તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે
– જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2016

લાખ ટુકડા કાચના – હેમેન શાહ

એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?
એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના.

સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;
ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના.

ધૂળિયો રસ્તો, ખભા પર શેરડી ની ગાંસડી,
ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના.

છે ઘણા નાના તફાવત, માત્ર દ્રષ્ટિકોણના;
રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના.

રાહ તારી જોઉં છું દર્પણના સીમાડા ઉપર,
આવવા તો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના.

શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં…
બેસી ગણતો હોય ઇશ્વર લાખ ટુકડા કાચના.

કંઇક વસ્તુઓ ફકત દેખાવથી બનતી નથી,
ક્યાં રચી શક્તા સમંદર લાખ ટુકડા કાચના?

જિંદગીને સ્થિર કશો આકાર કઇ રીતે મળે?
સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના.

– હેમેન શાહ

એક ખોળિયામાં અસંખ ભિન્ન ભિન્ન ‘સ્વ’ [ I ] વસતા હોય છે……એ અસંખ્ય ‘સ્વ’ એ જ લાખ ટુકડા કાચના….

Comments (2)

કોતરી ગયાં ! – રાજેન્દ્ર શુક્લ

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

– રાજેન્દ્ર શુક્લ

Comments (2)

પૂછે તો ! – હર્ષ બ્રહ્મભટ્ટ

જો એને માણસો જેવું સૂઝે તો !
અરીસાને કોઈ ચહેરો ખૂંચે તો !

ટકોરાને તરસશે આંગળીઓ,
નજર પડતાં જ દરવાજો ખૂલે તો !

મને છોડી તમે જ્યારે જતા હો,
હૃદય મારું છતાંયે ના તૂટે તો !

તો હું સાચું કહું એને કે ખોટું ?
મને તારા વિશે કોઈ પૂછે તો !

ભગાડી દઉં છું સન્નાટાને તેથી,
આ એકલતા પછી ઇંડા મૂકે તો !

ઘણીયે વાર પંખીઓને જોઈ,
વિચારે માછલી, દરિયો ઊડે તો !

– હર્ષ બ્રહ્મભટ્ટ

એકદમ સરળ અને સહજ ભાષા. એકપણ શેર ટિપ્પણીનો મહોતાજ નહીં પણ તોય સરવાળે કેટલી મજબૂત અને હૃદયંગમ રચના !

Comments (8)

ગઝલ – ભાવિન ગોપાણી

દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.

અમે એવા કે અમને જિંદગી પણ છેતરી નાખે,
તમે તો વાતમાં લઇ મોતને પણ ભોળવી નાખો.

જગતને ખોટ પ્હોંચે એ હદે ઓછું થયું છે કંઈક,
હવે એ ખોટ પૂરવા માનવીમાં માનવી નાખો.

શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?
ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.

પતંગિયું બેસશે એની ઉપર જો ફૂલ સમજીને ?
સભા બરખાસ્ત થઈ છે મીણબત્તી ઓલવી નાખો.

– ભાવિન ગોપાણી

ભાવિન ગોપાણીની રચનાઓમાંથી પસાર થતાં એક વિશેષતા જે અનુભવાઈ એ મત્લાની બળકટતા. મત્લાનો શેર જ એવો મજબૂત, નાવિન્યસભર હોય કે આખી ગઝલ વાંચવી જ પડે.

Comments (12)

શું કરીશું ! – મનસુખ લશ્કરી

શ્વાસની સાબિતીઓને સંઘરીને શું કરીશું ?
આંસુઓમાં ડૂબવા આંખો ભરીને શું કરીશું ?

હાથમાં તો આજ છે – તો આજને પીધા કરો,
કાલની ખાલી નદીમાં સંસરીને શું કરીશું ?

ગમતું-અણગમતું બધુંયે આવતું-જાતું રહે છે,
વ્હેણ છે, જોયા કરો – એ આંતરીને શું કરીશું ?

પાંદનો અવતાર છે, તડકા-તમસને આવકારો !
પણ ક-ટાણે પાનખર પહેલાં ખરીને શું કરીશું ?

‘શું કરીશું?’ ‘શું કરીશું ?’ શું કરે છે? ગોત ઉત્તર!
પંડને આ વૈખરીથી તંતરીને શું કરીશું !

– મનસુખ લશ્કરી

એકેએક શેર પાણીદાર… વર્તમાનનું મહત્ત્વ સમજાવતું ‘કાલની ખાલી નદી’નું કલ્પન જ આખી ગઝલનો ભાર ખભે ઊંચકી લેવા પૂરતું છે. ટકોરાબંધ ગઝલ.

