માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જયેન્દ્ર શેખડીવાલા

જયેન્દ્ર શેખડીવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઝૂરણ મરશિયું – જયેન્દ્ર શેખડીવાળા

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

જીવત૨ સુક્કાતું ભૂંસાતું ઝરણું જાણીએ રે
અમને આંસુ રે કીધાં આંખના પાણીએ રે
ક્હીને પાણીએ પ્હેરાવી વાણીસે૨ રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે
અમને સાંભરે કૂ…હુ….ક – કાળી ગાયકા રે
ગાયક! અમાસો જમાડું અંધાર ઘેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

મનના જ૨જ૨ દુ૨ગ ખરખર કાંકરી રે
અમને ખભે લઈ ઊઠી છે ટચલી આંગરી રે
તમને કાંગરે ઉગાડું પીપળ પેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

– જયેન્દ્ર શેખડીવાળા

પ્રસ્તુત ગીતમાં પ્રવેશ કરવાની કૂંચી એનું શીર્ષક ‘ઝૂરણ મરશિયો’ છે. મરસિયો એટલે મૃત્યુ પછી ગવાતું શોકગીત. મૃતકને હાર પહેરાવવાનો રિવાજ છે. પણ કવિ ટહુકા પહેરાવવાનું ઇજન આપે છે અને તેય હાથણીભેર… ટબુકડા પંખીના કંઠેથી નીકળતા સાદને હાથણીના વિરાટકાય સ્વરૂપ સાથે સાંકળી લઈને વિરહ અને પ્રણયની પરાકાષ્ઠા એક જ પંક્તિમાં કવિએ કેવી આબાદ રજૂ કરી છે!

જીવનનું ઝરણું ન માત્ર સૂકાઈ રહ્યું છે, અસ્તિત્ત્વના નકશા પરથી ભૂંસાઈ પણ રહ્યું છે. નાયક વિરહજળમાં એ હદે ડૂબ્યો છે કે આંખમાંથી વહેતાં પાણીની સેર એને જ આંસુ ગણે છે અને નાયક આંસુ હોય તો આંખમાંથી વહેતાં આંસુ કંઠહાર બની રહે છે. આંસુ જ વિરહની વાણી છે એટલે કવિ એને વાણીસેર જેવી અનૂઠી પણ સચોટ ઉપમા આપે છે.

જનાર તો પાછળ વાયકાઓ મૂકીને ચાલી ગઈ. કાગડાનું પ્રતીક આપણે ત્યાં મૃતકના આત્મા સાથે જોડાયેલ છે. કવિ બેને જોડીને પત્નીના કોકિલકંઠને યાદ કરે છે. મૃત્યુના કાળા અંધારા માટે કવિ કાજળઘેરી અમાસનું રૂપક પ્રયોજે છે. અમાસનું બહુવચન કરી તમસને વળી ઓર ગાઢું કરે છે. કવિ મૃત્યુને વહાલું કરી જનારને અંધારું પીરસવા પણ તૈયાર છે, જો જનાર પાછું ફરવા તૈયાર હોય તો.

મનનો કિલ્લો જર્જરિત થઈ ગયો છે અને રાંગેથી કાંકરી ખરવા માંડી છે. જીવતરનો ભાર જાણે ટચલી આંગળીના માથે આવી ગયો હોય એમ જીરવી શકાય એવો રહ્યો નથી. ગોવર્ધન અને કૃષ્ણની તર્જની પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે. દીવાલ ચીરીને ઊગવું પીપળાની પ્રકૃતિ છે. કવિ નાયિકાને પીપળની જેમ પોતાના જીવતરના જર્જરિત દુર્ગના કાંગરે ઉગાડવા તૈયાર છે. ટૂંકમાં, આ વિયોગ મૃત્યુએ કેમ ન સર્જ્યો હોય, કવિ મૃતક કોઈપણ પ્રકારે પરત ફરે એવી તીવ્ર આરતમાં વિલાપે છે.

