ઉડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2016

હું અને તું – તુષાર શુક્લ

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ, વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ, વ્હાલમ.
આંખને ઉંબર અતિથિ, અશ્રુ ને સપનાં, સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપનાં, સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું

રંગ ને પીછી તણા સંવાદમાં પણ બેઉ, સજની;
સુર ગુંથ્યા શબ્દના અનુવાદમાં પણ બેઉ, સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરિયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું

– તુષાર શુક્લ

આવો…..નવા વર્ષના પ્રભાતે આપણે સૌ આવી કૈંક મનોકામના સાથે નવા વર્ષને વધાવીએ…..

Comments (3)

મીઠડું લાગે – રવીન્દ્રનાથ ઠાકુર અનુ- મકરન્દ દવે

પ્રભુ, નેણાં તમ સું જાગે ;
ભાળું નહીં મુખ રૂપાળું,
બેઠી બેઠી પંથ નિહાળું
એય મુંને મીઠડું લાગે.

ધૂળમાં બેસી બા’રે
ભિખારી હૈયું આ રે
તમારી કરુણા માંગે
કૃપા ન ચાહું, તમને ચાહું,
એય મુંને મીઠડું લાગે.

ભર્યા આ ભવમાં આજે
કંઈ સુખ લાભને કાજે
સરી ગયા સઘળા આગે,
સૂના આ સમે, ગમતા તમે
એય મુંને મીઠડું લાગે.

ચારે કોર અમી-રસાળી
ભોમકા તલસે કાળી,
રડાવી દે અનુરાગે
ક્યાં છો સાથીડા ! પામતી પીડા ;
એય મુંને મીઠડું લાગે.

– રવીન્દ્રનાથ ઠાકુર અનુ- મકરન્દ દવે

દિપોત્સવી પર્વ એ આ મધુરી સ્નેહભરી સ્તુતિ….. ” કૃપા ન ચાહું, તમને ચાહું…”- પંક્તિ બધું જ કહી દે છે.

Comments (5)

ફ્રાન્સિસ્કા – એઝરા પાઉન્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

રાત્રિના અંધકારમાંથી તું બહાર આવી
અને તારા હાથમાં ફૂલો હતાં,
હવે તું લોકોના ગૂંચવાડામાંથી બહાર આવશે,
તારા વિશેના અવાજોના કોલાહલમાંથી.

હું જેણે નિહાળી છે તને આદિમ ચીજો વચ્ચે
ગુસ્સે હતો જ્યારે એ લોકો તારું નામ બોલતા હતા
સામાન્ય જગ્યાઓ પર.
કાશ ! ઠંડાગાર મોજાં મારા માથા પર ફરી વળે,
અને આ દુનિયા મરેલાં પાંદડાની જેમ સૂકાઈ જાય,
અથવા ડૅન્ડિલિઅનની દાંડી પરથી ઊડતા બીજની જેમ ઊડી જાય,
જેથી હું તને ફરીથી મેળવી શકું,
એકલી.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
એક પ્રિયતમા જેની સાથે એકાંતમાં સાવ અંગત ક્ષણો વિતાવી છે એ આજે હવે જીવનમાં નથી રહી. એની જાહેર જિંદગી પર પ્રશ્નો ઊઠી રહ્યા છે, આંગળી ચિંધાઈ રહી છે જે કવિને પસંદ નથી. રાત્રિનો અંધકાર એ બદનામીનો અંધકાર છે. લોકોને જ્યારે ચોરે ને ચૌટે પોતાની પ્રેયસીનું નામ બોલતાં કવિ સાંભળે છે ત્યારે ઈર્ષ્યા અને ગુસ્સો બંને જન્મે છે. મન થાય છે કે કાશ મગજ શાંત થઈ જાય એવી કોઈ ઘટના બને અથવા દુનિયા આખીનો નાશ થઈ જાય જેથી તારી અને મારી વચ્ચે કોઈ બચે જ નહીં અને પોતે પ્રેયસીને પુનઃ મેળવી શકે. છેલ્લી પંક્તિમાં જે ‘એકલી’ શબ્દ એકલો વપરાયો છે એ પ્રેમની પઝેસિવનેસ ઈંગિત કરે છે, જેની પ્રબળતા આપણને “તારા રૂપની પૂનમનો પાગલ એકલો” તરત યાદ કરાવી દે છે…

