આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે !
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2016

ખુશ્બુ સ્મરણની – ભગવતીકુમાર શર્મા

છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,
હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.

શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.

મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,
જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.

છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ,
મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.

દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ,
અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.

ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,
છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.

એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.

– ભગવતીકુમાર શર્મા

Comments (5)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

મને નૈ પૂછ who are you ?
अहम् ब्रह्मा, अहम् विष्णु |

વછૂટે લાશમાંથી પણ,
સનાતન બાગની ખુશબૂ !

there is no way to go out
किधर जाता हैं बच्चा तू ?

તમે જો રેત પાથરશો,
બનીને ઊંટ ચાલીશું !

available છે અત્તર-સ્પ્રે,
નથી મળતું અહી બસ ‘રૂ’.

મેં નાખી ડોલ કુવામાં,
return ખેંચી તો નીકળ્યો હું.

– મેહુલ પટેલ ‘ઈશ’

ગુજરાતી ગઝલના આયામ બદલાઈ રહ્યા છે એની પ્રતીતિ આ ગઝલ વાંચતા જ થાય. આજનો કવિ પરંપરા ચાતરીને ઉફરો ચાલવામાં નથી નામ અનુભવતો કે નહીં અસલામતી. સંસ્કૃત, હિંદી, અંગ્રેજી અને ગુજરાતી – ભાષા જાણે કે અહીં ઓગળી ગઈ છે. અને આખી રચના પણ સરવાળે આસ્વાદ્ય.

Comments (6)

ગઝલ – હેમંત ધોરડા

રોકાવું હો તો અટકું છું સાથે હું પછી જાઉં,
વહેવું હો તમારે તો હું હમણાં જ વહી જાઉં.

સોનાની છું લગડી જો ન મળવું હો તમારે,
મળવું હો તમારે તો રસ્તામાં મળી જાઉં.

પહેલું તો ટમકવાનું તમારે એ શરત છે,
પહેલાં તમે ટમકો પછી હું સામું ઝગી જાઉં.

પ્રતિબિમ્બ તો લીલાશનાં આંખોમાં લહેરાય,
થોડું તમે ઊગો તો જરી હુંય ઊગી જાઉં.

પડઘાઉં ઝીણું ઝીણું જો ઝીણું તમે બોલો,
જો ચૂપ રહો તો ચુપકીદીનો પડઘો થઈ જાઉં.

– હેમંત ધોરડા

સાચો પ્રેમ બિનશરતી હોય એવું આપણે કાયમ સાંભળતા આવ્યા છીએ પણ વ્યવહારમાં એવો પ્રેમ કદાચ લાખોમાં એકાદો જ જોવા મળે જ્યાં એક પાત્ર બીજા પાત્ર પાસે કશાય્ની આશા જ ન રાખતું હોય. સનાતન વ્યવહારુ પ્રીતની એક શાશ્વત ગઝલ આપ સહુ માટે…

Comments (4)

પાંચમી દીવાલ – રીના માણેક

બારણા પરના
દરેક ટકોરે
ધડકવા લાગે છે હૃદય
ભરડો લે છે
.                 કોઈ અજાણ્યો ભય
વધુ
.          ઘેરી થાય છે
.                    એકલતા…

થાય છે –
જાણે ક્યાંક
.           ચણાતી જાય છે
.                    ઈંટ પર ઈંટ…

ન કોઈ દરવાજો
ન ટકોરા
ને તોય
.            પ્રતીક્ષા –

કોઈ આવે
અને
તોડી નાખે
.            આ પાંચમી દીવાલ.

– રીના માણેક

કવિતાનો ઉઘાડ બારણા અને ટકોરાઓથી થાય છે. પણ દરેક ટકોરે ભય અને એકલતા ઘેરી વળે છે. પરિણામે એક એવી દીવાલ ચણાતી જાય છે જ્યાં કોઈ બારણાં નથી ને કોઈ ટકોરા પણ નથી, માત્ર પ્રતીક્ષા છે કે કોઈ ક્યાંકથી આવે અને આ એકલતા તોડી નાંખે. પણ જીવનમાં શું આ બનતું હોય છે ખરું?

 

Comments (4)

થઈ નથી શકતી – મરીઝ

હું ઈચ્છું છું છતાં એવી નિરાશા થઈ નથી શકતી,
મિલન તારું અસંભવ છે, એ શ્રદ્ધા થઈ નથી શકતી.

છે કેવી બદનસીબી એની વ્યાખ્યા થઈ નથી શકતી,
કોઈ સુખ હો જગતનું એની ઇર્ષા થઈ નથી શકતી.

