હાથ લંબાવી, લે ઝીલી લે મને,
આભથી વરસે છે જે એ હું જ છું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નાઝીર દેખૈયા

નાઝીર દેખૈયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આવો - નાઝીર દેખૈયા
તો સારું…- નાઝીર દેખૈયા
માણસ છું - નાઝીર દેખૈયાતો સારું…- નાઝીર દેખૈયા

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું…

નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને,
પતંગાને શમા કેરું મિલન થઈ જાય તો સારું…

એ અધવચથી જ મારા દ્રાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું…

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હ્રદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું…

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું…

જીવનભર સાથ દેનારા, છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું…

વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો,
ખુશી કેરું ય જો થોડું રુદન થઈ જાય તો સારું…

– નાઝીર દેખૈયા

 

શું નઝાકત છે !!!!

Comments (5)

આવો – નાઝીર દેખૈયા

તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.

ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.

તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?

લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.

નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર ‘નાઝિર’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.

– નાઝીર દેખૈયા

શાયરનો ખાસ પરિચય નથી, પણ રચના સશક્ત છે…..

Comments (8)

માણસ છું – નાઝીર દેખૈયા

માણસ વચ્ચે માણસ થઇ, પંકાઇ ગયેલો માણસ છું.
વહેંચણ વચ્ચે વહેંચણ થઇ વહેંચાઇ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે, ભીનાશ તમારા આંગણની.
વાદળની ઝરમર થઇને, પથરાઇ ગયેલો માણસ છું.

દરદોને રાહત છે તો, ઉપચાર જરૂરી કોઇ નથી.
દુનિયાના જખમો જીરવી, રૂઝાઇ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાનો, તર્ત જ માની જાઉં છું.
અમથો અમથો આદતવશ, રીસાઇ ગયેલો માણસ છું.

‘નાઝીર’એવો માણસ છે,જે કેમ કરી વિસરાય નહીં.
જાતને થોડી ખરચીને, ખરચાઇ ગયેલો માણસ છું.

– નાઝીર દેખૈયા

‘ગગન વાસી ધરા પર ….. ‘ અને ‘ જ્યાં હાથને મારા ફેલાવું તો… ‘ પછી ભાવનગરના સ્વ. નાઝીર દેખૈયાની આ ત્રીજી ગઝલ મનહર ઉધાસના કંઠે સાંભળવા મળી – તેમના નવા આલ્બમ ‘આકૃતિ’ માં. ગઝલ શાસ્ત્રની દ્રષ્ટિએ સંપૂર્ણ કહી શકાય તેવી આ ગઝલ દિલને સ્પર્શી જાય છે.

Comments (40)