હાથ ફરકાવે જતાં-વળતાં બધાં આ શહેરમાં,
બે ઘડી નિરાંતે આવી ઘેર કો મળતું નથી..
અશ્વિન ચંદારાણા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રમેશ પારેખ

રમેશ પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ

એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાંએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

-રમેશ પારેખ

ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.એ બે ડઝનથી વધુ હળવા મિજાજના ‘છોકરા-છોકરી ગીતો‘ લખ્યા છે જે બધા ઊર્મિ અને લયના નાવીન્યના કારણે સ્મરણીય બની રહ્યા છે. સાવ હળવા હલકાફુલકા મિજાજનું આ કાવ્ય વાંચીએ ત્યારે અહીં કોઈ કવિતા છે કે નહીં એવો પ્રશ્ન ઉદભવી શકે. પણ ર.પા. જેવો સજાગ કવિ કોઈ કાવ્ય અકારણ લખે એ વાત સહેલાઈથી ગળે ન ઉતરે એટલે આજે અહીં યથાશક્તિ આ સાવ સહેલાસટ્ટ ગીતનો તાગ મેળવવાનો ઈરાદો છે.

કવિતાનું શીર્ષક એ કવિતામાં પ્રવેશવાનો દરવાજો છે. અહીં એક છોકરો અને એક છોકરી એટલું વાંચતા એટલું સમજાઈ જાય છે કે આ પ્રણયોર્મિનું ગીત છે. પણ કવિએ પછી કંઈક બીજું કહીને પ્રશ્નાર્થ કેમ મૂક્યો હશે? આ પ્રશ્ન ચિહ્ન શું ઈશારો છે ભાવક માટે કે અહીં એક છોકરો અને એક છોકરીથી આગળ કંઈક બીજું પણ છે જે વળી મોઘમ રહેવાનું છે? અને આ ઘનમૂલક નિશાનીઓ… પ્રેમની વાત હોય ત્યાં તો કાયમ સરવાળો જ હોય ને! બાદબાકી કે ભાગાકાર હોય એ સંબંધને પ્રેમ શું કહી શકાય? શીર્ષક રચનામાં બે વાર સરવાળા કરીને કવિ પ્રેમના ઉંબરે આપણે આવી ઊભા હોવાના અહેસાસને વળી બેવડાવે છે…

ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય, જ્યારે હોઠેથી વાગતી સીટી ઝૂલી શકાય એવો હિંચકો બની જાય છે ! સાવધ રહીએ… અહીં છોકરીની છેડતી કરનાર કોઈ રૉડ-સાઈડ રૉમિયોની વાત નથી. કાવ્યનાયક હિંમતવાન છે. સીટી વગાડીને એ પૂંઠ ફરી જતો નથી પણ પોતાના પ્રેમની દોર પર હિંચવા એ નાયિકાને ખુલ્લું આહ્વાન આપે છે જે ગીતને હલકું બનતું અટકાવે છે.

પ્રેમ એટલે સોનેરી સપનાં જોવાની ઉંમર. છોકરો પોતાના સોનેરી સપનાંમાં છોકરીને ભાગીદાર બનાવવા ઈચ્છે છે એટલે સપનાંઓને ફંફોસીને ખાસ એવા સોને મઢેલ શોણલાં કાઢે છે જે પાછાં ચોકલેટ જેવાં ગળચટ્ટા પણ હોય… અને છોકરીએ પણ હિંચકે ઝૂલી જ લીધું છે એની પ્રતીતિ પણ તુર્ત જ થઈ આવે છે. અહીં વાર્તાલાપ ખરો પણ એને શબ્દોનો ટેકો નથી… છોકરી પણ બોલવા માટે આંખોનો જ સહારો લે છે. પણ દુનિયાનો ડર હજી હૈયેથી ગયો નહીં હોય એટલે કવિ ગભરું સસલીઓના ટોળાંનો ઉલ્લેખ કરી કાકુ સાધે છે અને સ્વભાવિક રીતે જે સંકેતો આંખમાંથી ફેંકાય એ આષાઢી જ હોવાના. અને આવા નેહભીનાં નિમંત્રણ મળે પછી માણસ ચકરાવે ન ચડી જાય તો જ નવાઈ… પ્રેમમાં પડતા પહેલાં જે સીધોસટ ગણાતો હશે એ છોકરાને આ ચકરાવાઓમાંથી હવે કોણ બચાવે ?

