ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે,
માણસનું નામ બીજું રંગીન માછલી છે.
સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નગીનદાસ પારેખ

નગીનદાસ પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ખાલી ખુરશી - રવીન્દ્રનાથ ઠાકુર
પ્રકરણ 36 - તાઓ-તે-ચિંગ - લાઓ ત્ઝુ અનુ- નગીનદાસ પારેખ
પ્રતિજ્ઞા - રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ
પ્રાણ - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ.-નગીનદાસ પારેખ
બંદી - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ- નગીનદાસ પારેખ
મરીચિકા - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ-નગીનદાસ પારેખ
મુક્તિ - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ.નગીનદાસ પારેખ
હિંસક રાત્રિ - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ - નગીનદાસ પારેખપ્રકરણ 36 – તાઓ-તે-ચિંગ – લાઓ ત્ઝુ અનુ- નગીનદાસ પારેખ

સંકોચવું હોય પહેલાં વિસ્તારવું પડે છે.

નબળું પાડવું હોય તો મજબૂત બનાવવું પડે છે.

પાડવું હોય તો પહેલાં ઊંચે ચડાવવું પડે છે.

લેવું હોય તો પહેલાં આપવું પડે છે.

આનું નામ ‘સૂક્ષ્મ દ્રષ્ટિ ‘ :

મૃદુ કઠોર ઉપર વિજય મેળવે છે અને

દુર્બળ સબળ ઉપર વિજય મેળવે છે.

માછલીને દરિયા બહાર કાઢવી ન જોઈએ . રાજ્યના ઉપયોગી સાધનો લોકોને બતાવવાં ન જોઈએ.

[ Lin Yutang નામના સ્કોલરના મતે અંતિમ વાક્ય આ પ્રકરણનું નથી. તે પ્રકરણ 43 અથવા 78 માં બંધબેસતું છે. વાત સાચી લાગે છે ]

– લાઓ ત્ઝુ અનુ- નગીનદાસ પારેખ

તાઓ-તે-ચિંગ મારી અતિપ્રિય બુક છે. ઈતિહાસમાં કોઈક આટલી નાનકડી પુસ્તિકા આટલી બધી controversy ઊભી કરે તે વાત પોતે જ અજોડ છે. એક વર્ગે એની અત્યંત તીખી આલોચના કરી છે. એક વિદ્વાન સમીક્ષક ઓગણીસમી સદીના માથાના ફરેલા ફિલોસોફર Nietzsche ને ટાંકે છે – ‘ Those who know that they are profound strive for clarity. Those who would like to seem profound strive for obscurity. ‘ સામે પક્ષે ચાહક વર્ગ પણ એટલો જ મોટો છે. એ વાત ખરી કે પુસ્તકમાં મહદઅંશે ગુહ્ય ભાષા જ વપરાઈ છે અને અમુક પ્રકરણ બિલકુલ અસંબદ્ધ લાગે-જરાય ન સમજાય એવા છે, પરંતુ એનું કારણ સમય સાથે પ્રવેશેલી વિકૃતિઓ લાગે છે. એમ તો એક પ્રમાણભૂત અભ્યાસ અનુસાર ભગવદ ગીતા ખરેખર માત્ર 200 જ શ્લોકની છે, બાકીનું બધું repetition જ છે જે કાળક્રમે ઉમેરાતું ગયું.

આ પ્રકરણ 36નું ભાષાંતર છે.

અર્થઘટન સૌ ભાવક પોતપોતાની રીતે કરે તો જ આ પુસ્તકનો મૂળભૂત હેતુ સચવાય તેથી અર્થઘટન કરવાની ધ્રુષ્ટતા હું નહીં કરું.

Comments (2)

હિંસક રાત્રિ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ

હિંસક રાત્રિ ચુપચાપ આવે છે,
બળ જેનું ચાલ્યું ગયું છે
એવા
શરીરના શીથીલ આગળા ભાંગી નાખીને
અંતરમાં પ્રવેશ કરે છે,
જીવનના ગૌરવનું રૂપ હર્યા કરે છે.
કાલિમાના આક્રમણથી મન હારી જાય છે,
એ પરાભવની લજ્જા, એ અવસાદનું અપમાન
જયારે ઘનીભૂત બની જાય છે,
ત્યારે એકાએક દિગંતમાં સ્વર્ણકિરણની
રેખા આંકેલી દિવસની પતાકા દેખા દે છે;
જાણે
આકાશના કોઈ દૂરના કેન્દ્રમાંથી ‘મિથ્યા મિથ્યા’ કહેતો
ધ્વનિ ઊઠે છે.
પ્રભાતના પ્રસન્ન પ્રકાશમાં જીર્ણ દેહદુર્ગના શિખર ઉપર
પોતાની દુઃખ-વિજયીની મૂર્તિ જોઉં છું.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ

