જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી,
ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી.
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શ્યામ સાધુ

શ્યામ સાધુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




દર્પણના રણમાં ભટકું છું – શ્યામ સાધુ

દર્પણના રણમાં ભટકું છું,
સામે છું’ ને હું શોધું છું.

નગર નગર દાંડી પિટાવો,
જંગલનો મારગ પૂછું છું.

પથ્થરના ઢગલાની માફક,
હું ય સૂતેલો ક્યાં જાગું છું !

ઇચ્છાઓની કાવડ લઈને,
હોવાનો બોજો ઉંચકું છું.

ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,
મારો શ્રાવણ હું ચીતરું છું.

– શ્યામ સાધુ

Comments

મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં – શ્યામ સાધુ

મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં,
હોવાની આસપાસમાં કૈં પણ હતું નહીં.

ક્યારેક શક્યતાઓના સૂરજ નહીં ઊગે,
ભૂલી જવું જ હોય તો વળગણ હતું નહીં.

સમજણની પેલી પારની દુનિયા અજીબ છે,
ઉપવન હતું નહીં અને રણ પણ હતું નહીં.

સંબંધની નદીના પ્રવાહો વહ્યા કરો,
સહુને મળીશું કોઈ અકારણ હતું નહીં.

તારી પ્રતીક્ષા જેવું પછી કેમ હોય ના?
શ્વાસો છે ત્યાં સુધી કશું કારણ હતું નહીં.

  • શ્યામ સાધુ

Comments (1)

ઉદાસીને શી ખબર – શ્યામ સાધુ

ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,
હું પાનખરના નામથી પણ થરથર્યા કરું.

આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,
પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું.

બહુ બહુ તો એક પળને લીલીછમ બનાવશે,
હું ક્યાં સુધી પતંગિયાને કરગર્યા કરું?

બોલો હે અંધકાર ! અજંપાની રાતના,
કોને સ્મરણ હું સૂર્ય બની તરવર્યા કરું ?

મારા વિષાદનાં ગુલાબો મ્હેકતા રહો,
હું તો આ બારમાસી ફૂલે ઝરમર્યા કરું.

– શ્યામ સાધુ

Comments

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો – શ્યામ સાધુ

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો
ક્યારેક સૂની યાદના દીવા બળી ગયાં

એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં,
સો વાર પેલા મોરનાં પીંછા મળી ગયાં

આંસુની હર દીવાલે હજુ એના ડાઘ છે
કૈં કેટલાંય મીણનાં પૂતળાં ગળી ગયાં

શોધું છું બારમાસીની ડાળીને ક્યારનો
કોને ખબર છે ફૂલના દિવસો ઢળી ગયાં

બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી,
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં

– શ્યામ સાધુ

Comments (1)

અર્થો જુદા હતા – શ્યામ સાધુ

દુ:ખની દીવાલે મોર સમયના મૂંગા હતા;
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં !

હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,
છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં !

પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.

કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,
ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા !

દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !

– શ્યામ સાધુ

કોમળ શબ્દો….સુંદર ગૂંથણી….મનનીય અર્થ….

Comments (5)

બની જા! – શ્યામ સાધુ

અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!

મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા!

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા!

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા!

હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!

– શ્યામ સાધુ

તાજગીપૂર્ણ રચના….

Comments (3)

ગુજારી નાખીએ – શ્યામ સાધુ

વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ
પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ?

એક પળ બસ એક પળ આપી જુઓઃ
કેવું જીવનને મઠારી નાખીએ!

ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણી
ચાલો, તમને પણ વિચારી નાખીએ

સાવ ઝાંખા છે પરિચયના દીવા
રાતવાસો ક્યાં ગુજારી નાખીએ?

– શ્યામ સાધુ

કેટલાં સરળ શબ્દોમાં કેટલી સુંદર વાત…….!