ફ્રાન્સિસ્કા શીર્ષક કવિએ કેમ વાપર્યું હશે એ એક કોયડો છે. એઝરા પાઉન્ડ ‘ઇમેજીઝમ’ના રસ્તે વળ્યા એ પૂર્વેનું આ કાવ્ય શું તેરમી સદીમાં થઈ ગયેલ ગીડોની પુત્રી ફ્રાન્સિસ્કા, જે પોતાના દિયરના પ્રેમમાં પડી હતી અને પતિના હાથે જેની દિયસ સાથે હત્યા થઈ હતી, જે મહાકવિ દાન્તેની ‘ડિવાઇન કોમેડી’માં પણ એક નાયિકા છે, એને સ્મરીને લખાયું હશે? કોઈ પ્રકાશ પાડી શકશે?

*
Francesca – Ezra Pound

You came in out of the night
And there were flowers in your hands,
Now you will come out of a confusion of people,
Out of a turmoil of speech about you.

I who have seen you amid the primal things
Was angry when they spoke your name
In ordinary places.
I would that the cool waves might flow over my mind,
And that the world should dry as a dead leaf,
Or as a dandelion seed-pod and be swept away,
So that I might find you again,
Alone.

Comments (3)

ગૂંથેલી જાળ છે – વંચિત કુકમાવાલા

જે બને, બનશે જ, બનવાકાળ છે,
આપણાં ક્યાં હાથમાં ઘટમાળ છે ?

ટોચ પર પહોંચી નિવેદન થઈ શકે,
એ તરફ છે, આ તરફ પણ ઢાળ છે.

જિંદગી રંગીન પામ્યા છે બધા,
રંગ ના પરખાય તો જંજાળ છે.

પોતપોતાની સમજ છે કેદની,
પોતપોતાની ગૂંથેલી જાળ છે.

ક્યારનો ‘વંચિત’ મરી ગ્યો હોત પણ ,
આપ સૌની સાર ને સંભાળ છે.

– વંચિત કુકમાવાલા

એક એક શેર સો ટચના સોના જેવા. કોઈની જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ નથી પણ આપણને રંગની પરખ નથી એની પળોજણ છે બધી. એ જ રીતે દરેક માણસ પોતે પોતાની જ ગૂંથેલી ઇચ્છા, સપના, સંબંધોની જેલમાં બંધ છે.

Comments (7)

જાદુ – પારુલ ખખ્ખર

શિખરનો, ધજાનો, ગભારાનો જાદુ,
છવાયો છે ગેબી ઈશારાનો જાદુ.

ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.

‘અઠે દ્વારિકા!’ કહીને બેસી જવાયું,
હતો કંઈક એવો ઉતારાનો જાદુ.

હથેળીની રેખા વળોટી ગયા ને,
નકારી દીધો છે સિતારાનો જાદુ.

તમે ઊંઘમાં શેર બોલો છો ‘પારુલ’,
ચડ્યો તો નથી ને દુબારાનો જાદુ !

– પારુલ ખખ્ખર

જાદુ કરી દે એવી દાદુ ગઝલ ! હીરો હોય કે મનુષ્ય – જેમ વધુ ઘસાય એમ વધુ ઝળહળે. ઘસારાનો જાદુ સ્વીકાર્ય ન હોય તો પ્રગતિને ભૂલી જવી પડે.

Comments (13)

ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું – વિવેક કાણે ‘સહજ’

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું

માનવહ્રદયની આ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું ને સમેટાય પણ ખરું

રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું

જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી
એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું

સાચો પ્રણય ઘણુંખરું અદ્રશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

– વિવેક કાણે ‘સહજ’

Comments (8)

લોહી વહે ત્યારે – મુકુલ ચોકસી

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.

ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.

– મુકુલ ચોકસી

ક્લાસિક મુકુલભાઈ……….

Comments (3)

ભીડ – રાવજી પટેલ

એકાંતમાં પણ ભીડ જામી કેટલી !