કોઈકવાર આજકાલ જે ગરમ ભજીયાની જેમ વેચાય છે તેવી કહેવાતી ‘સેલ્ફ હેલ્પ’ ની બુક્સ ઉથલાવવાનું બને છે ત્યારે અત્યંત આઘાત સાથે એ હકીકત નજરે ચડે છે કે આવી ઘણી ચોપડીઓમાં હળાહળ negative emotions ને બિન્ધાસ્ત ઉત્તેજન આપવામાં આવતું હોય છે જેમ કે – ‘ તમારાથી સફળ વ્યક્તિની ઈર્ષ્યા તમારે માટે વિકાસનું ઇંધણ સમાન હોય છે.’ ‘પ્રત્યેક વ્યક્તિમાં jealousy હોય જ છે.’ ‘ પોતાની સિદ્ધિ માટે અભિમાન હોવું સ્વાભાવિક છે.’ ‘ સમાજ આગળ તમારી સિદ્ધિઓને જેટલી અસરકારક રીતે રજૂ કરશો તેટલા તમે વધુ સફળ’ ‘ સાચા હોવું એટલું મહત્વનું નથી કે જેટલું મહત્વનું સાચા લાગવું મહત્વનું છે’ ‘વ્યક્તિ જેટલી વધુ competitive હોય તેટલી તે વધુ ક્રોધી જ હોય’ etc etc etc !!!!!

negative emotions નું આવું ભયાનક અને જઘન્ય glorification કોણ જાણે કેટલા immature માનસમાં ઝેર ભરી દેશે ! આ કાવ્યમાં negative emotioms સામેના સંઘર્ષની વાત છે. પ્રત્યેક પળે જે જાગૃત છે, watchful છે, તે જ બચી શકશે .

ભગવાન બુદ્ધને આનંદે પૂછ્યું હતું- આપ તો બુદ્ધ છો, તો હજુ પણ આપ સતત શેનું ધ્યાન ધરતા હો છો ? – બુદ્ધે કહ્યું હતું – બુદ્ધત્વ પ્રત્યેક ક્ષણે અર્જિત કરવાનું હોય છે,એક વાર પ્રાપ્ત કરી લેવાથી કંઈ કામ પતી નથી જતું. સભાનતામાં જો જરાપણ શિથીલતા આવે તો ક્ષણાર્ધમાં જ desires ની નાગચૂડમાં હું ફસાઈ શકું છું.

Comments (6)

પ્રતિજ્ઞા – રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં ,
જેને જે કહેવું હોય તે કહે.
જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં.
મેં
કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે,
જો મન જેવું મન જીતવા ન પામું,
તો હું તાપસ નહિ થાઉં ,નહિ થાઉં ,
જો તે તપસ્વિની ન મળે તો.

હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું,
ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉં.
જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે.
મધુર વાયુથી ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે,
કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે,
જો તપસ્વિની ન મળે તો,
હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં.

તારા સમ, હું તાપસ નહિ થાઉં.
જો એ તપને જોરે નવીન હૃદયમાં
જો હું નવું વિશ્વ રચી ન શકું,
જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મના દ્વાર તોડીને,
કોઈ નવીન આંખનો ઇશારો ન સમજી લઉં,
જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં.

– રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

…………..ઉનકો ખુદા મિલે, હૈ ખુદા કી જિન્હેં તલાશ; મુઝકો તો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે…….. ઈશ્વર પ્રત્યે તો જો અદમ્ય પ્રીત હોય તો હોય, ન હોય તો તેને જાત ઉપર ઠોકી ન બેસાડાય . પ્રેમતત્વમાં શ્રદ્ધા રાખવી ઘટે, કદાચ ઐહિક પ્રેમ જ અલૌકિક પ્રેમ તરફ દોરી જશે ……

Comments (4)

ખાલી ખુરશી – રવીન્દ્રનાથ ઠાકુર

જનહીન બપોરની વેળાએ તડકાનો તાપ ધખે છે,
ખાલી ખુરસી તરફ જોઉં છું,
ત્યાં સાન્ત્વનાનો લેશ પણ નથી.
તેના હૃદયમાં ભરેલી હતાશાની ભાષા
જાણે હાહાકાર કરે છે.
કરુણાથી ભરેલી શૂન્યતાની વાણી ઊઠે છે
તેનો મર્મ પકડતો નથી.
માલિક ગુમાવેલો કૂતરો જેમ કરુણ દ્રષ્ટિએ જુએ છે,
તેમ અબૂઝ મનની વ્યથા હાય હાય કરે છે;
શું થયું, કેમ થયું, કંઈ સમજતી નથી.
દિનરાત વ્યર્થ આંખે ચારેકોર શોધે છે.
ખુરસીની ભાષા જાણે એથીય કરુણ અને કાતર છે.
શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ

આ કાવ્ય ગુરુદેવે પોતાના દીર્ઘ આયુષ્યના અંતિમ વર્ષે લખ્યું હતું . આ કાવ્યના બે થી ત્રણ અર્થઘટન શક્ય છે . ઘૂંટાયેલી વેદના તો સ્પષ્ટ છે જ… શેની વેદના છે – કોની વિદાય આટલી વસમી છે તે બાહ્યજગતના સંદર્ભે પણ સમજી શકાય તેમ જ આંતર્જગતના સંદર્ભે પણ….

Comments (5)

બંદી – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ

‘ બંદી, કોણે બાંધ્યો છે તને,
આટલી સખ્ત રીતે ?’

‘ માલિકે મને વજ્ર જેવા સખ્ત
બંધનથી બાંધ્યો છે.
મનમાં મારે હતું-
સૌ કરતાં હું મોટો થઈશ.
રાજાનું ધન મેં મારા ઘરમાં
ભેગું કર્યું હતું.
ઊંઘ આવતાં માલિકની પથારી પાથરી
હું સૂઈ ગયો હતો.
જાગીને જોઉં છું તો સ્વ-સંચિત ભંડારમાં
હું બંધાયેલો છું.’

‘ ઓ બંદી, વજ્ર જેવું બાંધણ કોણે ઘડ્યું છે ?’

‘ મેં પોતે જ બહુ જતનપૂર્વક
એ ઘડ્યું છે.
મેં ધાર્યું હતું કે મારો પ્રતાપ
જગતને ગ્રસશે,
હું એકલો જ સ્વાધીન રહીશ,
બધા જ દાસ થશે.
એટલે મેં રાત-દિવસ લોઢાની સાંકળ ઘડી હતી-
-કેટલી આગ,કેટલા ઘા તેનું કંઈ ઠેકાણું નથી.
ઘડવાનું જયારે પૂરું થયું ત્યારે જોઉં છું-
તો
મારી એ સખ્ત અને કઠોર સાંકળે
મને જ બંદી બનાવ્યો છે.’

-રવીન્દ્રનાથ ઠાકુર
અનુ- નગીનદાસ પારેખ

અહીં લૌકિક બંધનની વાત નથી. આપણે પોતે જ્ન્મપશ્ચાત આપણી પોતાની જાતને – જેને આપણે ‘મન’ કહીએ છીએ – અસંખ્ય જડ પૂર્વગ્રહો અને અર્ધદગ્ધ જાણકારીઓ [ જેને આપણે ‘જ્ઞાન’ કહીએ છીએ ] વડે રચાતી નાગચૂડમાં જકડાઈ જવા દઈએ છીએ. આ નાગચૂડમાં સંપૂર્ણપણે ગ્રસ્ત થયા બાદ આપણે વિવિધ ધર્મ-સંપ્રદાય-માર્ગ-ગુરુ-ફિલોસોફી ઈત્યાદીમાં આ નાગચૂડમાંથી મુક્ત થવાનો માર્ગ શોધીએ છીએ જેને કારણે આપણને ગ્રસ્ત કરનાર નાગચૂડનો માત્ર પ્રકાર બદલાય છે – real freedom , સાચી મુક્તિ જોજનો દૂરની જોજનો દૂર જ રહે છે. વળી આ બધા તરફડીયાને લીધે આપણે સાચા માર્ગથી વધુને વધુ અળગા થતા જઈએ છીએ. પછી આત્મવંચનાનો ભયાનક તબક્કો આવે છે. અંતે બચે છે માત્ર huge Ego……