બુલંદી પર રહીને હું સદા હસતો જ રહેવાનો,
ભલે મારી સિતારા જેમ ગણના થઈ નથી શકતી.

ઘણી રચના છે એવી ભાવ જેમાં કંઈ નથી હોતા !
ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી.

એ જાણું છું છતાં તુજ છાંયમાં રહેવાને ઝંખું છું,
સ્વયં પ્રકાશ છે તું, તારી છાયા થઈ નથી શકતી.

કોઈ નિશ્ચિત વચન ના દે, ગમે ત્યારે મળી લેજે,
સમયના માપથી તારી પ્રતીક્ષા થઈ નથી શકતી.

જે અપનાવે જગતને ત્યાગવૃત્તિ સાથ રાખીને,
પછી એની બરાબર આખી દુનિયા થઈ નથી શકતી.

બધામાં દિલ છે, કિંતુ પ્રેમના ઝરણાં નથી સૌમાં,
બધા પર્વતના ખોળામાં સરિતા થઈ નથી શકતી.

બધાને ઓળખાણો છે, બધાયે પીઠ રાખે છે,
કોઈ એવું નથી કે જેની નિંદા થઈ નથી શકતી.

તમે છો પ્રાણ મારા કોઈને એ કેમ કહેવાયે ?
આ બાબત એટલી અંગત છે ચર્ચા થઈ નથી શકતી.

‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ તે પ્રતિભા થઈ નથી શકતી.

– મરીઝ

મરીઝસાહેબની લાક્ષણિક છટા સૂર્ય જેવી છે…..બે શેર -ત્રીજો અને નવમો- બહુ ન ગમ્યા, એ સિવાયના બધા જ શેર ડોલાવી જાય છે.

Comments (1)

ઝુરાપા સિવાય – રઈશ મનીઆર

કશુંય આખરી ક્યાં છે સતત ઝુરાપા સિવાય
દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય

મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો,
કરો જતન હવે છૂટકો નથી ટકાવ્યા સિવાય.

સફળતા અલ્પજીવી ને પ્રલંબ જીવનપંથ…
અભાગી છે, ન મળે જેને સુખ સફળતા સિવાય.

સંબંધમાંથી સમય ખાસ કંઇ હરી ન શક્યો
બધું જ જેમ હતું તેમ છે, ઉમળકા સિવાય.

બહુ ઉમંગ હતો જગમાં કૈંક કરવાનો,
જગે કશું જ ન કરવા દીધું કવિતા સિવાય.

કહી દો વ્યસ્ત છું એના જ આ તમાશામાં
મળી શકે તો મળે ત્યાગ કે તપસ્યા સિવાય.

– રઈશ મનીઆર

Comments (7)

સાધો – જિગર જોષી ‘પ્રેમ’

कभी कभी ये तय ही हुआ ना – मंदिर है या आँगन, સાધો
હર પળ હો ખુદની મસ્તીમાં; पेड लगे कोई जोगन, સાધો

ડગમગ ડગમગ હાથ હતા ને આંખો ઝાંખું જોતી, સાધો
ક્યાંય નથી ચમકાર વીજનો કેમ પરોવું મોતી ? સાધો

હવાય ઈશ્વર જેવી છે આ ના સહેજે દેખાય છે સાધો
ને ઈશ્વર છે હવા બરાબર એ કાયમ વરતાય છે સાધો

‘જીવન’ તો એક જ ઘટના છે; અર્થો એના લાખ છે સાધો
દૃશ્યોમાંથી પામે એવું; જેવી જેની આંખ છે સાધો

વાત ગળે આ કેમ ઊતરશે ? આ કેવો વ્યવહાર છે સાધો
આખું જગ પ્રાર્થે ને સામે એક જ સાંભળનાર છે સાધો

‘પણ, હું તમને ચાહું છું’માં પ્રેમ છે સાવ નિખાલસ સાધો
‘હું તમને ચાહું છું, પણ…’માં માણસ કેવો બેબસ સાધો

– જિગર જોષી ‘પ્રેમ’

ભીતરના મોતીમાં કોઈ ધાગો આપમેળે પરોવાઈ ગયો હોય એવા વીજચમકારે જ આવી ગઝલ જન્મે. કવિનો અંદાજે-બયાઁ દાદ માંગી લે છે.

Comments (2)

જીવી ગયાં – નીતિન વડગામા

હું, તમે ને આપણે જીવી ગયાં
બંધ એવા બારણે જીવી ગયાં.

