લા.ઠા. સાથે: 2 : અવાજ ને… – લાભશંકર ઠાકર
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું
પણ એય શું સાચું નથી
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
– લાભશંકર ઠાકર
પરંપરાગત કવિતામા માણસની સિધ્ધિઓ અને શક્તિઓનું ગાન હોય છે. અહી એનાથી અલગ, માણસની અપૂર્ણતા અને સીમાઓના સ્વીકારનું ગાન છે. પોતાની ઈચ્છાઓ, ચિંતાઓ, સપનાઓ, ઇન્દ્રિયો – કશા પર આપણો કાબૂ નથી. કવિ પોતાના સાહિત્યકાર મિત્રોને યાદ કરાવે છે કે શબ્દ કે મૌન પર પણ આપણો કાબૂ નથી. આ આત્મવંચનાની નહી, આત્મદર્શનની કવિતા છે.