એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for June, 2019
June 29, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી, વિશ્વ-કવિતા
हम अपनी मस्ती में गाया करते हैं
दुनिया वाले आया-जाया करते हैं |
जब भी उनकी यादें मिलने आती है
आँसू अपना धर्म निभाया करते हैं |
तन्हाई पास आकर बैठा करती है,
हम भी उसको शेर सुनाया करते हैं |
– मिलिन्द गढ़वी
મૂળે ગુજરાતી પણ બધી ભાષાને છાતી ફાડીને ચાહી શકે એવો આ કવિ હિંદી ગઝલ પણ કેવી અફલાતૂન કહે છે તે જુઓ! મુક્તકથી થોડી વધારે અને ગઝલથી થોડી ઓછી કહી શકાય એવી માત્ર ત્રણ જ શેરની ગઝલ, ને તોય કેવી સર્વાંગ સંપૂર્ણ! કવિ એની મસ્તીનો માલિક છે. દુનિયા એને ચાહીનેય દખલ ન પહોંચાડી શકે. પહેલો શેર વાંચીએ ત્યારે બાળાશંકરની પંક્તિ યાદ આવ્યા વિના નહીં રહે: ‘નિજાનંદે રહેજે બાલ, મસ્તીમાં મજા લેજે.’
Permalink
June 28, 2019 at 7:39 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
સાંજનો સમય : દરિયાકાંઠો : પાંખ પસારીને ઊડતાં દેવદૂત જેવાં પંખીઓ
પાંખની ઉપર પ્રસરેલું આકાશ અને આંખની નીચે દરિયાનો રંગ
આ દૃશ્ય જોઈ જોઈને એક ક્ષણ હું પંખી થઈ જાઉં છું
ખભાને વળગેલા મારા હાથ પાંખ તો નથી થઈ ગયા ને ?
જોઉં છું મને ક્યાંય ચાંચ તો નથી ફૂટી ને?
થાય છે કે હું મારા ઈંડામાંથી બહાર આવું છું
અને ઊડું છું આકાશમાં મારા કોઈ પંખી સાથે.
સાથે રહીને ઊડવાનો આનંદ ઉઘાડી આપે છે એક નવું આકાશ.
હું સાંજે પાછી વળું છું ત્યારે મારા વૃક્ષમાં આકાશ લઈને આવું છું.
પણ આકાશમાં જાઉં છું ત્યારે આકાશને વૃક્ષ કરી દઉં છું.
કેટલાંય સ્વપ્નોનાં સોનેરી તણખલાં લઈને મેં એક માળો રચ્યો છે
આકાશ અને વૃક્ષની વચ્ચે જે અવકાશ છે એ જ મારો માળો.
સાંજને સમયે પોતાની પાંખ પર ચંચલ આકાશને લઈને ઊડતાં પંખીઓને જોઈ
મારા અસ્તિત્વને એક અર્થ મળે છે અને એ થઈ જાય છે સ્વયં પક્ષીતીર્થ.
– પન્ના નાયક
સાંજનો સમય, દરિયાકાંઠો અને દેવદૂત જેવા પક્ષીઓના ત્રણ ભાગ પાડીને કવયિત્રી કવિતા આરંભે છે. સાંજ એ દિવસ અને રાત વચ્ચેનો સંધિકાળ છે, દરિયો અને આકાશ અને પાણી વચ્ચેનું સંધિસ્થળ છે અને પક્ષીઓની સાથેનો દેવદૂતનો સંદર્ભ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સંધિ-અવસ્થા સૂચવે છે. બે અલગ-અલગ વસ્તુઓ જ્યાં ભેગી થાય છે, ત્યાંથી જ કંઈક નવાની શરૂઆત થાય છે. આ કવિતા આ નવાની કવિતા છે, જીવનનો નવા અર્થ મળવાની કવિતા છે. સંધ્યાકાળે દરિયાકાંઠે ઊભા રહીને આકાશમાં ઊંચે ઊદતા પંખીઓને જોઈને નાયિકા ખુદનું પક્ષીમાં રૂપાંતરણ થતું અનુભવે છે. માણસ પોતાનું કોચલું તોડી શકે તો આખું આકાશ પછી એનું છે. દરેક માણસની અંદર એક પક્ષી છે, જે નિતનવાં આકાશ આંબવા સ્વપ્ન જુએ છે. એ પક્ષીનો સાથ લઈને જે ઘડીએ ઊડવું શરૂ કરીએ, એ ઘડીએ શક્યતાઓનું નવું જ આકાશ સામે ઊઘડી આવે છે.
બીજા ભાગમાં નાયિકા આકાશને વૃક્ષ અને વૃક્ષને આકાશમાં એકાકાર કરી દે છે. સીમિત અને અસીમિતની આ સંધિ જ સ્વપ્નોને નિવાસસ્થાન પૂરું પાડે છે. અસ્તિત્વ પક્ષીતીર્થ થઈ જાય ત્યારે આકાશ પાંખો પર લઈને ઊડી શકાય છે, જીવનનો ખરો અર્થ સાંપડે છે.
આઠ અને છ –એમ બે ભાગ મળીને કુલ ચૌદ પંક્તિના બનેલ આ કાવ્યને ગદ્ય સૉનેટ પણ ગણી શકાય.
Permalink
June 27, 2019 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, સોનેટ
પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ
વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રનાં શુભ્ર રંગ,
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.
ત્યાં તો જાણે જલવિધુ તણાં ચારુ સંયોગમાંથી,
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી ?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે :
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.