Comments (3)

પ્રથમ પ્રણયાનુભૂતિનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…
છેદ પડ્યો છે છ૨કમ્ છરકમ્, હેમખેમ છે અકબંધ પ્હાની…

ટહુકો લસલસ પગમાં પેઠો
સણકાવત્ ઉંમર પર બેઠો
સખિયન! ટહુકો મેલો હેઠો
જિયાઝૂલણ કંપારી વેઠો
લોહી હલ્યા રે અચરમ્ અચરમ્ રાગ પધાર્યા ધિન્ ધિન્ તાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…

પહેલી નથ તું પ્હેરું
ત્યારે પ્હેલવારકી મૂંછ ઉતારું
છબછબિયું અન્ધારું
વ્હે ત્યાં સોળ કળાએ ડૂબકી મારું
જળ બિરાજ્યા જિયરા હારે રાધે વાત કરે વનરાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…

– જયેન્દ્ર શેખડીવાળા

સોળ વર્ષની મુગ્ધ વય પ્રેમમાં પડવાની વય છે. ષોડશીના પ્રથમ પ્રેમની અનુભૂતિનાં ગીતો તો આપની પાસે ઘણાં છે, પણ સોળ વરસના લબરમૂછિયા નવયુવાનની પ્રેમાનુભૂતિની આવી રચના ભાગ્યે જ માણવા મળશે. સોળ વરસથી સ્થિર ઊંડા જળમાં અચાનક ટહુકાની રાવ પડતાં જાણે કે તોફાન મચ્યું છે. ટહુકાની રાવ સાથે આમ તો ઝાડની ડાળ યાદ આવે, પણ અહીં કવિએ ઊંડા પાણીમાં ટહુકાની રાવ પડી હોવાનું કપ્લન બાંધીને પ્રથમ પંક્તિથી જ ભાવકને આ રચના જરા હટ કે હોવાનો ઈશારો પણ કર્યો છે. પ્રેમનો આ ટહુકાર છરી ન હોય એમ સોળ વરસના અકબંધ અસ્તિત્ત્વમાં જાણે કે આછો કાપો પડી જાય છે. છરકમ્ છરકમ્ – આ રવાનુકારી (onomatopoeia) શબ્દની દ્વિરુક્તિ છરીથી આછો છરકો પડવાની ક્રિયાને ચાક્ષુષ કરી દે છે.

અકબંધ પાનીના ઉલ્લેખ મિષે પરીક્ષિત અને કળિયુગની ઓછી જાણીતી વાર્તા યાદ આવે. કળિયુગ સામે પરીક્ષિત અડીખમ હતા પણ એમણે એને સોનામાં રહેવાની રજા આપી એ કારણે કળિયુગે એમના મુગટમાં ઘર કરી લીધું હતું, જેના દુષ્પ્રભાવના કારણે તક્ષક નાગના ડંખ અને સાત દિવસમાં મૃત્યુનો શાપ રાજાને વેઠવાનો આવ્યો હતો એ કથા સર્વવિદિત છે. પણ એક ઓછી જાણીતી ઉપકથા મુજબ દેહધાર્મિક ક્રિયા પતાવ્યા બાદ પરીક્ષિત રાજાએ હાથ-પગ ધોયા પણ પગની પાની ધોવાની રહી જતાં કળિયુગ શાપ મુજબ પગની પાનીમાં થઈને એમના દેહમાં પેઠો હતો. કવિને આ સંદર્ભ અભિપ્રેત હશે કે કેમ એ તો ખ્યાલ નથી પણ નાયિકાની પગની પાની અકબંધ છે એમ કહ્યા બાદ પછી તરતની પંક્તિમાં ટહુકાનું લસલસ કરતુંકને પગમાં પેસવાની વાત આવે છે.

કોઈકનો અવાજ સોળ વરસથી અકબંધ વ્યક્તિત્ત્વમાં છેદ કરીને અંદર ઊતરી ગયો છે. સણકા ઊપડી રહ્યા છે. નાયક નાયિકાને કહે છે કે, હે સખી! આ ટહુકો કોનો છે એની પંચાતમાં પડવાના સ્થાને હૈયા આખાને હચમચાવી દે એવી જે કંપારીઓ જન્મી છે, એને વેઠવાની મજા લો. પ્રણયસંગીત ના ધિન ધિન તાને લઈને લોહીમાં ખળભળાટ મચ્યો છે.