કો’ક મીઠી છોકરી જેવી હવા
મુજને ઘસાતી જાય.
કાંઠા બેઉ છલકાતા.
વધી અંધારાની હેલી.
ડગલું ભરાતું માંડ
ત્યાં,
રોમ પણ ઊંચું જરી ના થાય એવો તો
હવાનો પાશ !
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ.
રે
એક જણની ભીડનો આવો મને ન્હોતો જરીયે ખ્યાલ !

– રાવજી પટેલ

નાની ઉંમરે આવજો કરી ન ગયો હોત તો રાવજીએ આપણી ભાષાને કેવી રળિયાત કરી હોત એની કલ્પના જ રોમાંચિત કરી દે છે. પહેલી નજરે અછાંદસ લાગતી આ રચના છંદોબદ્ધ છે. ગાલગાગા-ગાગાલગાના નિયમિત આવર્તનો રચનાને પોતાનો લય આપે છે, જાણે કે હવા આપની ચારેકોર વીંટળાઈને દબાણ વધઘટ ન કરતી હોય! પ્રિયજનનું સ્મરણ આપણા એકાંતને પણ કેવું ખીચોખીચ ભરી દે છે એની પ્રતીતિ કરાવતું મજબૂત કાવ્ય !

Comments (3)

ગઝલ – જયંત ડાંગોદરા

જીવતું રાખવા તાપણું આપણે,
ચાંપવું રોજ સંભારણું આપણે.

રૂપ રસ ગંધ કે શબ્દ સ્પર્શેય ના,
સાચવ્યું ફક્ત હોવાપણું આપણે.

એટલું આવડે તો ઘણું થઈ ગયું,
કાઢવું કેમ ખુદનું કણું આપણે.

થાય પથ્થર થવાકાળ ભગવાન, પણ
મેળવ્યું શું બની ટાકણું આપણે.

તેજના કુંડમાં દેહ ડૂબી ગયો,
ખોલવા જ્યાં ગયા બારણું આપણે.

– જયંત ડાંગોદરા

સ્મરણની આગ સતત સંબંધને રોશન રાખે છે. આપણે આપણા અસ્તિત્વની પળોજણમાં જ એવા રચ્યાપચ્યા રહીએ છીએ કે સંસારના સાચા રસોથી અલિપ્ત જ રહી જઈએ છીઈ. જીવનમાં બીજું કંઈન આવડે તો ચાલશે, માત્ર પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવતા આવડવો જોઈએ. પથ્થરને ભગવાન બનાવનાર આપણે. પથ્થરનો તો બેડો પાર થઈ ગયો પણ આપણો? અને સાચો પ્રકાશ તો બહાર ઊભો જ છે આપણી પ્રતીક્ષામાં, જરૂર માત્ર છે આપણે આપણાં મનોમસ્તિષ્કના બારી-બારણાં ખોલવાની.

Comments (3)

દાટી છે – ડેનિશ જરીવાલા

જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.

ન પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે ?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે.

એ પડતાવેંત વિખેરાશે કંઈક ટુકડામાં,
બરડ આ કાચનું એક બીજું નામ ખ્યાતિ છે.

જો સમજ્યો રાતને તો જાણ્યું કંઈ સવાર વિશે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.*

કરે છે એક ને પીડાય છે બીજો જ સતત
પુરુ છે દેહ ને મન આપણું યયાતિ છે.

સમસ્યા, વેદના, સંઘર્ષ, અશ્રુઓ, આઘાત –
છૂટે તો ક્યાંથી ? બધા ઉમ્રભરના સાથી છે.

તડપ, કણસ, સ્મૃતિ, શંકા, વિરહ, કલહ, ઈર્ષ્યા –
પ્રણયના દર્દની તો સેંકડો પ્રજાતિ છે.

– ડેનિશ જરીવાલા

સાંપ્રત અને પુરાતન – બધા પ્રકારની કવિતાઓના ઉત્તમ અભ્યાસુ કવિમિત્ર ડેનિશની મજાની રચના આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે. મુકુલભાઈની પંક્તિની જમીન પર લખેલી આ ગઝલમાં ડેનિશ પણ મુકુલભાઈની જેમ જ ‘યયાતિ’ કાફિયો પ્રયોજે છે.

મુકુલભાઈનો શેર જોઈએ:
પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.

