ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.
કૈલાસ પંડિત

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દયારામ

દયારામ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કિયે ઠામે મોહની - દયારામ
ખૂબસૂરત સાંવરા - દયારામ
પ્રેમરસ - દયારામ
મોહનમાં મોહિની - દયારામ
લોચન–મનનો ઝઘડો - દયારામ
વાંસલડીનો ઉત્તર - દયારામ
શ્યામ રંગ સમીપે ન જાવું - દયારામખૂબસૂરત સાંવરા – દયારામ

એક ખૂબસૂરત ગબરુ ગુલઝાર સાંવરા !
તારીફ ક્યા કરું ઉસકી ? હે સબ ભાંત સે ભલા !

ઈસ નગર કી ડગર મેં મેરા ચિત્ત ચૂરા ચલા,
કહતી થી સબ આલમ યે હય નંદ કો લલા.

દેખી મુઝે નિધા કર તબસોં એ દુ:ખ ફેલા,
ચિતવન મેં કછૂ ટોના, કોઈ કછુ કલા.

અનંગ આગ લગી વે તન જાત હય જલા,
જીય જાયગા જરૂર સૈંયા ! સજન નહિ મિલા.

બૂઝતી જો મેં ઐસા, દર્દ બિરહ હય બલા,
તો મેં ઉસી પલક જાય પકરતી પલા.

મિલાઓ કોઈ મહેબૂબ ! દુસરી ન હય સલા,
દયા કે પ્રીતમ બિના મરુંગી મેં કાટકે ગલા.

– દયારામ

ઘણા ગુજરાતી કવિઓ વ્રજભાષામાં નોંધપાત્ર કામ કરી ગયા છે. દયારામ એમાંના એક. એમનું આ પદ ખૂબ જાણીતું છે. બધી રીત બધાથી નોખા સાંવરિયાની પ્રીતિ દયારામ ગોપીભાવે કરે છે. નંદના લાલાએ એક જ નજરમાં કવિના ચિત્ત પર ન જાણે શું જાદુ-ટોણો કર્યો છે કે હવે અંગ-અંગમાં જો સાજન નહીં મળે તો જીવ જાય એ હદે કામની આગ પ્રજ્વળે છે. કોઈ કવિને એના પ્રીતમ પ્રેમી સાથે હવે મેળવી આપો, નહિંતર ગળું કાપીને મરવું પડશે…

Comments (3)

મોહનમાં મોહિની – દયારામ

કિયે ઠામે ? મોહિની ન જાણી રે ! મોહનજીમાં,
કિયે ઠામે ? મોહની ન જાણી !

ભ્રૂકુટીની મટકમાં ? કે ભાળવાની લટકમાં ?
કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજીમાં0

ખીટળિયાળા કેશમાં ? કે મદનમોહન વેશમાં ?
કે મોરલી મોહનની વખાણી રે? મોહનજીમાં0

શું મુખારવિંદમાં ? કે મંદહાસ્યફંદમાં ?
કે કટાક્ષે મોહની પિછાણી રે ? મોહનજીમાં0

ચપળ રસિક નેનમાં ? કે છાનીછાની સેનમાં ?
કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીમાં0

શું અંગઅંગમાં ? કે લલિત ત્રિભંગમાં ?
કે શું અંગઘેલી કરે શાણી રે ? મોહનજીમાં0

દયાના પ્રીતમ પોતે મોહનીસ્વરૂપ છે
તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીમાં0

– દયારામ

દયારામની ગરબીઓ માત્ર મધ્યકાલીન નહીં, સર્વકાલીન ગુજરાતી ગીતોનો સરતાજ છે. દયારામની ગરબી એમની બેવડી પ્રાસરચના -આંતરપ્રાસ તથા અંતર્પ્રાસ- ના કારણે સવિશેષ ધ્યાન ખેંચે છે. કિયા ઠામે મોહિની ના જાણીનો પ્રશ્ન રાધિકા જ્યારે દૃઢાવે છે ત્યારે એ પોતે પણ જાણે જ છે કે મોહિની કયા-કયા ઠામમાં છે પણ આ મિષે એ લાડલાને બે ઘડી લાડ કરવાની તક જતી કરે એમ નથી…

Comments (2)

વાંસલડીનો ઉત્તર – દયારામ

ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢ-તડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મહેર આણિ મનમાં, ઓ વ્રજનારી !

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી,
સુખ-દુઃખ કાંઈ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી !

મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી !

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધી,
દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી !

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી ! ઓ વ્રજનારી !

