એક જાણીતી ગઝલના શેરથી
કૈંક જૂના જખ્મ તાજા થાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વંચિત કુકમાવાલા

વંચિત કુકમાવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ખામોશ ઊભો છું ! - વંચિત કુકમાવાલા
ગઝલ - વંચિત કુકમાવાલા
ગઝલ - વંચિત કુકમાવાલા
ગઝલ - વંચિત કુકમાવાલા
ગૂંથેલી જાળ છે - વંચિત કુકમાવાલા
તળાવમાં - વંચિત કુકમાવાલા
ના શક્યા - વંચિત કુકમાવાલા
લેશું - વંચિત કુકમાવાલા
વેશ્યાનું સ્વપ્ન ગીત - વંચિત કુકમાવાલાલેશું – વંચિત કુકમાવાલા

પળ પળ પળને ચાખી લેશું,
નિર્મળ નવનીત રાખી લેશું.

સ્પર્શ કરીશું સહેજ સરીખો,
છેક ભીતરે ઝાંકી લેશું.

અલપઝલપ બસ એક નજરમાં,
ભવભવનું પણ ભાખી લેશું.

અડધીપડધી કેમ ઊકલશે…?
પીડા આખેઆખી લેશું.

લાલ, ગુલાબી, લીલો દઈને,
થોડો ભગવો ખાખી લેશું.

ચૌદ લોકના વૈભવ સામે,
ભજન, દુહા ને સાખી લેશું.

– વંચિત કુકમાવાલા

જિંદગી પળ-પળનો સરવાળો છે. પળે-પળ જો આપણે વીતતી પળોને પ્રેમથી ચાખવાનો અને એમાંથી શુદ્ધ માખણ તારવી લેવાનો ઉપક્રમ રાખીશું તો જીવનમાં દુઃખને અવકાશ જ નથી. કવિની નજર મરજીવા જેવી છે, અડતામાત્રમાં છેક ભીતરના અને ભવભવના મોતીઓ તાગી લે એવી. છેલ્લા શેરમાં કવિઓનો ખરો વૈભવ પણ માણવા જેવો.

Comments (6)

ગૂંથેલી જાળ છે – વંચિત કુકમાવાલા

જે બને, બનશે જ, બનવાકાળ છે,
આપણાં ક્યાં હાથમાં ઘટમાળ છે ?

ટોચ પર પહોંચી નિવેદન થઈ શકે,
એ તરફ છે, આ તરફ પણ ઢાળ છે.

જિંદગી રંગીન પામ્યા છે બધા,
રંગ ના પરખાય તો જંજાળ છે.

પોતપોતાની સમજ છે કેદની,
પોતપોતાની ગૂંથેલી જાળ છે.

ક્યારનો ‘વંચિત’ મરી ગ્યો હોત પણ ,
આપ સૌની સાર ને સંભાળ છે.

– વંચિત કુકમાવાલા

એક એક શેર સો ટચના સોના જેવા. કોઈની જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ નથી પણ આપણને રંગની પરખ નથી એની પળોજણ છે બધી. એ જ રીતે દરેક માણસ પોતે પોતાની જ ગૂંથેલી ઇચ્છા, સપના, સંબંધોની જેલમાં બંધ છે.

Comments (7)

તળાવમાં – વંચિત કુકમાવાલા

છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.

જળચરની કૂદાકૂદ, આ પાણીની થપથપાટ
જાણે ચડ્યું હો મોજનું આંધણ તળાવમાં.

વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.

આઠે પ્રહરના ઉત્સવો ઉજવાય છે સતત,
રંગીન વસ્ત્રો જળ કરે ધારણ તળાવમાં.

અર્ધી ડૂબેલી ભેસનો પણ મંચ જ્યાં મળ્યો,
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.

હૈયા વરાળ ઠારવા પનિહારીઓ બધી,
ભેગી મળી લૂછ્યા કરે પાંપણ તળાવમાં.

શુદ્ધીકરણ જળનું સતત કરવા સજાગ છે,
આ ગામ કરતાં છે ઘણી સમજણ તળાવમાં.

વરસાદનાં એ ભાંભરાં જળ બૂમ પાડતા,
છોડી મને કૂદી પડ્યું બચપણ તળાવમાં.

– વંચિત કુકમાવાલા

આમ તો બધા જ શેર આસ્વાદ્ય છે પણ વાતારવરણમાં ઊડી-ઊડીને પછી પાણીની સપાટી પર સ્થિર થઈ પથરાતી રજકણોને કવિ જે નજરે જુએ છે એ નજર કમાલની છે ! એ જ રીતે તળાવમાં નહાતી ભેંસની પીઠ પર બેસી કાંઉ કાંઉ કરતા કાગડાને જોવાની રીત અને એ રીતે આજના રાજકારણીઓ પર કટાક્ષ કરવાની અદા પણ દાદ માંગી લે એવી છે. સરવાળે અદભુત રચના !