-પુરોગામીની જમીન પર કામ કરવા છતાં, એમણે વાપરેલ અનૂઠા કાફિયાનો પુનઃપ્રયોગ કરવા છતાં ડેનિશ અદભુત કામ કરી શક્યો છે. શરીરના ભોગે સદા યુવાન રહેતા મનને આપણી પુરાકથાના પ્રસંગ સાથે સાંકળી લઈને ડેનિશ આપણને એક ચિરસ્મરણીય શેર ભેટ આપે છે. (પુરુ એ યયાતિનો પુત્ર. શુક્રાચાર્યના શાપથી જ્યારે યયાતિ વૃદ્ધ બની ગયો, ત્યારે તેણે પોતાના બધા પુત્રોને બોલાવી પોતાનું ઘડપણ આપવા ચાહ્યું, પણ પુરુ સિવાય કોઈ પોતાની જુવાની આપી ઘડપણ લેવા સંમત થયું નહિ. પુરુ પાસેથી યૌવન મેળવી યયાતિએ ઘણો વખત સુધી સુખ ભોગવ્યું.)

(*તરહી પંક્તિ: મુકુલ ચોક્સી)

Comments (4)

કમાલ થઈ ગઈ – અનિલ ચાવડા

કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.

ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.

– અનિલ ચાવડા

Comments (6)

ચહેરા રહી ગયા – જવાહર બક્ષી

એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા

નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઇ
ચહેરાના ભાવ પર્ણની રેખા બની ગયા

જે શબ્દ રહી ગયા’તા ગયામાં બરફ થઇ
વાતાવરણમાં ઓગળી પડઘા થઇ ગયા

સંતાઇ ગઇ છે ઓરડામાં ક્ષણ વિદાયની
ઘરમાં સમયની વાંસના ફોડાં ઉગી ગયા

કોઇ ગયું છે એ છતાં કોઇ નથી ગયું,
ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા

– જવાહર બક્ષી

Comments

જળપરી અને દારૂડિયાઓની દંતકથા – પાબ્લો નેરુદા (અનુ. ઉદયન ઠક્કર)

પુરુષો બેઠા હતા
ત્યારે એ અંદર આવી, સાવ નિર્વસ્ત્ર
તેઓ ઢીંચતા હતા: તેમણે થૂંકવા માંડ્યું
એ નદીમાંથી તાજી જ નીકળી હતી, અબુધ-અણજાણ
એ માર્ગ ભૂલેલી જળપરી હતી
અપમાનો વહી ચાલ્યાં એની ચળકતી માંસપેશીઓ પરથી
બિભત્સ રસમાં ડૂબતાં ગયાં એનાં સોનેરી સ્તન
અશ્રુથી અજાણી હોઈ એણે અશ્રુ ન સાર્યાં
વસ્ત્રોથી અજાણી હોઈ એણે વસ્ત્રો નહોતાં પહેર્યાં
તેમણે ખરડી એને, બળેલા બૂચ અને બીડીનાં ઠૂંઠિયાંથી
તેઓ હસીહસીને લોટપોટ થઈ ગયા, પીઠાની ફરસ પર
એ બોલી નહિ કારણ કે એની પાસે વાચા નહોતી
એની આંખોનો રંગ, આઘેઆઘેના પ્રેમ જેવો
એના હસ્તની જોડ, શ્વેત પોખરાજમાંથી ઘડેલી
એના હોઠ ફરક્યા હળવે હળવે, પરવાળાના પ્રકાશમાં
એકાએક નીકળી ગઈ એ બારણાની બહાર
નદીમાં ઊતરતાંવેંત થઈ ગઈ નિર્મળ
વર્ષામાં ચળકતા સ્ફટિક સમી
અને પાછું જોયા વિના એણે તરવા માંડ્યું
તરવા માંડ્યું શૂન્ય તરફ, તરવા માંડ્યું મૃત્યુ તરફ

– પાબ્લો નેરુદા
(અંગ્રેજી પરથી અનુ. ઉદયન ઠક્કર)

કવિશ્રી ઉદયન ઠક્કરના જ શબ્દોમાં આસ્વાદ પણ માણીએ:

પીઠામાં પુરુષો બેઠા હતા ત્યારે એક જળપરી અંદર આવી, ‘સાવ નિર્વસ્ત્ર’- સત્ય ઢાંકપિછોડો ન કરે, એ તો ફરે ઉઘાડેછોગ. ‘તેઓ ઢીંચતા હતા’- ધ વર્લ્ડ ઇઝ નોટ ઇન ઇટ્સ સેન્સિસ, વિશ્વ વિવેકબુદ્ધિ ખોઈ બેઠું છે. ‘તેમણે થૂંકવા માંડ્યું’- મહામાનવ બનવું કપરું છે, પણ મહામાનવને ગાળ આપવી સહેલી છે. દારૂડિયો ઊલટી ન કરે તો બીજું કરેય શું? ‘નદીમાંથી તાજી જ નીકળી હતી’- નદીના તાજા જળ સાથે થૂંકનો વિરોધ ઊડીને આંખે વળગે તેવો છે. ‘માર્ગ ભૂલેલી’- ક્યાં જળપરી અને ક્યાં પીઠું? જળનો જીવ સ્થળ પર આવી ચડ્યો! માર્ગથી ચ્યુત કોણ થયું? જળપરી કે દારૂડિયાઓ? ‘અપમાનો’ ‘બિભત્સ રસ’- જળપરીનો દોષ એટલો જ કે એ સુંદર હતી.’વહી ચાલ્યાં’ ‘ડૂબતાં ગયાં’- પરી જળમાંથી આવી હોવાથી કવિ વહેવું-ડૂબવું ક્રિયાપદો પ્રયોજે છે. દારૂડિયાઓ સ્તન સુધી તો પહોંચ્યા પણ મન સુધી નહિ. ‘માંસપેશીઓના ચળકાટ’થી વધુ તેમને કશું ન દેખાયું કારણ કે તેમને આંખો હતી પણ દ્રષ્ટિ નહોતી.

‘તેમણે ખરડી એને’- પરીના સ્તર સુધી ન પહોંચાયું માટે તેમણે પરીને પોતાના સ્તરે પછાડી. સેડિઝમ- પરપીડનના આનંદથી શરાબીઓ ઝૂમી ઊઠ્યા. જળપરીએ પ્રતિકાર ન કર્યો, મૌન રહી. જળપરી લૌકિક નહિ પણ અલૌકિક હતી એ દર્શાવવા કવિ રહસ્યમય રીતે વર્ણન કરે છે. જળને તળિયે ખીલતા પરવાળાના પ્રકાશમાં એના હોઠ ફરક્યા, હળવે, હળવે.

‘એકાએક નીકળી ગઈ એ’- નીતર્યા નિર્મળ જીવને જગત ઝાઝું ન જાળવી શકે. જોન ઓફ આર્ક ઓગણીસમા વર્ષે ગઈ, ઈસુ ગયા ત્રીસ કે પાંત્રીસે. જળપરી શેનું પ્રતીક છે? નિર્દોષતાનું? પ્રકૃતિનું? સંસ્કૃ તિનું?

-ઉદયન ઠક્કર

Fable of the Mermaid and the Drunks

All those men were there inside,
when she came in completely naked.
They had been drinking: they began to spit.
Newly come from the river, she knew nothing.
She was a mermaid who had lost her way.
The insults flowed down her gleaming flesh.
Obscenities drowned her golden breasts.
Not knowing tears, she didn’t cry tears.
Not knowing clothes, she didn’t have clothes.
They blackened her with burnt corks and cigarette butts,
and rolled around laughing on the tavern floor.
She did not speak because she couldn’t speak.
Her eyes were the color of distant love,
her twin arms were made of white topaz.
Her lips moved, silently, in a coral light,
and suddenly she left by that door.
Entering the river she was cleaned,
shining like a white rock in the rain,
and without looking back she swam again
swam toward emptiness, swam toward death.