કાચી વયના પ્રેમમાં છોકરીઓને ક્યારેક છોકરાંઓની ભાવના સાથે રમી લેવાનોય આનંદ હોય છે. પહેલી પંક્તિમાં કવિ છોકરીને આ છોકરાના પ્રેમની કંઈ પડી જ ન હોય એવો ઉપાલંભ કરી જાણે મફતનું ઝૂલી લીધું હોય એવો ભાસ કરે છે પણ વળતી જ કડીમાં એમાં યોગ્ય સુધારો પણ કરે છે. છોકરી પણ અહીં સંડોવાયેલી જ છે અને એટલે જ એને પણ ઘરે જતાં મોડું થાય છે. આ ઊભો થતો ભાસ અને તુર્ત જ આવતો યુ-ટર્ન જ કદાચ આ ગીતમાં કવિતાને સિદ્ધ કરે છે. પછી પ્રેમમાં પડેલો છોકરો જે કંઈ કરે છે એમાં શું કંઈ નવું છે? અને એ પછી શું થયું એ તો કવિ કહેતા જ નથી… એ તો કંઈક બીજું કહી પ્રશ્ન મૂકી ખસી જવામાં જ માને છે…

છોકરા-છોકરીનો ક્ષણાર્ધ માટે કદાચ ગામની ભાગોળે સામ-સામા થવાનો આવો પ્રસંગ તો કેટલો સામાન્ય છે ! સાવ સીધી ભાષામાં લખાયેલું આ નાનકડું પ્રસંગ-ગીત એવી સંજિદી હળવાશથી લખાયું છે કે વાંચતી વખતે એક આખું ભાવ-ચિત્ર આંખ સામે ઊભું થઈ જાય છે. એક પણ પીંછી કે એકપણ રંગ વાપર્યા વિના આખેઆખું ચિત્ર માત્ર શબ્દ અને લયના જોરે કેટલા કવિઓ દોરી શક્તા હશે, કહો જોઈએ?

Comments (17)

વળતાં… – રમેશ પારેખ

ઘણી      ઝડપથી       ઘેરે    પાછા    વળવાનું    છે,
ડૂબી જતો આ સૂરજ કહે છે : હવે અલ્પ ઝળહળવાનું છે.

જલદી     ડાંફો    ભરીભરીને     રસ્તો    ટૂંકો    કરીએ,
પવન    લહરમાં    તરતાંતરતાં   એમ જ પાછા ફરીએ,
પછી   સમયનો   ટેકો  લઈને સુખશય્યામાં  ઢળવાનું છે.

રાત્રિ   મૂકશે    હાથ   હળુકથી    થાકેલા    લોહી  પર,
અંધારું   પણ    પર્વ    ઊજવશે  સઘળાં  ગાત્રો ભીતર,
પછી   ઊંઘમાં  એ  રજવાડી  સ્વરૂપ  પાછું મળવાનું છે.

– રમેશ પારેખ

પરમ સખા મૃત્યુની અહીં વાત છે. ર.પા.ના શબ્દોનો જાદૂ અહીં જુઓ. મૃત્યુની ઘડીની વાત કેવી અદભુત રીતે કરી છે – રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર ! આગળ રજૂ કરેલી આ જ વિષય પરની કવિતાઓ પણ સાથે જોશો… મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે, મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને શોભિત દેસાઈનું મુક્તક.

Comments (3)

બિલિપત્ર:પાંદડી-૩: જળને કરું જો સ્પર્શ – રમેશ પારેખ

જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,
સોનલ, આ તારા શ્હેરને એવું થયું છે શું ?

ખાબોચિયાંની જેમ પડ્યાં છે આ ટેરવાં,
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે તે તું ?

પીડા ટપાલ જેમ મને વ્હેંચતી રહે,
સરનામું ખાલી શ્હેરનું, ખાલી મકાનનું.

આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત,
તો આંગળીની ધારે હું વરસી શકત બધું.

પ્રત્યેક શેરી લાગે રુંધાયેલો કંઠ છે,
લાગે છે હર મકાન દબાયેલું ડૂસકું…

ટાવરના વૃક્ષે ઝૂલે ટકોરાંનાં પક્વ ફળ,
આ બાગમાં હું પાંદડું તોડીને શું કરું ?

આખું શહેર જાણે મીંચાયેલી આંખ છે,
એમાં રમેશ, આવ્યો છું સપનાંની જેમ હું.

-રમેશ પારેખ

Comments (2)

બિલિપત્ર:પાંદડી-૨: મેળો – રમેશ પારેખ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ

Comments (2)

બિલિપત્ર:પાંદડી- ૧ : તરાપો ખરાબે ચડે – રમેશ પારેખ

તરાપો ખરાબે ચડે એ ય સાચું,
છતાં યે ન દરિયો જડે એ ય સાચું.

જો મળીએ તો મળવું બની જાય બોજો,
અને સૌને મળવું પડે એ ય સાચું.

નથી કાચ હોતા કદી લાગણીશીલ,
છતાં પણ અરીસા રડે એ ય સાચું.

કદી આવે ઠોકર મદદગાર થઇને,
નડે તો ચરણ પણ નડે એ ય સાચું.

છું પથ્થર વિશે કોતરાયેલું પંખી ને,
પાંખો સતત ફડફડે એ ય સાચું.