સાવ કોરા ઓરડા ને ઉંબરા,
સાવ સૂના આંગણે જીવી ગયાં !

હાડ તો થીજી ગયું’તું આખરે –
આંસુઓના તાપણે જીવી ગયા.

એમનો ભેટો ફરીથી ના થયો,
છેવટે સંભારણે જીવી ગયાં.

જે ટહુકતું એ ટપકતું આંખથી,
એમ ભીની પાંપણે જીવી ગયાં.

શ્વાસની સરહદ સુધી પ્હોંચ્યાં હતાં,
તોય પણ શા કારણે જીવી ગયાં ?

આમ અવલંબન હતું ક્યાં કાંઈ પણ ?
એક કાચા તાંતણે જીવી ગયાં !

– નીતિન વડગામા

આખેઆખી ગઝલ સંઘેડાઉતાર હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. આ ગઝલ એવા સુખદ અપવાદોમાંની એક છે. બધા જ શેર ઊંડો વિચાર માંગી લે છે પણ હું મત્લાના શેરથી આગળ જઈ શકતો નથી. મત્લાનો શેર આપણામાંના કેટલા બધા લોકોની જાંઘ ઊઘાડી પાડે છે ! બંધ બારણાંની પાછળ આપણે એમ જ જીવન વગરનું જીવી જતાં હોઈએ છીએ.

Comments (2)

લા.ઠા. સાથે – ૦૮ – ગીત – લાભશંકર ઠાકર

ગો વિના તો વછ કિમ જીવિ
.                        વણ વારિ કિમ મીન?
આભ વિના પંખી નવ જીવિ,
.                        શબ્દ વિના હું દીન.
તુંય વિના હું કહિ પિરિ જીવું?
.                        અદીઠ અપરંપાર!
આશા મોટી તાહારી મુજનિ
.                        જીવું તુજ આધાર.
અહર્નિશિ તુજ સ્વર સાંભળતો
.                        તોય કશો હદબાર
મુખનું મહોરું હઠાવી મોહન,
.                        દિયો દરસ દરબાર!
ક્ષણ એક તારા વિના ન ચાલે
.                        અકળવિકળ તુજ ફંદ
પલપલ તુજને આરાધું
.                        શેં છૂટે ન તારો છંદ?

– લાભશંકર ઠાકર

અમેરિકાથી સ્નેહીમિત્ર દેવિકા ધ્રુવ આ રચના મોકલવાની સાથે કહે છે, “સુરેશ દલાલ સંપાદિત ‘કાવ્યકોડિયાં’( માર્ચ,૧૯૮૧ )માંથી લા.ઠા. નું એક ‘સ્તવન’ કાવ્ય ‘લયસ્તરો’ માટે મોકલું છું. સાચા સારસ્વતની એક આરઝુ ‘શબ્દ વિના હું દીન’માં સુપેરે સંભળાય છે તો ‘મુખનું મહોરું હઠાવી મોહન’માં નિરાકારના ગહન અર્થના કંઈ કેટલાય દીવાઓ પ્રગટાવી દીધા છે! પ્રાચીન ગુજરાતી ગીત શૈલીમાં ગૂંથાયેલ આ કાવ્યના પદોમાં શબ્દ-સંગીત અને નાદ સૌન્દર્ય પણ છલોછલ ઉભરાયું છે..”

Comments (4)

લા.ઠા. સાથે – ૦૭ – વહી જતી પાછળ રમ્યઘોષા – લાભશંકર ઠાકર

હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂંગું મૂંગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર : પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
ક્પોલની શી સુરખી ભીની ભીની ! –
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા ; ચાંદરણું રૂપેરી
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે….
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના….
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
[ નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં ] રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું…..

– લાભશંકર ઠાકર

આખા કાશ્મીરમાં મારું સૌથી ગમતું સ્થળ સોનમર્ગ… ત્યાંની હોટેલની બરાબર પછીતેથી જેલમ નદી કિલકિલાટ કરતી વહે…. આજુબાજુ ચારેદિશ શ્વેત બરફાચ્છાદિત પર્વતો… ધ્યાન ત્યાં સહજ થઈ જાય ! બે વખત ત્યાં રહેવાનું થયું. તે વખતે સતત આ કાવ્યપંક્તિ મનમાં ઘુમરાતી- વહી જતી પાછળ રમ્યઘોષા… તે સમયે સ્મરણ નહોતું કે આના કવિ કોણ છે. આજે આ કાવ્ય પહેલીવાર આખું વાંચ્યું… કવિએ સમગ્ર જીવનમાં માત્ર આ એક જ ઊર્મિ કાવ્ય રચ્યું હોતે તો પણ મા ગુર્જરીની અનૂઠી સેવા થઈ ગઈ હોતે….

