પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2017

બારી ખૂલી ગઈ – જવાહર બક્ષી

(ત્રિપાદ કુંડળ)

બારી ખૂલી ગઈ છે
કિંતુ સુગંધ અહીંનો
રસ્તો ભૂલી ગઈ છે….

રસ્તો ભૂલી જવામાં
કેવી અજબ મજા છે
અમથી જ આવજામાં.

અમથી જ આવજા છે
મંજિલ નથી કે રસ્તો
ચારે તરફ હવા છે…..

ચારે તરફ હવાઓ
મ્હેકી પડે અચાનક
સ્પર્શીલી શક્યતાઓ.

સ્પર્શીલી શક્યતા પર
ગમતું ગણિત ગણું છું
ઇચ્છાનાં ટેરવાં પર…..

ઇચ્છાનાં ટેરવાંથી
આકાશ ઊંચકું છું
ઊઘડું દશે દિશાથી.

ઊઘડું ને વિસ્તરું છું
આંખો ઉઘાડી જોઉં
ઘરમાં જ નીકળું છું.

ઘરમાં બની ગઈ છે
અમથી જ એક ઘટના
બારી ખૂલી ગઈ છે.

– જવાહર બક્ષી

કુંડળીની રચના વિશે કવિ કહે છે, ‘સર્પ પોતાના મુખમાં તેની પૂંછડીનો છેડો નાખે ત્યારે તે વર્તુળનો પ્રારંભ અને અંત બંને તેનું મુખ હોય છે. તેમ કાવ્યની રચનાનો પ્રારંભ અને અંત એટલે કે પહેલા દુહાનો પ્રથમ ભાગ અને ત્રીજા દુહાનો અંત ભાગ એક જ હોય છે.’ ત્રિપાદ કુંડળની રચના વિશે કવિ જણાવે છે, ‘કુંડળી પ્રકારમાં થતા અંતિમ ચરણના પુનરાવર્તનને બદલે દરેક ત્રિપદીના પ્રથમ શબ્દને ચિદાકાશમાં ઉછાળ્યો છે.’

જોઈ શકાય છે કે પહેલી પંક્તિ ચોવીસમી પંક્તિ સ્વરૂપે આવે છે ત્યારે કુંડળી પૂરી થાય છે. એ ઉપરાંત દરેક ત્રિપદીના ત્રીજા પદનો પ્રારંભનો શબ્દ કે શબ્દપ્રયોગ આગામી ત્રિપદીની શરૂઆતમાં આવે છે અને એ રીતે ત્રિપાદ કુંડળની સળંગસૂત્રતા ચપોચપ બની રહે છે… ગાગાલગા લગાગાનું સંગીતપૂર્ણ આવર્તન અને ટૂંકી બહેરના કારણે રચના ઓર આસ્વાદ્ય બની છે…

પણ સ્વરૂપનું પિષ્ટપેષણ કરવાનું બાજુએ મૂકીને આઠેય ત્રિપાદને આસ્વાદીએ એની જ ખરી મજા છે.

Comments (2)

(તળિયું બારમાસી) – નિનાદ અધ્યારુ

ત્યાં તો તળિયું બારમાસી હોય છે,
ઝૂંપડીમાં ક્યાં અગાસી હોય છે !

જિંદગી જાણે કે કોઈ મોટું જહાજ,
આપણું હોવું ખલાસી હોય છે.

આપણા પગમાં કશું હોતું નથી,
આપણા મનમાં કપાસી હોય છે.

પહેલે-બીજે પહોર એની યાદમાં,
ત્રીજે પહોરે ભીમપલાસી હોય છે.

દે ટકોરા મોતને, તું દે ‘નિનાદ’,
જિંદગી કોણે ચકાસી હોય છે !

– નિનાદ અધ્યારુ

નિર્ધનતાનું કેવું ‘ધનિક’ આરોપણ !! – બારમાસી તળિયું! વાહ કવિ… ગરીબીની ચરમસીમા આબાદ પકડીને બે જ પંક્તિમાં રજૂ કરી દીધી… બધા જ શેર આસ્વાદ્ય થયા છે. પણ કપાસી આપણા પગમાં નહીં, મનમાં હોય છે એમ કહીને કવિ આપણી કામચોર માનસિકતાને ઉઘાડી પાડે છે ત્યારે કોઈ મીઠામાં ડૂબાડીને ચાબખા મારતું હોય એવું અનુભવાય છે. ભીમપલાસી ત્રીજા પહોરનો રાગ છે. એવું કહે છે કે બપોરે એ ગાવામાં આવે તો દિવસો સુધી શાંતિનો અનુભવ સાંભળનારને થાય છે… ટકોરા દઈને વસ્તુ ખરીદવાની આપણને સૌને આદત પડી ગઈ છે… જિંદગીને કોઈ દિ’ એમ ચકાસી ખરી? કે જે મળ્યું એ ચલાવી લીધું?! કમ સે કમ મોતને તો ચકાસી જોઈએ…

Comments (8)

માગ માગ – રમેશ પારેખ

ગુલાલ માગ, ગરલ માગ, કે ગમે તે માગ,
પરંતુ હે રમેશ, આ સમય કહે તે માગ.