રમેશ પારેખ

શું સાચું તે વિશે હવે કોઇ સંશય છે?!

Comments (2)

રમેશ પારેખ વગરનું એક વર્ષ…

પ્રિય મિત્રો,

સત્તરમી મે, 2006નો દિવસ ગુજરાતી સાહિત્યના માથે સુનામીના વિનાશક મોજા સમો ખાબક્યો. શબ્દનગરીના બેતાજ બાદશાહ રમેશ પારેખ નામનું એક શરીર હૃદયરોગના હુમલાને નામે આપણી વચ્ચેથી સાંગોપાંગ છીનવાઈ ગયું. આપણી ભાષાને વધુ ને વધુ રળિયાત કરી શકે એવી સેંકડો કવિતાઓ અને લેખો અનાગત બનીને કાળની ગર્તામાં જ ગોપાઈ ગયા અને રહી ગઈ કદી મટી ન શકે એવા અ-ક્ષરીય પગલાંઓની અસીમ છાપ…

રમેશ પારેખને લયસ્તરો તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ !

ગયા વરસે આજ વેબ-સાઈટ ઉપર આલેખાયેલ ર.પા.નું શબ્દ-ચિત્ર આંખોમાં ભરીને આપ આજે ફરીથી એમને શ્રદ્ધા-સુમન અર્પી શકો છો:

છ અક્ષરનું નામ

ર.પા.ના દૈહિક અવસાન પર એમના સપ્તરંગી મિજાજને તાદ્દશ કરતી સાત અલગ-અલગ પ્રકારની કાવ્ય-રચનાઓ પણ ક્રમશઃ પ્રગટ કરી હતી… જે નીચેની લિન્ક પર ક્લિક્ કરી આપ વાંચી શકો છો:

– રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ….
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત

અસ્તુ !

Comments (1)

શબ્દોત્સવ – ૨:અછાંદસ: ફરતી ટેકરીઓ ને….રમેશ પારેખ

ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણાં ખેતર, સોનલ…

ખેતર ઉપર કંકુવરણું આભ ઊગે
ને કેટકેટલાં હંસ સમાં ચાંદાનાં ટોળાં ઊડે
ફરફરતી કૈં પવનકોરને લયની ઝાલર બાંધે

ચાસચાસમાં વાંભ વાંભનો કલરવ ઝૂલે

મને થાય કે હમણાં ભૂરી પાંખ સમેટી આભ ઊતરશે
કૂવાના મંડાણ લગી
ને કલબલ કલબલ માનસરોવર પીશે

હમણાં –
કોરાભસ કૂવાથાળે કૈં જળના દીવા થાશે

હમણાં –
ખાડાખૈયા સૂકાં પાનની જેમ તણાતા જાશે

હમણાં –
તરબોળાશે કેડી ત્યારે તરબોળાતી કેમ કરી રોકાશે મારી લાલ પછેડી ?

ત્યાં તો –
ઝળહળ ઝરતો પ્હોર
આભના ઘુમ્મટ પર ચીતરાય
પીળું ઘમરખ બપોરટાણું ધોમ તપે તડકો એવું કે
પડછાયાઓ વેંતવેંત પથ્થરમાં ઊતરી જાય
આંખ અને નભ વચ્ચે અંતરિયાળ ઓગળે
પસાર થાતા એકલદોકલ વનપંખીની કાય

ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણાં ખેતર, સોનલ…

રમેશ પારેખ

Comments

કોઈ ચાલ્યું ગયું – રમેશ પારેખ

ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું;
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું.

છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું,
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા,
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બેક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા,
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.

– રમેશ પારેખ

પ્રિયજનનું જવું – જતા રહેવું – એટલે કે નકરા વિષાદનું ખાબકવું. પ્રિયજનના ગયા પછી ઘર એટલું ખાલી ખાલી લાગે છે કે ખુદ પોતાની હાજરી પણ ભૂલાઈ જાય છે. વિષાદ અહીં ખાલી ઘરના માધ્યમથી જ રજૂ થાય છે. ડસતી ખીંટીઓ, ભયભીત ભીંતો, ભાંગી પડેલા પડછાયા અને ભસતી બત્તીઓથી માત્ર આંઠ લીટીમાં કવિ વિષાદનું એવું ઘેરું પોત રચે છે જેની અસર મનમાંથી જવાનું નામ જ લેતી નથી.  કોઈ દરવાજો ખોલીને જાય પછી દરવાજા પરની સાંકળ થોડી વાર હાલ્યા કરે એ વાતને કવિ કેવી અલગ રીતે રજૂ કરે છે એ તો જુઓ – સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું !

Comments (6)

બાળદિન વિશેષ : ૧ : ચપટી વગાડતાં આવડી ગઈ – રમેશ પારેખ

ચૌદ નવેમ્બર… જવાહરલાલ નહેરૂનો જન્મદિવસ એટલે બાળદિન. લયસ્તરો પર મોટેરાઓની કવિતા જ વાંચી-વાંચીને થાકી ગયા હોવ તો લ્યો! થોડો પોરો ખાઈ લ્યો… આજના દિવસે એક નહીં, ત્રણ-ત્રણ મજાના બાળગીતો રજૂ કરીએ છીએ… વાંચીને જો મજા પડે તો કહેજો… અવારનવાર બાળકોના ગીતો પણ લાવતા રહીશું… પણ આ ગીત મનમાં ને મનમાં વાંચવાની નોટ્ટા છે… બાળકોને જો આ ગીત ગાઈને ના સંભળાવો તો આપ સૌની કિટ્ટા…. કિઈઈઈઈટ્ટા..!

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.

તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

-રમેશ પારેખ

Comments (7)

તેં પણ – રમેશ પારેખ

બન્યો બનાવ અને નીરખ્યા કર્યું તેં પણ
હું તારા હાથમાંથી છટકેલું કાચનું વાસણ.

અણીને વખતે મદદગાર થઈ પડી કેવી
આપણા વચ્ચે છટકબારીઓ સમી સમજણ.

તું બગીચાનો કોઈ બાંકડો નથી, સોનલ
ખરી ગ્યાં ફૂલ છતાં તારી ના ઝૂકી પાંપણ ?

જખમની જેવું હતું એક સ્વપ્ન આપણને
એને પંપાળતાં રહ્યાં’તાં આપણે બે જણ.

રહી ગઈ છે અમસ્થી જ બારીઓ ખુલ્લી
રમેશ, બંધ ઘરને હોય ના કશું વળગણ.

રમેશ પારેખ

Comments (5)

શું ચીજ છે ? – રમેશ પારેખ

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢઢા થવું શું ચીજ છે ?

ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ?

કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે ?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે ?

રોજ એનાં એ જ સાલાં ફેફસાં વેંઢારવાં
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે ?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી, રમેશ
હોડ શું છે ? હાર શું છે ? ઝૂઝવું શું ચીજ છે ?

– રમેશ પારેખ

જ્યારે જ્યારે આ ગઝલ વાંચું છું ત્યારે એક ખાલીપો ધેરી વળે છે. ગોળ ચશ્માં… શેરમાં રમેશ પારેખે ઘડપણની એકલતા અને ખાલીપાને આબાદ ઝીલ્યા છે. જીવનમાંથી ધ્યેય ખૂટી જાય અને સમય કોકડું વળી જાય એ અવસ્થા કેમ કરી જીરવવી ? ઘડપણની જેમ જ, આ ગઝલમાં ખાલી પ્રશ્નો જ છે કોઈ ઉત્તર નથી. ઉત્તરો શોધવાની સતત મથામણને કારણે જ કદાચ ઘડપણને ઉત્તરાવસ્થા કહેતા હશે ?

Comments (4)

અસંખ્ય ઝાંઝવા – રમેશ પારેખ

અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !

દીવાલ જેવી સલામત જગાઓ શોધીને
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.

– રમેશ પારેખ

પૂરી ન થઈ શકે એવી ઈચ્છાઓ આખરે હાથની રેખામાં, ભાગ્ય આગળ આવીને અટકે છે. સાદીસીધી લાગતી વાતમાં ઊંડો અર્થ ને આગવી અભિવ્યક્તિ = રમેશ પારેખ !

Comments (3)

એક પ્રશ્નગીત – રમેશ પારેખ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
                        અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
                        અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
                         અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

– રમેશ પારેખ 

વિરહીણી નારીની મનોવ્યથાને પ્રશ્નોના રૂપમાં બહુ સુંદર રીતે કવિએ અહીં વ્યક્ત કરી છે. ઝાડ પર ચઢીને પ્રિયતમની રાહ જોતી નારીના હૈયામાં ઊઠેલી આગ, અને પરપોટા જેવા મનોરથોએ દરિયો તરવાની બકેલી હોડ, માળાનો ભેંકાર ખાલીપો અને ઊંચી ઘૉડી પર બેસતા ‘એ’ અસવાર ના આવ્યાના સતત ભણકારા –
આ બધામાંથી નિખરી આવતું શબ્દચિત્ર જ્યારે સુંદર કંઠે, ભાવમય લયમાં સાંભળવા મળે છે ત્યારે આપણે પણ આ વિરહ વ્યથાના સહભાગી થઇ જઇએ છીએ.

Comments (4)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત

વ્હાલબાવરીનું ગીત

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

-રમેશ પારેખ

એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ.

શબ્દ સપ્તકની આજે આ સાતમી અને આખરી કડી છે… ર.પાના ખજાનામાંથી ભારે જહેમતથી પસંદ કરેલા આ સાત મોતી લયસ્તરો તરફથી ર.પા.ને અમારી શબ્દાંજલિ છે….

