પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અંજની ગીત

અંજની ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અંજની કાવ્ય - મનોજ ખંડેરિયા
ઓછાબોલી - મિલિન્દ ગઢવી
વિપ્રયોગ - કાન્તઓછાબોલી – મિલિન્દ ગઢવી

એવામાં તો મોડાં મોડાં
અવસર લઈને આવ્યા ઘોડા
મેં કીધું કે, ‘લઈ લઉં થોડાં’, –
.                                       એ બોલી, ‘ઊંહું !’

‘कत्थई आँखों में क्या छल है ?
पलकों पे जो भीगा कल है
आँसू है या गंगाजल है ?’ –
.                                       वो बोली, ‘पानी!’

Relations went through recession
Time had come for alteration
When I stopped her at the station; –
.                                            She said, ‘Destiny!’

– મિલિન્દ ગઢવી

મરાઠીમાંથી ઊતરી આવેલ અંજની-ગીત આપણે ત્યાં શરૂથી જ બહુ પ્રેમાદર પામ્યું નથી. કાન્ત, બ.ક.ઠા. જેવા કવિઓથી માંડીને ઘણાખરા કવિઓએ એના પર હાથ અજમાવ્યો પણ વાત બહુ આગળ વધી નહીં. મનોજ ખંડેરિયાએ તો આખેઆખો સંગ્રહ અંજની-ગીતોનો આપ્યો પણ તોય અંજનીથી સર્જકો ખાસ અંજાયા નહીં. મને લાગે છે કે અંજનીનું બારીક પોત આ માટે જવાબદાર છે. ૧૬ માત્રાનો એક એવી સાડાત્રણ પંક્તિનો બંધ, જે આમ જોવા જઈએ તો દોઢ પંક્તિ જેટલો જ છે… એટલે એક બંધમાં ગઝલના એક આખા શેર કરતાં પણ ઓછી જગ્યા મળતી હોઈ કદાચ આ પ્રકાર આપણે ત્યાં વધુ પ્રચલિત થઈ શક્યો નથી.

મિલિન્દ આવા સંજોગોમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાનું કોકટેલ કરીને એક અંજની લઈ આવે છે એ સુખદ નિશાની છે. કમાલની વાત એ છે કે મિલિન્દ અંજનીની આ સા…વ સાંકડી ગલીમાં ત્રણ ત્રણ ભાષાઓ બાથમાં ભરીને ખૂબ જ આસાનીથી ચાલી શક્યો છે. હા, જો કે એણે ત્રણેય બંધમાં અંત્યાનુપ્રાસ જાળવીને કામ કર્યું હોત તો વાત ઓર કમાલની થાત…

Comments (11)

વિપ્રયોગ – કાન્ત

“આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા –
.                          ક્યાં છે એની એ ?

“શું એ હાવાં નહિ જોવાની ?
આંખડલી શું નહિ લ્હોવાની ?
ત્યાંયે ત્યારે શું રોવાની –
.                          દારા એની એ ?”

* * *

“છે, જ્યાં છે સ્વામીની તારા !
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :
નહિ જ નિશા જ્યાં આવે, દારા –
.                          ત્યાં છે એની એ !

“છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખડલી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની –
.                          દારા એની એ !”

– કાન્ત

ગઈકાલે આપણે અંજની ગીત વિશે જાણ્યું. આજે આ કાવ્યના ગુજરાતીમાં પ્રણેતા ગણાતા કવિ કાન્તનું એક અંજની ગીત.  અસલ અંજની ગીત માત્ર બે જ ચરણનું હતું જેમાં નિરવધિ વિયોગની નિરાશા પ્રગટ થાય છે. પાછળથી કવિ કાન્તે ધર્મપરિવર્તન કર્યું અને સ્વર્ગમાં ફરી મળવાની આશા પ્રગટ કરતા બીજા બે ફકરા એમાં ઊમેર્યા.  જો કે વિદ્વાનોને પાછળથી ઉમેરેલા પદમાં કવિતા બગડી હોવાનું અનુભવાયું છે. (સૌજન્ય: શ્રી ચન્દ્રકાન્ત શેઠ સંપાદિત ‘કાન્તનો પૂર્વાલાપ’)

લયસ્તરોના વાચકો માટે ફૂદડી મૂકીને મૂળ અને નવા- એમ બંને પાઠ અહીં રજૂ કર્યા છે.

*
વિપ્રયોગ = સ્વજન કે પ્રિયજનનો સહવાસ નહિ તે; વિયોગ; વિખૂટા પડવું તે; વિપ્રલંભ
દારા = પત્ની
જ્યોત્સ્ના = ચાંદની, એ નામની ચંદ્રની એક કળા (અમૃતા, માનદા, પૃષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સ્ના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા ને પૂર્ણામૃતા એ ચંદ્રની સોળ કલા છે)

Comments (2)

અંજની કાવ્ય – મનોજ ખંડેરિયા

આ ઘરની ભીંતો ને ઝાંપો
એને એવો ધક્કો આપો
આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
.                      ત્યાર પછી જુઓ !

ઘરની આ સંકડાશ ન રહેશે
ઓછો કૈં અજવાશ ન રહેશે
ગૂંગળામણના શ્વાસ ન રહેશે
.                      ત્યાર પછી જીવો !

-મનોજ ખંડેરિયા

*

આ શું માત્ર ઈંટ-સિમેન્ટના બનેલા આપણા ઘરની સંકડામણ દૂર કરવાની વાત છે ? કે પછી આપણા મનની, આપણા જીવનની, આપણા સંબંધોની અને આપણા હોવાપણાની ક્ષિતિજો વિસ્તારવાની વાત છે ?

*

અંજની કાવ્ય વિશે શ્રી રામનારાયણ વિ. પાઠક ‘બૃહત્ પિંગળ’માં આપેલી જાણકારીના હિસાબે એમ કહી શકાય કે જેમ સૉનેટ, હાઈકુ, ગઝલ એમ અંજની ગીત પણ આપણે ત્યાં અન્ય સાહિત્યમાંથી આયાત થયેલો કાવ્યપ્રકાર છે. અંજની ગીત સૌથી પહેલું કાન્તે લખ્યું જણાય છે… (જો કે એ પહેલાં કાન્તના મિત્ર રાજારામ રામશંકરના ગુજરાતી ભાષાંતરમાં એક અંજની કાવ્ય કહી શકાય એવી રચના જડી આવે છે)

અંજની ગીતમાં પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાની અને એક જ પ્રાસ ધરાવે છે. એમાં ચાર ચતુષ્કલ (ગાગા) સંધિઓ આવે છે. ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે. આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી આગલી બે પંક્તિ સાથે સંધાયેલી હોય છે, છતાં પઠનમાં એ ચોથી સાથે વધારે ગાઢ રીતે સંધાયેલી હોવાથી એક સુંદર ભંગીનો અનુભવ થાય છે. છંદના જાણકાર માટે અંજની ગીતની ઉત્થાપનિકા આ પ્રમાણે થાય:

દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દા –  —

Comments (18)