આ તારા શ્વાસ મસાલોભરેલું પંખી છે,
કોઈ મ્યુિઝયમમાં હવે એને ગોઠવે તે માગ.

જડે એ ઘટનામાં ગર્ભિત હો એનું ખોવાનું,
તો હાથ વ્યર્થ ધૂળધૂળ ના રમે તે માગ.

રાતના છાંયામાં ઢંકાઈ જાય છે મૃગજળ,
હે આંખ, જા અને સવાર ના પડે તે માગ.

ઊડે પતંગિયું તે પણ ગણાતું અફવામાં,
આ સગ્ગી આંખ તો આંખોવગી રહે તે માગ.

સૂર્ય ઘરમાં ઉગાડવાની જીદ છોડી દે.
આ ઠરતા કોડિયા પાસેથી જે મળે તે માગ.

એક ઘડિયાળ ધબકતી રહે છે ઘટનામાં,
કદીક તારું ધબકવું તને મળે તે માગ.

માગવા પર તો પ્રતિબંધ નથી, માગી જો,
કદીક લોહીની દીવાલો ફરફરે તે માગ.

છે શ્વાસ ટેવ, નજર ટેવ, ટેવ છે સગપણ,
હવે રમેશ, બીજી ટેવ ના પડે તે માગ.

– રમેશ પારેખ

સૌજન્ય – ડો. નેહલ [ immymindinmyheart.com ]

Comments

સૂફી દોહરા – સિતાંશુ યશશ્ચંદ્ર

રાતો સાગર ચઢ્યો હિલોળે, એના હિંસ્ર ગરજતા લોઢ,
તળિયાના અંધારને અમે થઈ આવ્યા મોઢામોઢ.

અંધકારના તળિયે જઈને જોયું તો, સ્થિર જ્યોતિ
વડવાનલ જેમ ઝલકી ઊઠતું ઝંખાનું જે મોતી.

ઝંખું ઝંખું તારાં દરસ ને તું કેવળ અણસાર,
તારું હોવું મને અડકતું થઈ છેક જ તીણી ધાર.

લોચનથી હેરાય નહીં, તું છે જ નહીં જાણે સાવ,
[મારો] કર લંબાતો નજર થઈ [તો] તુજ દરસ મળે થઈ ઘાવ.

મરણતોલ ઘાયલ થયા [તો] થયો જીવવાનો આરંભ,
મિલનનું એક જ નામ છે – ઝંખન મનનું વણથંભ.

સદાકાળના સંગની ઝંખા જેવી કઈ ભૂલ ?
પંખી થઈને મળ્યું એક ડાળીને એનું ફૂલ.

શબદ હોય તો સમજવો, આ તો સાંભળવો ભણકાર,
પડતા પર્ણને મળીને મળ્યો પવન તણો આધાર.

સત્ય ફક્ત છે ઝંખા, મળવું ના-મળવું, એ ય શું ?
બીજની રાતે પૂનમનો ચાંદો શોધું છું હું.

– સિતાંશુ યશશ્ચંદ્ર
[આ સૂફી દોહરા ‘જટાયુ’માંથી લીધા છે.]

સંપૂણપણે આંતર-ગતિ કરતો સર્જક જ આ કક્ષાએ પહોંચી શકે ! પ્રત્યેક દોહરામાં નિષ્પક્ષ અને તલસ્પર્શી introspection – આંતરદર્શન છલકે છે. સિતાંશુભાઈની રચના હોય અને સૂક્ષ્મતા ન હોય એ સંભવે જ નહીં….જેમ કે – ‘ મિલનનું એક જ નામ છે – ઝંખન મનનું વણથંભ. ‘- આ કક્ષાનું દર્શન ભાગ્યે જ જોવા મળતું હોય છે.

Comments (7)

એ લગભગ ઈશ્વર છે, તારી સાથેનો પુરુષ – સેફો (અનુ.: વિવેક મનહર ટેલર)

એ લગભગ ઈશ્વર છે, તારી સાથેનો પુરુષ,
તારી વાતોથી, તારા હાસ્યથી વશીભૂત.
જોઈને જ મારું હૃદય વધુ ઝડપે ધબકે છે
કેમ કે, ઓછું જોઈને, હું વધુ કલ્પું છું.
તું મારા ગાલોમાં આગ લગાડે છે.
અવાજ અટકી ગયો છે. મારા કાન વાગી રહ્યા છે.
બીજા બધાથી અનભિજ્ઞ, હું પસીને રેબઝેબ થાઉં છું અને તોતડાઉં છું.
હું કાંપી રહી છું, ઘાસની જેમ,
મૃત્યુથી એક ઈંચ દૂર.