– ઉમાશંકર જોશી
(ઑક્ટોબર, ૧૯૨૮)
માત્ર સત્તર વર્ષની વયનો લબરમૂછિયો છોકરો એની જિંદગીની પહેલી કવિતા લખે એ કેવી હોય, કહો તો! મોટાભાગના કવિઓ આ વયે કવિતાના સ્થાને કવિતડાં જ રચતા હોય છે. જ્યારે કેટલાક જન્મજાત ‘ગિફ્ટેડ’ હોય છે. ઉમાશંકરે ૧૭ વર્ષની વયે પહેલી કવિતા લખી, એ પણ મંદાક્રાન્તા છંદમાં સૉનેટ. અને જિંદગીની પહેલી કવિતાની છેલ્લી પંક્તિમાં એમણે સાહિત્યસર્જન માટેનો જે મંત્ર આપ્યો, એ અમર થઈ ગયો…
બ. ક. ઠાકોરે ૧૮૮૮માં ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ લખ્યું, જે આજદિનપર્યંતનુ સર્વશ્રેષ્ઠ સૉનેટ પણ ગણાય છે. બંને સૉનેટમાં થોડીઘણી સામ્યતા નજરે ચડે છે. પચાસ વર્ષ પહેલાં લખાયેલ ઠાકોરના સફળ સૉનેટની લબરમૂછીયા કવિની કવિતા પર અસર હોય એ નકારી ન જ શકાય. બંને સૉનેટ મંદાક્રાન્તામાં લખાયેલા છે, બંને સૉનેટમાં અષ્ટક-ષટક પ્રમાણે વિભાજન થયેલું છે, બંને સૉનેટ કાવ્યસર્જનની પ્રક્રિયાના રહસ્યોનો તાગ મેળવવા મથે છે. બંનેનો પ્રારંભ ધુમસમાં થઈને દેખાતી પ્રકૃતિથી થાય છે. બંનેમાં શાંત જળની વાત છે, હળુ-હળુ વાતા પવનની વાત છે, ચાંદની અને પુષ્પોની સુવાસની વાત પણ છે. બેંને સૉનેટના ષટકની શરૂઆત ‘ત્યાં’ શબ્દથી થાય છે. બંનેમાં નાયક અર્ધનિમિલિત નેત્રે સૂતો છે અને અનાયાસે બંનેના હૃદયમાંથી કાવ્યસ્ફુરણ થાય છે. બ.ક.ઠા. કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એ સમજાવે છે, તો ઉ.જો. પ્રકૃતિ સૌંદર્યનું યથાર્થ પાન કરવામાં આવે તો હૈયું આપમેળે ગીત ગાશે એ સમજાવે છે.
બે સૉનેટની સમાનતાની સરખામણી કરવા પાછળનો હેતુ બેમાંથી એકેયને એક-બીજાથી ચડિયાતાં કે ઉતરતાં સાબિત કરવાનો નથી, ફક્ત બે પ્રથમની વચ્ચે રહેલ સામ્ય તરફ ધ્યાન દોરવું એ જ છે. બંને કૃતિ પોતપોતાના સ્થાને ઉત્તમ જ છે અને બંનેની પોતપોતાની મજા છે…
Permalink
June 26, 2019 at 2:19 AM by તીર્થેશ · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
તમે કહો,
તમને ફૂલ બહુ ગમે –
પણ જ્યારે ફૂલ ખીલે છે
તમે ફૂલ તોડી નાખો છો.
તમે કહો,
તમને વરસાદ બહુ ગમે –
દિવસને અંતે જ્યારે વરસાદ પડે
તમે એનાથી જાત બચાવો છો.
તમે કહો,
દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે
પણ જ્યારે મોટી ડમરી ચઢે
બારી એકદમ બંધ રાખો છો.
હું ભય પામી જાઉં છું ત્યારે
જ્યારે તમે કહો છો,
તમે મને ચાહો છો.
– કાબેરી રાય (બંગાળી)
(અનુ. પ્રીતિ સેનગુપ્તા)
સરળ વાણી…..વેધક વાત. આખી વાત vulnerability ની છે. વેદનાથી બચવા જાત ફરતે કિલ્લો બાંધી બેસે છે મનુષ્ય, વેદનાથી બચે છે કે નહિ તે તો ભગવાન જાણે પણ સાચી લાગણીથી, ક્ષણક્ષણના સૌંદર્યથી, અનિશ્ચિતતાની રોમાંચથી, ભરતી-ઓટની વિવિધતાથી – તમામ જીવન-પ્રસાદથી વંચિત રહી જાય છે તે મનુષ્ય, અને તેની સાથેની વ્યક્તિ વગર લેવેદેવે શહીદ થઇ જાય છે…..
Permalink
June 26, 2019 at 2:01 AM by તીર્થેશ · Filed under ગઝલ, સંજુ વાળા
બહુ બહુ તો એક્ કરું ઈશારો બીજું તો હું શું સમજાવું ?
બની રહે જે ધોરણ – ધારો બીજું તો હું શું સમજાવું ?
હું વણજારો – તું વણજારો બીજું તો હું શું સમજાવું ?
વણજ વિના નહીં આરો-વારો બીજું તો હું શું સમજાવું ?
ઘૂમરાતું ચગડોળ જગત આ તું ‘ને હું સરખા સહેલાણી
ચડ-ઊતર છે નિયમ નઠારો બીજું તો હું શું સમજાવું ?
પોત હશે પાણીનું તારું તો જ શક્યતા બરફ થવાની
નાહક ના વેડફ જન્મારો બીજું તો હું શું સમજાવું?
શબદબીજને શબદનું સિંચન શબદ નીપજ ‘ને સાળ શબદની
શબદ રંગ ‘ને ખુદ રંગારો બીજું તો હું શું સમજાવું?