Comments (7)

વેશ્યાનું સ્વપ્ન ગીત – વંચિત કુકમાવાલા

ખુલ્લી છાતીમાં ઝીલ્યા લાખ લાખ દરિયા
છતાં આછેરી ના હું ભીંજાણી;
ઊના ઉજાગરા ને રાતાં તોફાન
મારા આયખાનું હીર ગયાં તાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…

મીંઢળિયા હાથ રોજ સપને આવીને
મારી છંછેડે સૂતેલી લાગણી !
અધરાતે ઊઠીને પગની પાનીએ હવે
મહેંદી મૂકવાની કરે માગણી !
રૂમઝૂમતાં-રૂમઝૂમતાં શેરી વચ્ચેથી
મારે ભરવાં’તાં કોઈનાં પાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…

સોડાની બોટલની ગોલીની જેમ
અમે ભીના થવાનો અર્થ જાણીએ;
દૂર ક્યાંક વાગતી શરણાયું સાંભળીને
સાવ રે અજાણ્યું સુખ માણીએ !
આખું આ શહેર મારા ટેરવાથી નાચે
મેં ટેરવાની ભાષા ન જાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…

– વંચિત કુકમાવાલા

ગીત વેશ્યાના સ્વપ્નનું પણ કુમાશ કેવી ! લખોટીને દબાવવાથી ખુલતી સોડાબોટલમાં ગોળી આખી ભીની ભલે થાય પણ એ ભીનાશ એની કાચની કાયાને સ્પર્શી શકતી નથી કે નથી અંદર ઊતરી શકતી. કોઈના લગ્નની શરણાઈમાં પોતાના ન થયેલા લગ્નનું અજાણ્યું સુખ માણવાની વાત વેશ્યામાં રહેલી સ્ત્રીને સુપેરે ઉજાગર કરે છે. જેના સ્પર્શ પર આખું શહેર નાચે છે એ વેશ્યાના જીવનમાં પ્રેમ કે સ્પર્શ ક્યાં હોવાનો?

Comments (16)

ગઝલ – વંચિત કુકમાવાલા

દૃશ્ય જેવા દૃશ્યને ફોડી શકે, તો ચાલ તું !
દૂર સન્નાટા સુધી દોડી શકે, તો ચાલ તું !

કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે, તો ચાલ તું !

વસ્ત્ર પાદર પર ઉતારી નાખવાં તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે, તો ચાલ તું !

મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે, તો ચાલ તું !

અંત ‘વંચિત’ અંત, સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે, તો ચાલ તું !

– વંચિત કુકમાવાલા

બુદ્ધ થયા પછી પણ રાજકુમાર સિદ્ધાર્થ ફરી પોતાના ઘરે ભિક્ષા માટે પધારે છે એ પ્રસંગ સામે રાખીને વસ્ત્ર પાદર પર ઉતારી નાંખવાવાળો શેર ફરી વાંચીએ તો આખો સંદર્ભ બદલાઈ જતો નજરે ચડે છે… આપણો સંપૂર્ણ ત્યાગ પણ હકીકતમાં કેટલો અપૂર્ણ છે એ વિશે કવિએ કેવી સરસ ભાષામાં વાત કરી છે !

Comments (6)

ખામોશ ઊભો છું ! – વંચિત કુકમાવાલા

ફરી એકાદ ઊંડો શ્વાસ લઈ ખામોશ ઊભો છું;
તડપતા હોઠ વચ્ચે પ્યાસ લઈ ખામોશ ઊભો છું !

તમે નક્કી ફરી મળશો, મને છે ખાતરી તેથી –
નવેસરથી જૂનો વિશ્વાસ લઈ ખામોશ ઊભો છું !

તમે જે રાહથી નીકળ્યા હતા વરસાદમાં છેલ્લે,
ધરા પર ત્યાં ઊગેલું ઘાસ લઈ ખામોશ ઊભો છું !

ઢળેલી સાંજનું પીછું ખરેલું હાથમાં લઈને,
ઊભો છું, આંખમાં આકાશ લઈ ખામોશ ઊભો છું !

અધૂરું નામ, સરનામું, ગલી ને ગામ આ ‘વંચિત’,
અધૂરો આપણો ઇતિહાસ લઈ ખામોશ ઊભો છું !