Comments (5)

મરીચિકા – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-નગીનદાસ પારેખ

પાગલ હઇયા વને વને ફિરિ આપન ગન્ધે મમ
કસ્તુરીમૃગસમ ;
ફાલ્ગુન રાતે દક્ષિણ બાયે કોથા દિશા ખુંજે પાઇ ના –
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

વક્ષ હઇતે બાહિર હઇયા આપન વાસના મમ
ફિરે મરીચિકાસમ.
બાહુ મેલિ તારે વક્ષે લઇતે વક્ષે ફિરિયા પાઇ ના.
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

નિજેર ગાનેર બાંધિયા ધરિતે ચાહે યેન બાંશિ મમ
ઉતલા પાગલ-સમ.
યારે બાંધિ ધરે તાર માઝે આર રાગિણી ખુંજિયા પાઇ ના.
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

 

મારી પોતાની ગંધથી પાગલ બનીને હું
કસ્તુરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું.
ફાગણની રાતે દક્ષિણના પવનમાં દિશા ક્યાં છે
તે મને શોધી જડતી નથી-
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

છાતીમાંથી બહાર નીકળીને મારી પોતાની વાસના
મરીચિકા[મૃગજળ]ની પેઠે ફરે છે.
હાથ લંબાવીને તેને છાતીસરસી લેવા જતાં
પાછી છાતીમાં લઇ શકતો નથી.
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

જાણે મારી વાંસળી વ્યાકુળ પાગલની પેઠે
પોતાના ગીતને બાંધીને પકડવા માગે છે.
એ જેને બાંધીને પકડે છે તેમાં
રાગિણી શોધી જડતી નથી.
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

-રવીન્દ્રનાથ ઠાકુર

અતિસૂક્ષ્મ વાત છે. કદાચ ગુરુદેવની પ્રજ્ઞા ધરાવતા કવિની આજ ખૂબી હશે ! આત્મસંવાદ છે આ…. હું સ્થૂળ વસ્તુઓના મોહમાં ભટકું છું,તેને મેળવી લઉં છું ત્યારે તે મને કોઈ જ આનંદ કે પરિતૃપ્તિ આપતી નથી. તેમાં મને જેની ખરેખર શોધ છે તે જડતું નથી. – આ મૂળભૂત સૂર છે. એમાં ‘મારી પોતાની ગંધથી પાગલ બનીને હું કસ્તુરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું.’ – જેવી અભિવ્યક્તિ દ્વારા કવિ પોતાની મહત્વકાંક્ષા,સ્પર્ધાત્મકતા જેવા ગુણોને ઈંગિત કરે છે. આ વાત સંબંધોને પણ લાગુ પડી શકે છે. અંતિમ ફકરામાં ભગવદ ગીતાની philosophy પડઘાય છે. આ સમગ્ર content ને અત્યંત ખૂબીપૂર્વક ગૂંથવામાં આવ્યો છે. વળી દરેક ફકરે પુનરાવર્તિત થતી પંક્તિઓ – ” જે ચાહું છું તે ખોટું ચાહું છું, જે મળે છે તે મને જોઈતું નથી.”- દ્વારા એક સઘન અનુભૂતિ સર્જાય છે,એક તીવ્ર આત્મમંથન આલેખાય છે.

Comments (5)

મુક્તિ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.નગીનદાસ પારેખ

વૈરાગ્યસાધને મુક્તિ, સે આમાર નય.

અસંખ્ય બન્ધન-માઝે મહાનન્દમય
લભિબ મુક્તિર સ્વાદ. એઇ વસુધાર
મૃત્તિકાર પાત્રખાનિ ભરિ વારમ્વાર
તોમાર અમૃત ઢાલિ દિબે અવિરત
નાનાવર્ણગંધમય. પ્રદીપેર મતો
સમસ્ત સંસાર મોર લક્ષ વર્તિકાય
જ્વાલાયે તુલિબે આલો તોમારિ શિખાય
તોમાર મન્દિર-માઝે.