Comments (7)

ટૂંકા અરીસામાં -શ્યામ સાધુ

ટૂંકા પડેલા અરીસામાં
વૃક્ષોની કવિતા નથી મળી આવતી !
મને અરીસામાં ટૂંકું પડે છે
એટલે મને
વેંઢારવાં પડે છે ગણી ન શકાય એટલાં
અનિશ્ચિતતાનાં વર્ષો !
આ પછી પણ
ટૂંકા પડેલા અરીસામાં તે છતાં
વૃક્ષોની કવિતાનાં મૂળ સુધ્ધાં નથી હોતાં !
શું હું માની શકું,
ટૂંકા પડેલા અરીસા
કોઈ ઘેરી ઉદાસ એકલતાનું નામ છે ?
શું કોઈ અચાનક
તૂટી ગયેલી નાનકડી
ડાળીની ચીસ છે ?
એ જો હો તે,
આ તો ટૂંકા પડેલા અરીસામાં
તમને ઝીલી ના શક્યો એટલે
આ મન તમારા સુધી ફેલાવ્યું
અને
પહોંચાડી છે આ કવિતા…

-શ્યામ સાધુ

વૃક્ષોની કવિતા એટલે જીવનની કવિતા.  અને ઉદાસી કે એકલતાના અરીસામાં જીવન ક્યાંથી મળે? જેને જીવનની લીલીછમ વાત કરવી છે એને તો ઘેરી ઉદાસી, એકલતા અને સંબંધ-વિચ્છેદની વાતો નાની જ પડવાની.  પ્રેમ જિંદગી છે, પ્રસન્નતા છે, સહવાસ છે એટલે જ કવિ પોતાની ઉદાસી મોકલાવવાને બદલે પોતાનું મન ભેટ ધરે છે…

 

Comments

ગઝલ – શ્યામ સાધુ

તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો,
દૃશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો.

બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે,
મોસમનો રંગ કેટલો મીઠ્ઠો બની ગયો !

પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં,
મારા સમયના મોરનો ટહુકો તૂટી ગયો.

આકાશ આમતેમ વીખરાઈ જાય પણ,
એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો.

એકાંતનો પરિચય કૈં એ રીતે થયો,
સૂનકાર તારી યાદની જેમ જ ઊગી ગયો !

– શ્યામ સાધુ

આ ગઝલ શામળદાસ મૂળદાસ સોલંકીની છે એમ કહીએ તો ભલભલા ભાવક બે ઘડી વિચારમાં પડી જાય. પણ આ ગઝલ વાંચો અને શ્યામ સાધુની છે એમ કહો તો પણ ભાવક બે ઘડી વિચારમાં તો પડી જ જાય. અનૂઠા કલ્પનવાળી જરા હટ કે ગઝલ…

Comments (4)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગઝલ – શ્યામ સાધુ

ઊડ ઊડ કરતું એક, બીજું નિરાંત કરે છે,
અંદરના પંખીની સંતો વાત કરે છે !

એક પલકમાં તરણા માફક તૂટી જાશે.
ઈચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે.

અક્ષરનો મહિમા તો બંધુ ઓહો! ઓહો!
ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે છે.

ભીતરના અજવાસની ભોગળ વાસી દઈને,
સાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે.

‘આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું,’
‘સાધુ’ કેવી દરવેશી રજૂઆત કરે છે !

– શ્યામ સાધુ

નિરાંતે વાંચીને ચિંતન કરવાની ગઝલ.

Comments (5)

છળ મહીં હતો – શ્યામ સાધુ

પહોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતો,
ઝૂકી જરાક જોયું તો હું જળ મહીં હતો.

હું જાણું છું અહીં કે સમય છે અવાવરુ
‘ને આમ જુઓ તો વળી પળ મહીં હતો.

પહેરી શકાય એ રીતે પહેરું પ્રતીતિઓ,
કોને ખબર છે કેટલાં અંજળ મહીં હતો.

-વિસ્મય અને અભાવ બેઉં દોસ્ત છે,
સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.

છે ચેતના થકી જ ન હોવાની લાગણી,
લાગે છે : ખુલ્લી આંખ તણાં છળ મહીં હતો.

– શ્યામ સાધુ

આજે આ અર્થવિભાવનાના ‘રોલર-કોસ્ટર’ સમાન ગઝલ માણો. એકે એક શેર મનનીય થયા છે.