હું એટલી ગરીબ છું, મારે કંઈ જ ગુમાવવાનું નથી, મારે જુગાર રમી જ લેવો જોઈએ…

– સેફો (ગ્રીક)
(અંગ્રેજી અનુવાદ: સેમ હમિલ)
અનુ.: વિવેક મનહર ટેલર

*

ગઈકાલે આ કવિતાનો કાવ્યસ્વરૂપને વફાદાર અનુવાદ જોયો… આજે ગ્રીક ભાષામાંથી અંગ્રેજી ભાષાંતર કરતા ખ્યાતનામ અનુવાદક સેમ હમિલનો અનુવાદ પણ જોઈએ.

કવયિત્રી અથવા કાવ્યનાયિકાની સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજી શકાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોઈ શકે. નાયિકા જે સ્ત્રીના સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી. પોતાના પ્રેમને છિનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને ભગવાનની સમકક્ષ લાગે છે, કેમકે બીજું તો કોણ આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક કરી શકે? પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને હસતાં-બોલતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. નાયિકાનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. જીભ ભાંગી ગઈ હોય એમ કશુંય બોલવું અશક્ય બની રહે છે. તનબદનમાં આગ ફરી વળે છે. આંખ આગળ ઝાંખપ ફરી વળે છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. શરીર કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી ઘેરી વળે છે. કવયિત્રીનું ધ્યાન હકીકતમાં પ્રેયસી કે ભગવાન-જેવા પુરુષ તરફ છે જ નહીં, માત્ર અને માત્ર પોતાની તરફ છે. કાળજીપૂર્વક સભાનતા સાથે જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને સ્ટેપ-બાય-સ્ટેપ એ રજૂ કરે છે. મૃતપ્રાય અવસ્થાની લાચારી ઘેરી વળે છે. કવિતાના પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજી શકાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ તો કરવું જ જોઈએ કેમકે આમેય પ્રેયસી કોઈ બીજું છિનવી ગયું જ હોય એવી ગરીબ-નિર્માલ્ય અવસ્થામાં આથી વધુ તો શું ગુમાવવાની બીક હોઈ શકે?

 

He Is Almost A God, A Man Beside You

He is almost a god, a man beside you,
enthralled by your talk, by your laughter.
Watching makes my heart beat fast
because, seeing little, I imagine much.
You put a fire in my cheeks.
Speech won’t come. My ears ring.
Blind to all others, I sweat and I stammer.
I am a trembling thing, like grass,
an inch from dying.

So poor I’ve nothing to lose, I must gamble…

– Sappho (Greek)
(Eng Translation: Sam Hamill)

Comments

મને લાગે છે… – સેફો (ગ્રીક) (અનુ.: વિવેક મનહર ટેલર)

પેલો પુરુષ મને ભગવાન બરાબર લાગે છે,
જે તારી સામે બેઠો છે
અને તને નજીકથી સાંભળી રહ્યો છે
મીઠું બોલતી

અને મજાનું હસતી, જે ખરેખર
મારા હૃદયને છાતીમાં ફડફડાવે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
મારા માટે કંઈ પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે.
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે.

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ફિક્કી પડી જાઉં છું
ઘાસ કરતાં, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામું છું.

પરંતુ બધામાં સાહસ કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર

*

લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં ગ્રીસના લેસ્બૉસ ટાપુ પર થઈ ગયેલી સેફો નામની કવયિત્રી સેફો તેના લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો; સ્ત્રીગત સંવેદનોનું તાદૃશ આલેખન; ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો વડે અમર થઈ ગઈ. એની રચનાઓ, એના સમકાલીનો અને અનુજોની રચનાઓમાંથી એનું એક ચિત્ર વિદ્યાર્થીનીઓ સાથેના એના સમલૈંગિક સંબંધોનું ઊભું થાય છે અને એ એ હદ સુધી કે આજે સેફો એ લેસ્બિનિઝમનું પ્રતીક ગણાય છે.

સેફોની પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! મોટા ભાગના અનુવાદકોએ છેલ્લી મુખ્ય રચનાથી છૂટી લખાયેલી અને અધૂરી ગણાતી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર રહીને કરાયેલા અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે. સેફોના ગીત અને શૈલી એટલા બધા પ્રભાવક છે કે જે છંદોલયમાં એ રચના કરતી હતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિમાં અગિયાર-અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિમાં પાંચ (adonic) શબ્દાંશ (syllable) આવે છે. સેફોની ભાષા પણ લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. આપણે ત્યાં મરાઠી ભાષામાંથી ઊતરી આવેલું અંજનીગીત મૂળે આના પરથી ઊતરી આવ્યું હોય તો નવાઈ નહીં. અંજનીગીતમાં પણ ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ-સોળ માત્રા અને ચોથી પંક્તિ ટૂંકી-દસ માત્રાની હોય છે.

