રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !
– બાપુભાઈ ગઢવી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભરત ભટ્ટ ‘પવન’

ભરત ભટ્ટ ‘પવન’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

(રાહત થઈ ગઈ) – ભરત ભટ્ટ ‘પવન’

આજે પાછી સદગત થઈ ગઈ,
ઇચ્છાની આ આદત થઈ ગઈ.

એની સાથે રહેવા માટે
નિષ્ફળતા પણ સંમત થઈ ગઈ.

દુઃખોની જે ઢગલી કીધી;
એ પણ પળમાં પર્વત થઈ ગઈ.

તારી-મારી જૂની વાતો;
બસ, ઓચિંતી સાંપ્રત થઈ ગઈ.

ચર્ચાની વચ્ચે-વચ્ચે પણ
થોડી ચર્ચા અંગત થઈ ગઈ.

બાપા જલ્દી મૃત્યુ પામ્યા!
કન્યા જલ્દી ઓરત થઈ ગઈ.

શ્વાસો લેવાનું મેં છોડ્યું;
તે દા’ડાથી રાહત થઈ ગઈ.

– ભરત ભટ્ટ ‘પવન’

સરળ. સહજ.

Comments (1)

નજર – ભરત ભટ્ટ ‘પવન’

મીઠી મજાની કાલ સુધી તો હતી નજર;
આજે જ કેમ સાફ નથી લાગતી નજર?

ક્યારેક વીંટળાઈ જઈ વેલ થઈ જતી,
ક્યારેક આરપાર મને વીંધતી નજર.

આંખોને ફૂટી પાંખ, ચમત્કાર થઈ ગયો,
મારી ઉપર તો નાખ જરા ઊડતી નજર.

તેથી જ આજકાલ બળે છે ત્વચા ઘણી;
રાખો છો, દોસ્ત! કેમ તમે ચાંપતી નજર?

નજરોની ચાલ જોઈ ‘પવન’ દંગ થઈ ગયો,
થઈ જાય સ્થિર તોય સતત દોડતી નજર.

– ભરત ભટ્ટ ‘પવન’

નજરને કેન્દ્રમાં રાખીને કવિ એક અદભુત રચના લઈ આવ્યા છે. ઊડતી નજર, ચાંપતી નજર જેવા રુઢિપ્રયોગ એવી સહજતાથી ગઝલમાં વણી લેવાયા છે કે વાહ કહી ઊઠવાનું મન થાય. એમાંય મક્તામાં સ્થિર દેખાતી હોવા છતાં દોડતી નજરની લક્ષણિકતા કવિએ જે બખૂબી ઝાલી છે, એ સિફત બહુ ઓછાને હસ્તગત હોય છે.

Comments (3)

(ધાક બેસાડી) – ભરત ભટ્ટ ‘પવન’

તબીબો જે રીતે પકડે મરીઝના હાથની નાડી,
સિફતપૂર્વક તમે પણ એ જ રીતે વાત ઉપાડી.

પ્રતીક્ષાઓ છુપાવી તોય જાહેરાત થઈ ગઈ છે,
તમારી આંખ ભીનાં જાગરણની ખાય છે ચાડી.

નથી ઊભા રહી શકતા અમારા પગ ઉપર આજે;
અમારા પર આ કેવી જિંદગીએ ધાક બેસાડી!

પહેલાં તો મિલન વખતે સખી મેંદી મૂકી આવે;
પછી તો રીતસર એ હાથમાં મેંદી જ ઊગાડી!

ચૂલો સળગ્યો નહીં ને આગ પણ લાગી નહીં ભીતર;
‘પવન’ તેં અમથે અમથી આંગણામાં રાખ ઊડાડી.

– ભરત ભટ્ટ ‘પવન’

‘લયસ્તરો’ પર કવિમિત્રે શ્રી ભરત ભટ્ટ ‘પવન’ના નવા ગઝલ સ6ગ્રહ ‘યાદ તો આવે જ ને!’નું સપ્રેમ સહૃદય સ્વાગત!

સંગ્રહમાંની એક સરસ મજાની સહજ સમજાઈ જાય એવી પણ અર્થગાંભીર્યસભર ગઝલ…

Comments (5)

ગઝલ – ભરત ભટ્ટ ‘પવન’

વાંચવું-લખવું અમારે નિત્યક્રમ જેવું જ છે,
એ ભજન જેવું જ છે ને એ ધરમ જેવું જ છે.