Comments (6)

લા.ઠા. સાથે – ૦૬ (લઘરો) – લાભશંકર ઠાકર

ઓગળી ગયેલા
બરફ જેવા શબ્દોને
– આમ સરી જતા જોઈને
નિષ્પલક બનેલા
ભાઈ લઘરા !
જરા ઊંચું જો
આ હિમાલય પણ આવતી કાલે ઓગળી જવાનો છે.
અને સરી જવાનો છે સમુદ્ર તરફ.
છતાં એ પણ હશે.
તું પણ હશે
શબ્દો પણ હશે
શબ્દોની સ્મૃતિ પણ હશે,
હશે, ઓગળવાની ક્રિયા પણ હશે.
કેમ કે…
ભાઈ લઘરા ! ઊંઘી ગયો એટલી વારમાં ?

– લાભશંકર ઠાકર

ર.પા.ની સોનલ અને આસિમની લીલાની જેમ લા.ઠા.ની કવિતામાં અવારનવાર “લઘરો” દેખા દેતો રહે છે. એમના એક સંગ્રહનું તો નામ જ “લઘરો” છે. આ લઘરા વિશે કવિ પોતે કહે છે, “તીવ્ર તાદાત્મ્યથી આત્મસાત્ કરેલા પરંપરિત જીવન અને કવન-ના ‘નેગેશન’માંથી લઘરો જન્મ્યો છે. જીવન અને કવનના ‘આરણ-કારણ’ના ચિંતનમાં લઘરો અટવાય છે. લઘરાના નામ-કરણમાં જ ઉપહાસ, વિડંબના, હાસ્ય છે. આ હાસ્ય કોઈ સામાજિક, રાજકીય, નૈતિક ‘સેટાયર’ નથી. અહીં ‘અન્ય’નો ઉપહાસ નથી. અહીં ઉપહાસ છે ‘સ્વ’-નો. સેટાયર કહેવો હોય તો અહીં મેટાફિઝિકલ સેટાયર છે. અહીં હ્યુમર છે, પણ તે કરુણથી અભિન્ન, ઇનસેપરેબલ છે. તેથી આ હ્યુમર તે ‘બ્લેક’ હ્યુમર છે. મનુષ્યજીવન-ના નામે તથા આજ લગીના મનુષ્યના કવનના નામે જે કંઈ આત્મસાત્ થયેલી આત્મ-પ્રતીતીઓ છે તે લઘરવઘર છે, દોદળી છે, આભાસી છે. એને ધારણ કરનારો ‘લઘરો’ છે. લઘરો Abstraction છે. લઘરો વ્યક્તિવિશેષ નથી. લઘરો સ્થલ-કાલસાપેક્ષ નથી. લઘરો Clown છે. Metaphysical comicality of clownનાં રૂપોનો અહીં આવિષ્કાર છે”

Comments (4)

લા.ઠા. સાથે – ૦૫ – કાવ્યકંડુ

અને છતાં કાવ્યકંડુ
કાવ્યકંડુ ન હોત તો ચામડીનું ખરજવું
હોત એમ કોઈ મનોવૈજ્ઞાનિક સિદ્ધ કરે
અને કવિ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરે
અને એને કોઈ પારિતોષિક આપે
તો આવો ભેદ-ભાવ શા માટે ?
હું કહું છું તો પછી ખરજવું કેમ સિદ્ધિ નહીં ? એની કેમ પ્રસિદ્ધિ નહીં ?
એનો કેમ પુરસ્કાર નહીં ?
કાવ્યનો પુરસ્કાર અને ખરજવાનો તિરસ્કાર ?
ક્રાન્તદૃષ્ટિ કપાઈ ગઈ છે મારા કાવ્યપુરુષની.
અને છતાં જોયું ને આ પત્રના શરીર પર ફરી વળી છે સાદ્યંત
કાવ્યખૂજલી ? આ વલૂરમાં કોઈ અનન્ય મીઠાશ આવે છે આ ક્ષણે.
સૂધબૂધ પણ વલુરાય છે ઘેનમાં. મારા શબ્દેશબ્દ પર બ્રહ્માની
આંગળીઓના વધેલા નખ એકધારા રમમાણ છે.

