હું કશું સમજ્યો નથી એવું નથી,
હું બધું સમજ્યો છું એ તકલીફ છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2017

(સવાયો છું) – અમૃત ‘ઘાયલ’

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું!

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હુંય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?
આપમેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

– અમૃત ‘ઘાયલ’

અધધધ અગિયાર શેરની ગઝલ… બહર ટૂંકી પણ કમાલ તો જુઓ… એક્કેક શેર ઘાયલના મિજાજ જેવા જ અદ્દલોદ્દલ જાનદાર.. બધા જ શેર વિચારવિસ્તાર કરી શકાય એવા બિંદુમાં સિંધુ સમા…

Comments (8)

સાંકળ તો સાંકળ છે – હર્ષવી પટેલ

સતત આઘું ખસીને છેતરે, મૃગજળ તો મૃગજળ છે,
ભીંજવવા દૂરથી આવે નજીક, વાદળ તો વાદળ છે.

ભલે ને હોય કાંટાળો, કશેક લઈ જાય છે રસ્તો,
ભલેને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે.

ઘણી ઊંડી છે નિસબત આંસુને બે આંખની સાથે,
ઉપરછલ્લું જ રેલાઈ જશે, કાજળ તો કાજળ છે.

મળે ઇ-મેઇલમાં ક્યાં શબ્દ છેકેલા-સુધારેલા?
મજાની એ મથામણથી ભર્યો કાગળ તો કાગળ છે.

રહી પાછળ અમે જોયોખરો ચહેરો આ દુનિયાનો,
ભલે ને ભાગ્ય મારું બે કદમ આગળ તો આગળ છે.

– હર્ષવી પટેલ

કાફિયાનું પુનરાવર્તન કરીને કાફિયા-રદીફને એકબીજામાં તાણાવાણાની જેમ ગૂંથી લઈને હર્ષવી મજાનો લય અને ભાવાર્થ સફળતાપૂર્વક જન્માવે છે. મત્લામાં સજ્જન અને દુર્જન વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થાય છે પણ ખરી મજા તો એના પછીના શેરમાં છે. શી મજા છે, કહો તો જરા ! ના, ના… આ ગઝલને માણવામાં જે મજા છે, એ સમજાવવામાં સહેજ પણ નથી..

Comments (20)

તપેલી છે – સ્નેહી પરમાર

એને ખુદની દિશા જડેલી છે
એ પરત કાંઠેથી વળેલી છે

ઠારવાની છે આગ કોઈની
એ જ કારણથી એ તપેલી છે

આગ કરતાંય ભૂખ વસમી છે
એટલું શાસ્ત્ર એ ભણેલી છે

ઠામ ઘસનાર બાઈની સાથે
રોજ છાનું-છૂપું રડેલી છે

ઊંઘતા જોઈ ઘરના સભ્યોને
સાવ ખાલી, છતાં ભરેલી છે

જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર
એમ ચૂલા ઉપર ચડેલી છે

– સ્નેહી પરમાર

‘તપેલી’ જેવા પાત્ર પર મુસલસલ ગઝલ? તેય આવી ઉમદા? વાહ કવિ! મત્લાનો શેર તપેલીના કુળનો નથી થયો પણ એ એટલો મજાનો છે કે નડતો નથી. અને એ પછીના એક-એક શેર સીધેસીધા જ દિલને સ્પર્શી જાય એવા ઉત્તમ થયા છે.

Comments (13)

तीन रूबाइयाँ – हरिवंशराय बच्‍चन

मैं एक जगत को भूला,मैं भूला एक ज़माना,
कितने घटना-चक्रोंमें  भूला मैं आना-जाना,
पर सुख-दुख की वह सीमा मैं भूल न पाया, सा‍की,
जीवन के बाहर जाकर जीवन मैं तेरा आना।

तेरे पथ में हैं काँटें था पहले ही से जाना,
आसान मुझे था, साक़ी, फूलों की दुनिया पाना,
मृदु परस जगत का मुझको आनंद न उतना देता,
जितना तेरे काँटों से पग-पग परपद बिंधवाना।

सुख तो थोड़े से पाते,दुख सबके ऊपर आता,
सुख से वंचित बहुतेरे, बच कौन दुखों से पाता ;
हर कलिका की किस्‍मत में जग-जाहिर, व्‍यर्थ बताना,
खिलना न लिखा हो लेकिन है लिखा हुआ मुरझाना !