*

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho (Greek)

Comments (4)

વાદળજી વાયડાઈ મેલો – નેહા પુરોહિત

હવે વાદળજી વાયડાઈ મેલો,
ધરતીની સાથ વીજ-વારિનો ખેલકૂંભ પૂરી તાકાત લઈ ખેલો….
હવે વાદળજી વાયડાઈ મેલો.

સૂરજનું માનસિક સંતુલન ખોરવાયું એવું કંઈ આભે ચર્ચાય છે?
પાગલના કોપથી નમણી રૂપાળી મા ધરતી ઉઝરડાતી જાય છે.
વાયરો શું ઠારે ધરાને, જ્યાં રોમરોમ તાપથી એ ય દાઝેલો…
હવે વાદળજી વાયડાઈ મેલો !

રૂડાં એંધાણ છે આભમાં ગાભ સોળ આનીનો અહિંથી વરતાય,
મોરલાને વીનવું કે મેલી મલ્હાર, સૂર કેદારી આજે થૈ જાય !
એવી તે તાન છેડ સાંબેલાધારે એય વરસી પડવાને થાય ઘેલો !
હવે વાદળજી વાયડાઈ મેલો !

ઝૂકો વાદળજી, કે ચૂમો ધરાને એને લીલવણી ચૂંદડીના કોડ ,
સોળે શણગાર સજી લેવા આતુર એણે હાથવગો રાખ્યો છે મોડ !
આવી નઠારાઈ શોભે ? જ્યાં કહેવાતું મેઘ તો છે સાગરનો ચેલો !
હવે વાદળજી વાયડાઈ મેલો !

– નેહા પુરોહિત

ચોમાસું વહેલું આવશે… ૯૮% જેટલો વરસાદ વરસશે. – હવામાન ખાતાએ આગાહી કરી અને કાળાંડિબાંગ વાદળો લઈ લઈ રોજ ડોકાતો મેઘ છેહ આપીને પાછો ફરી જવા માંડ્યો. ગરમી સહન થતી નથી અને વાદળ ખાલી થતાં નથી એવામાં આવું મજાનું ગીત ન સ્ફૂરે તો જ નવાઈ… આ ગીત હિમગિરી પર ઊભો રહી યક્ષ લલકારે તો મેઘરાજે આવવું જ પડે એવું તાકાતવર ગીત!

(મોડ= લગ્ન વખતે સ્ત્રીઓ માથે રાખે છે તે મોડીઓ : લગ્ન વખતે વરની માને કપાળે બાંધવાનો સુથાડિયા નામના ઘાસની સળીનો બનાવેલો એક ઘાટ: તેની ઉપર કપડું મઢી મોતી જડી બનાવાય છે. મુકુટ એટલે મુગટ. તેમાંથી અર્થ ફેર થઈ કન્યાને કપાળ ઉપર પરણતી વખતે બાંધવામાં આવે છે તે મોડ કહેવાય છે.)

Comments (6)

પાંડોબા અને મેઘધનુષ્ય – ઉદયન ઠક્કર

દૃશ્ય :

મુંબઈના ત્રીજા ભોઈવાડામાં ‘હરિનિવાસ’ મકાનની અગાસી. ખૂણાની મોરી પાસે એક આધેડ વયસ્ક વ્યક્તિ ધડાધડ વાસણો સાફ કરે છે. વરસાદનાં ફોરાં પડવાં શરૂ થયાં છે.

નેપથ્યે :

પાંડુ કાંબળે લબ્ધ-પ્રતિષ્ઠિત, ખાતરીવાળો રામો છે
જેના હાથમાં મોટાં મોટાં કુટુંબનો પાયજામો છે
કપડાં-વાસણનું પ્રતિમાસે ત્રીસ નગદનું ભથ્થું છે
પાંડોબાનું કાર્યક્ષેત્ર, ભોઈવાડામાં, એકહથ્થુ છે
(પાનસભર) મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે?
પાંડોબા વર્ષોથી ચુપ છે, વાસણ-કપડાં બોલે છે…

આકાશમાં સાત રંગો કોળી રહ્યા છે. તાજા જ ખીલેલા મેઘધનુષ્યની નજર ‘હરિનિવાસ’ પર પડે છે. કોણ જાણે કેમ, મેઘધનુષ્યને પાંડોબા પર વ્હાલ ઊપજે છે.

