હાંસિયામાં મૂકવા છે ઘાવને;
ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!
હર્ષા દવે

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બાળાશંકર કંથારિયા

બાળાશંકર કંથારિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જિગરનો યાર જુદો તો – બાળાશંકર કંથારિયા

( ગઝલ )

જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે. ૦૧

અરે શું જાણશે લજ્જત, પવિત્રીમાં પડી રહેતાં?
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે. ૦૨

ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને;
પરંતુ જાન આ પર પ્યારીનો અખ્ત્યાર જુદો છે. ૦૩

હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો;
અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે. ૦૪

નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે?
સમજ રે બેસમજ કે પ્રેમીનો આચાર જુદો છે. ૦૫

બધા પરકાર* તોફાને થઈ ચંચલ ચૂકે નિશાન;
અમારા ચિત્તનો ચારુ અચળ પલકાર જુદો છે. ૦૬

લીધો જે પંથ તે હું કેમ ત્યાગું? છો ભર્યો દુઃખે,
પ્રિયાનો માહરી ગરદન ઉપર આ ભાર જુદો છે. ૦૭

ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદૂ;
અમો જાદૂગરોનો યાર, જો બાઝાર જુદો છે. ૦૮

શીખે જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું;
નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે. ૦૯

થશે શ્રીમંત ઇન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે;
અરે એ કીમિયાનો યાર જો કંઈ બ્હાર જુદો છે. ૧૦

કરું શું મોતીમાલા હું? અનુપમ મારી પ્યારીએ,
કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે. ૧૧

ભલે છો માહરા પંથે બધા એ દુઃખને દેખે;
મને તો સુખસાગર લહેરીનો કંઈ બ્હાર જુદો છે. ૧૨

થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી;
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે. ૧૩

નજર મારી પ્રિયા વિના ન દેખે જગત આખે;
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે. ૧૪

ગુરુ આદેશ છે અમને અવળ પંથે પળ્યા જઈએ;
દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે. ૧૫

– બાળાશંકર કંથારિયા

માત્ર ચાળીસ જ વર્ષના અલ્પાયુમાં પ્લેગના કારણે ક્ષરદેહ ત્યાગી જનાર બાળાશંકરનો ગુજરાતી ગઝલ પર બહુ મોટો પાડ છે. અરબી-ઉર્દૂની પકડમાં કેદ ગઝલને પહેલવહેલીવાર શુદ્ધ ગુજરાતીના વાઘાં પહેરાવવાનું શ્રેય એમના ફાળે જાય છે. ગઝલની ચુસ્ત ઈબારત અને શેરિયત –આંતર્બાહ્ય સૌંદર્ય – ઉભયની સાપેક્ષે એમની રચનાઓમાં આજે આપણને અનેકાનેક ક્ષતિઓ જડી આવશે, પણ ગઝલને ગુજરાતી બનાવવાનું ભગીરથ કાર્ય કરનાર આદ્ય ગઝલકારને આપણે આજે પણ પૂરેપૂરા માન-સન્માન સાથે જ યાદ કરવા રહ્યા… આજથી લગભગ ૧૪૦ વર્ષ પહેલાં લખાઈ હોવા છતાં એમની પંક્તિઓ આજેય સાચા ગુજરાતી કાવ્યરસિકોના હોઠે રમી રહી છે એ શું નાની સિદ્ધિ ગણાય?