ચતુર્મુખ ત્રિગુણા ભગવતી હે ભાષા ! તું ભેરે રહેજે
ભીડ પડ્યે સાચો સધિયારો બીજું તો હું શું સમજાવું ?
ઇચ્છાઓ આડી ઊભી છે વળગણથી બોઝિલ છે પાંખો
એમ નહીં સીઝે સંથારો બીજું તો હું શું સમજાવું ?
– સંજુ વાળા
ચોથો શેર જુઓ !! આમ તો બધા જ મજબૂત છે પણ ચોથો સવિશેષ વેધક છે….
Permalink
June 22, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
છીછરા પાણીમાં ડૂબકી મારવા જેવું થશે,
તો મને ઉર્ફે આ લાંબા વાંસને કેવું થશે?
તે ક્ષણે ખૂલી જવા ખુદ પિંજરું તત્પર થશે,
જે ક્ષણે સંપૂર્ણ રીતે સ્વસ્થ પારેવું થશે.
આપને અજવાસને બદલે વિકલ્પી જોઉં તો,
સૂર્યને બદલે તમારું મારા પર દેવું થશે
લોહીના પોલાણમાં વૈશાખના અડ્ડા ઉપર,
બોલ, છાપો મારતાં આષાઢને કેવું થશે?
– મુકુલ ચોક્સી
અનુભૂતિની ગઝલ… એકવાર વાંચો, બે વાર વાંચો, ત્રણવાર વાંચો અને જે અનુભૂતિ થાય એ આ ગઝલની સાચી ઉપલબ્ધિ…
આ મુકુલ ચોક્સી કોઈને ક્યાંય મળી જાય તો તાત્કાલિક જાણ કરવા વિનંતી. ખબર આપનારને ઝોળી ભરાય જાય એટલું મોટું ઈનામ આપવામાં આવશે…
Permalink
June 21, 2019 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ગીત
સા તે ર વિ વા ર
. મારે સાતે રવિવાર,
આખા અઠવાડિયામાં
. સાતે રવિવાર.
. ચાલ્યો હું એક સવારે
. નગરીની ભરી બજારે.
. સામે મળિયો ત્યાં મુજને ક્યાંથી રવિવાર!
. બોલે: ‘જોતો નથી? છે આજે રવિવાર!’
. મારે સાતે રવિવાર.
. બોલું હું: ‘ભાઈ, આજે
. પેલી જો ગુજરી ગાજે
. શુક્રની, હમણાં હું આવું, લાગે નહીં વાર.’
. મારે સાતે રવિવાર.
. ‘જગની ગુજરી આ જોવા
. ચાલ! સમય છે ક્યાં રે ખોવા?
. જીવતર લાધ્યું છે કે ફરી લાધે બીજી વાર!
. ભાઈ, સાતે રવિવાર.
. ‘આળસનો સોમ રસ પી,
. જંગલમાં મંગલ નીરખી,
. બુધની ના રાખ સૂધ તું સાંજ કે સવાર,’
. ભાઈ, સાતે રવિવાર.
. ‘શિષ્યોને ગુરુ કરે જો,
. તારો શુક્રવાર વળે તો,
. શનિને રવિ કરી દઈ વક્રતા નિવાર.’
. ભાઈ, સાતે રવિવાર.
સા તે ર વિ વા ર
. મારે સાતે રવિવાર,
આખા અઠવાડિયામાં
. સા તે ર વિ વા ર.
. રવિ છે સૌ માનવકુળનો સાચો કવિવાર.
. ભાઈ, સાતે રવિવાર,
. મારે સાતે રવિવાર.
– ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશી જેવા અતિગંભીર પ્રકૃતિના કવિ પાસેથી આવું રમતિયાળ ગીત મળે એની મજા જ અલગ. આ ગીત કવિતાના માઇક્રોસ્કોપની નીચે મૂકીને એનું ડિસેક્શન કરવા માટેનું નથી.જીવનમાં ક્યારેક તો દરેકને સોમવાર જાની દુશ્મન જેવો લાગ્યો જ હશે. રોજ રવિવાર હોય તો કેવી મજા એવું સ્વપ્ન કદી જોયું ન હોય એવો કોઈ માણસ હશે ખરો? જો કે ઉમાશંકર મસ્તીના મૂડમાં હોય તોય કવિતાને બાજુએ ભાગ્યે જ મૂકી શકે છે. સાતેય વારોના વ્યવહારુ અર્થોને કવિતામાં પ્રયોજવાનું કવિ ચૂક્યા નથી. ‘સાતે રવિવાર’ના સ્થાને ‘સા તે ર વિ વા ર’ -એમ વચ્ચે એક-એક ખાલી જગ્યા મૂકીને રજાનો અવકાશ શબ્દાનુભૂતિથી કવિ કેવો બખૂબી ચાક્ષુષ કરાવે છે!
Permalink
June 20, 2019 at 12:30 AM by વિવેક · Filed under કાન્ત, ગીત
વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :
પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!
નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :
હરે દૃષ્ટિ, વ્હાલી! સદય મૃદુ તારી જ રુજને!
સદા રે’શે એવી :
સુધાવર્ષા જેવી :
કૃતી માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!