– દયારામ

વ્રજની ગોપીઓ દયારામની એક ગરબીમાં કૃષ્ણ વાંસળીને પોતાના કરતાં વધુ વહાલ કરે છે એમ માનીને ‘વેરણ’ અને ‘શોક’ કહી બોલાવે છે એનો પ્રત્યુત્તર વાંસળી આ ગરબીમાં આપે છે. વાંસલી વ્રજનારીને કહે છે કે અમને નહક આળ ન દે. અમારા આગલા જન્મોના પુણ્ય છે. અમે વનમાં ટાઢ-તડકો-મેઘઝડીઓ ખુલ્લા ડિલે મનમાં સુખ-દુઃખ આણ્યા વિના ઝીલ્યાં છે. અંગે કાપા પડાવ્યા, સંઘાડે ચડ્યા અને પછી કાયામાં છીદ્રો પડાવ્યાં ત્યારે મુરારીએ મને હોઠવગી કીધી છે.

(ચાચર = ખુલ્લો ચોક)

Comments (2)

કિયે ઠામે મોહની – દયારામ

કિયે ઠામે મોહની ન જાણી રે,
.                          મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે ? મોહનજીo

ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં
.                          કે શું મોહની ભરેલી વાણી રે ? મોહનજીo

ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં
.                          કે મોરલી મોહનની પિછાણી રે ? મોહનજીo

શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં
.                          કે કટાક્ષે મોહની વખાણી રે ? મોહનજીo

કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં
.                          કે શું અંગ-ઘેલી કરી શાણી રે ? મોહનજીo

ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં
.                          કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીo

દયાના પ્રીતમ પોતે મોહની સ્વરૂપ છે
.                          તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીo

– દયારામ

ગોપીના મનોભાવનો અંચળો ઓઢીને નખશીખ કૃષ્ણપ્રેમની ચરમસીમાઓ આલેખતી દયારામની ગરબીઓ આપણી ભાષાની અણમોલ સમૃદ્ધિ છે. અત્યંત મનોહર ભાષામાં મુગ્ધ ગોપી અહીં કામદેવથી ય રૂપાળા મોહનનું વર્ણન કરે છે. શ્રીકૃષ્ણના કયા અંગમાં કે ગુણમાં એનું ખરું આકર્ષણ છે એ જાણે અહીં ગોપી શોધવાની કોશિશ કરી રહી છે અને અંતે ‘અખિલમ્ મધુરમ્’નો કાયદો સ્વીકારી લઈ તન-મન-ધનથી એના પ્રેમમાં લૂંટાઈ બેસે છે એ આખી રીતિમાં દયારામનું કવિત્વ એના સુભગ રૂપે પ્રકટ્યું છે. મટક-લટક, કેશ-વેશ, નેન-સેન જેવા મધ્યાનુપ્રાસ ગરબીને મીઠી ગાયકી બક્ષે છે.

Comments (1)

પ્રેમરસ – દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo

સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo

એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઈo

-દયારામ

કહેવતની કક્ષાએ પહોંચેલ ધ્રુવપંક્તિ અને પ્રથમ અંતરાવાળું આ અમરકાવ્ય આપણા ભાષાકીય ખજાનાના એક સીમાચિહ્ન સમું છે. આ છે શાશ્વત કવિતા… યુગ કોઈ પણ હોય, એ સદૈવ સાંપ્રત જ લાગશે…

(કનકપાત્ર=સુવર્ણપાત્ર, સક્કરખોર=સાકર ખાનાર જીવડો, ખર=ગધેડો, વગળવંશી=વર્ણસંકર, વમન=ઊલટી, મુક્તાફળ=મોતી)

Comments (1)

શ્યામ રંગ સમીપે ન જાવું – દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે….

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું.
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે….

મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ-વંત્યાક ના ખાવું.
’દયા’ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું’. મારે….

દયારામ : કવિ પરિચય

Comments (4)

લોચન–મનનો ઝઘડો – દયારામ

લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો

“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો

“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો

“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો

“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.” 0ઝઘડો

“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર ?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.” 0ઝઘડો

મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.” 0ઝઘડો

એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય. 0ઝઘડો

સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.” 0ઝઘડો

(ચાંદોદના વતની અને મોસાળ ડભોઈના નિવાસી કવિ દયારામ ( જ્ન્મ : ૧૭૭૭, મૃત્યુ : ૧૮૫૩) કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે. ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે. એમણે વ્રજ, હિન્દી અને ગુજરાતી ત્રણેમાં લખ્યું. ‘દયારામ રસસુધા’, ‘રસિક વલ્લભ’, ‘પ્રબોધબાવની’, અજામિલાખ્યાન’ વિ. એમના પુસ્તક. ક.મા.મુનશીએ કહ્યું હતું કે દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ.)

Comments (5)