હાથે ચડે છે. સાથે જ જુઓ મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે.

Comments (3)

જઈએ – શોભિત દેસાઈ

પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ

Comments (1)