Comments (1)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

-રમેશ પારેખ

રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)

Comments (10)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…

-રમેશ પારેખ

કોઈ એમ રખે માની લે કે રમેશ પારેખ એ માત્ર મમ્મી-પપ્પાનો જ ઈજારો છે. બાળકોની દુનિયામાં તહલકો મચાવી દેનારા બાળગીતોનું પણ એમણે સફળ સર્જન કર્યું છે. ખરું કહું તો એમના હાથમાં કંઈક એવી ગારુડી હતી કે શબ્દોના નાગ આપમેળે જ વશ થઈ જાય. નથી માનવી અમારી વાત? લ્યો ત્યારે… વાંચો આ બાળગીત અને પછી કહો કે….

Comments (10)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !

પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક

ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો

મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી
અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ?

વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો.

– રમેશ પારેખ

મીરાંને અદેખાઈ આવી જાય એ સરળતાથી અને સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે. આ કાવ્યો એટલાં તો હૃદયાભિમુખ છે કે આપણાં પોતાનાં જ લાગે. સુરેશ દલાલ તો આગળ વધીને કહે છે કે: ‘ર.પા.ના મીરાંકાવ્યો એટલાં સહજ અને સ્વભાવિક છે કે એ કાવ્યોની નીચે ખુદ મીરાંને પણ સહી કરવાનું મન થાય’.

Comments (2)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય

આલા ખાચરનું ‘આપણું તો…..’

ભવાયા આવીને કે’ :
‘બાપુ જોવા ન આવે તો રમીએ નંઈ.’
-હાળાંવને દીધાં બે ગામ, તાંબાના પતરે.

હડાળાનો કણબી કે’કે ‘દીકરીના આણાં અટક્યા છ્ !
અફીણ ખાઉં.’
કાઢી દીધો પગનો તોડો,
નગદ સોનાનો:
‘જા હાળાં, કર્ય આણાં…..’

નગરશેઠે પગ ઝાલ્યા :
‘બારે વા’ણ બૂડ્યાં,
વખ ઘોળું, લેણદારોને શેં મોઢું બતાવું ?’
દીધાં જરઝવેરાતનાં ગાડાં :
‘લ્યો, રાખો મૂછનાં પાણી….’

આપણું તો એવું.
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.
ઠકરાણાં ક્યે :
‘સૌને દીધું, અમને?
અમે વાંઝિયાં.’
‘લ્યો, ત્યારે’
– એમ કહીને દેવના ચક્કર જેવા ખોળાના બે ખૂંદતલ
દઉં દઉં ત્યાં ગધની આંખ્યું ઊઘડી ગૈ.

000

રામજી લુવાર ઊભો છે.
કે’છે : ‘ઘરાક આવ્યું છ્, બાપુ….!
બારતેરમાં સાટું સધરી જાશે
વેચી દેવી છે ને તલવાર ?
આમેય તમારે પડી પડી કાટ ખાય છે….’

આપણું તો એવું…..
દઈ દીધી !
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.

આલા ખાચરના પાત્રનિરૂપણ વડે ર.પા.એ સૌરાષ્ટ્રની ભગ્નાવશેષ બાપુશાહીના ભવાડાઓ અને વિડંબનાઓને કલમની તલવારથી જનોઈવઢ વાઢ્યાં છે. સપનામાં બાપુ ક્યાં રાચે છે તે તો જુઓ: ભવાઈ કરનારાં જાણે બાપુ વિના ભવાઈ જ કરવાનાં ન હોય એમ બાપુ બે ગામ લખી દે છે. કણબીને દીકરીનું આણું કરવા માટે નકદ સોનાનો તોડો આપી દે છે તો નગરશેઠને ગાડાં ભરી સંપત્તિ લૂંટાવે છે. પાછાં કહે છે કે માંગનાર મૂંઝાય, આપનાર નહીં ! નપુંસક બાપુ તો સપનામાં ઠકરાણીને પણ એક કહેતાં બબ્બે દીકરા આપવાના મૂડમાં હતાં, પણ કમબખ્ત આંખ જ ખૂલી ગઈ….સપનામાં ‘માંગ-માંગ, માંગે તે આપું’ના રાજાપાઠમાં રાચનાર બાપુની વરવી વાસ્તવિક્તા તો એ છે કે બાપદાદાની નિશાની અને પડી પડી સડી ગયેલી નિરુપયોગી સામંતશાહીના પ્રતિક સમી કાટ ખાધેલી તલવાર બારતેર રુપિયામાં વેચી દેવાની નોબત આવી ઊભી છે. અહીં કટાયેલી તલવાર નથી વેચાતી, ઈજ્જત વેચાઈ રહી છે અને તોય સિંદરી બળે પણ વળ ન છૂટે ના ન્યાયે બાપુનો ‘દઈ દીધી’નો હુંકાર ર.પા.ની કાવ્યસિદ્ધિ છે.