મેઘધનુષ્ય :

ઉહ્ ઉહ્ (પાંડોબાનું ધ્યાન આકર્ષવા ખાંસી ખાય છે.)

પાંડોબા :

ઘસર ઘસર (વાસણો ઉજ્જવળ કરે છે.)

મેઘધનુષ્ય :

સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને
રે પાંડોબા, અહીં પણ જોજો, એલ્યુમિનિયમ માંજીને

કેટકેટલાં વર્ષો પહેલાં, યાદ છે? આપણે મળ્યાં હતાં?
આછા તડકામાં, જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા
કપોલ પર જલશીકરના અનવરત પ્રહારો થતા હતા
તારા હાથોમાં, બીજા પણ કોક હાથ ખળખળ્યા હતા!

બે પારેવાં જેવાં, મેં વર્ષામાં તમને દીઠેલાં
મૌન થયેલાં, મૂંઝાયેલાં, એકમેકને અડકેલાં…

તને સાત રંગોની ઇર્ષા થઈ કે નહીં, એ ખબર નથી
ઓષ્ઠ વગરનાં મારા આયુષ, મને તે ક્ષણે ખટકેલાં!

પાંડોબા :

વાસણ બાજુએ કરે છે, હાથ પરની રાખ ખંખેરે છે, મેઘધનુષ્ય તરફ જુએ છે.

મેઘધનુષ્ય :

ખેતર જેને ટૂંકાં પડતાં—આજે ચાર દીવાલોમાં
યથાશક્તિ રોમાન્સ કરે છે, ભોઈવાડાની ચાલોમાં.
શું છે ભોઈવાડાથી મોટું? ચણિયા કરતાં રંગીન પણ?
ના સમજ્યો તેથી વેડફાયો, પાંડોબા નામે એક જણ
ભલે જીવીએ સ્હેજ, તોય જીવીએ ઝળહળમાં, પાંડોબા
વાસણ મૂકી ક્વચિત્ નીકળી પડો સકળમાં, પાંડોબા

પાંડોબા ઊભા થાય છે. હાથ લંબાવીને મેઘધનુષ્યને પકડે છે.
આકાશથી ઉતારે છે.
‘501 બાર’ સાબુથી એને ધુએ છે, નીચોવે છે,
પછી ધોળાધબ્બ થયેલા મેઘધનુષ્યને,
ક્લીપ લગાડીને આકાશે ટાંગી દે છે.

આ જોઈને ‘હરિનિવાસ’ના બીજા માળે રાખેલો
એક પોપટ પિંજરામાંથી બોલે છે કે,
‘પગાર તીસ રૂપયડી હોય,
ત્યારે ભલભલાં મેઘધનુષ્યો પણ ધોળાંધબ્બ થઈ જતાં હોય છે,
સીતારામ.’

– ઉદયન ઠક્કર

એક નવતર પણ બળકટ પ્રયોગ….વાતમાં વજન છે !

Comments (6)

ખંડેર – ‘આદિલ’ મન્સૂરી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.

એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?

એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.

થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.

સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી…

અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.

– ‘આદિલ’ મન્સૂરી

 

મક્તામાં ચમત્કૃતિ છે –

ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.

ખંડેર જેવું લાગે છે ,આ દિલ બહારથી.

Comments (2)

મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ (અનુ. વિવેક મનહર ટેલર)

મકાનમાલિક, મકાનમાલિક,
મારું છાપરું ગળતું છે.
મેં એના માટે કઇલું’તું તે હો યાદ નંઈ,
ગયા અઠવાડિયે?

મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં હો તૂટી ગઇલાં છે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ઉપર આઇવો તિયારે.

દહ રૂપિયા, તું કે’ય કે મારે તને આલવાના છે?
તું કે’ય છે કે અજી બાકી છે દહ રૂપિયા?
અંહ, આ દહ રૂપિયા ફાલતુના છે તો બી આલી દઈશ,
તું ઘર તો રિપેર કરાવ પેલ્લા.

હું કીધું ? તું ખાલી કરાવવાનો ઓડર લાવહે?
તું મારી લાઇટ કપાવવાનો કે હું ?
મારો સામાન હો તું ઊંચકીને
હેરીમાં ફેંકાવવાનો કે હું?

ઉહ-અંહ ! બઉ મોટી ફિશિયારી ની માર.
બોલ, બોલ – જે બોલવું હોય એ બોલી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
હું એક જ ફેંટ આલીશ ને તો.

પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
ને ઉથલાવી દેવા માંગે છે જમીન!

પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.

જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:

માણસે મકાનમાલિકને આપેલી ધમકી.
ભાડૂતને જામીન નહીં.
ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર

સમય અને અનુભવ માણસને સતત ઘડતા રહે છે. લગભગ પાંચ વરસ પહેલાં આ જ કવિતાનો અનુવાદ મકાનમાલિકનું ગીત લયસ્તરો પર મૂક્યો હતો. એ વખતે અભણ ગરીબ હબસીની સ્લમ-ભાષાના સ્થાને શિષ્ટ ગુજરાતી પ્રયોજી હતી પણ આ ગ્લૉબલ કવિતા કૉલમ માટે આ કવિતા તૈયાર કરતી વખતે આ ભાષા ડંખી. કવિએ મૂળ અંગ્રેજી ભાષામાં જેવી ભાષા વાપરી છે એવી ભાષા અને પ્રાસરચનાનો વિચ્છેદ કરીને મેં કવિતાનું હાર્દ ખતમ કરી હોવાનું અનુભવાયું. એટલે એ જ કવિતાનો ફરી એકવાર અનુવાદ કરી હુરતની હેરીમાં બોલાતી ભાહામાં પાછી લખી કાઇઢી છે તે અંઈયા મેલું છું. ગમે તો બી કે’જો ને ની ગમે તો બી કે’જો.  હમજા કે ની?

Comments (4)

(ઈશ્વર ગુજરી જાય) – કિરણસિંહ ચૌહાણ

સઘળા પ્રશ્નો, સઘળા ઉત્તર ગુજરી જાય.
મારી સાથે મારો ઈશ્વર ગુજરી જાય.

ધ્યાન ન આપું એની અદ્ધર વાતો પર,
એ વાતો અદ્ધર ને અદ્ધર ગુજરી જાય.

બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
જે લોકો અંદર ને અંદર ગુજરી જાય.

તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.

જીવનનું વસ્તર અધવચ્ચે ફાટી જાય,
જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.

– કિરણસિંહ ચૌહાણ

આખેઆખી ગઝલ સંઘેડાઉતાર. બધા જ શેર સંતર્પક. ફરી-ફરીને વાંચવા ગમે અને જેટલીવાર વાંચીએ એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવી રચના.

 

Comments (10)

બંધ છે જે કમાડ – નીરવ વ્યાસ

બંધ છે જે કમાડ, ભીતરથી,
સંત, એને ઉઘાડ, ભીતરથી.

છેક પહોંચે ત્વચાને ચીરીને,
રંગ એવા ઉડાડ ભીતરથી.

આમ એણે અડયો નથી, કિન્તુ,
થઈ ગઈ છેડછાડ, ભીતરથી.

વાદ્ય ફિક્કાં બધાં પડી જાશે,
ગીતનો લે ઉપાડ, ભીતરથી.

ચિત્ત-ભ્રામક બધાં ત્યજી ઔષધ;
દર્દ મારું મટાડ, ભીતરથી.

– નીરવ વ્યાસ

મજાની ગઝલ. રદીફ તંતોતંત નિભાવી હોય એવી ગઝલો આમેય ઓછી જોવા મળે છે.

Comments (9)

મૂળિયા – મનીષા જોશી

મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ
મને હંમેશ ડરામણું લાગે છે.
પર્વતની ધાર પર ઉભેલા
એ વૃક્ષના મૂળિયાને કોઈ આધાર નથી
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે

નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા
એ વૃક્ષને જોઈને લાગે છે,
ધરતી જ છે સાવ છેતરામણી
ગમે ત્યારે છેહ દઈ દે.
વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં
સેવાયા વગરના ઈંડા
ક્યાં પડ્યાં ?
ન વૃક્ષ , ન ઈંડા
કાંઈ અવાજ નહી, કાંઈ નહી
હમણાં અહીં હતાં, હવે નથી
ભરી ભરી સૃષ્ટિમાંથી કંઈ આમ ઓછું થઇ જાય
અને આસપાસ કોઈ ફરક સુદ્ધાં નહી?
નીચે ખાઈમાં કંઈ દેખાતું નથી, છતાં લાગે છે કે,
ઈંડા હજી શોધી રહ્યાં છે, ગરમી ,
ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી.
વૃક્ષ હજુ ઝાવાં નાખી રહ્યું છે,
પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે
નિરાધાર વૃક્ષ
નોંધારાં ઈંડા.
ખાઈમાં ઘૂમરાતા , પવનમાં
નિ:શબ્દ વલોપાત છે.
પર્વતો સ્થિર , મૂંગામંતર
સાંભળી રહ્યા છે.
અકળાવી નાખે તેવી હોય છે ,
આ પર્વતોની શાંતિ.
મારે હવે જોવા છે,
આખા ને આખા પર્વતોને તૂટી પડતા
ખાઈનું રુદન
મોં ફાટ બહાર આવે તે મારે સાંભળવું છે.