– કાન્ત
મનગમતી એક વ્યક્તિ સાથે તાર જોડાઈ જતાં માણસ દુનિયા સાથે તાર જોડવું નિરર્થક સમજે છે. કોઈકના હૈયામાં વસવાટ કર્યાના આધારે પ્રેમીજન દુનિયાથી પ્રેમ કરતો નથી અને નવા સંબંધો બાંધવાનો સમય જતો કરે છે. પણ આમ એકલવાયા પડવાનો એને કોઈ ઉદ્વેગ પણ નથી હોતો. અર્જુન જેમ પક્ષીની આંખને એમ પ્રેમી માત્ર પ્રિયજનને જ નીરખે છે. પ્રિયાની પ્યારભરી દયાવાન દૃષ્ટિ સર્વ બિમારીઓ પણ હરી લે છે. પ્રણયની આ અમૃતવર્ષા સદાકાળ આવી ને આવી જ રહેશે એવી આસ્થાના લીધે જીવનની પ્રત્યેક ક્ષણ કૃતાર્થતા અનુભવાય છે…
ખંડ શિખરિણી અને શિખરિણીમાં લખાયેલ આ ગીત પ્રેમોદ્ગારની ચરમસીમાને સ્પર્શે છે…
(સદય = દયાળુ; રુજ = બિમારી; કૃતી = કૃતકૃત્ય,ભાગ્યશાળી; પ્રમત્તાવસ્થા= ઉન્મત્તાવસ્થા,પ્રમાદયુક્ત)
Permalink
June 19, 2019 at 3:02 AM by તીર્થેશ · Filed under ગઝલ, નયન દેસાઈ
શ્વાસોની શેરીમાં ઊગેલા શમણાંઓ વીણીને ગાતા ફટાણાં અમે;
સાંકળ સંબંધોની બાંધીને ફરનારા કોઈ નામ વગરના ફલાણા અમે.
સાલો પવન રોજ ઊઠીને ચૂંથે છે મુદડું અમારું, અમે ચૂપ છીએ;
ઘેરી ઉદાસીનું વાગે છે જંતર; કાં છાતીમાં આવી ભરાણા અમે ?
ભીંતોને આવીને અડ્ડો જમાવ્યો તો પડછાયાં રસ્તામાં વેચી દીધા;
ફાટ્ટીમૂઓ સૂર્ય ડંફાસ મારે, પણ એનાથી છઈએ પુરાણા અમે.
બખ્તરના લીરેલીરા થૈ ગયા, ઢાલ ફાટીને ને ભાલાની તૂટી અણી;
પોતાની સાથે જ લડવામાં ડૂબ્યાં કૈં લોહીમાં ઘૂંટણ સમાણા અમે.
અમથું થયું કે ‘જરા લાવ કોરાકટ કાગળ ઉપર કોઈ ગઝલ ગાઈએ’
શબ્દોનો દાવાનળ એવો તો વળગ્યો કે અંગૂઠે સખ્ખત દઝાણા અમે.
– નયન દેસાઈ
Permalink
June 18, 2019 at 9:33 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો ક્યાં ગયાં ?
વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ ક્યાં ગયાં ?
પહાડ પરથી દડદડીને ખીણમાં પડતી સવાર –
ઘાસની કેડીને જઈ પૂછે કે ઝાકળ ક્યાં ગયાં ?
આંખ અશ્રુપાતથી પાલવને કાળો ભીંજવે :
કેમ પૂછે છે સહુ : આંખોનાં કાજળ ક્યાં ગયાં ?
ગંધ તરસી તરફડી રહી છે ફૂલોનાં બારણે –
બાગને ભૂલી પવન સૌ કેમ અસ્તાચળ ગયાં ?
બારણું ખોલું તે પહેલાં તો તમે ચાલ્યાં ગયાં –
મેં તમારા સમ, કરી’તી બહુ ઉતાવળ, ક્યાં ગયાં ?
હું અને મારો વિરહ રણમાં રઝળતાં પૂછીએ –
આપણાં સાથી મૂકીને આમ પાછળ, ક્યાં ગયાં ?
– રમેશ પારેખ
દરેક શેર એક કહાની છે……સમર્થ સર્જકની આ નિશાની છે….ત્રીજો શેર અંતર વલોવી નાખે છે, તો પાંચમો શેર આંખના ખૂણા ભીના કરે છે. છેલ્લો શેર શિરમોર છે – નિ:શબ્દ કરી દે છે….
Permalink
June 15, 2019 at 4:24 AM by વિવેક · Filed under ગીત, મનોહર ત્રિવેદી
બાઈ કિયાં તે કામણ ને કારણે
બારસાખ ઝાલીને ઊભી’તી ક્યારની બે લોચનને ધક્કેલી બારણે
અડાઝૂડ ઝાંખરાંની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી
ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો’ કેડી
ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હુંય કાચી તે અટકળને તાંતણે.
સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ?
લથબથ ભીંજાઈ પ્હેલવેલ્લી : ભીંજાઈ નો’તી આવું હું સોળસોળ શ્રાવણે
— મનોહર ત્રિવેદી
વરસાદ પ્રેમની ઋતુ છે, પણ સોળમા શ્રાવણે અચાનક ભીંજાવાની વ્યાખ્યા જ બદલાઈ જાય છે. મર્યાદા બારસાખથી આગળ વધવા દેતી નથી પણ અટકળના તાંતણે બંધાઈને ષોડશીની આંખો અને મન ઉતાવળે વગડે દોડતાં જાય છે. કોઈક સીમમાં વરસ્યું છે પણ એનું ખેંચાણ ઘરના ઉંબર સુધી પહોંચ્યું છે. પોતાની જાણ બહાર જ નાયિકા કોઈકથી એ રીતે લથબથ ભીંજાય છે, જે રીતે ભીંજાવાનું સોળ વર્ષોમાં કદી બન્યું નહોતું.