– લાભશંકર ઠાકર

‘નવનીત સમર્પણ’ના તે સમયના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈને પત્ર લખતા લખતા જે કંઈ આ રચાયું એના વિશે કવિ પોતે જે કહે છે એ એમની કાવ્યપ્રક્રિયા સમજવામાં મદદરૂપ છે. લા.ઠા. કહે છે, “Verbal Gameનું મોટામાં મોટું સુખ એ એકલાં એકલાં રમી શકાય છે, તે છે. એટલે ક્યારેક ક્યારેક એનું ખેંચાણ તીવ્રતાથી પણ થાય છે. કાવ્યની રચના પ્રક્રિયાના સંદર્ભમાં મારો અનુભવ કંઈક આ પ્રમાણે છે. ‘મૂડ’ હોય તો હું ‘વર્બલ ગેઇમ’ રમું છું. શા માટે ? એવી ચૈતસિક રુચિ (એપ્ટિટ્યુડ) છે. થોડા શબ્દો કે પંક્તિથી રમત આરંભાય. આ રમત કેવી કેવી આકૃતિઓ ધારણ કરશે ? રમત પૂરી થશે કે અપૂર્ણ રહેશે ? કંઈ કશી જાણ નથી હોતી. રમત શરૂ થતાં શબ્દો, પંક્તિઓ, લય રમતનાં નિયમો રચાતાં જાય છે અને હું એ નિયમોને વશ થતો જાઉં છું.

“કાવ્યવૃત્તિ તો થવાની. એ કેવળ ખેલકૂદ છે કે કોઈ ગંભીર પ્રવૃત્તિ છે ? ગંભીર એટલે ઊંડી. ઊંડાણમાં શું છે ? કદાચ કંઈ નથી. કદાચ કંઈ છે. કંઈ છે તો એને પામવાથી શું? ન પામવાથી શું ? અને આમ વિચારવાથી તો કશુંક જામે છે તે જામવાથી પણ શું ? પ્રશ્નોની અસંખ્ય હારમાળા અને અંત (અલબત્ત જીવનના) સુધી કોઈ ઉત્તર ન મળવો એવી સળંગ પ્રક્રિયા જેવું આ કાવ્ય -”

(કંડુ = ખરજવું)

Comments (4)

લા.ઠા. સાથે – ૦૪ – કવિવર નથી થયો તું રે – લાભશંકર ઠાકર

કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચો લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
અરે ભલા શીદ પરસેવાનું કરતો પાણી પાણી?
તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણી.
શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી. ડી. ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘરઆંગણીએ શાકભાજીને વાવો
કવિવર ! વનસ્પતિ હરખાય અશુ કૈં પ્રેરક સંગીત ગાઓ
અને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમે લૂમે
કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે?

– લાભશંકર ઠાકર

આ કવિને ખાસ વાંચ્યા નથી. અમૂર્ત કવિતા સમજાતી નથી. પરંતુ આ કવિતા સીધીસાદી અને ચોટદાર છે. વ્યંગાત્મક કાવ્ય છે છતાં અર્થગાંભીર્ય લગીરે ન્યૂન નથી.

(પહેલી નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય કટાવ છંદમાં “ગાગાગાગા”ના ચાર અનિયમિત આવર્તનોના કારણે પોતીકો લય અને રવાની ધરાવે છે, ભલે કવિ ‘પાણીપોચો લય’ શબ્દ કેમ ન પ્રયોજતા હોય !)

Comments (4)

લા.ઠા. સાથે – ૦૩ – કાવ્ય – લાભશંકર ઠાકર

આ બધું જે નિશ્ચિત દિશાને ચીંધે છે
એ અવિરત એકધારું આરપાર પોતાને જ વીંધે છે.
તો છોડી દે ને.
શું છોડી દઉં ? કાવ્ય છોડીને ફાવ્યમાં પડું ?
કશુંય છૂટતું નથી.
અંદર ને અંદર એકધારો અતિશય ગૂંગળાયા કરું છું.
.                                   પણ ઇંડું ફૂટતું નથી.
‘છૂટતું નથી’ – ના પ્રાસમાં ‘ફૂટતું નથી’ આવ્યું;
.                     ને ‘આવ્યું’ના પ્રાસમાં દાતણને વાવ્યું
આમ અગડં બગડં ઊછળવા છતાં યે
.                          આ ‘કાવ્ય કરવાનું’ છૂટતું નથી
કાં તો એ એવું પાત્ર છે મદ્યવું જે કદિ ખૂટતું નથી.
કાચનું છે, આમ ગબડી જાય છે હાથમાંથી, પણ ફૂટતું નથી.
કાં તો એ એવું ગાત્ર છે સમયનું વજનદાર જે કદી તૂટતું નથી.