Comments (10)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય

ફૂલનો વિશ્વાસ

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….

– રમેશ પારેખ

શબ્દસપ્તકની બીજી કડીમાં આજે અછાંદસ કૃતિ આસ્વાદીએ. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. એક ગઝલમાં જાણે આ વાતથી વાકેફ હોય એમ એમણે કહ્યું છે:
‘ઉઠાવું પેન ત્યાં થાતાં પતંગિયાનાં શુકન,
ફૂલોનું નામ લખ્યું – ત્યાં જ અનુકૂળ પવન.’

Comments (7)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ

ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

-રમેશ પારેખ

ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં ર.પા.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!! ર.પા.ના શબ્દસપ્તકની શરૂઆત એમના સોનલ કાવ્યથી જ કરીએ.

રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલે શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલ!
સોનલ 1
સોનલ 2

Comments (12)

રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ….

પ્રિય મિત્રો,

રમેશ પારેખની હસ્તી જળમાંથી નીકળી જતી આંગળી જેવી ન્હોતી કે આંગળી કાઢો અને જગા પૂરાઈ જાય. ર.પા. નામનો ખાલીપો ગુજરાતી ભાષાએ હવે સદાકાળ વેઠવાનો છે. ર.પા.ને દિલથી શ્રદ્ધાંજલિ આપવી હોય તો શું કરી શકાય? વિચારતાં અમને એવું જણાયું કે ર.પા.ના કવિ તરીકેના સાત અલગ-અલગ રંગોથી વાંચકોને રંગી શા માટે ન દઈએ? તો, લયસ્તરો પર અમે એક અઠવાડિયા સુધી દરરોજ એકના હિસાબે ર.પા.ના કાવ્યોના સાત રૂપ લઈને હાજર થઈશું. પણ એ પહેલાં લયસ્તરો પર ર.પા.ની અત્યાર સુધી પ્રકાશિત કૃતિઓ શા માટે ફરીથી ન માણીએ?

લયસ્તરો પર ર.પા.ની અગાઉ પ્રગટ થયેલી રચનાઓ:

ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
તમે હાથ હેઠા કરી દ્યો હવે
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય
ચરણ મારાં તારા ભણી હોય છે
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
કંઈક તો થાતું હશે…
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
ગઢને હોંકારો તો કાંગરાય દેશે
પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે

Comments (6)

છ અક્ષરનું નામ

રમેશ પારેખ ( 27-11-1940 થી 17-05-2006)

રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !

અમરેલીમાં જન્મ. મેટ્રિક સુધી અભ્યાસ. કર્મભૂમિ રાજકોટ. પત્ની રસિલાબેન અને નીરજ, નેહા સંતાનો. સરકારી કારકૂની પણ કરી. દુનિયાદારીમાં મન ન લાગે અને કલમ દિશાહીન. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. માંહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો અંગદ યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનિલ જોશી નામના અંગદ ન મળ્યાં હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે. રજનીકુમાર કવિતા લખવા પ્રેરે અને અનિલ જોશી વાર્તા લખવા માટે. ચિડાઈને એકવાર ર.પા.એ રજનીકુમારને કહી દીધું: ‘ સાલા, તું વાર્તાકાર છે એટલે મને કવિતામાં ધકેલે છે અને પેલો અનિલ કવિ છે એટલે મને વાર્તા લખવા કહે છે. સાલાઓ, તમે બધાં મારાથી ડરો છો’.

સાંઠનો દાયકો પતવા આવ્યો અને ર.પા.એ પોતાની જાત સાથે અનુસંધાન સાધી લીધું. લોહી કવિતા બની કાગળ પર વહેવા માંડ્યું. સોનલકાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. સુરેશ દલાલ કહે છે:’ એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’. આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે. મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું: ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’.

હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોકવાયકા ર.પા.ના જીવનમાં જ સાચી પડી શકે. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં. લોકપ્રિયતા કદી માથે ચડીને બોલી હોય તો એ જણ કોઈ અન્ય હોય તો હોય, ર.પા. તો નહીં જ.

હૃદયરોગના જીવલેણ હુમલાએ ર.પા.ના નશ્વર દેહને આજે અકારણ ખૂંચવી લીધો પણ એમનો અ-ક્ષરદેહ સદા શ્વસતો રહેશે આપણી ભાષા અને આપણી સ્મૃતિમાં.