– Pablo Neruda

Comments (6)

મૂઓ તડકો વરસે ને… – તેજસ દવે

મૂઓ તડકો વરસે ને મારું ફળિયું રિસાય,
.                       કહે છાંયડાઓ કોણ લૂંટી જાય ?
ભર ચોમાસે લીંબોળી પાક્કી થઈ જાય
.                       ઓલા લીંબડાના ભાગ ફૂટી જાય.
.                                          મૂઓ તડકો વરસે ને…

નદીઓનાં ભીનાંછમ સપનાંઓ ભરવાને
.                       તૂટેલાં માટલાંઓ સાંધ્યાં,
કાળઝાળ ઉનાળો આંખોમાં વરસે તે
.                       પાણિયારા પાંપણ પર બાંધ્યાં;
સાત સાત દરિયાના હાથ લગી આવેલું
.                       ચોમાસું કોણ લૂંટી જાય ?
.                                       મૂઓ તડકો વરસે ને…

ઝાડ તળે ઊગેલા છાંયડાઓ સ્હેજ હજી
.                       ધરતીના છેડા લગ પૂગે,
ને ત્યાં જ વળી તડકો કોઈ પંખીની જેમ
.                       પેલા છાંયડાને આવીને ચૂગે.

સૂકા થઈ બેઠેલા કૂવાની ધાર પરે
.                       સૂરજને કોણ ઘૂંટી જાય ?
.                                   મૂઓ તડકો વરસે ને…

– તેજસ દવે

આવું-આવું કરતું ચોમાસુ લગાતાર હાથતાળી દઈ રહ્યું હોય, સૂર્ય ચોમેર દેકારો દઈ રહ્યો હોય, દુકાળના ડાકલાં સંભળાવા માંડે એવા કોઈ તરસ્યા સમયનું ચિત્ર કવિ કેટલું સ-રસ રીતે દોરી આપે છે !

પાણી વરસશેના ભીનાં સપનાંઓથી ભરેલી પણ હકીકતે ખાલી નદી કને માટલાં તૂટેલા લઈ જાવ કે આખાં, શો ફરક પડે છે? ઘરનાં પાણિયારાં ખાલી છે, ખાલી પાંપણના પાણિયારા જ આંસુથી છલકાય છે. પાન વગરના સૂકા ઝાડ નીચે થોડો પડછાયો ઊગે ન ઊગે ને તડકાપંખી એને જાણે કે ચણી જાય છે…

Comments (4)

મન – ચિનુ મોદી

માદરબખત મન, જો તારે હોત તન
અંગે અંગે કાપત તને, ઘાએ ઘાએ
મીઠું ભરત; અરે, ઉગાડત ગૂમડાં
અને પાકવા દઈ પરુ કરત, દદડતા
પરુ પર માખીઓનાં કટક ઉતારત
અને…
પણ, તું તો ઈશ્વર જેવું અદેહી છે,
છટકતો પવન છે. ચાલેલા ચરણનું
ચિહ્ન હોત તો શોધી કાઢત પગેરું
ને તોડી નાખત તારા પગ…
માંસમજ્જાની આ થપ્પીઓની ઓથે
તું ભરાઈ તો બેઠું છે, પણ, ક્ષણોનું
જ્યારે પૂરું થશે રણ, ત્યારે પરી જેવી
પાંખ તને ન ફૂટે, એવો આપીશ શાપ…

– ચિનુ મોદી

કવિતાની શરૂઆત જ ચોંકાવી દે એવી છે. મનને કવિ જે રીતે ગાળ આપીને સંબોધે છે એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે આજે મનનું આવી બનવાનું. મન સાથે કવિને શું વાંધો પડ્યો છે, કેમ પડ્યો છે એ તો કવિતામાં અધ્યાહાર જ રહે છે પણ કેટલો વાંધો પડ્યો છે એ તો શબ્દે-શબ્દે ને પંક્તિએ પંક્તિએ ડોકાય છે.

કવિનું ચાલે અને જો મનને શરીર હોત તો કવિ એના પર પોતાની ખીજ શી રીતે કાઢત એનું અદભુત વર્ણન કર્યા પછી અચાનક ‘અને…’ કહીને અટકી જાય છે. ઈશ્વરની સાથે સરખાવીને મનની અદૃશ્યતા અને સર્વોપરિતા – એમ બંનેનો સ્વીકાર કર્યા પછી પણ કવિ હજી મનના ટાંટિયા તોડી નાંખવાની જ ફિરાકમાં છે. અંતે ક્ષણોનું રણ પૂરું થવાની વાત જીવનના અંતને નિર્દિષ્ટ કરે છે. કવિ મનને કદી મનફાવે ત્યાં ને તેમ ઊડી ન શકાય એવો શાપ અંતકાળે આપવાનું નિર્ધારે છે એમાં ગુસ્સો, ખીજ, ચીડ અને અંતે મનનું કંઈ જ બગાડી ન શકવાની નપુંસકતા છતી થાય છે. થાકેલો, હારેલો માણસ શાપ આપવા સિવાય બીજું કરી પણ શું શકે ?