મુખડામાં ‘કામણ’ અને ‘કારણે’ની વચ્ચે કવિએ ‘ને’ મૂક્યો છે. છઠ્ઠી વિભક્તિ તરીકે એ લખાઈ જાય તો અર્થ બદલાઈ જાય અને વચ્ચે કવિએ પ્રયોજી છે એ મુજબ જગ્યા રાખવામાં આવે તો અર્થ અલગ થાય છે એ સમજવું જરૂરી છે. પહેલા વિકલ્પમાં ‘કોઈક કામણને કારણે’ની વાત છે, તો બીજા વિકલ્પમાં ‘કામણ અને કારણ’ બન્ને અલગ પડી જાય છે. વાત એની એ જ રહે છે પણ અર્થ બેવડાઈ છે એની મજા છે. ને એક અક્ષરની હેરફેરથી ભાષા કેવું વૈવિધ્ય સર્જી શકે છે એનો પ્રત્યક્ષ દાખલો મળે છે.
Permalink
June 14, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રજારામ રાવળ
આ ઝાલાવાડી ધરતી
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી
અહીં ફૂલ કેવળ આવળનાં
અહીં નીર અધિકાં મૃગજળનાં
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી
જોજનના જોજન લગ દેખો
એક નહીં ડુંગરને પેખો
વિરાટ જાણે કુલ્લી હથેળી સમથળ ક્ષિતિજે ઢળતી
આ તે કોઇ જનમ-વેરાગણ
કે, કો ઉગ્ર તપંતી જોગણ
સન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેશે ઉર મુજ ભરતી
– પ્રજારામ રાવળ
‘વાયુ’ વાવાઝોડું આવી ચડ્યું એના થોડાક દિવસ પહેલાં માત્ર ઝાલાવાડ જ નહીં, દેશ આખાની કદાચ આ જ હાલત હતી…
ઉનાળાના દિવસોમાં ઝાલાવાડની ધરતીની માઠી દુર્દશાનું કવિએ જે વર્ણન કર્યું છે એ કોઈ સમયગાળાનું મહોતાજ નથી. કાંટાળા અને છાંયા રહિત રુક્ષ વૃક્ષસભર આ ધરતી પણ પાણી અધિકતર તો મૃગજળનાં જ જોવાં મળે છે. પણ જે રીતે આ શુષ્ક ધરતી કોઈ સંન્યાસિનીની જેમ કવિનું હૃદય ભરી દે છે એ જ આ ધરતીની સાર્થકતા સૂચવે છે…
Permalink
June 13, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
તું મળે તો ઉજાસ થઈ જાશે
આંખનો પણ વિકાસ થઈ જાશે
ચાલ તારા વિચારમાં આવું
એ બહાને પ્રવાસ થઈ જાશે
એમ માનીને રોજ જીવું છું
કાલે દુનિયા ખલાસ થઈ જાશે
એક દિ’ આ બધાં સ્મરણ તારાં
મારી ગઝલોના પ્રાસ થઈ જાશે
એને મંદિરની બ્હાર ના કાઢો
ખાલી ખોટો ઉદાસ થઈ જાશે
– મિલિન્દ ગઢવી
સાદ્યંત સંતર્પક ગઝલ. પ્રિયતમાના વિચારમાં જવા જેટલાથી પણ પ્રવાસ થઈ ગયો હોવાની વાત તો ગઢવી જ કરી શકે!!
Permalink
June 12, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે
એવું કોઈએ કહ્યું
ત્યારે હું રામકૃષ્ણ લૉજમાં રાઇસ પ્લેટ જમતો હતો
મારે વિચારવું જોઈતું હતું
દીકરો ? કે દીકરી ?
પણ મેં વિચાર્યું
વેઇટર ઠંડી ઠીબરા જેવી ચપાટી મૂકી ગયો છે
સાલો હાડકાંનો હરામી છે અને જીભનો છૂટો
આ વખતે એણે ટીપ ગુમાવી
પણ આજે જયારે મન એકલું છે
અને શાંત પણ
ત્યારે વિચારું છું
એની રૂંવાટી પરનું કાંચન
એણે બાળકની રૂવાંટી પર પણ છાંટ્યું હશે ?
શું એનું બાળક પણ શુભ્ર અને ઉન્ન્તગ્રીવ હશે ?
પછી મૂરખની જેમ વિચારું છું
શું એ બાળકની આંખમાં
મારી વ્યાકુળતાનો અંશ હશે ?
ભઈ શું સમય હતો
કે એકેએક દિવસ
અત્તરની શીશી નહીં
પવાલું લઈને ઊગતો
એની છબી છવાયેલી રહેતી
મારા પૂર્ણ આકાશ પર
વિસ્તારપૂર્વક કહું તો
મધ્ય આકાશમાં કેશ
પૂર્વમાં સાઠ અંશને ખૂણે ભ્રૂકૂટિ
પચાસ અંશ પર આંખો
ત્રીસ પર ઓષ્ઠ
અને ક્ષિતિજે ચિબુક
(પહેલી-પહેલી પ્રેમિકાનું વિરાટરૂપદર્શન
સમજી ગયા ને ?)
એના સુવર્ણ અશ્વત્થમાં [ અશ્વત્થ = પીપળો ]
શતકંઠે કલશોર થતો હતો
એમાંનો હું એક ‘ચીં’ હતો
મારો કશોય સ્વરવિશેષ નહોતો
પણ વૃક્ષને ઘસાઈને
તેજ આવતું
એમાં ઝગમગીને મને આભાસ થતો કે ના
હું પણ દેવચકલી છું સોનેમઢેલ.
જો કે હસવાની વાત તો એ છે મહેરબાન
કે વર્ષો સુધી નજરને
એનો ચહેરો જોવામાંથી જ નવરાશ ન મળી
બંદા એના ચહેરાની ચુંગાલના બંદી હતા !!