કાવ્યસંગ્રહો: ‘છ અક્ષરનું નામ’ (1991) સમગ્ર કવિતામાં સંગ્રહસ્થ કાવ્યસંગ્રહો: ‘ક્યાં’ (1970), ‘ખડિંગ’ (1980), ‘ત્વ’ (1980), ‘સનનન’ (1981), ‘ખમ્મા, આલા બાપુને!’ (1985), ‘મીરાં સામે પાર’ (1986), ‘વિતાન સુદ બીજ’ (1989), ‘અહીંથી અંત તરફ’ (1991). ત્યાર બાદ ‘છાતીમાં બારસાખ’, ‘લે તિમિરા! સૂર્ય’, ‘ચશ્માંના કાચ પર’ અને ‘સ્વગતપર્વ’.
નવલિકા: ‘સ્તનપૂર્વક’
નાટક: ‘સગપણ એક ઉખાણું’, ‘ ‘સૂરજને પડછયો હોય’, ‘તરખાટ’
લેખો: ‘હોંકારો આપો તો કહું’.
બાળ સાહિત્ય: ‘હાઉક’, ‘દે તાલ્લી’, ‘ચીં’, ‘હફરક લફરક’, ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’, ‘જંતર મંતર છૂ’.
સંપાદન: ‘ગિરા નદીને તીર’, ‘આ પડખું ફર્યો લે!’.

પારિતોષિકો: કુમાર ચંદ્રક, ગુજ. સાહિત્ય અકાદમી પારિતોષિકો, ગુજ. સાહિત્ય પરિષદ પારિતોષિકો, રણજિતરામ સુવર્ણચંદ્રક, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય ઢગલોક પુરસ્કારો.

Comments (20)

એમના શબ્દોનું સદા ઋણ રહેશે.

ગુજરાતી ભાષાને અનેક લાડ લડાવનાર અને સદાનવીન ઘાટ આપનાર કવિ રમેશ પારેખનું આજે રાજકોટમાં નિધન થયું છે. રમેશ પારેખ, આ છ અક્ષરનું નામ ગુજરાતી ભાષા પર અનરાધાર વરસ્યું છે. એમના વિષે ઘણું લખાયું છે અને હજુ ઘણું લખાશે. મારે તો બસ એટલું જ કહેવાનું કે ગુજરાતી ભાષાનું આવું જાજરમાન રુપ આપણને બતાવનાર કવિના શબ્દોનું સદા ઋણ રહેશે.

કવિની સાચી અંજલી એ તો એના શબ્દોને આપેલી અંજલી જ હોય શકે. સુરેશ દલાલે રમેશ પારેખની આપેલી આ શબ્દાંજલીથી વધારે સારી અંજલી મળવી મુશ્કેલ છે.

રમેશ પારેખના શબ્દો

રમેશ પારેખના શબ્દો
           એ મીરાંની બાવરી આંખ છે;
રમેશ પારેખના શબ્દો
           એ આલા ખાચરને આવેલા મોતિયાની ઝાંખ છે.
ધોધમાર ગુલમ્હોર
           એ રમેશ પારેખના ગીત છે;
સ્તનમાં ટહુકેલા મોર;
           એ રમેશ પારેખની કવિતાનું કુંવારું સ્મિત છે.
રમેશ! તારાં અછાંદસ કાવ્યો
           એ લયના ઝંઝાવતનું નીખરેલું રૂપ છે.
રમેશ! તારા સોનેટ
           એ જળ અને આસવના બિલોરી સ્તૂપ છે.
રમેશ! તારી ગઝલ
           એ રણ પર ઊગેલો ચાંદ છે;
રમેશ! તારી કવિતા
           એ ઝાડને ફૂટેલું લીલેરું પાંદ છે.

-સુરેશ દલાલ

Comments (2)

રમેશ પારેખ હવે નથી રહ્યાં….

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

રમેશ પારેખ

ગુજરાતી કવિતાનો મોભ આજે અચાનક તૂટી પડ્યો. રમેશ પારેખ ‘છે’માંથી ‘હતાં’ થઈ ગયાં. ‘છ અક્ષરનું નામ’ હવે નથી રહ્યું… લખતી વખતે જાણે લાગે છે કે હાથને લકવો થઈ ગયો છે….

Comments

સંબંધ – રમેશ પારેખ

તમે હાથ હેઠા કરે દ્યો હવે,
કે સંબંધ તોડી શકતા નથી.
તમે ફોડી શકશો અરીસા કદી,
ચહેરાઓ ફોડી શકતા નથી.

– રમેશ પારેખ

Comments (3)

ક્ષણો – રમેશ પારેખ

ચરણ મારાં તારા ભણી હોય છે,
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે.
મુઠ્ઠીમાં જ રાખીને ફરીએ છતાં,
ક્ષણો કેટલી આપણી હોય છે ?

– રમેશ પારેખ

Comments (2)

શેર – રમેશ પારેખ

આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !

કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ પામ્યા, રમેશ
દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.

-રમેશ પારેખ

Comments

ઠેસ રૂપે જોયો – રમેશ પારેખ

ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?