Comments (8)

રિક્ત મન – ચિનુ મોદી

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

– ચિનુ મોદી

Comments (3)

આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે

રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય –

આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે

મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે.

– હરીન્દ્ર દવે

કવિ ઉદાસ છે, પણ એણે સૌને પુલકિત કરવા છે,ખડખડાટ હસવું છે….વિરોધાભાસથી વેદના વધુ ઘેરી બને છે. અતિશોયક્તિ અલંકાર કવિના ઉન્માદને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે છે.

Comments (2)

સાંજ પહેલાં જ આથમી ગયેલો સૂર્ય : શીતલ જોશી

shital-joshi

કોઈ ભાગાકાર અર્થોના કરે છે,
શબ્દ જેવું શેષમાં તો પણ વધે છે.

હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.

મૂળ શોધ્યા ના જડે એના કદી પણ,
પીપળા જે ભીંત ફાડીને ઉગે છે.

કોઈએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.

હું ‘શીતલ જોશી’ અરે! હા, એ જ છું હું,
સાંજ પ્હેલાં સૂર્ય જેનો આથમે છે.

– શીતલ જોશી

અમેરિકાસ્થિત કવિમિત્ર શીતલ જોશીને રૂબરૂ મળવાનું કદી થયું નહીં, શબ્દ-દેહે જ અમે મળતા રહ્યા. અચાનક ફેસબુકના માધ્યમથી જાણ થઈ કે હૃદયરોગના હુમલાએ ખૂબ નાની ઉંમરે એમના ક્ષરદેહને આપણી વચ્ચેથી છિનવી લઈ માત્ર અ-ક્ષરદેહ રહેવા દીધો છે. સદગતના આત્માને શાંતિ પ્રાપ્ત હો એ જ પ્રાર્થના.

મધ્યાહ્ને અસ્તાચળનો અણસાર શું કવિને આવી ગયો હશે ? મક્તાના શેરમાં જે ભવિષ્ય એમણે ભાખ્યું છે એ જ એમના જીવનમાં થયું…

Comments (6)

ગઝલ – કુલદીપ કારિયા

પાંખો કદીક એવડી, જો ફૂટી નીકળે,
આખી નદી ઊડે અને જોવા મને મળે.

વાહન બરફના ચોસલા જેવા હશે કદાચ,
ગરમી પડે ને રોડનો ટ્રાફિક ઓગળે.

જ્યારે ધીરજ તૂટી અને વેરાઈ જાય છે,
સાવરણી જેમ ચોતરફ આંખો ફરી વળે.

તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.

માથુ ભલેને આભમાં અથડાય રોજ રોજ
કુલદીપ લખી શકે છે એ નીચે નહીં વળે.

– કુલદીપ કારિયા

સૂર્યનો તાપ અને રસ્તાઓ પર થતી અસરના બે શેર ખાસ જોવા જેવા છે. જેમ જેમ ગરમી વધે એમ એમ લોકો ઘર બહાર નીકળવાનું ટાળે અને રસ્તાઓ ઉજ્જડ ભાસે એ સૂકી હકીકતને કવિના ચશ્માં કેવી રીતે કવિતામાં ફેરવે છે એ જોવા જેવું છે. બરફના ચોસલાં જેમ ગરમીથી ઓગળીને અદૃશ્ય થઈ જાય એમ જ કવિ વાહનોને અદૃશ્ય થઈ ગયેલાં જુએ છે. બીજી તરફ કવિ તડકાને વરસાદના રૂપમાં તાદૃશ કરે છે. વરસાદ વરસતો રહે ત્યાં સુધી રસ્તાઓ ભીનાં ને ભીનાં જ રહે છે, કોરાં થયા પછી જ પૂર્વવત્ થાય છે. કવિ તડકાના વરસાદથી સર્જાતા ઝળહળાટને તડકાનું પાણી કલ્પીને કમાલ કરે છે.