– મનીષા જોશી

કવયિત્રીની લાક્ષણિક કવિતા છે આ !! ‘ પાકિઝા ‘ પિક્ચરમાં એક ડાયલોગ છે – ‘ યહ કોહરે કી ઝમીં ઉપર ધુંએ સે બની હુઈ દુનિયા હૈ જો કિસી કો પનાહ નહીં દે સકતી ‘ …..જે જમીનમાં વૃક્ષના મૂળિયાં છે તે જમીન-ભેખડ એટલે જગતની value system – પ્રત્યેક વ્યક્તિનું થઈ જતું/કરવામાં આવતું conditioning. પાયા જ નિર્બળ-નમાલા છે….ખાઈ એટલે રાગ-દ્વેષ ઇત્યાદિથી રચાતું અજ્ઞાનરૂપી કળણ… માનવી પ્રયત્ન કરે….તરફડે, પણ બહાર ન નીકળી શકે. જ્યાં સુધી ભૂમિ જ દગો આપતી રહેશે ત્યાં સુધી…………

Comments (5)

તમને એમાં વાંધો છે કંઈ ? – સંજુ વાળા

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

એક તો ગઝલ લાંબી બહેરની ને રદીફ પણ લાંબી એટલે ગઝલમાં કવિતાના નામે વૃથા પ્રલાપ અને ભરતીના શબ્દોની ભરમાર થઈ જવાની સંભાવના પૂરેપૂરી પણ સંજુ વાળા સજાગ કવિ છે. શબ્દ સાથેની એમની નિસ્બત ભક્તની ભગવાન સાથે હોય એવી સંપૂર્ણ છે. ખૂબ આરામથી ખોલવા જેવી ગઝલ.

Comments (14)

મત્લા ગઝલ – પંકજ વખારિયા

સદરહુ લોહીથી સઘળું લખાવ, બાબતમાં
બયાન પથ્થરે માંગ્યું છે ઘાવ બાબતમાં

પ્રવાસી ગૂમ થવાના બનાવ બાબતમાં
કશુંક જાણે છે ૨સ્તો, પડાવ બાબતમાં

વિચારીએ હવે તો બસ, બચાવ બાબતમાં
વિલાપ વ્યર્થ છે ડૂબેલ નાવ બાબતમાં

નદી, કરે શું નિવેદન એ વાવ બાબતમાં
અહો !અહો ! જે કરે છે તળાવ બાબતમાં

સરળ છે આમ એ પર્વત,ચઢાવ બાબતમાં
ઉતરવું અઘરું છે જો કે લગાવ બાબતમાં

તમારી ચૂક થઇ છે ઠરાવ બાબતમાં
કરો ના રાવ હવે મારા દાવ બાબતમાં

બધાને માટે છું એક જ હું ભાવ બાબતમાં
અલગ છું વ્યક્તિ પ્રમાણે વટાવ બાબતમાં

– પંકજ વખારિયા

Comments (9)

અનોખો તાલ રાખે છે – અમૃત ઘાયલ

દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!

નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે!

નથી એ રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.

ફરક કેવો દીવાનાની જવાની ને જઈફીમાં?
બરાબર આજ જેવી આગવી એ કાલ રાખે છે.

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે!

– અમૃત ઘાયલ

જૂનું એટલું સોનું.

(જઈફી= જૈફી, વૃદ્ધાવસ્થા)

Comments (5)

એવું નથી – ગૌરાંગ ઠાકર

બધી જ પીડાનું વર્ણન કરાય એવું નથી.
પ્રભુ ! તને બધું સમજાઈ જાય એવું નથી.

પવન તો બાગથી ખુશ્બૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.

તમે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો ?
બધાથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી.

જુઓને, હાથમાં અજવાળું કેવું ઝળહળે છે,
કલમથી એટલે છેડો ફડાય એવું નથી.

તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો,
હવે બીજે કશે તમને રખાય એવું નથી.

– ગૌરાંગ ઠાકર

Comments (14)

કેમ કરી કરીએ હે રામ ? – અનિલ ચાવડા

કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ હે રામ ?
ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ !

દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારાં પગલાંમાં ઠેશ
હવે ચાલી ચાલીને કેમ ચાલું ?
વરસોથી પજવે છે છાતીમાં હાંફ મારી આંખોમાં થાક
વળી જીવતરમાં મસમોટું ખાલું;
ચરણો ગુમાવ્યાં બાદ રસ્તાઓ આવ્યા ને દોડવાનું આવ્યું બેફામ !
અમે કેમ કરી કરીએ હે રામ ?