Comments (9)

ગઝલ – શ્યામ સાધુ

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

– શ્યામ સાધુ

પહેલો શેર વાંચતાં જ એક તીવ્ર જીજ્ઞાસા થઇ- આટલા બળકટ મત્લા પછી શાયર આખી ગઝલમાં આ સ્તર કઈ રીતે જાળવશે ? પરંતુ શાયર માહિર છે- બીજા શેરમાં નીચે મૃગજળ તો આકાશમાં વાદળ કે જે વરસતું નથી અને મૃગજળના જ આકાશી રૂપ સમાન છે,તે બે વચ્ચે શાયર તલસતો રહે છે,તેનું બખૂબી વર્ણન છે.એકપણ શેર એવો નથી થયો જે કાબિલેદાદ ન હોય.

Comments (19)

સાધુ પાછા ક્યાં ફરવાના – શ્યામ સાધુ

મહેક સમા શ્વાસો ભરવાના
દિવસ ગયા તમને મળવાના !

ચંદ્ર શરદનો મઘમઘ કિંતુ
એકલદોકલ શું કરવાના ?

કર્યા છે અળગા અંગેથી પણ,
સ્વપ્નો વચ્ચે ઝળહળવાના !

હા, એકાદી ઘટના પાછળ,
જીવન આખું ટળવળવાના !

આવો, આંખોમાં આંજી લો,
સાધુ પાછા ક્યાં ફરવાના !

– શ્યામ સાધુ

કોઈના ગયા પછી એકલતા ફરકે પણ છતાંય જરા ય એકલું ન લાગે એવી અવસ્થાની ગઝલ.

Comments (14)

(સ્મરણનું નામ) – શ્યામ સાધુ

કમળ જેવું કશુંક વાવી દીધું છે,
નર્યા રણને છલકાવી દીધું છે.

પવન ને ફૂલનો સંબંધ શું છે ?
સ્મરણનું નામ બદલાવી દીધું છે.

નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ,
તમે એક નામ ત્રોફાવી દીધું છે.

તમારી ખોટ સાલે છે તિમિરને,
અમે તો મૌનને બહેલાવી દીધું છે.

પ્રવાસી હું ય પળનો છું અહીં પણ,
સમયનું વ્હેણ થંભાવી દીધું છે.

– શ્યામ સાધુ

આખા રણને છલકાવી શકે એવી અમીરાત ધરાવતું કમળ એ સ્મરણ. પવન અને ફૂલનો સંબંધ – એટલે કે સુવાસ – એ સ્મરણ. નદી જેવા, સદા બદલાતા મન પર પણ એક નામનું અમીટ છૂંદણું રચી દે એ સ્મરણ. સૂની રાત્રે ખુદ એકલતાને ય બહેકાવી દે એ સ્મરણ. સમયના પ્રબળ વ્હેણને એક નાની શી પળમાં કેદ કરી રાખે એ સ્મરણ.

Comments (7)

માણસ ખોવાયો છે – શ્યામ સાધુ

પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે,
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે !

જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,
કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે !

અખબારોના ટોળાંઓમાં અક્ષર થઈને,
રોજ સવારે નાટક જેવું ભજવાયો છે !

માણસભીની મહેક નથી પણ અફવાઓ છે,
માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે !

– શ્યામ સાધુ

Comments (2)

ગઝલ – શ્યામ સાધુ

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો!

ફૂલોનું સ્વપ્ન આંખ માં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો?

ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો!

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો!

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!

‘ગઝલનો ગિરનારી મિજાજ’ ધરાવનાર શ્યામ સાધુ (૧૫-૬-૧૯૪૧ થી ૧૬-૧૨-૨૦૦૧) નું મૂળ નામ શામળદાસ સોલંકી. એમની ગઝલોનો અલગારી મિજાજ તો એમના ગઝલ સંગ્રહ ના નામ પરથી જ તાદ્દશ થાય છે – ‘યાયાવરી’, ‘અને થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય’.

Comments (7)