Comments (3)

બહાર આવ્યો છું… – મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

– મનોજ ખંડેરિયા

Comments (5)

સન્નાટા – મરીઝ

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના,
પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના.

ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
સોચો તો લાખ સૂઝે – કરો તો ઉપાય ના.

જીવનનો કોઇ તાલ હજુ બેસતો નથી,
હમણાંથી કોઇ ગીત મહોબતમા ગાય ના.

આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

સારા કે નરસા કોઇને દેજે ન ઓ ખુદા,
એવા અનુભવો કે જે ભૂલી શકાય ના.

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી,
આ છે ગઝલ, કંઇ એમાં ઝડપથી લખાય ના.

આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના.

હા છે વિવિધ ક્ષેત્રમાં એવા છે પ્રેમીઓ,
એવી વફા કરે છે કે માની શકાય ના.

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના.

જોવા મને હું લોકની આંખોને જોઉં છું,
લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આયના.

મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,
જેથી ‘મરીઝ’ એમને પસ્તાવો થાય ના.

-મરીઝ

રીઅલ માસ્ટર !!!! પ્રત્યેક શેર અફલાતૂન !!

Comments (6)

સાપ્તાહિક કોલમ ~ એક નવી શરૂઆત…

એક નવી શરૂઆત… “ગુજરાત ગાર્ડિયન” દૈનિકમાં દર મંગળવારની પૂર્તિમાં મારી કોલમનો પ્રારંભ… “ગ્લોબલ કવિતા” – અન્ય ભાષાની કવિતાઓનો ગુજરાતી અનુવાદ તથા ટૂંકો આસ્વાદ….

01

જેનીએ ચૂમી લીધો મને

જેનીએ ચૂમી લીધો મને જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ ચૂમી લીધો મને.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાના શબ્દો અને સામાન્ય વાતચીતના શબ્દોમાં તાત્વિક રીતે કંઈ જ ફરક નથી. તો પછી એવું શું હશે જે વાતચીતના શબ્દોને કવિતાની કક્ષાએ લઈ જતું હશે ? જેમ્સ લે હન્ટની આ કવિતા પર નજર નાંખીએ.

પહેલી નજરે જોઈએ તો માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિને ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે. આગળ જોઈએ તો કવિ સમય સાથે ગુફ્તેગૂ માંડતા નજરે ચડે છે. સમય પર આરોપ છે કે એ બધી મીઠી વાતો પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થાય છે ત્યારે આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે પથારી સુધી પણ લંબાતો નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેશ છે એ સ્પર્શી જાય છે. કેમકે કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ છે. નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, દુઃખી પણ ઘણો છે અને તન-મન-ધન, ત્રિવિધ રીતે જીવનમાં નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, મનમાં હતાશા. જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.

એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) નાયક પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી દીધા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. સુન્દરમે લખ્યું હતું, ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

નાયક સમયને જે ઉપાલંભ આપે છે આગળ કહ્યું એમ આ કાવ્યનો પ્રાણ છે. સમય ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે. સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. પણ કવિ એને જે ચીમકી આપે છે એની મજા છે. કવિ સમયને કહે છે કે તું તારી ડાયરીમાં બધું જ નોંધી લેજે. મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયેંબિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે –ગુરુ-લઘુ, ગુરુ-લઘુ – થાય છે. જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. મૂળ અંગ્રેજી કવિતામાં અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

Comments (11)

જન્મોત્સવ – ગુણવંત વ્યાસ

હૈયે મારે જલધિજલનાં શીકરો ઊછળે છે,
દાદા થ્યાનો અવસર દિલે દીપતેજે ઝગે છે.
દાદી એની હરખ કરતી, બોલતી પોરસીને:
‘ચાલો, જૈએ ગળપણભરી લાગણીઓ લઈને!’

ને એ દોડી, હું અનુસરિયો, વાધતો વંશ ભાળી,
પ્હોંચી થ્યું કે, ‘પુતરઘર હું પારકો, એ પરાઈ.’
બેટો મારો વરતન થકી લાગતો’તો પરાયો,
ને એની આ વહુ-વદન પે ભાવ ના કો કળાયો.

તોયે દાદી કુસુમવત આ બાળને ગાલ ચૂમે,
ભૂલી વૈને ચકરભમતી ગોળ ને ગોળ ઘૂમે.
તેડી લાવી મુજ કને વદે : ‘દીકરો લો તમારો;
લાગે જાણે અસલ નકશો બાપના બાપ જેવો.’