– લાભશંકર ઠાકર

કવિના “ટોળાં અવાજ ઘોંઘાટ” સંગ્રહમાંના ‘ક્યારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી’ શીર્ષકવાળા દીર્ઘકાવ્યનો અંતભાગ અહીં રજૂ કરું છું. આખું કાવ્ય કાવ્યસર્જનપ્રક્રિયા સાથે સંકળાયેલું છે.

લા.ઠા.ની કવિતામાં સીધો અર્થ શોધવા જઈએ તો ઊંધે મોંએ પટકાવાની પૂરેપૂરી ખાતરી છે. કવિ કોઈ ઇમેજમાં બંધાવા માંગતા નથી. કવિ તરીકે એમણે શરૂઆત કરી છંદોબદ્ધ કાવ્યોથી. પહેલા સંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’નું નામ પણ છંદમાં. પણ તરત જ કવિ છંદના બંધન તોડી-ફોડીને આગળ વધી ગયા. અછાંદસમાં પણ કવિ સતત પોતાની રીત-ભાતને તોડતા-ફોડતા જ રહ્યા. એટલે જ લા.ઠા.ને માણવા હોય તો એમના શબ્દોની પેલેપાર જઈને એમને મળવું પડે. શબ્દો જે કહે છે એ તો સંભળવાનું જ છે પણ શબ્દોની ગોઠવણીમાં રહેલો ધ્વનિ ખાસ સાંભળવાનો છે. અને આ બંને જગ્યાએ લા.ઠા.ને મળી લો પછી આખી કૃતિમાંથી જે વ્યંજના સરવાળે ઊભી થાય છે એને પણ ધ્યાનમાં લેવાની. આમ, આ ત્રણેય સ્તરે ભાવક સાબદો હોય તો જ કાવ્યપદારથ સાંપડશે. ક્યારેક કશુંય હાથમાં નહીં આવે અને માત્ર એક અનુભૂતિ જ ભાવકની ભીતરે સર્જાય. આ નકરી નિર્વસ્ત્ર અનુભૂતિ પણ લા.ઠા.ની કવિતા જસ્તો.

Comments (4)

ગઝલ – ભાવિન ગોપાણી

જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો,
છત સુધી ઊંચો થયો છે ઉંબરો.

માનવીમાં છે નવી ફેશન હવે,
જેમ ફાવે એમ ઈશ્વર ચીતરો.

ડૂબતાને હાથ જો આપી શકાય ?
હાથમાં ઊગી શકે છે મોગરો.

કંઈ ખરીદું જાતને વેચ્યા વગર,
એટલી તો વ્યાજબી કિંમત ભરો.

આપનું આ આવવું ટોળે વળી !
આપણે મળવું નથી, પાછા ફરો.

સ્હેજ ફાવ્યું ઘર મને વર્ષો પછી,
ત્યાં જ માલિકે કહ્યું ખાલી કરો.

– ભાવિન ગોપાણી

આને કહેવાય contemporary poetry….

Comments (6)

લા.ઠા. સાથે: 2 : અવાજ ને… – લાભશંકર ઠાકર

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું
પણ એય શું સાચું નથી
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.

– લાભશંકર ઠાકર

પરંપરાગત કવિતામા માણસની સિધ્ધિઓ અને શક્તિઓનું ગાન હોય છે. અહી એનાથી અલગ, માણસની અપૂર્ણતા અને સીમાઓના સ્વીકારનું ગાન છે. પોતાની ઈચ્છાઓ, ચિંતાઓ, સપનાઓ, ઇન્દ્રિયો – કશા પર આપણો કાબૂ નથી. કવિ પોતાના સાહિત્યકાર મિત્રોને યાદ કરાવે છે કે શબ્દ કે મૌન પર પણ આપણો કાબૂ નથી. આ આત્મવંચનાની નહી, આત્મદર્શનની કવિતા છે.

Comments

લા.ઠા. સાથે : 1 : તડકો – લાભશંકર ઠાકર

આજની કવિતા કાનથી વાંચવાની કવિતા છે. એટલે એને પહેલા સાંભળીને પછી જ વાંચશો.

પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘુમરાતીઆવે
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટરે બેઠુ
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
ઠક્‌ ઠક્‌ ઠક્‌ ઠક્‌ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈ ને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!