હિંદુ પરંપરા અનુસાર છોકરી એના લગ્નના દિવસે નથ પહેરે છે અને સુહાગરાતે પતિ એ નથ ઉતારી બે દેહનું અદ્વૈત સાધે છે. પણ નાયક નથ ઉતારવાના બદલે જીવનમાં પહેલીવાર પોતાની મૂંછ ઉતારવાની વાત કરે છે, એ સૂચક છે. સ્ત્રી ઉપર પૌરુષી કબજો મેળવવાના બદલે નાયકની નેમ પોતાના અહંકારનો ત્યાગ કરવાની વધુ છે. આ જ સાચો પ્રણય છે ને! એ પછીની સંભોગશૃંગારની વાત તો સહજ સમજાય એવી છે…

Comments (12)

લગ્નિલ કન્યાનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

અમને કાજળકાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે
ડંખ્યાં એરુનાં અંધારાં, મારા રાજ્વી!
ઝામણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડધા સંગે
અમ્મે સાવ થયાં નોંધારાં, મારા રાજવી!
ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાના જેવાં
મેડી સ્હેજ ધરુજી બોલી, મારા રાજવી!
ચૈતર હોય તો વેઠું તડકો, તમે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!
એવાં ઝળહળ જળને પીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

– જયેન્દ્ર શેખડીવાળા

સ્વપ્નિલ વિશેષણ પરથી કવિ ‘લગ્નિલ’ જેવો શબ્દ કોઇન કરીને કાવ્યારંભ કરે છે એ જ સૂચવે છે કે જે રચનાનો આપણને સાક્ષાત્કાર થનાર છે એ જરા હટ કે હશે. સોળ વરસની કન્યાને લગ્ન સંદર્ભે થતી અનુભૂતિનું આ ગીત છે. ‘પાછળ મેલ્યા પાદર કૂવા’ એમ અર્ધવાક્યખંડની મદદ માત્રથી કવિ લગ્ન બાદ ગામ છૂટી જવાનું ચિત્ર આબાદ ઊભું કરી બતાવે છે. ઘર પાછળ રહી ગયું હોવાથી જે ઘરમાં સોળ વરસનું આયખું વીત્યું એ સોળ દીવા પણ હવે ઝાંખા દેખાવા માંડ્યા છે. ચાળીસ વરસ પહેલાં ૧૯૮૨માં પ્રગટ થયેલ સંગ્રહમાં સોળ વરસની છોકરીના લગ્નની વાત છે, એટલે સમજી શકાય છે કે આ એવા સમયના લગ્નની વાત છે જ્યાં લગ્નપૂર્વે કન્યાને વરનું મોઢું જોવાય નહીં મળ્યું હોય. હસ્તમેળાપની ઘડીએ અલપઝલપ મોઢું જોવા માત્રથી કન્યા એવી તો વશીભૂત થઈ ગઈ છે કે પરદેશથી આવેલ પતિને એ જંતરમંતર કરી વશીભૂત કરી લેનાર ભૂવો કહી ઓળખાવે છે. માત્ર બે જ પંક્તિમાં કવિ કેટકેટલું કહી બતાવે છે એ સમજવા જેવું છે. સાચું કવિકૌશલ્ય જ આને કહેવાય ને!

આંગણમાં ગુલમહોર ખીલ્યાં છે, મતલબ લગ્ન ઉનાળાની ઋતુમાં લેવાયા હશે. એની શાખે કાજળકાળી રાતે બંધાયેલ શરીરસંબંધની વાત નાયિકા મુખર થવા છતાંય ગરિમાપૂર્ણ રીતે એરુનાં અંધારાં ડંખ્યાં કહીને કરે છે. નાયિકાને અંગાંગમાં પ્રણયપરિતોષનું ઝેર ચડ્યું છે. ‘ઝામણ’ શબ્દ વાંચતાં જ ર.પા.ના ‘રાણી સોનાંદેનું મરશિયું’ કાવ્યમાં નાયિકા પતિને ‘મારા લોહીમાં રમતા ઝામણ નાગ’ કહીને સંબોધે છે એ યાદ આવે. નાયકના જીવનમાં હવે નાયિકા જ કેન્દ્રસ્થાને રહેનાર હોવાથી પાંગત-પડધા નોંધારા થઈ ગયાની લાગણી અનુભવે છે. અંધારી રાતોમાં જીવતરનાં અજવાળાં પીવા નાયિકાએ પિયર ત્યાગ્યું છે.