દેખી મારી નખશિખ છબી; પુત્રનો પાડ માનું
છો ના આપ્યું કશું; પણ મળ્યું, જીવવાનું બહાનું.

– ગુણવંત વ્યાસ

અલગ રહેતા પુત્રના ઘરે પુત્રના જન્મનો ઉત્સવ અને દાદા-દાદીના સંવેદનો બહુ નાજુકાઈથી કવિએ આ સૉનેટમાં કંડાર્યાં છે. પૌત્રને રમાડવા હરખઘેલા પુત્રઘેર પહોંચી જતા દાદા-દાદીને ક્ષણાર્ધમાં સમજાઈ જાય છે કે પુત્ર અને પુત્રવધૂ બંને પરાયા છે. પણ વંશવેલાને વધતો જોઈ દાદી આ અપમાન અવગણીને પણ પૌત્રને રમાડે છે અને દાદાને બતાવે છે કે એ બાળકની શિકલ એમના જેવી જ છે. પૌત્રના ચહેરામાં પોતાનો ચહેરો નિહાળી દુઃખી-અપમાનિત છતાં બાપ દીકરાનો પાડ માને છે કે ઢળતી ઊંમરે જીવવાનું બહાનું આપ્યું…

Comments (5)

શબ્દો – ચિનુ મોદી

કદી રાંક છે તો કદી રાય શબ્દો,
કદી બાંધતા, ક્યાંક બંધાય શબ્દો.

કદી આંસુઓનું લઈ રૂપ આવે
કદી પુષ્પ પેઠે પરોવાય શબ્દો.

કદી ઓઠ પર આવી પાછા વળે છે,
ઘણીવાર બ્હૌ બોલકા થાય શબ્દો.

હતો મૌનનો એક દરિયો છલોછલ,
કિનારે રહીને તરી જાય શબ્દો.

વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો.

– ચિનુ મોદી

સાદ્યંત આસ્વાદ્ય મનનીય ગઝલ…

Comments (5)

ચાલ્યા જતા પ્રસંગની….- જવાહર બક્ષી

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે !

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?

– જવાહર બક્ષી

Comments (2)

એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

– રમેશ પારેખ

આમ જુઓ તો કાવ્યની વિષયવસ્તુ કેટલી નાનકડી છે !! છતાં કેટલી સુંદર ગૂંથણી છે !!

Comments (7)

અડધી રમતથી (English) – અનુ. મુકુર પેટ્રોલવાલા

Leave the game halfway,
To do that you are free!
Or win on your terms dear
To do that you are free!

To unburden our hearts,
Let’s talk, is my plea
Stay mum if you want,
To do that you are free!

Life today has become
A space so empty
Fill blanks where you can,
To do that you are free!

You went when you willed
As per your wish, buddy!
Open doors invite
To come, you are free!

In this life only
I want you mine to be!
Eighty four lakh births more
To suffer you are free!

It’s not life and soul we talk
But about you and me!
You can sure return later
To do that you are free!

This finger uses as air,
Words to breathe easy!
The life of the dependent
To spare, you are free!

– Vivek Manhar Tailor
(English Translation by Mukur Petrolwala)

*

લયસ્તરો પર સામાન્ય રીતે હું મારી પોતાની રચના મૂકવાનું ટાળું છું પણ મુકુરભાઈએ ઇ-મેલમાં મારી ગમતી ગઝલનો અનુવાદ મોકલી આપ્યો એટલે અહીં મૂકવાની લાલચ જતી ન કરી શક્યો. આભાર, મુકુરભાઈ !

*

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

છે તારી મારી વાત, નથી દેહ-પ્રાણની,
રહી રહીને પાછા આવવાની છૂટ છે તને.

આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

-વિવેક મનહર ટેલર

Comments (15)

લેશું – વંચિત કુકમાવાલા

પળ પળ પળને ચાખી લેશું,
નિર્મળ નવનીત રાખી લેશું.

સ્પર્શ કરીશું સહેજ સરીખો,
છેક ભીતરે ઝાંકી લેશું.

અલપઝલપ બસ એક નજરમાં,
ભવભવનું પણ ભાખી લેશું.

અડધીપડધી કેમ ઊકલશે…?
પીડા આખેઆખી લેશું.

લાલ, ગુલાબી, લીલો દઈને,
થોડો ભગવો ખાખી લેશું.

