તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુરેન ઠાકર ‘મેહુલ’

સુરેન ઠાકર ‘મેહુલ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - સુરેન ઠાકર 'મેહુલ'
ગઝલ -સુરેન ઠાકર 'મેહુલ'ગઝલ -સુરેન ઠાકર ‘મેહુલ’

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ’તી સાચવેલી જિંદગી.

-સુરેન ઠાકર ‘મેહુલ’

ક્યારેક પહેલી જેવી તો ક્યારેક સહેલી જેવી લાગતી જિંદગીને કવિશ્રીએ ગઝલમાં બખૂબી ગોઠવી દીધી છે.  એક્કે એક શે’ર કાબિલેદાદ થયા છે.  એમાંની એક વાત તો મને ખૂબ જ જચી ગઈ- આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું…

Comments (7)

ગઝલ – સુરેન ઠાકર ‘મેહુલ’

એક રણમાંથી વહ્યાનું દુઃખ છે,
લાગણી રઝળી પડ્યાનું દુઃખ છે.

હાડ હેમાળે ગળ્યાનું દુઃખ નથી,
પણ તમે ના પીગળ્યાનું દુઃખ છે.

વલ્કલે ઢાંકી સતીની આબરૂ,
સભ્યતા રઝળી પડ્યાનું દુઃખ છે.

હાથ ફેલાવી લીધાં ઓવારણાં
ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે.

બારણાએ વાત આખી સાંભળી
ટોડલા ફાટી પડ્યાનું દુઃખ છે.

રંક આશાઓ અવસ્થા વાંઝણી
બેઉને ભેગા મળ્યાનું દુઃખ છે.

-સુરેન ઠાકર ‘મેહુલ’

Comments (2)