(સારો શબ્દપ્રયોગ છે નહીં –
ચહેરાની ચુંગાલના બંદી !)
એ સ્કર્ટ પહેરતી કે પંજાબી ?
કોણી મેલથી કાળી રહેતી ?
કેટલી જોડી ચપ્પલ રાખતી ?
રૂમાલ ખોઈ નાખતી ?
મહીને એક વાર વૅક્સિંગ કરતી ?
ડીઝાઇનર બ્રા પહેરતી ?
પહેરતી કે નહીં ?
મને ખબર નથી, મને ખબર નથી.
એના ચહેરાથી અલાવા મને કોઈ કશી વિગતની ખબર નથી
તંગ સમય હતો
એના ચહેરાના પરિઘ બહાર
લટાર મારવા જઈ શકી
ન દ્રષ્ટિ
ન અટકળ
એવો વિચાર જ ન આવ્યો
કે કરમાતી બપોરે
ગ્રીવાની મ્હેક કેવી ખીલતી હશે ?
વાંસો ઉઝરડાઈ જાય
એવા તીક્ષ્ણ હશે એના ન્હોર ?
કામનાથી ઉદ્દીપ્ત અવાજ
કાળીયાકોશીની જેમ
ફફડતો હશે ?
હાથ ફેરવવા દેતી હશે
સાથળની ખિસકોલીઓ ?
મહેરબાન, સમ ખાવા પૂરતો
આવો વિચાર પણ ન આવ્યો
તોય જલસો હતો સાહેબ !
મુગ્ધ અને પહોળી આંખના દિવસો હતા
ટેકરીએથી તળેટીનાં બળબળતાં જંગલો દેખાય એમ
આજે
એ સ્મરણો આકર્ષક દેખાય છે.
– ઉદયન ઠક્કર
આ કવિ હંમેશા આંખના ખૂણા ભીના કરી દે છે…..આડીતેડી વાતોમાં ઘેઘૂર વેદના છુપાયેલી છે. રજૂઆતની આ પદ્ધતિ આપણે ઘણીવાર પ્રમાણમાં જૂની નવલકથાઓમાં જોઈ છે. પ્રથમ વાંચને સંપૂર્ણ ભેદ ન ખૂલે. બીજી-ત્રીજી વારે દરેક punchline સમજાય…..
Permalink
June 11, 2019 at 7:33 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
સમી સાંજના રંગ ભગવા ઉડાડીને આ કોણ સૂરજને દાટી રહ્યું છે?
પ્રભાતે ઉલેચીને અંધાર સઘળો ફરી કોઈ સૂરજને કાઢી રહ્યું છે!
ખબર છે બધી વૃક્ષને પોટલીમાં શું લાવ્યું ઘણાં વર્ષે આવેલ પંખી,
જુઓ વૃક્ષ રઘવાયું થઈ કૃષ્ણ જેમ જ આ ટહુકાના તાંદુલને ચાખી રહ્યું છે!
તમારી પ્રતીક્ષામાં વાવ્યું’તું એ વૃક્ષ દિવસે ને દિવસે થતું જાય ઉજ્જડ,
તમે એમ કીધું કે, ‘આવું છું મળવા’ તો લાગ્યું કે ફળ કોઈ પાકી રહ્યું છે!
મનાવી, પટાવી અને ફોસલાવી મને લઈ ગયું સુખ ફરવાને બ્હાને,
મેં જોયું મને એકલો સાવ ભેંકાર જગ્યામાં છોડી એ નાસી રહ્યું છે.
ઉપાડ્યાં છે સ્મરણોની રેતીના થેલા અને માર્ગમાં એક લાંબી નદી છે,
હું બેવડ વળી સાવ ચાલું છું તોયે હજી ભાર પીઠે કોઈ લાદી રહ્યું છે.
– અનિલ ચાવડા
ખાસ તો મક્તો જુઓ……!
Permalink
June 8, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જિગર જોષી 'પ્રેમ'
સ્વપ્ન જોયું અદકેરું
કોઇ લખાવી રહ્યું હતું – હું કરતો’તો એ ઘેરું.
અવાજ જેવું કૈં જ હતું નહીં – એનું મૌન પડઘાતું
કશુંક નીકળે આરપાર ને ક્યાંક કૈંક અથડાતું
એકલવાયો દીવો જલતો – નહીં મંદિર નહીં દેરું !
‘નમ: કવિતા’ લખી ને એણે પ્રાણ પૂર્યા કાગળિયે
એવું લાગ્યું હરિએ કીધું : “આવને વ્હાલાં મળીએ.”
આંખ આંજી નાખે એવું દૂર થયું અંધારું
– જિગર જોષી ‘પ્રેમ’
કવિમિત્ર જિગર જોષી પ્રેમ એમનો નવોનકોર ગીત-ગઝલ સંગ્રહ –હથેળીમાં સાક્ષાત્ સરસતી– લઈને ઉપસ્થિત થયા છે… લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત.