જો કે નવાનક્કોર કલ્પન સર્જવાનો આવેશ કવચિત્ અતિરેકમાં પરિણમવાની ભીતિ પણ રહેલી જ છે. મત્લાનો શેર એનું ઉદાહરણ છે.

Comments (5)

ગઝલ – અંકિત ત્રિવેદી

પ્રશ્નો ઘણા વિકટ છે,
રસ્તો છતાં નિકટ છે.

દેખાય તે બધુંયે-
ભાવિની ચોખવટ છે.

થાપે છે થાપ પાંપણ
આંખોય માણભટ છે.

ફોટો પડ્યો પવનનો
કોની ઊડેલ લટ છે ?

છે મંચ પર છતાંયે
નાટક વગરનો નટ છે.

– અંકિત ત્રિવેદી

ઓછા શબ્દોમાં સ-રસ વાત ! જેમ વિચારીએ એમ વધુ ખુલે એવા મનનીય શેર…

Comments (8)

નહીં કરું… – રઈશ મનીઆર

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.

બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હું ય પછી પ્રીત નહીં કરું.

રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

– રઈશ મનીઆર

આમ સરળ લગતી ગઝલમાં પ્રત્યેક શેર તત્વ સુધી પહોંચવાની મથામણનો છે…..

Comments (8)

આ ચાલ્યા…. – તુષાર શુકલ

શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યા
મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને …
લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે,
મહેકતી હવાઓમાં કંઇક તો સમાયું છે
ચાંદની ને હળવેથી નામ એક આપી ને …
લ્યો અમે તો આ ચાલ્યા

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું,
સાચવી ને રાખ્યું’તું, અશ્રુ એ જ સાર્યું’તું,
ડાયરીના પાનાની, એ સફરને કાપી ને …
લ્યો અમે તો આ ચાલ્યા

ફુલ ઉપર ઝાંકળનું, બે ઘડી ઝળકવાનું,
યાદ તોય રહી જાતું , બેઉને આ મળવાનું
અંતર ના અંતરને એમ સહેજ માપીને……
લ્યો અમે તો આ ચાલ્યા

– તુષાર શુકલ

 મધમીઠી ગઝલ……!! ગણગણતા જ રહીએ…..

Comments (1)

જેલીફિશ – મરિઆન મૂર (અનુ.: વિવેક મનહર ટેલર)

jelly-fish
(કાતિલ સૌંદર્ય….      …જેલીફિશ, શેડ એક્વેરિયમ, શિકાગો, 2011)

*

દૃશ્ય, અદૃશ્ય,
વધઘટ થતું કામણ,
એક સોનેરી પીળા રંગનો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખુલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખુલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

– મરિઆન મૂર
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતાને ડુંગળી સાથે સરખાવી શકાય… એક પડ ઉખેડો ને બીજું નીકળે… બીજું ઉખેડો ને ત્રીજું… અને બધા પડ ઉખેડી નાંખો તો હાથમાં જે શૂન્ય આવે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ… પડ પછી પડ ઉખેડવાની પ્રક્રિયા જ કદાચ કવિતાનું સાર્થક્ય છે…

જેમ જેલીફિશ દૂધની કોથળીની જેમ સતત આકાર બદલતી રહે છે એમ આ કવિતા પણ વધતા-ઘટતા કદના અનિયમિત વાક્યો, પ્રાસવિહીન, તાલવિહીન, છંદવિહીન છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે. તમારા ઈરાદા પણ અહીં જેલીફિશ અને એ રીતે કાવ્યાકાર જેવા જ છે. તમે જેલીફિશને પકડવા આગળ વધો છો, પાછા વળો છો, વળી આગળ વધો છો…

તમે પકડવા જાવ અને એ સંકોચાય છે, તમે પાછા વળો છો અને એ ખુલે છે. તમે વળી પકડવા જાવ છો અને એ પાણીને ડહોળીને તમારી પહોંચની બહાર સરી જાય છે. જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી હકીકતમાં કવિતા અને એ રીતે તમામ પ્રકારની કળાની જ વાત કરે છે. તમે સાયાસ એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા જેમ જેમ કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે…

હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતાને પણ ભૂલી જાવ અને સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને !!!

*

A Jellyfish

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

– Marianne Moore

 

Comments (3)