–  લાભશંકર ઠાકર

લા.ઠા.ને અંજલીરુપે એમની કેટલીક કવિતાઓ પ્રસ્તુત કરવાનો વિચાર છે. એમા પહેલી કવિતા આ યાદ આવે છે. લા.ઠા. પરંપરાગત કવિતાથી આધુનિક કવિતા તરફ કેવી સહજતાથી વળ્ય઼આ એનું આ ઉત્તમ ઉદાહરણ છે. કાવ્ય઼માં પૂરો લય છે પણ એબ્સર્ડ કવિતાના અંશ દેખાઈ આવે છે. પરોઢના તડકામાં અંધારાની સાથે માણસ પોતે પણ પીગળતો જાય છે. તડકો સંવેદનના એક પછી એક પડને પીગળાવીને છેક અંદરથી માણસને ‘જ્ગાડી’ દે એ અનુભૂતિને કવિએ અદભૂત રીતે રજૂ કરી છે.

આ કાવ્યના લયને ચાર ચાંદ લગાવી દે એવા કાવ્યપઠન માટે ખાસ આભાર: ડો.નેહલ પંડ્યા(સુરેન્દ્રનગર) કોલેજકાળમાં આ કવિતાના પઠન માટે નેહલને અનેક ઇનામો મળેલા. એટલાન્ટાની સફર વખતે આ કવિતા રેકોર્ડ કરી લીધી ત્યારે ખ્યાલ નહોતો કે લા.ઠા. ને અંજલી આપવા વપરાશે.

Comments (3)

સાદ કરું તો … – કિશોર જીકાદરા

સાદ કરું તો કામ બધાં છોડીને આવે,
પડઘો મારા સરનામે દોડીને આવે !

પ્હેલી નજરે પોપટ એ પરદેશી લાગે,
બચકારો તો સરહદ એ તોડીને આવે !

તોરતરીકા અસ્સલ એના તારા જેવા,
ખુદને મળવા દર્પણ એ ફોડીને આવે !

પૂરેપૂરો માવડિયો લાગે છે અમને,
હડસેલું તો પડછાયો ચોંટીને આવે !

ચોમાસાની લાજશરમ નડતી લાગે છે,
નૈ તો સૂરજ વાદળ કાં ઓઢીને આવે ?

છેદ કરું હું દરિયામાં તો દરિયો ડૂબે,
સપનું આવું નાનકડી હોડીને આવે !

– કિશોર જીકાદરા

આખી ગઝલ સરસ પણ ચોમાસાની લાજશરમવાળો શેર હાંસિલ-એ-ગઝલ. ચોંટીને અને ઓઢીને – આ બે કાફિયામાં દોષ ન થયો હોત તો રચના સંઘેડાઉતાર થાત.

Comments (4)

લા.ઠા. આજે નાઠા !

Labhshankar-Thakar

કવિ લાભશંકર ઠાકરનું આજે અવસાન થયું છે.

કોઇ બીજા કવિના મૃત્યુ માટે ‘નાઠા’ શબ્દ વાપરો તો ખરાબ લાગે. પણ લા.ઠા. માટે ‘નાઠા’ને બદલે બીજો કોઇ ‘ડાહ્યો’ શબ્દ વાપરો તો ખરાબ લાગે!

ખાલી ‘લા.ઠા.’ના નામથી ઓળખાતા આપણી ભાષાના તોફાની કવિ એક આગવું વ્યક્તિત્વ હતા.આધુનિક ગુજરાતી કવિતાને ઘડવામાં એમનો મોટો હાથ. ‘વહી જતી પાછળ રમ્યઘોષા’થી શરુ થયેલી એમની કાવ્યયાત્રા સમય જતા અમૂર્ત કવિતા તરફ જતી રહેલી. વીસ ઉપર કાવ્યસંગ્રહો. એક એકથી ચડિયાતા પ્રયોગો એમણે કર્યા. અમૂર્તને શબ્દમા અવતરવાની કોશિશ છેલ્લા વર્ષો સુધી ચાલુ રહી. એમની કવિતામાં એક જ નિયમઃ કવિતામાં કોઈ નિયમ ન હોય. એટલે જ એમની કવિતામાં બીજુ ભલે કંઇ સમજ પડે કે પડે, પણ ચાંદીની જેમ ચમકતી સચ્ચાઇ તરત જ દેખાઇ આવે.

