હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નિર્મિશ ઠાકર

નિર્મિશ ઠાકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નિર્મિશાંજલિ :૦૩: મલે નીં મલે – નિર્મિશ ઠાકર

નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે,
ફરી આ ડ્રસ્ય સ્મૃતિપટ ઉપર મલે નીં મલે.

અરે કાડવ ઠહે ટો ઉગહે એમાં બી કમર,
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે.

પરિચિટોને ડઘાઈને જોઈ લેવા ડેવ,
એ કરડાં ઠોબડાં, ટ્રાંસી નજર મલે નીં મલે.

બઢા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો,
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે.

ઉટરહે પૂર, પછી ફાટવાનો પ્લેગ ટરટ,
પછી કોઈને કોઈની કબર મલે નીં મલે.

ટને બી લૈ ડૂબે – એવાની આંગરી નીં પકડ,
બચી જહે ટું, ભલે હમસફર મલે નીં મલે.

વટનમાં હું મલે કે માઠું ભરી ડેઉં ‘નિમ્મેસ’?
ટને કાદવ જે મયલો, ઉમ્રભર મલે નીં મલે.

– નિર્મિશ ઠાકર

દિવંગત કવિને શબ્દસુમન અર્પવાના ઉપક્રમમાં આજે ત્રીજું અને હાલ પૂરતું આખરી સુમન. હાસ્યવ્યંગ અને પ્રતિકાવ્યો બાબતે ગુજરાતી ભાષામાં એમનો જોટો જડે એમ નથી. ગુજરાતી કવિઓને ભાગ્યે જ નસીબ થાય એવા અદકેરા કદ-કાઠીના સ્વામી નિર્મિશભાઈના વ્યંગકાવ્યો જેટલા પોંખાવા જોઈએ એટલા પોંખાયાં નહીં. કદાચ એ કારણે જ કે ગુજરાતી સાહિત્યનો હાસ્ય સાથેનો સંબંધ સદાકાળ પાણીપાતળો જ રહ્યો છે. એમાંય પ્રતિકાવ્યો તરફ તો આપણું વલણ એને ઉતરતાં ગણીને હડે-હડે કરવા જેવું જ રહ્યું છે. પ્રતિકાવ્યનું સર્જન પોતે મૂળ રચનાની ઉત્તમતા અને પ્રસિદ્ધિનો સહૃદય સ્વીકાર છે. મૂળકાવ્ય અદભુત થયું છે એટલે જ એનું પ્રતિકાવ્ય રચાયું છે. મૂળ કાવ્યની મશ્કરી કરવાનો સર્જકનો હેતુ હોતો નથી એ આપણે સહુએ સમજવા જેવું છે. આદિલ મન્સૂરીની અમર ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’નો હાથ ઝાલીને કવિએ આપણને પ્યૉર હુરટી બોલીમાં ઉમદા પ્રતિકાવ્ય આપ્યું છે, એનો આનંદ લઈએ.

Comments (8)

નિર્મિશાંજલિ :૦૨: ત્રણ ટ્રાયોલેટ – નિર્મિશ ઠાકર

૧. ઇતિહાસને પાને

કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
નામ મારું થઈ જતું યશવંત, ભૂંસી નાંખજે
ભૂતકાળે હું ન જીવું, હોય ના મારી કડી
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
હું ભૂલાઉં એ જ સારું! કેમ હું આવું જડી?
હોય જો અનિવાર્યતા તો પૃષ્ઠ કોરું રાખજે
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
નામ મારું થઈ જતું યશવંત, ભૂંસી નાંખજે

૨. રૂપાળા સહારા

બધા હાલ પૂછી લીધા મેં તમારા
મને રાહમાં જ્યાં મળી ગઈ હવાઓ
મળ્યા કલ્પનાને રૂપાળા સહારા
બધા હાલ પૂછી લીધા મેં તમારા
હતા કાફલા મ્હેકના એકધારા
હતી દૃશ્યમાં રૂપની કેં સભાઓ
બધા હાલ પૂછી લીધા મેં તમારા
મને રાહમાં જ્યાં મળી ગઈ હવાઓ

૩. તેજરેખા

સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
રોકાય છે મૃદુલ બે ક્ષણ તેજરેખા.
સૌંદર્ય શું હૃદયમોહક એ વિદાયે
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
મૃત્યુ પછી ઘડીક હોઈશ હુંય પાસે,
અશ્રુ મહીં પ્રિય જરીક જ દૈશ દેખા
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
રોકાય છે મૃદુલ બે ક્ષણ તેજરેખા.