ગીતમાં અનિવાર્ય અંત્યાનુપ્રાસોપરાંત કવિએ દરેક કડીમાં આંતર્પ્રાસની ગૂંથણી પણ કરી છે, જે ધ્યાનાર્હ છે. ગીતરચનાની ઇબારતના અભ્યાસ માટે ઉપયોગી થઈ રહે એવી મજાની આ કૃતિ છે.

Comments (16)

ગઝલ – જયેન્દ્ર શેખડીવાળા

ભોમિયા ભોંઠા પડે એવું કરો,
આંસુની સરહદ જડે એવું કરો.

સૂર્યને મૂકી ચરણના તાળવે
જળ ઉપર પગલાં પડે એવું કરો.

જળની ભાષામાં કિરણ જે ઓચરે,
વાંચતાં એ આવડે એવું કરો.

ભીંત પર ચિતરી ફૂલો ભીનાશનાં,
અશ્રુછાયા સાંપડે એવું કરો.

આ ગઝલ ઊતરીને ઊંડે કાનમાં,
શિલ્પ આંસુનાં ઘડે એવું કરો.

– જયેન્દ્ર શેખડીવાળા

આંસુ અને જળની ભીની ભીની ગઝલ…

Comments (6)

કોઈ સાંજે – જયેન્દ્ર શેખડીવાલા

ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામાં મળ્યાં
કોઈ સાંજે એમ પગલાં આપણાં સામાં મળ્યાં

મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં
ને ગગનને મ્હેંકના પડઘાનાં ધણ સામાં મળ્યાં

આપણો સુક્કો સમય થઈ જાય છે જ્યારે નદી-
થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં

કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું :
શ્વાસના એકાન્તને એનાં વતન સામાં મળ્યાં

આજ બારીબ્હાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણે
આંખને ગઈકાલનાં દૃશ્યો બધાં સામાં મળ્યાં

– જયેન્દ્ર શેખડીવાલા

સ્મરણચૂર સાંજની આ ગઝલ મુઝફ્ફર અલીની ફિલ્મના દૃશ્યની જેમ ધીમે ધીમે ઉઘડે છે. ફૂલ અને ફોરમ – જે ખરેખર તો એક જ હતા – એમણે અજાણ્યા દેશમાં મળવું પડે એવી વિવશ મુલાકાતની આ સાંજ છે. અહીં તો સ્વપ્નમાં પણ મુલાકાત થાય તો ય સુગંધના આખા કાફલા મળે છે. એક મિલનથી સમયની સુક્કીભટ નદી હજારો સૂર્યને પ્રતિબિંબિત કરતી – જલજલવંતી – થઈ જાય છે. માણસે ડૂબી જવું પડે – ભલે એ ભંવરમાં હોય કે આકાશમાં – તો જ પોતાની ખરી જાત સાથે મુલાકાત થઈ શકે છે. બારીને બહાર નજર જતાં – લોહીયાળ સૂર્ય જોતા – ગઈકાલના મિલનની દૃશ્યાવલી ફરી ઘેરી વળે છે.

Comments (10)

કોણ ? – જયેન્દ્ર શેખડીવાલા

ધારો કે આંખ હો કુંવારી કન્યકા
.                      તો પાંપણે ફરક્યું તે કોણ ?

ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
.                   તો હોઠ પરે મલક્યું તે કોણ ?

ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
.                  તો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ?

ધારો કે મહેક્યું તે આષાઢી આભ
.                 તો મન મૂકી ગહેક્યું તે કોણ ?

ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ
.                 તો સપનામાં વરસ્યું તે કોણ ?

ધારો કે વરસ્યું તે નિંદરનું રાજ
.                  તો ઝબકીને તરસ્યું તે કોણ ?

ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
.                 તો મન મહીં થરક્યું તે કોણ ?
.              સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?

-જયેન્દ્ર શેખડીવાલા

એક પ્યારી અંતરંગ સખીને આજે સપ્તપદીનું પહેલું પગલું પાડતી વેળાએ સસ્નેહ અર્પણ…

Comments (5)