(*પરકાર = હોકાયંત્ર. હેકાયંત્રને કે સમુદ્રમાં તેોફાન વખતે પિતાનું ઉત્તર તરફનું વલણ જરા ચૂકે છે. પરંતુ અમારા મનરૂપી હેકાયંત્રને કાંટે હંમેશાં સ્થિર અને અચળ રહે છે ઈતિ ભાવાર્થ, [કર્તા,])

Comments (4)

આપણી યાદગાર ગઝલો : ૦૧ : બોધ – બાલાશંકર કંથારીયા

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. ૧

દુનિયાની જૂઠી વાણી વિષે જો દુઃખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે. ર

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગતકાજી થઈને તું વહોરી ના પિડા લેજે. ૩

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે. ૪

રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહીં ક્હેજે. પ

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે. ૬

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે. ૭

કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી ક્હેજે,
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે. ૮

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે. ૯

અહો શું પ્રેમમાં રાચે? નહીં ત્યાં સત્ય પામે તું?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે. ૧૦

લહે છે સત્ય જે સંસાર, તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી ક્હેજે. ૧૧

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે. ૧ર

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે. ૧૩

પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાલા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે. ૧૪

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ?
નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મઝા લેજે. ૧પ

– બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયા
(1858 – 1898)

ગુજરાતી ગઝલના ઈતિહાસની વાત કરવી હોય તો ‘બાલ’થી જ શરૂઆત કરવી પડે. ગુજરાતીની પહેલી યાદગાર ગઝલ એમની કલમે જ લખાયેલી છે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે – એ પંક્તિ તો સમય સાથે કહેવત સમાન બની ગઈ છે. અરબી અને ફારસીનો અભ્યાસ કરી ગઝલને ગુજરાતીમાં લાવવાનો યશ એમને જ છે. સવા સદી પહેલા લખાયેલી આ ગઝલ આજે પણ ફરી ફરી વાંચવાનુ મન થાય એ પોતે જ એક સિદ્ધિ છે.

– ધવલ શાહ

* * * *

નોંધ:
2008ની સાલમાં ધવલે આ ગઝલ પોસ્ટ કરી હતી, એમાં ઉમાશંકર જોશી સંપાદિત ‘ક્લાન્ત કવિ’ (દ્વિતીય આવૃત્તિ 1975)ના આધારે આજે 14 જુન, 2026ના દિવસે જોડણીના થોડા સુધારા સાથે અત્રે ફરી પોસ્ટ કરું છું. આ જ સંગ્રહની પહેલી આવૃત્તિમાં એ સમયના ચાલ મુજબની જોડણી હશે, જે ઉમાશંકરે જ બીજી આવૃત્તિ વખતે સુધારી હોવી જોઈએ. પહેલી આવૃત્તિમાં જૂની જોડણી મુજબની જે રચના છે એ રેખ્તા ગુજરાતી પર જોઈ શકાશે.

– વિવેક મનહર ટેલર

Comments (14)

ગુજારે જે શિરે તારે – બાળાશંકર કંથારિયા

નોંધ:

આ પોસ્ટ લયસ્તરોના ભૂતપૂર્વ સહસંપાદક શ્રી સુરેશ જાનીએ 2006ની સાલમાં કરી હતી. પણ ગઝલ અધૂરી હોવાથી ગઝલનો પહેલો શેર રાખીને બાકીનો ભાગ દૂર કરું છું, જેથી ઉતાવળમાં કોઈ મિત્ર ખોટી રચના કોપી-પેસ્ટ ન કરે. આર્કાઇવ્ઝમાં ફેરફાર ન થાય અને મિત્રોના પ્રતિભાવો ડિલિટ ન થઈ જાય એ હેતુસર આખી પોસ્ટ દૂર કરતો નથી.

જેમને આખી ગઝલમાં રસ હોય એ મિત્રોને આ લિન્ક ઉપર ક્લિક કરવા વિનંતી: https://layastaro.com/?p=1406

આભાર

– વિવેક મનહર ટેલર
(14 જૂન 2026)

* * *

* * *

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિ પ્યારું ગણી લેજે!

– બાળાશંકર કંથારિયા

મને બહુ જ ગમતી આ કવિતા/ સ્તૂતિ માનનીય શ્રી. મનવંતભાઇ પટેલે મારી વિનંતિને માન આપીને એક જ દિવસમાં ટાઇપ કરીને મોકલી આપી છે. પ્રેમ અને સહકારનું આનાથી મોટું બીજું શું ઉદાહરણ હોઇ શકે?

Comments (9)