ચૌદ લોકના વૈભવ સામે,
ભજન, દુહા ને સાખી લેશું.

– વંચિત કુકમાવાલા

જિંદગી પળ-પળનો સરવાળો છે. પળે-પળ જો આપણે વીતતી પળોને પ્રેમથી ચાખવાનો અને એમાંથી શુદ્ધ માખણ તારવી લેવાનો ઉપક્રમ રાખીશું તો જીવનમાં દુઃખને અવકાશ જ નથી. કવિની નજર મરજીવા જેવી છે, અડતામાત્રમાં છેક ભીતરના અને ભવભવના મોતીઓ તાગી લે એવી. છેલ્લા શેરમાં કવિઓનો ખરો વૈભવ પણ માણવા જેવો.

Comments (7)

દીકરીની વિદાય – અનિલ ચાવડા

anil-chavda

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ મિરાત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

– અનિલ ચાવડા

અનિલ ચાવડાની આ કવિતા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અભ્યાસક્રમમાં ધોરણ ૯માં સમાવિષ્ટ કરવામાં આવી છે. કદાચ પ્રવર્તમાન પેઢીના કવિઓમાં ‘અનિલ ચાવડા’ પાઠ્યપુસ્તકમાં સ્થાન પામનાર પ્રથમ નામ હશે… ચાલો, છોકરાઓનો પણ ઉદ્ધાર થશે… સમજણો થયો ત્યારથી મને એક વસ્તુ કદી સમજાઈ નથી કે શા માટે બાળકોના માથે ચલણમાંથી નીકળી ગયેલ “એક્સપાઇરી ડેટ”વાળી ભાષામાં લખાયેલી કવિતાઓ જ નાખવામાં આવે છે. આપણી ભાષાના સાંસ્કૃતિક વારસા સમી રચનાઓની સાથોસાથ કન્ટેમ્પરરી પોએટ્રી પણ અભ્યાસક્રમમાં હોવી જ ઘટે. અનિલની રચનાને પાઠ્યપુસ્તકમાં મળેલું સ્થાન આ દિશા તરફનું પહેલું પગલું ગણી શકાય. એ ન્યાયે પાઠ્યપુસ્તકમંડળને અભિનંદન.

પણ સાથેસાથે પાઠ્યપુસ્તક મંડળે જે અક્ષમ્ય ક્ષતિઓ આચરી છે એની પણ સખેદ નોંધ લેવી જરૂરી છે કેમકે એક તરફ આપણે ‘ગુજરાતી મરી રહી છે’ના રોદણાં રડી રહ્યાં છીએ અને બીજી તરફ બાળકોને ભાષા શીખવવામાં જ આવી જઘન્ય લાપરવાહી ?

‘લેખનનું કામ કરી રહ્યાં છે’ – પુલ્લિંગ સર્વનામ સાથે અનુસ્વાર?

‘તેમના ચિંતન, નિંબધોનાં પુસ્તકો છે’ – નિંબધો? કે નિબંધો?

મિરાંત‘ – કે મિરાત ? હદ તો ત્યાં થઈ છે કે ખોટો શબ્દ છાપ્યો છે એટલું જ નહીં, એનો શબ્દાર્થ આપીને એને કોઇન પણ કરી દીધો…

 

Comments (6)

આ બધું તો થાય છે ! – રાજેન્દ્ર શુક્લ

આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!

હાથ હોવાથી જ કંઇ ક્યાં કશું પકડાય છે?
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!

આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
ક્યાંક કંઇ ખૂલી રહ્યું, કયાંક કંઇ બિડાય છે!

જે ઝળકતું હોય છે તારકોનાં મૌનમાં,
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે!

શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!

– રાજેન્દ્ર શુક્લ

Comments (9)

પૃથ્વી – મકરંદ દવે

ક્યાંક પૃથ્વીને ઊગતી ભાળું તો
ભાઈ,મારા ઘરની દીવાલ સહુ તૂટે.

ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં
ને પથ્થર તો પરપોટા, ફીણ,
તેજ કેરા દરિયામાં તરતી નિહાળું
મારા  અંતરની  અંધારી ખીણ;
ક્યાંય આઘે આઘેથી મને ભાળું તો
ભાઈ,મારા પડછાયા પંડના છૂટે.

અધખૂલી આંખમાં ઊગે સવાર
વળી,નિંદરનું ઘેન મને ઘેરે,
ઝંખેલા  રૂપને  ઝીલું  ઝીલું  ને કોઈ
રૂપને  વિરૂપમાં  વિખેરે;
ક્યાંક એવો ઉજાશ લઈ આંજું કે
ભાઈ,મારાં સૂતાં કમળદળ ફૂટે.