ઇન્દ્રિયેર દ્વાર
રુદ્ધ કરિ યોગાસન,સે નહે આમાર.
યે-કિછુ આનન્દ આછે દ્રશ્યે ગન્ધે ગાને
તોમાર આનન્દ રબે તાર માઝખાને.

મોહ મોર મુક્તિ રૂપે ઉઠિબે જ્વલિયા,
પ્રેમ મોર ભક્તિ રૂપે રહિબે ફલિયા.

 

વૈરાગ્યની સાધના દ્વારા મળતી મુક્તિ મારે માટે નથી.

અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનંદમય
મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ.
આ વસુધાના માટીના પાત્રને વારે વારે
નાના વર્ણગંધમય તારું અમૃત
તું અવિરત રેડતો રહેશે.
પ્રદીપની પેઠે મારો સમસ્ત સંસાર
લાખ્ખો વાટોએ
તારી શિખાથી તારા મંદિરમાં
દીવા પેટાવી દેશે.

 

ઇન્દ્રિયોના દ્વાર રૂંધીને યોગાસન જમાવવું
એ મારું કામ નથી.
દ્રશ્યમાં, ગંધમાં, ગીતમાં
જે કાંઈ આનંદ રહેલો છે,
તેમાં તારો આનંદ વ્યાપી રહેશે.

મારો મોહ મુક્તિરૂપે સળગી ઊઠશે,
મારો પ્રેમ ભક્તિરૂપે ફલિત થશે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ.

 

અત્યંત ક્રાંતિકારી વાત છે – જરાક સૂક્ષ્મતાથી તપાસશો તો રજનીશના ચર્ચાસ્પદ વિધાન ‘સંભોગથી સમાધિ સુધી’ નો ધ્વનિ પ્રતિપાદિત થાય છે ! કોઈ દમનની વાત નથી,કોઈ અકુદરતી ત્યાગના માયાવી મૃગ પાછળની દોટની વાત નથી. વિશ્વમાં જ વિશ્વાત્માના દર્શનની વાત છે….સર્જનમાં જ સર્જકની ઝાંખી કરવાની વાત છે. સર્જન અને સર્જક જુદા નથી,માત્ર આપણી દ્રષ્ટિ સીમિત હોવાથી તે દર્શન આપણને સહજ નથી – આ ધ્વનિ છે……

Comments (6)

પ્રાણ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ

મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને,
માનવેર માઝે આમિ બાંચીબારે ચાઇ.
એઇ સૂર્યકરે એઇ પુષ્પિત કાનને
જીવન્ત હૃદય-માઝે યદિ સ્થાન પાઇ !

ધરાય પ્રાણેર ખેલા ચિરતરંગિત,
વિરહ મિલન કત હાસિ-અશ્રુમય-
માનવેર સુખે દુઃખે ગાંથિયા સંગીત
યદિ ગો રચિતે પારિ અમર-આલય !

તા યદિ ના પારિ તબે બાંચિ યત કાલ
તોમાદેરિ માઝખાને લભિ યેન ઠાઁઇ,
તોમારા તુલિબે બલે સકાલ બિકાલ
નવ નવ સંગીતેર કુસુમ ફૂટાઈ.
હાસિમુખે નિયો ફુલ, તાર પરે હાય
ફેલે દિયો ફુલ, યદિ સે ફુલ શુકાય.

 

આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઈચ્છા નથી.
હું માનવોમાં જીવવા ઈચ્છું છું.
આ સૂર્યના કિરણોમાં,
આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં
હું સ્થાન પામવા ઈચ્છું છું.

ધરતી પર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય
અને અશ્રુ-ભરી પ્રાણની લીલા
સદાય લેહરાયા જ કરે છે,
– માનવના સુખદુઃખનાં ગીતો ગૂંથીને
અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે.

પણ જો તે ન કરી શકું,
તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી
તમારી વચ્ચે જ સ્થાન પામું
એમ ઈચ્છું છું.
અને તમે ચૂંટશો એમ કરીને
સવારે અને સાંજે
નવાં નવાં સંગીતના ફૂલો ખીલવ્યા કરીશ.
તમે હસતે મોઢે એ ફૂલ લેજો
અને
ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય
તો ફેંકી દેજો !

-રવીન્દ્રનાથ ઠાકુર

Comments (5)