– નિર્મિશ ઠાકર

ગુજરાતી ભાષામાં ટ્રાયોલેટ લાવવાનું અને આખેઆખો સંગ્રહ આપવાનું શ્રેય કવિશ્રી નિર્મિશ ઠાકરને જાય છે. ગુજરાતી સાહિત્ય આ પ્રયાસ બદલ પણ એમને સદાકાળ યાદ રાખશે. ટ્રાયોલેટ વિશે સમજૂતિ આપતા કવિ કહે છે: “કાવ્યસ્વરૂપ ટ્રાયોલેટ એની વિશિષ્ટ પ્રાસરચનાને કારણે ધ્યાનાકર્ષક બને છે. એમાં કુલ આઠ પંક્તિઓ હોય છે. એની મુખ્ય એટલે કે પ્રથમ પંક્તિ કાવ્યમાં ત્રણ વાર આવે છે, એટલે કદાચ ‘ટ્રાયોલેટ’ નામ પડ્યું હોઈ શકે. એની પ્રથમ પંક્તિ ચોથા અને સાતમા સ્થાને પુનરાવર્તિત થાય છે, એ જ રીતે બીજી પંક્તિ આઠમા સ્થાને ફરીથી આવે છે. ટ્રાયોલેટની વિશિષ્ટ પ્રાસરચના આ રીતે મૂકી શકાય- 1. cat 2. dog 3. bat 4. cat 5. fat 6. hog 7. cat 8. dog.”

Comments (2)

નિર્મિશાંજલિ :૦૧: પુત્રને પહેલીવાર શાળાએ મૂકતી વેળા – નિર્મિશ ઠાકર

(મંદાક્રાન્તા-સૉનેટ)

ના દીવાલો, છત પણ નહીં, ઊડતું જાય આગે,
પાંખોને જે ‘બસ ચલ!’ કહે, આભલું એટલે શું?
શું છે ફૂલો? મઘમઘ થતા વાયરા એટલે શું?
ઊનો ઊનો રવિ અડકતાં ધુમ્મસો કે ભાગે?
ખીણો ભાળી તરત પડતું મેલતી ને ઝિલાતી
મેદાનોમાં, ઝલમલ નદી ખ્વાબ-શી કેમ લાગે?
– પૂછે નાનું વિહગ, કલશોરે સરી વૃક્ષ જાગે,
હું ભાળું આ અચરજભરી વારતાને વિલાતી!
છોડાવી મેં મૃદુલ કરથી આંગળી સખ્ત ઝાંપે,
જ્યાં પ્રશ્નોના નહિ, કદી નહિ, ઉત્તરો હોય સાચા!
જ્યાં ભૂંસાતી ક્ષણ ક્ષણ મહીં વિસ્મયોની જ ભાષા!
દેતો સાદો હજીય મુજને અંશ મારો જ, કાંપે.
ભીનાં પેલાં સગપણ લઉં આંખથી સહેજ લ્હોઈ,
ખોયા એણે કલરવ હવે, વૃક્ષતા મેંય ખોઈ!

– નિર્મિશ ઠાકર

(જન્મ: ૧૮ માર્ચ, ૧૯૬૦- નિધન: ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪)
લયસ્તરો તરફથી કવિને ત્રણ દિવસની નિવાપાંજલિ….

હાસ્યવ્યંગના કાવ્યો, પ્રતિકાવ્યો, કેરિકેચર કાર્ટૂન્સ તથા ગનપટ હુરટીના કારણે બહુખ્યાત થયેલ નિર્મિશ ઠાકરે આપણને નોંધપાત્ર માત્રામાં ગંભીર અને ઉમદા કવિતાઓ પણ આપી છે. ફ્રેંચ કાવ્ય ટ્રાયોલેટને ગુજરાતીમાં આણનાર પણ તેઓ જ. સ્નેહરશ્મિએ જેમ હાઇકુ સંગ્રહ આપ્યા, એમ નિર્મિશભાઈએ આપણને ટ્રાયોલેટ સંગ્રહ પણ આપ્યો છે. આજે રજૂ કરીએ મંદાક્રાંતા છંદમાં લખેલ એક સૉનેટ. છંદના ચુસ્ત આગ્રહીઓ કદાચ એકાદ-બે યતિભંગ બદલ નાકનું ટેરવુંય ચડાવે અને શુદ્ધ ભાષાપ્રેમીઓને ‘ધુમ્મસો કે ભાગે’ જેવી એકાદી વાક્યરચના કદાચ કઠેય ખરી. પણ આપણે તો ભાવ પકડીએ.