અંદર ને અંદરથી રોજ રોજ આમ મને ધીમે ધીમેથી
કોઈ કરકોલે ઉંદરની જેમ,
એક પછી એક બધી મારી પર આવીને પડતી ઉપાધિઓ
ખેતરમાં તીડ પડે એમ;
જીવ્યા અમે જે રાત કાળી ડિબાંગ એને દેવાનું દિવસોનું નામ ?
અમે કેમ કરી કરીએ હે રામ ?

– અનિલ ચાવડા

અલગ અંદાઝનું ગીત……

Comments (3)

એ બારણે – ચેતન જે. શુક્લ ‘ચેનમ’

આંગણે તુલસી નથી, તોરણ નથી એ બારણે,
સુખના બે ચાર પણ કારણ નથી એ બારણે.

એક ખિલ્લી વાગતા ટહુકા ખરે છે પંખીના,
કોણ કહે છે ઝાડનાં વળગણ નથી એ બારણે.

સાવ પત્થરના ઘરે પણ કંઈક પત્થર જીવતા,
કાચ જેવી ચકચકિત સમજણ નથી એ બારણે.

એ જતી ને આવતી કાયમ નજર છલકાવતી,
એ ભરીને રાખવા વાસણ નથી એ બારણે.

રેતના આવે સમંદર કેટલીય યાદ લઈ,
આજ એવી યાદના રજકણ નથી એ બારણે.

– ચેતન જે. શુક્લ ‘ચેનમ’

કવિતા જે-તે સમાજનો જે-તે સમયનો અરીસો છે. આજે ભલે આંગણે તુલસી અને બારણે તોરણ હવે બધે જોવા મળતાં નથી પણ અહીં એ એક નક્કર પ્રતીક અને પ્રવર્તમાન સમાજનો અરીસો બનીને ગઝલમાં મજબૂતીથી ઉપસી આવ્યાં છે. બાકીના શેર પણ એ જ રીતે આસ્વાદ્ય થયા છે…

Comments (11)

(જોયો જ નહિ) – સુનીલ શાહ

કેટલો સુંદર, સરળ મોકો હતો, જોયો જ નહિ,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહિ !

ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’…અને દોડ્યા બધા,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !

લઈ હથોડો હાથમાં, દોડયા તમે તો તોડવા,
ભીંતને બદલે અહીં પરદો હતો, જોયો જ નહિ ?

રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !

દામ જ્યાં ઊંચા મળ્યા, ઘર એમણે વેચી દીધું,
ઘરના ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહિ !

– સુનીલ શાહ

આપણા, ના, કદાચ બધા જ કાળના બધા જ સમાજના કપાળ પર ચપોચપ ચોંટી જાય એવી ગઝલ. ઈસુથી લઈને ગૌતમ સુધી ને મહંમદથી લઈ ગાંધી સુધી – મસીહાઓ, ભગવાનો આવ્યા અને ગયા પણ સમાજની ‘અંધ’ માનસિકતા એની એ જ રહી. આંખ એના ગોખલામાં યથાસ્થાને જ રહી પણ દૃષ્ટિ કદી કોઈને લાંધી જ નહીં… જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે, એમ પણ બને (મ.ખ.)– એના જેવી આ વાત છે. મીઠામાં બોળેલા ચાબખા ભરબપોરે ઊઘાડી પીઠ પર વિંઝાતા હોય એ રીતે આ ગઝલ આપણા અહેસાસની બુઠ્ઠી થઈ ગયેલી ચામડી ઊતરડી નાંખે છે….

Comments (10)

(યુદ્ધમાંથી પાર તો પડવું જ છે) – કિરીટ ગોસ્વામી

સત્-અસત્ ના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે,
મન! મમતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!

તો જ ભીતરના જગત પર રાજ સરખું થઈ શકે;
આ જગતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!

હર-વખત હા-નાથી આગળ મન વધી શકતું નથી;
હર-વખતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!

જે મળે એને જ મિલકત માનશું મોંઘી હવે
છત-અછતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!

જોઈએ સંબંધનું આકાશ ખુલ્લું બસ, ‘કિરીટ’
સૌ શરતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!

– કિરીટ ગોસ્વામી

લયસ્તરોના આંગણે કિરીટ ગોસ્વામી એમનો નવો ગઝલસંગ્રહ લઈને ઉપસ્થિત થયા છે. કવિનું સ્વાગત અને સ્નેહકામનાઓ…

યુદ્ધમાંથી પાર પડવાની ઇચ્છામાં જે ઘડીએ એક ‘જ’ની મક્કમતા ઉમેરાય છે એ જ ઘડીએ અડધું યુદ્ધ તો જીતી લેવાય છે. અને આવી મક્કમ નિર્ધારભરી અર્થસભર લાંબી રદીફ એકપણ શેરમાં લટકી પડતી નથી એ ગઝલનું સૌભાગ્ય. બધા જ શેર પ્રશંસનીય થયા છે.

Comments (3)