સર્જનપ્રક્રિયા વિશે લખવું દરેક સર્જકને પસંદ હોય છે. જિગર પણ હાથ અજમાવે છે. ખુલ્લી આંખે જે દેખી શકાતું નથી એ ઘણીવાર બંધ આંખે અચેતાવસ્થામાં સ્વપ્નરૂપે નજર આવતું હોય છે. એ લખાવે છે અને હું લખું છું એવી વાત જે ઘણા કવિઓ કરી ગયા છે એ જ વાત આ કવિ પણ કરે છે – કોઈ લખાવી રહ્યું હતું, હું કરતો’તો એ ઘેરું. પણ પછી કવિ કેવી મજાની વાત કરે છે. આપણા અવાજ જેવું હકીકતમાં કંઈ છે જ નહીં. જે છે એ માત્ર એના મૌનના પડઘા છે. સર્જન એ એકલવાયો દીવો છે, એને મંદિર કે દેરાની દીવાલોનો કોઈ ખપ નથી. એના ઈશારે કાગળમાં પ્રાણ પૂરાય છે ત્યારે એમ જ લાગે જાણે હરિ ખુદ મળવાનું ઈજન આપતા ન હોય! આમ તો અજવાળું આંખ આંજતું હોય છે પણ સર્જનની વાત અવળી છે. કશું લખાતું ન હોવાનું અંધારું કવિની આંખને વધુ કનડતું હોય છે. ઈશ્વરકૃપાથી એ દૂર થાય અને કવિતાનો પ્રકાશ પથરાય છે…
Permalink
June 7, 2019 at 1:15 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
યાદ આવ્યા તું અને તારી વફા
એટલે મેં હોઠ બે સીવી લીધા.
સાંજ સાથે રોજ ઢળતી એષણા
સૂર્ય ઉગતા રોજની પાછી જફા !
શું કીધું ? એની કથા બેદાગ છે ?
કેટલા ભ્રમ પાળશો રોજે નવા !
એક મિસરો માંડ જ્યાં બોલ્યા અમે
સ્તબ્ધતામાં જઈ સરી આખી સભા
જે રીતે ઘેરે તણખલાને અગન
એ રીતે ઘેરી રહી છે વાહ-વા!
– શબનમ
સરળ અને સહજ. ગઝલમાંથી પસાર થતાં સમજાય છે કે ગઝલ સહજભાવે આવી હશે અને આયાસ ઓછા કરવા પડ્યા હશે, એટલે ટાંકા-ટેભા ઓછા નજરે ચડે છે. વફાની વ્યાખ્યા કવયિત્રી ખૂબ સરસ રીતે બે જ પંક્તિમાં આપે છે : સામું પાત્ર વફા નિભાવી જાણે કે ન જાણે, નાયિકા નિભાવી જાણે છે -બખૂબી…!
Permalink
June 6, 2019 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નિરંજન ભગત
તું હતી સાથમાં!
તું પ્રિયે, રમ્યગાત્રી,
હતી વિજન વનને પથે પૂર્ણિમારાત્રિ,
ને હું અને તું હતાં બે જ યાત્રી,
જતાં હાથ લૈ હાથમાં!
તું હતી સાથમાં!
જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કોઈ મુગ્ધા સમી મંજરી
ડાળથી મ્લાન થઈ મૂર્છિતા ગઈ ખરી,
એક નિઃશ્વાસ નમણો ભરી
આપણા માર્ગમાં ગઈ સુગંધો ઝરી!
જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કુંજની કામિની કોકિલા,
કંઠ પર મેલતું કોઈ જાણે શિલા,
એમ ટહુકાર છેલ્લો કરી રોષથી,
ક્યાંક ચાલી ગઈ દૃષ્ટિના દોષથી!
જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
ચન્દ્રીએ ચારુ ને ચંચલ
દૃષ્ટિએ જોઈને દ્વેષથી
આડું ધારી લીધું વૈરના વેષથી
મુખ પરે શ્યામ કો મેઘનું અંચલ!
જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરે ભાળી ગઈ
આપણા સંગને,
ને પછી આછું આછું અડી અંગને
એવું તે શુંય એ વેર વાળી ગઈ!
મૌનમાં મગ્ન થૈ આપણે બે જણે
એમ ચાલ્યાં કર્યું હાથ લૈ હાથમાં!
જાણ્યું ના એય તે એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરશું તુંય ચાલી ગઈ,
ને અચાનક મને શૂન્યતા શીય સાલી ગઈ,
એ જ ક્ષણે જાંયું કે તું ન’તી સાથમાં!
– નિરંજન ભગત
પહેલી નજરે અછાંદસ કહી દેવાનું મન થાય એવી આ કવિતા હકીકતમાં ઝુલણા છંદના ગાલગા ગાલગાના અનિયત પણ ચુસ્ત આવર્તનોમાં રચાયેલ છંદોબદ્ધ કવિતા છે.
તું હતી સાથમાં કવિતાનું શીર્ષક પણ છે અને ઊઘડતી પંક્તિ પણ. આટલા પરથી જ સમજાઈ જાય છે કે જે પ્રિયજનની આ વાત છે એ હવે સાથે નથી. વિજન વનના કેડે પૂનમની રાતે બે પ્રેમભીનાં હૈયાં હાથ હાથમાં લઈને ચાલી રહ્યાં છે. અને એકમેકમાં રત પ્રેમીઓને એમ લાગે છે કે પ્રકૃતિ સમસ્ત એ બેની ઈર્ષ્યા કરે છે. ડાળ પરની મંજરીઓ મ્લાન વદને નમણો નિઃશ્વાસ ભરી એમના માર્ગમાં ખરી જાય છે, કોકિલા કંઠ પર કોઈ શિલા મૂકીને રૂંધતું ન હોય એમ છેલ્લો ટહુકાર કરી ગુસ્સામાં ક્યાંક ચાલી જાય છે, ચંદ્ર પણ દ્વેષભાવે આ લોકોને જોઈને કાળા વાદળના આંચલમાં લપાઈ જાય છે અને વાયુની લ્હેરખીય બંનેને આછું આછું અડીને કંઈક વેર વાળીને ચાલી જાય છે. બંને પ્રેમીઓ તો મૌનસમાધિમાં જ લીન રહી હાથ હાથમાં લઈને આ બધું જોયું-ન જોયું કરીને પોતાને મારગ ચાલ્યા કરે છે. સાયુજ્યની આ એવી પળ છે, આ એવી સમાધિ છે કે વાયુની લહેરખી સમી પ્રિયા કઈ ક્ષણે હાથ છોડાવીને ચાલી ગઈ એય નાયકને ખબર પડી નહીં… જીવનમાં અચાનક ખાલીપો અનુભવાયો ત્યારે જ નાયકને નાયિકાની ગેરહાજરીની પ્રતીતિ થાય છે…
Permalink
June 4, 2019 at 8:20 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
આપણી વચ્ચે હવે નક્કર થતી આ લાગણીનું શું કરીશું?