વૃક્ષ પર મજાનું જીવન ગાળતું એક નાનું પંખી એના કલરવ ખોવાને આરે આવ્યું છે. કારણ? પિતાજી એને શાળામાં દાખલ કરવા લઈ જાય છે. બાપને ખબર છે કે સ્કૂલ એટલે અચરજભરી વાર્તાનું વિલયસ્થાન. સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં કોઈ પ્રશ્નોના સાચા ઉત્તર નહીં મળે, કદી નહીં મળે અને જ્યાં વિસ્મયની ભાષા ક્ષણેક્ષણે ભૂંસાતી રહેવાની છે. પણ સમાજવ્યવસ્થા સામે બાંય ચડાવવાની હિંમત ન હોવાથી ભીની આંખે બાપ ખુદ સંતાનને શાળાએ મૂકવા જાય છે.

Comments (4)

હાસ્યમેવ જયતે : ૧૦ : લાઘવ ક્યાંય નથી કવનમાં – નિર્મિશ ઠાકર

ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

– નિર્મિશ ઠાકર

હાસ્યકવિતાની વાત હોય અને એકેય પ્રતિકાવ્યનો સમાવેશ ના કરો એ કેવી રીતે બને? ગુજરાતીમાં પ્રતિકાવ્યોની પાતળી પણ સશક્ત પરંપરા રહી છે. એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.

નિર્મિશ ઠાકરને પ્રતિકાવ્ય રચવાની કળા સુપેરે હસ્તગત છે. એમના બધા પ્રતિકાવ્યોમાં આ મારું સૌથી પ્રિય છે. અહીં આ ગીતમાં બિનજરૂરી રીતે લાંબી અને સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર મીઠો પણ ધારદાર કટાક્ષ કર્યો છે. છેલ્લે છેલ્લે તો ‘તોલ બધું વજનમાં’ કહીને કટાક્ષની હદ કરી નાખી છે!

Comments (2)

નાપાસ વિધાર્થીઓને ! – નિર્મિશ ઠાકર

ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,
ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,
યુધ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ,
હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.

ભણતર સાથે આપણે સાત જનમનાં વેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

રંજ ન કરવો જ્ઞામાં ગુમાવતાં બહુ સત્ર,
બોચી દુખશે ઓઢતાં જ્ઞાન તણાં શિરછત્ર,
સ્નાતકને તક ને નહિ અત્ર-તત્ર-સર્વત્ર,
લઇને કરશો શું કહો અમથાં પ્રમાણપત્ર?

જીવતરમાં તમ હસ્તીથી આમ ન ઘોળો ઝેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

જ્ઞાનપિપાસુ – બોચિયા રાતરાતભર રોય,
થોથાં સતત ઉથામતાં પંડિત ભયા ન કોય,
રેખા સહ અમિતાભની ફિલ્મ પ્રણયમય જોય?
ઢાઇ અક્ષર પ્રેમ કો પઢે સો પંડિત હોય.

ફિલ્મ નિહાળો બ્લેકની ટિકિટ લઇ વટભેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

અભણ ઊડે અહીં પ્લેનમાં, પંડિત કાપે ઘાસ,
સફળ-વિફળ કૈં છે નહિ, જીવતર છે જ્યાં ભાસ,
ચિત્રગુપ્તને ચોપડે માત્ર થશે એ પાસ,
જે થૈ મસ્ત જીવે જગે, પામે વૈકુંઠવાસ;

બાપા બબડે એ સમે ગણવો દ્રષ્ટિ ફેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

– નિર્મિશ ઠાકર

ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં ભણતરના નામે જે નિષ્ઠુર મજાક ચાલી રહી છે તેવામાં આ ગીત એક મસ્ત તોફાની તાજગી લઈને આવે છે…..

Comments (2)

અંધારું કરો ! – નિર્મિશ ઠાકર

વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો !
આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો !

ઓગળ્યાં આ વૃક્ષ, પેલા પહાડ ને ઝાંખી નદી,
ધુમ્મસો શાં ધૂંધળાં મેદાન, અંધારું કરો !

ફૂલ નહીં તો ફૂલ કેરી પાંખડી ! આ શ્વાસથી –
વેદનાને આપવાં છે માન, અંધારું કરો !

મૌન ઝીણું કૈંક બોલે છે અને એકાંતના –
છેક લંબાતા રહે છે કાન, અંધારું કરો !

ધ્રૂજતા બાહુ પસારે છે હવાયે ક્યારની !
સ્પર્શ ઊભા છે બની વેરણ, અંધારું કરો !

-નિર્મિશ ઠાકર

Comments (10)

ભાષા નથી તો શું છે? – નિર્મિશ ઠાકર

દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?

ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

જૂના જ શબ્દમાં કૈં પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?

એનાં હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?

-નિર્મિશ ઠાકર

હળવી કવિતા-ગઝલ માટે જાણીતા નિર્મિશભાઈની આ રચના જોઈ આનંદ થઈ ગયો….

Comments (8)

તે જ હું! – નિર્મિશ ઠાકર

ધોધમાર તેજનો ખુમાર, તે જ હું !
તોય ઘોર રાતનો નિખાર, તે જ હું !