થાય અહીં એ દુર્ઘટના – કે માણસને
બીજો માણસ ગળી જતો અજગરની જેમ

રમેશજીના ઊડી ગયા ફુરચા – ફુરચા
જ્ઞાન ખાબક્યું જાત વિશે લશ્કરની જેમ

એકલતાનો થાક બિછાવી સૂઈ જાતા
લોકો, ટોળું ઓઢીને ચાદરની જેમ

રમેશ હું પયગંબર થઈને વરસું છું
કાગળિયાં છલકાવું છું સરવરની જેમ

– રમેશ પારેખ

નખશિખ રમેશ પારેખ એવી આ ગઝલને અંતે કવિનું નામ ન લખ્યું હોય તોય ચાલે. જ્ઞાન ખાબક્યું એવો શબ્દપ્રયોગ રમેશ પારેખ જ કરી શકે અને એને ગઝલમાં નિભાવી ય શકે. આ નાની શી ગઝલમાં એમણે મોટા ગજાની વાતો વણી લીધી છે.

Comments (1)

આ શ્હેર… – રમેશ પારેખ

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

– રમેશ પારેખ

Comments (12)

કંઈક તો થાતું હશે… – રમેશ પારેખ

સ્પર્શ દઈ

પાણી વહી જાતું હશે

ત્યારે કંઈક

આ પત્થરોને કંઈક તો થાતું હશે…

રમેશ પારેખ

( ધવલનાં સહજ આમંત્રણને સ્વીકારી લયસ્તરોની યાત્રામાં આજથી પદાર્પણ કરી રહ્યો છું. ધવલ અમેરિકામાં અને હું ભારતમાં. એના શબ્દોમાં આ બ્લોગ હવે અંતર્રાષ્ટ્રીય જ નહીં, અંતરખંડીય (Not only international, but transcontinental) બની રહ્યો છે. રમેશ પારેખનાં એક સાવ જ નાનાં ઊર્મિકાવ્ય સાથે શરૂઆત કરૂં છું. મારા વાંચનનું આપ સૌ સાથે તાદાત્મ્ય સાધવાની મારી અને ધવલની આ સહિયારી કોશિશ પણ આપના સ્નેહને પાત્ર ઠરે એવી અંતરેચ્છા.

– વિવેક ટેલર ( શબ્દો છે શ્વાસ મારાં )

Comments (8)

કોને ખબર ? – રમેશ પારેખ

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

– રમેશ પારેખ

Comments (7)

મેવાડ મીરાં છોડશે -રમેશ પારેખ

ગઢને   હોંકારો   તો   કાંગરાય   દેશે,
પણ   ગઢમાં    હોંકારો    કોણ   દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
આઘેઆઘેથી  એને  આવ્યાં  છે કહેણ,
જઈ   વ્હાલમશું   નેણ   મીરાં   જોડશે,
હવે    તારો  મેવાડ     મીરાં     છોડશે.

-રમેશ પારેખ

Comments (4)

ફાંસ વાગતી રહે -રમેશ પારેખ

પ્રસંગની  શૂન્યતા  જ પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન  ટૂટતા  રહે  ને  આંખ જાગતી રહે
બારીઓ  ખૂલે  નહીં  ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની  ફાંસ વાગતી રહે

-રમેશ પારેખ

Comments (1)

સફેદ -રમેશ પારેખ

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ

– રમેશ પારેખ

Comments

રાખે – રમેશ પારેખ

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે

– રમેશ પારેખ

Comments (2)

હસ્તાયણ -રમેશ પારેખ

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

કોઈના હાથને પસવારે હાથ કોઈનો,
તો થાય: મારા હાથ આ જ છે કે પેલા છે?

એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી,
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

‘રમેશ’, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ,
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

-રમેશ પારેખ

દેવોનું રામાયણ હોય, માનવીઓનું હસ્તાયણ હોય. રામાયણ એ આદર્શની કથા છે; હસ્તાયણ વાસ્તવની વ્યથા છે.

કેટલી સહજ રીતે ર.પા. આ ગઝલમાં હાથના રૂપકનો ઉપયોગ કરીને માનવ સ્વભાવની બારીકીઓનું ચિત્રણ કરે છે એ માણવાલાયક છે. ગુજરાતી ગઝલ માટે આ રચના એક વધારે ઊંચેરો મુકામ છે..

Comments (3)

વરસાદ ભીંજવે – રમેશ પારેખ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

-રમેશ પારેખ

રમેશ પારેખનું આ ભીનું ભીનું કાવ્ય અતુલની ફરમાઈશથી.

Comments (9)

અભણ મળે તમને – રમેશ પારેખ

બંધ પરબિડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

-રમેશ પારેખ

Comments (6)

વહેમવાળી જગા – રમેશ પારેખ

આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

-રમેશ પારેખ

Comments (1)