શું કરીશું ! – મનસુખ લશ્કરી
શ્વાસની સાબિતીઓને સંઘરીને શું કરીશું ?
આંસુઓમાં ડૂબવા આંખો ભરીને શું કરીશું ?
હાથમાં તો આજ છે – તો આજને પીધા કરો,
કાલની ખાલી નદીમાં સંસરીને શું કરીશું ?
ગમતું-અણગમતું બધુંયે આવતું-જાતું રહે છે,
વ્હેણ છે, જોયા કરો – એ આંતરીને શું કરીશું ?
પાંદનો અવતાર છે, તડકા-તમસને આવકારો !
પણ ક-ટાણે પાનખર પહેલાં ખરીને શું કરીશું ?
‘શું કરીશું?’ ‘શું કરીશું ?’ શું કરે છે? ગોત ઉત્તર!
પંડને આ વૈખરીથી તંતરીને શું કરીશું !
– મનસુખ લશ્કરી
એકેએક શેર પાણીદાર… વર્તમાનનું મહત્ત્વ સમજાવતું ‘કાલની ખાલી નદી’નું કલ્પન જ આખી ગઝલનો ભાર ખભે ઊંચકી લેવા પૂરતું છે. ટકોરાબંધ ગઝલ.
Rakesh Thakkar, Vapi said,
November 24, 2016 @ 7:08 AM
બહુ જ સરસ ગઝલ.
પાંદનો અવતાર છે, તડકા-તમસને આવકારો !
પણ ક-ટાણે પાનખર પહેલાં ખરીને શું કરીશું ?
KETAN YAJNIK said,
November 24, 2016 @ 7:46 AM
કબૂલાત તમારી માણીશું, પછી અમે શું કરીશું?
સ્તરોનો લય માણ્યા કરશું। બીજું શું?
piya said,
November 24, 2016 @ 9:16 AM
Saras gazal…😊