હૂંફ જો ના કોઈ આપે તો રુદન અજમાવજે,
અશ્રુ છો ખારું તો ખારું પણ ગરમ જેવું જ છે.

જોતજોતામાં પહોંચી જાય છે એ દિલ સુધી,
આંગળીની ફાંસનું વર્તન સનમ જેવું જ છે.

તું હતાશાને ત્યજીને છોડ ચિંતાઓ બધી,
હાસ્ય જે તારી કને છે શ્રેષ્ઠતમ જેવું જ છે.

શું ‘પવન’ને અવગણી સામા પ્રવાહે ચાલશો ?
એક રીતે જોઈએ તો એ અહમ્ જેવું જ છે.

– ભરત ભટ્ટ ‘પવન’

શબ્દના આરાધકને શોભે એવા મત્લા સાથે ગઝલની શરૂઆત કરી કવિ જિંદગીની નકારાત્મક અને હકારાત્મ- બંને બાજુઓને બે કાંઠાની જેમ વાપરી વચ્ચે નદીની જેમ અસ્ખલિત વહે છે. એક તરફ પ્રેમના અભાવમાં અશ્રુ જેવા અશ્રુની હૂંફ લેવા જેવો સાવ તરોતાજા અને લવચીક વિચાર છે તો બીજી તરફ હાસ્યની મૂડી પર આખી જિંદગી જીવી લેવાનો શ્રેષ્ઠતમ ઉપદેશ છે…

Comments (11)

પસ્તાય છે…! – ભરત ભટ્ટ ‘પવન’

સૂર્ય   થઈને   એ   હવે   પસ્તાય  છે,
રાત  એના  ભાગ્યમાં   ક્યાં  થાય  છે !

ચાંદનું    કિસ્મત    જરા    જુદું   હશે,
ધોળે   દા’ડે   એ    કદી   દેખાય   છે.

એક   પણ   શ્રોતા   નથી  માટે   હવે,
ભીંત    સામે    વારતા    મંડાય   છે.

સ્વર્ગ પણ છે જોવાલાયક સ્થળ  છતાં,
જીવતેજીવ   કોઈ   ત્યાં  ક્યાં જાય છે ?

તાપણું    તો    છે   બહાનું    નામનું,
આમ   બાકી   ત્યાં   ઘણું   રંધાય  છે.

– ભરત ભટ્ટ ‘પવન’

વડોદરાના કવિ ભરત ભટ્ટ ‘પવન’ની આ ગઝલ વાંચતાવેંત ગમી જાય એવી છે. સાવ સીધા સાદા કલ્પનોને જે માવજતથી એમણે નવાજ્યા છે એ જ વાત કાબિલે-દાદ છે. પહેલાં શેરમાં આમ તો સહજપણે વાત સૂર્ય અને એના પ્રકાશની છે. સૂર્યના નસીબમાં રાતનો અંધકાર અને આરામ ક્યાં? પણ થોડું વિચારીએ તો આ જ વાત અવતારી પુરુષોને પણ સ્પર્શતી જણાય. ભીંતવાળા શેરમાં ક્યાંક મનુષ્યની આપકથનની લાલસા ઉજાગર થતી જણાય છે. ‘મારે કંઈક કહેવું છે’ની મથરાવટી લઈ ફરતા માણસો કંઈ નહીં તો ભીંતને ય વાત સંભળાવવા બેસી જશે. ભીંત કદાચ એવા મનુષ્યોનું પ્રતીક છે જે વાત સાંભળવાની લાયકાત અથવા સમજણ ધરાવતા નથી પણ વાત કહેનારને આજે શ્રોતાની લાયકાત કે સમજણશક્તિની ચકાસણીની ખેવના જ ક્યાં રહી છે? સ્વર્ગવાળૉ શે’ર કદાચ વધુ પડતો હલકો-ફુલકો થયો છે તો આખરી શે’ર વળી એટલો જ ધીર ગંભીર પણ થયો છે.

‘લયસ્તરો’ને એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘હથેળીમાં’ ભેટ આપવા બદલ શ્રી ભરતભાઈ ભટ્ટનો ખૂબ ખૂબ આભાર.

Comments (9)