સૂર્યના ચિક્કાર પડતા તાપ વચ્ચે એક ટુકડો બર્ફ લઈને ક્યાં ફરીશું?
ને, હવાના આ સુકોમળ અંગ પર હું શબ્દની પીંછી લઈ તવ નામ દોરું ને
હવાનું અંગ આખું રણઝણે
કોક, મનની પાર, પેલે પાર તારા નામની નદીઓ ભરે ખાલી કરે ને
તરફડેલી માછલી જેવું મળે મનને ખૂણે
હોય ના રેતી, કશે ના છીપ કે ના શંખ ના મોતી અરે ના જળ : કહે
એવા કોઈ દરિયા મહીં ક્યાંથી તરીશું? … આપણી વચ્ચે.
દૂર પેલા આભમાં બેઠેલ તારાઓ લગોલગ હોય તોયે થાય શંકા કે
કદીયે હાથ બેના સ્પર્શને અડતા હશે?
પારકા આકાશમાંના ચંદ્રમાની કુંડળી સાથે કદીયે આપણા
જન્માક્ષરો મળતા હશે?
રાતના અંધાર વચ્ચે આ પ્રણય-ઝબકારનો કોઈ લિસોટો પામવાને
આભનો ટેકો મૂકી ધરતી ઉપર ક્યારે ખરીશું? … આપણી વચ્ચે.
-મુકેશ જોષી
ધન્ય થઈ ગયો…..!! આટલું સરસ ગીત આજસુધી નજરે જ નો’તું ચડ્યું…..!! માસ્ટરપિસ !!!!! ટિપ્પણીના કોઈપણ શબ્દો ઝાંખા જ પાડવાના….. આ ગીત તો અનેકાનેકવાર વાંચવું-મમળાવવું જ રહ્યું…..
Permalink
June 4, 2019 at 8:02 AM by તીર્થેશ · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
બને કે આપણી સમજણમાં ભેદ હોઈ શકે !
તું જેને મુક્તિ ગણે છે એ કેદ હોઈ શકે !
દિવસ રૂપાળો અને રાત કાળી ભમ્મર છે,
શું પ્રકૃતિમાં વળી રંગભેદ હોઈ શકે ?
પ્રથમ એ માની લો કે આભ એક ચાદર છે,
પછી સિતારા બધા એના છેદ હોઈ શકે !
પલાંઠીવાળીને બેઠું છે તત્વ જે – એનું,
આ સૃષ્ટિ કદાચિત નિવેદ હોઈ શકે !
તમારું શ્હેર તો જાદૂગરીનું શ્હેર ‘જિગર’ !
અહીં તો કાગડાઓ પણ સફેદ હોઈ શકે !
– જિગર જોષી ‘પ્રેમ’
આખી ગઝલમાં શિરમોર મત્લો છે…..બીજો અને છેલ્લો શેર નબળા લાગ્યા.
Permalink
June 1, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ મીનાશ્રુ
જાણ્યું એવું જડ્યું નહીં કૈં,
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈં.
-સંજુ વાળા
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈં
બીજ ગયું ખોવાઈ કશેથી જડ્યું નહીં કૈં
સ્વાતિનાં અચરજ તો અનરાધાર વરસતાં
કરમફૂટલી બંધ છિપોલી: અડ્યું નહીં કૈં
પલળીને બળવું ને બળબળતાં ભીંજાવું
સતત ધૂમાતું રહ્યું હૃદય, ભડભડ્યું નહીં કૈં
ગ કોનો? –પૂછીને માંડી ગઝલ તમે તો
ઘૂંટી ઘૂંટી થાક્યા પણ આવડ્યું નહીં કૈં
સૌ કહે છે લોચન છે એનાં અમરતકુપ્પી
ખરે વખત તો એકે ટીપું દડ્યું નહીં કૈં
ભીંત ભૂલ્યા’તા તમે, અમે નીસર્યા સોંસરવા
ભીંતપણું અમને તો સ્હેજે નડ્યું નહીં કૈં
મન મારું મક્તામાં મઘમઘ મૌન ધરે છે
નામ હતું જે હૈયે, હોઠે ચડ્યું નહીં કૈં
– હરીશ મીનાશ્રુ
સંજુ વાળાની પંક્તિનો હાથ ઝાલીને કવિ શ્રી હરીશ મીનાશ્રુ મજાની તરહી ગઝલ રજૂ કરે છે. કવિનું ભાષાકર્મ સ-વિશેષ ધ્યાનાર્હ છે. કરમફૂટલી, છિપોલી, અમરતકુપ્પી જેવા શબ્દો તો ગુજરાતી ગઝલમાં દીવો લઈને શોધવા નીકળો તોય નહીં જડે. પણ અહીં જે પ્રવાહિતાથી આ શબ્દો વહી આવ્યા છે, એ કવિની સિદ્ધહસ્તતાના દ્યોતક છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
Permalink