આભ કે ધરાથી સ્હેજ બ્હાર, તે જ હું !
સાત સાત સૂર્યનો પ્રસાર, તે જ હું !

રાત ઝાકળો બની ઠરેલ, ને પણે…
છોળ છોળ છૂટતી સવાર, તે જ હું !

સામ સામે આયનાની હાર, કેન્દ્રમાં –
આદમી છતાંય જે ધરાર, તે જ હું !

સ્થિર આંખ-હાથ, કાળ સ્થિર જે ક્ષણે,
તીર એ અચૂક લક્ષ્ય-પાર, તે જ હું !

– નિર્મિશ ઠાકર 

પોતાના અસ્તિત્વની ખૂમારીપૂર્વક ઉજવણી કરતી ગઝલ.

Comments (9)

વ્યંગ-તઝમીન – નિર્મિશ ઠાકર

(મૂળ શે’ર)

કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો

– કૈલાસ પંડિત

કવિનું આત્મચિંતન

શબ્દ હવાડે તરવા લાગ્યો
અર્થ બચારો મરવા લાગ્યો
કાવ્ય છતાં હું કરવા લાગ્યો
કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો

* * *

(મૂળ શે’ર)

હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો

– કૈલાસ પંડિત

ભયંકર કાવ્યપઠનની ક્ષણોમાં…

જીવતો એકેય શ્રોતા શોધતાં મળશે અહીં ?
આ કવિની થઈ કૃપા તો લાશ કૈં ઢળશે અહીં
“લાગ છે !”  કહી કૈં કવિઓ આવીને ભળશે અહીં
હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો

* * *

(મૂળ શે’ર)

મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

– કૈલાસ પંડિત

લેખક દ્વારા વિવેચકને માન (?)

ખાલી ગણે છે એ મને, જોકે ભર્યો છું હું
એનાં વમળથી હું ડરું ? સામો તર્યો છું હું
એ પાનખરના યત્નથી ક્યારે ખર્યો છું હું
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

– નિર્મિશ ઠાકર

મૂળ શે’રની આગળ ત્રણ પંક્તિ ઉમેરીને એના અર્થમાં આબાદ ‘ઉમેરો’ કર્યો છે. બધા તઝમીનમાં કવિએ પોતાના ‘જાતભાઈઓ’ (એટલે કે કવિઓ)ની જ ફીરકી ઉતારી છે. પોતાના પર હસી શકવું એ સૌથી અઘરું હાસ્ય છે.

Comments (6)

ચીતરું છું – નિર્મિશ ઠાકર

સવારે સવારે હ્રદય ચીંતરું છું
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું

હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યાં
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું

જડી આખરે એક પીંછી ક્ષણોની
હતી કલ્પના, તે સમય ચીતરું છું

નવાં સર્જનોનાં જ એંધાણ છે આ
હજી એકધારા પ્રલય ચીતરું છું.

લઘુતા તણી ‘ફ્રેમ’ માગી નથી મેં
મને હું અજય ને અભય ચીતરું છું

– નિર્મિશ ઠાકર

દરેક માણસ પોતાની જાતને મનની અંદર અજય અને અભય (અને અમર) ચીતરવા માંગતો હોય છે. કવિએ આ વાતનો પોઝિટિવ રીતે ઉપયોગ કર્યો છે. અને એનાથી આગલા શેરમાં વિસર્જનને સર્જનના એક ભાગ રૂપે જોવાની વાત પણ સરસ રીતે આવી છે.

Comments (15)

ઘર અશ્રુનું – નિર્મિશ ઠાકર

જાઉં છું મારે ઘરે કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે લખાય છે:
… જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…
સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું ?

– નિર્મિશ ઠાકર

આ જ વાત આપણે બધાએ ઘણી ઘણી વાર સાંભળી છે. કવિતા ગમે તેટલી અસરકારક હોય, એ કશું બદલી શકતી નથી. એ કામ તો આપણું – મારું ને તમારું – આપણા બધાનું છે.

Comments (25)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

લાઘવ ક્યાંય નથી કવનમાં – નિર્મિશ ઠાકર

ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

– નિર્મિશ ઠાકર

એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. નિર્મિશ ઠાકરને આ કળા સારી રીતે હસ્તગત છે. અહીં આ ગીતમાં અતિ-સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર સરસ કટાક્ષ કર્યો છે. સાથે મૂળ ગીતનું સ્વરૂપ પૂરેપૂરું જાળવી રાખ્યું છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. નિર્મિશભાઈના જ બીજા બે પ્રતિકાવ્યો પણ આ સાથે જોવા જેવા છે – તે પંથીની અને રસ્તો જડી ગયો.

Comments (4)