– મકરંદ દવે

આ કાવ્ય વિષે કવિએ કહ્યું છે કે નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પરથી પૃથ્વી કેવી લાગી તેનું આ વર્ણન છે. મને આ વાતની ખબર નો’તી. મને તો કાવ્ય ગમ્યું અને એવો અર્થ સમજાયો કે જાત ને જરા છેટેથી સાક્ષીભાવે નિહાળતા ઘણા રહસ્યો સમજાય છે……

Comments (2)

મ્હેક ઉપર લીસોટો – જિગર જોષી ‘પ્રેમ’

આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.

તું અલ્યા ! એક છે પરપોટો,
તને ફોડવા – વાટાઘાટો !?

ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.

માટી સીધી નેતર થાશે,
વાગશે જ્યાં વરસાદનો છાંટો.

ભીંતમાં આજે પ્રાણ પૂર્યા મેં,
ટાંગી દીધો તારો ફોટો.

એને તો મનમાં’ય નથી કંઈ,
હું મૂંઝાયો ખોટેખોટો.

પંડિતજીએ એવું બાફ્યું,
સ્વાદ ગઝલનો ભારે ખાટો.

– જિગર જોષી ‘પ્રેમ’

એક શુદ્ધ ભાવકની નજરે આ ગઝલ જોઈએ તો છેલ્લો શેર- જે હઝલના કુળનો થયો છે એને- બાદ કરતા આખી ગઝલ આસ્વાદ્ય. આખા ઘરમાં સન્નાટા સિવાય કંઈ નથી એ વાત કહેવાનો અંદાજે-બયાં કાબિલે-દાદ છે. મહેંક પર લિસોટો પડી ન જાય એનું ધ્યાન રાખવાની ટકોર નજાકતની પરાકાષ્ઠા છે. એક ફોટોગ્રાફ નિર્જીવ દીવાલને જીવંત કરે છે એ વાત પણ મજાની. સામી વ્યક્તિના મનમાં શુંનું શું હોયની આશંકામાં પ્રત્યાયન કે પહેલ વિના જીવન વીતી જતું હોવાની વાસ્તવિક્તા પણ કવિ યથાર્થ ઉપસાવે છે.

Comments (6)

ગોફણની વચ્ચે છું – દિલીપ શ્રીમાળી

આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું,
હું જ જાણું છું કયા સગપણની વચ્ચે છું.

વાગવાની પંખીને ઇચ્છા નથી મારી,
શું કરું, પથ્થર છું ને ગોફણની વચ્ચે છું.

માછલી દરિયો જ સમજીને તરે એમાં,
ક્યાં ખબર છે કાચના વાસણની વચ્ચે છું.

શ્વાસનું ટોળું મને લઈ જાય ઘરની બ્હાર,
હુંય શ્વાસોના રખડતા ધણની વચ્ચે છું.

આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો,
એક કે બે ક્ષણ સુધી પાંપણની વચ્ચે છું.

– દિલીપ શ્રીમાળી

સ-રસ રચના !

Comments (6)

ગઝલ – ભાવિન ગોપાણી

આમ તો હું શબ્દમાં પણ સાંપડું;
તું મને શોધે નહી તો ના જડું.

એટલો પાસે ગયો કે થઈ ગયું,
દાઝવું નક્કી, અડું કે ના અડું.

જે થયું તે પ્રેમ મારો માનજે,
આમ નહિતર તારી સાથે બાખડું ?

હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.

કત્લ કરવા તું મને આવ્યો છું તો,
કરગરું કે પીઠ તારી થાબડું ?

આયનામાં તું તને દેખે અને,
થાય એવું હું તને વચમાં નડું.

મન-મગજ વચ્ચે ફરી ઝઘડો થયો,
છોડ, એમાં હું નહીં વચ્ચે પડું.

– ભાવિન ગોપાણી

આખી ગઝલ સરાહનીય પણ ઉદાસીના કૂવામાંથી બહાર આવવા મિત્રની હાજરીના દોરડાની આવશ્યક્તા ઉજાગર કરતો શેર તો ઉત્તમ. એ જ રીતે આયનામાં પ્રિયજન પોતાની જાતને જોવાની કોશિશ કરે અને પોતાના બદલે પ્રિયતમના દિદાર થાય એ કલ્પન પણ દાદ માંગી લે એવું.

Comments (7)