– વંચિત કુકમાવાલા

ગઈકાલે આપણે હરિહર જોશીની “હજી હમણાંજ બેઠો છું” ગઝલ માણી. આજે ખામોશ ઊભા રહેવાની વાતવાળી આ ગઝલ માણીએ.  ખામોશી પોતે સ્થિરતા સૂચવે છે અને ઊભા રહેવાની વાત આ સ્થિરતાને જાણે ‘ગતિ’ આપે છે…

Comments (7)

ગઝલ – વંચિત કુકમાવાલા

ગમે ત્યારે મને તું ઝણઝણાવે પાસમાં આવી
નવું અચરજ ભરે છે ચેતનાનું શ્વાસમાં આવી

અમે શીખી ગયા પાંખો વગર પરવાઝ ભરવાનું
ઊભા જ્યાં છેક ભીતર ખુલતા આકાસમાં આવી

મજા જેવું કશું તો છે ભલે ને ભાન ખોવાતું
તમારા એ નયનના રોજ બાહુપાસમાં આવી

હજી પણ થાય છે બાળક સમું આળોટવાનું મન
કદી વરસાદમાં ઊગી ગયેલા ઘાસમાં આવી

સમયનું ફૂટવું, વ્યાપક બની વિખરાઈ જાવું એ
સતત જોયા કરું છું હું ક્ષણોના ચાસમાં આવી

અહીંથી એ તરફનો માર્ગ ‘વંચિત’ આ રહ્યો અહિંયા
ઊભો છું હું તમસના અનહદી અજવાસમાં આવી

– વંચિત કુકમાવાલા

મજાની ગઝલ. હવાની એક તાજી લહેરખીની જેમ ગમે ત્યારે પાસમાં કે શ્વાસમાં આવી ચડતી પ્રિયતમા જે ચેતન અંગાંગમાં ભરી દે છે એ પ્રિયતમાનું જાદુ વધુ છે કે પ્રેમની તાકાત એ કળવું મુશ્કેલ છે પણ ગઝલનો આ ઉઘાડ આપણને રણઝણાવી દે છે ખરો. અને મક્તાના શેરમાં વંચિતનો પ્રયોગ પણ કેવો અર્થસભર !

હા, જો કે કાફિયાદોષ નજરે ન ચડે એવી તરકીબ ખાતર આકાશનું આકાસ અને બાહુપાશનું બાહુપાસ કવિએ કર્યું છે એ ખટકે છે.

Comments (5)

ના શક્યા – વંચિત કુકમાવાલા

મૂળથી સંશય વિખેરી ના શક્યા,
કોઈને ભીતર ઉછેરી ના શક્યા.

એકબીજાને સતત ટોળે વળ્યા,
પણ સ્વયંને સહેજ ઘેરી ના શક્યા.

પત્ર વર્ષોથી અધૂરો રહી ગયો,
એક પણ અક્ષર ઉમેરી ના શક્યા.

આંખને ટૂંકું પડ્યું લ્યો વસ્ત્ર આ,
પારદર્શકતા પહેરી ના શક્યા.

દેવ છેવટ થઈ ગયા પથ્થર બધા,
શ્રદ્ધાના શ્રીફળ વધેરી ના શક્યા.

શું મનોમંથનથી ‘વંચિત’ નીપજે,
એક ટંકની છાસ જેરી ના શક્યા.

– વંચિત કુકમાવાલા

કંઈક ન કરી શક્યાની અસમર્થતાનો ભારોભાર રંજ આ આખી ગઝલ-ગાગરમાં છલકે છે.  પારદર્શકતાને આંખનાં વસ્ત્ર તરીકે ઓળખાવવાની કવિની વાત ખૂબ જ સ્પર્શી ગઈ.  વાત પણ સાચી કે એકબીજાને ટોળે વળવું જેટલું સહેલું છે એટલું જ અઘરું છે સ્વયંને ઘેરવું.  અને ‘શ્રદ્ધા હોય તો દેવ નહીં તો પથ્થર’ ની વાતને પણ કવિએ બખૂબી વર્ણવી છે.  વળી આટલી બધી અસમર્થતાનું કારણ શોધવા માટે કવિનાં દિલોદિમાગમાં ચાલતું મનોમંથન પણ આખરે તો નિષ્ફળ જ…

Comments (10)

ગઝલ – વંચિત કુકમાવાલા

દૃશ્ય જેવાં દૃશ્યને ફોડી શકે તો ચાલ તું!
દૂર સન્નાટા સુધી દોડી શકે તો ચાલ તું!

કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે તો ચાલ તું!

વસ્ત્ર પાદર પર ઉતારી નાખવા તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે તો ચાલ તું!

મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે તો ચાલ તું!

અંત ‘વંચિત’ અંત સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે તો ચાલ તું!

-વંચિત કુકમાવાલા

ભુજના કુકમા ગામમાં જન્મેલા વંચિત કુકમાવાલાની આ ગઝલ કવિની સાથે ચાલી નીકળવાના પડકારના કારણે વધુ આસ્વાદ્ય બની રહી છે. બાળકના અકારણ ધૂળમાં આળોટવાની વાત અને વસ્ત્રને પાદર પર છોડી નીકળવાની વાત વધુ ગમી ગઈ. (જન્મ: 12-04-1955, કાવ્યસંગ્રહ: “એક આંખમાં સન્નાટો”)

ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ

Comments (3)