આખી જીંદગી એમણે કાળજી રાખેલી કે રખેને પોતે એક સંસ્થા ન બની જાય. એ હેતુસર એમણે દરેક નિયમને તોડવાની સતત કોશિશ કરેલી. આદિલ મન્સૂરી અને બીજા મિત્રો સાથે ‘રે મઠ’માં સાહિત્યિક તોફાનોની આખી વણઝાર સર્જેલી. એક તબક્કે પુરસ્કારો સ્વીકારવાનું એમણે બંધ કરેલું. પછી લાગ્યું કે પુરસ્કારનો અસ્વીકાર કરવાની પણ પરંપરા બની જશે એટલે પુરસ્કાર સ્વીકારવાનું ચાલુ કરેલું.

કવિ ઉપરાંત અવ્વલ દરજ્જાના નાટ્યકાર. ‘પીળું ગુલાબ’ અને ‘બાથટબમાં માછલી’ એટલું જ કર્યુ હોત તો ય ઘણુ હતું. પણ લા.ઠા.એ એનાથી ઘણુ ઘણુ વધારે સર્જન કર્યુ. ઉત્તમ નવલકથાઓ અને નિબંધો પણ લખ્યા.

સદા અણીશુદ્ધ ચેતનાની શોધમાં વ્યસ્ત લા.ઠા. એ પોતાની જાત માટે એક કવિતામાં લખેલુંઃ

વધારાનું છે, સર.
દૂર કરવું છે, સર.
અતિશય અતિશય છે, સર.
ધૂન છે, ધામધૂમ છે, સર.

આમ
અર્થયુકત હોવું તે વધારાનું છે, સર.

આજે લા.ઠા. ખરેખર અર્થથી આગળ વધી ગયા છે.

*** ***

એમની કવિતાઓ લયસ્તરો પર.
– કવિને અંજલી ઃ બકુલ ટેલર (મુંબઇ સમાચાર),
– ગુજરાતી સાહિત્ય અકાદમીએ બનાવેલી એમના પરની એક નાનકડી ફિલ્મઃ

Comments (5)

……હું ભૂંસાઉં છું – ચિનુ મોદી

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

– ચિનુ મોદી

Comments (6)

…..તારા અક્ષરના સમ – મુકેશ જોષી

જો મારી આંખોનો આટ્લો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ….

…..તારા અક્ષરના સમ

તું મારી વાદળી શાહીમાંથી વાદળાં કેવાં ઉડાડતો હું જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી
કેવી પગલાઈ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ….

…..તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યા
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા
જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલાં મેં લીધા જનમ…

…..તારા અક્ષરના સમ

– મુકેશ જોષી

નખશિખ સુંદર ગીત……

Comments (13)

છોડી દે – ભાર્ગવ ઠાકર

બધાં વળગણ, બધા સગપણ, બધું મિથ્યા છે, છોડી દે,
તું કેળવ આટલી સમજણ – બધું મિથ્યા છે, છોડી દે.

કરચલીઓ ત્વચા પરની સહજતાથી ઝીલી લઈને,
કહે છે આટલું દર્પણ – બધું મિથ્યા છે, છોડી દે.

નથી સંયમ, નિખાલસતા, અલખનો રંગ પણ ક્યાં છે ?
તો ભગવા કેમ છે પહેરણ ? બધું મિથ્યા છે, છોડી દે.

હું ઓજારો લઈ કંડારવા બેસું મહેચ્છાઓ,
મળે ત્યાં એટલી ટાંચણ, બધું મિથ્યા છે, છોડી દે.

પરમને પામવા શરણું જ પૂરતું છે પ્રતીક્ષાનું,
વરસ, મહિના, દિવસ કે ક્ષણ બધું મિથ્યા છે, છોડી દે.

– ભાર્ગવ ઠાકર

બધું મિથ્યા છે, છોડી દે કહેવું કેટલું સરળ છે ! અને કવિએ કેટલી સરસ રીતે આખી વાતને ગઝલના એક-એક શેરમાં રજૂ પણ કરી છે ! પણ આ નિગ્રહવૃત્તિને અમલમાં મૂકવી ? છોડી દે…

Comments (5)

ગઝલ – અનિલ ચાવડા

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.

રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા નથી,
ખૂટવી ના જોઈએ હિમ્મત હૃદયના પર્સમાં.

એક પણ સંકલ્પ નૈં એવોય ક્યાં સંકલ્પ લઉં !
હું મને શું કામ બાંધું કોઈ પણ આદર્શમાં ?

માત્ર સુખને શું કરું બચકાં ભરું ? પપ્પી કરું ?
જોઈએ પીડાય મારે આખરી નિષ્કર્ષમાં.

પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.

– અનિલ ચાવડા

હળવાફૂલકા બાંધાવાળી પણ ગંજાવર ગઝલ સાથે લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રો ને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક…

Comments (6)