જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રહલાદ પારેખ

પ્રહલાદ પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આજ - પ્રહલાદ પારેખ
મારા રે હૈયાને તેનું પારખું - પ્રહલાદ પારેખ
યાદગાર ગીતો :૦૮: અમે અંધારું શણગાર્યું - પ્રહલાદ પારેખ



યાદગાર ગીતો :૦૮: અમે અંધારું શણગાર્યું – પ્રહલાદ પારેખ

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાને હરખે જાણે આજ અંધારાનેયે નચાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠ્યું;
ઊડે છે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં:
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાનેયે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

-પ્રહલાદ જેઠાલાલ પારેખ

(જન્મ: ૧૨-૧૦-૧૯૧૨, મૃત્યુ: ૦૨-૦૧-૧૯૬૨)

ભાવનગરમાં જન્મ. વિનીત (દક્ષિણામૂર્તિ), ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતેનમાં અભ્યાસ અને શિક્ષક તરીકે જીવનનિર્વાહ. આયુષ્ય ટૂંકું પણ કવિકર્મ અજરામર. અનુગાંધીયુગના કવિ. સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.  પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા એ એમનો મુખ્ય કાકુ. લયમાધુર્ય એ એમનું બીજું ઘરેણું. કવિતા ઉપરાંત વાર્તા, અનુવાદ, બાળસાહિત્ય પર પણ હથોટી. (કાવ્ય સંગ્રહ: ‘સરવાણી’, ‘બારી બહાર’. બાળકાવ્યસંગ્રહ: ‘તનમનિયાં’)

પ્રહલાદ પારેખના યાદગાર ગીત વિશે વિચારું તો ક્ષણાર્ધમાં ‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો‘ યાદ આવે. પણ મારે તો એમનું અંધારાને અજવાળતું એક બીજું જ ગીત યાદ કરવું છે. અંધારાને શણગારવાનું કલ્પન પોતે જ કેટલું ઉજાસભીનું છે ! આકાશ તારાથી તો ધરતી દીવાથી અને ફૂલો ખુશબૂથી એને શણગારે છે. ઝરણાંનું ખળખળ વહેતું પાણી જાણે અંધારાના પગે બાંધેલા ઝાંઝર છે અને હરખઘેલી ધરતી જાણે કે અંધારાને નૃત્ય કરાવી રહ્યું છે. અંતરનો આનંદ જાણે કે અંધારાને રંગી રહ્યો છે… અજવાળાંને તો ગામ આખું પૂજે પણ અંધારાને તો પ્રહલાદ પારેખ જેવો કોઈ પ્રકૃતિઘેલો કવિ જ પૂજી શકે…

Comments (9)

આજ – પ્રહલાદ પારેખ

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
.             આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
.               પમરતી પાથરી દે પથારી. આજ 0

આજ ઓ પારથી ગંધને લાવતી
.           દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
.              મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
.            મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
.               ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
.          હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
.            આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0

-પ્રહલાદ પારેખ

ભાવનગરમાં જન્મેલા પ્રહલાદ જેઠાલાલ પારેખ (જન્મ:૧૨-૧૦-૧૯૧૨, મૃત્યુ:૦૨-૦૧-૧૯૬૨) ટૂંકા જીવનગાળામાં અવિનાશી કવિકર્મ કરી ગયા. અનુગાંધીયુગના કવિ. સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.  આજીવન શિક્ષક. પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા એ એમનો મુખ્ય કાકુ. લયમાધુર્ય એ એમનું બીજું ઘરેણું. કવિતા ઉપરાંત વાર્તા, અનુવાદ, બાળસાહિત્ય પર પણ હથોટી.

પ્રસ્તુત કાવ્યમાં રાત્રિના સૌંદર્યને એમણે સ્પર્શક્ષમ પરિમાણ આપી અદભુત ઈંદ્રિયવ્યત્યય સાધ્યો છે. રાત્રિના શાંત પ્રહરમાં કવિ ચારેકોરથી કોઈ દિવ્ય સુગંધની અનુભૂતિ કરે રહ્યા છે. કદીક એ સુગંધ શાલવૃક્ષથી ખરતી મંજરીઓની ભાસે છે તો વળી સિંધુના પેલે પારથી આવતી પવનની લહેરખી એ પારથી કોઈ સુગંધ આણતું હોય એમ પણ લાગે છે. ત્યાં સુધી કે આકાશના તારા પણ આજે સુગંધ રેલાવતા લાગે છે. આ દિવ્ય આનંદ કયો છે જે આજે આખી રાતને ખુશ્બૂદાર કરી ગયો છે?

(કાવ્ય સંગ્રહ: ‘સરવાણી’, ‘બારી બહાર’. બાળકાવ્યસંગ્રહ: ‘તનમનિયાં’)

Comments (4)

મારા રે હૈયાને તેનું પારખું – પ્રહલાદ પારેખ

ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટીર.
કઇ રે ઋતુના આભે વાયરા, કઇ મેં ઝાલી છે દિશ;
નહીં રે અંતર મારું જાણતું;

કેવાં રે વટાવ્યાં મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી ઊભી માર્ગમાં, અંધારાની એ આડ:
નહીં રે અંતર મારું જાણતું;

વગડે ઊભી છે નાની ઝુંપડી, થર થર થાયે છે દીપ,
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત.
મારા રે હૈયાને તેનું પારખું.

પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.

ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર,
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર,
મારા રે હૈયાને તેનું પારખું.

- પ્રહલાદ પારેખ

જન્મ : 12 ઓક્ટોબર- 1912

Comments (1)