– हरिवंशराय बच्‍चन

ઓશોના એક પુસ્તકમાં એક રુબાઈ વાંચી પછી બાકીની શોધી કાઢી. કવિની લાક્ષણિક સરળ ભાષા અને ગહન વાત દરેકમાં નજરે ચડે છે. ત્રણેનો સૂર અલગ છે – ક્યાંક વિરહની શૂળ છે, ક્યાંક શુદ્ધ પ્રેમનું માહત્મ્ય, તો ક્યાંક અનિત્યબોધ…..

Comments (3)

આ કેવું સ્મિત છે – ભાવેશ ભટ્ટ

એના ચહેરા પર આ કેવું સ્મિત છે!
જેના લીધે આ નગર ભયભીત છે.

શિલ્પ એના જોઈ સમજાઈ ગયું,
શિલ્પી પોતે ક્યાંકથી ખંડિત છે.

વાત આ જાણે છે સૌ મારા સિવાય,
કે ખરેખર મારું શેમાં હિત છે.

અન્યનો છણકોય ટહુકો લાગતો,
જે સ્વયં ખુદથી જ અપમાનિત છે.

કેદ છે ગુમનામીના સૂરજમાં જે,
એમનો પડછાયો નામાંકિત છે!

કૈંકને તો હું જ ઓળખતો નથી!
મારું જીવન જેને આધારિત છે.

પાંદડાંઓ શિષ્ય માફક બોલતાં,
વાયરો જાણે કોઈ પંડિત છે!

– ભાવેશ ભટ્ટ

સરળ ભાષામાં વિચારતા કરી દે એવી ગઝલો લખવી એ ભાવેશ ભટ્ટનો ટ્રેડમાર્ક છે. એની ગઝલો વિશે ટિપ્પણી લખવાની જરૂર ભાગ્યે જ પડે. કવિતા અંગેની ટી.એસ. ઇલિયટની મશહૂર વ્યાખ્યા: ‘Genuine poetry can communicate before it is understood કહ્યું’ની જેમ જ એ વાંચતાવેંત પ્રત્યાયન સાધી લે છે અને તાળીઓ માંગી લે છે. પણ પછી થોડીવાર પછી એ બીજીવાર તાળી પાડવા મજબૂર કરી દે છે….

Comments (8)

ઓછી પડી – ભાવિન ગોપાણી

બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી,
જીવવા બેઠા એ સૌને જિંદગી આેછી પડી.

વાત છે પંખીપણું ઊડી ગયું એ બાદની,
એક ટહુકો સ્થાપવા સૌ ડાળખી ઓછી પડી.

વેડ્ફ્યો ખાસ્સો સમય એ પામવાની લ્હાયમાં,
જિંદગીમાં ચીજ જે થોડી ઘણી ઓછી પડી.

મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને,
એમને એ ફૂલમાં પણ પાંખડી ઓછી પડી.

ડૂબવા માટે પ્રથમ તો આંખ પણ પૂરતી હતી,
ને પછી એવું થયું આખી નદી ઓછી પડી.

હું મને ક્યારેય રંગે હાથ ના પકડી શક્યો,
દર વખત મારા વિષેની બાતમી ઓછી પડી.

– ભાવિન ગોપાણી

સમયથી વધુ સાપેક્ષ શું હોઈ શકે? તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે, પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય. કાળની આ અકળ ગતિને ભવિન ગોપાણી ખૂબ સ-રસ રીતે મત્લામાં સમજાવે છે. ઘડીથી સદી વચ્ચેની જિંદગી પાતળા અસંતોષના પ્રતાપે જ જીવવા જેવી લાગે છે. ઓછી પડી જેવી રદીફ સાથે કવિએ જે કાબેલિયતપૂર્વક કામ પાર પાડ્યું છે એ જોતાં સહેજે કહેવાનું મન થઈ જાય કે આ ગઝલ ઓછી પડી…

Comments (6)

(ગુમાનમાં) – ગિરીશ પોપટ ‘ગુમાન’

કોઈએ કીધું ખુશીને કાનમાં,
દર્દ લાવ્યું છે ઘણાંને જાનમાં.

જોઈ લઈએ જીત કોની થાય છે?
શબ્દ લાવો, મૌન છે મેદાનમાં.

ઘર ભરાતું જાય છે સામાનથી,
કૈંક ઓછું થાય છે ઈન્સાનમાં.

વ્યંગમાં ક્યારેક કહેવાયા હતા,
એ જ શબ્દો થ્યા રજૂ સન્માનમાં.

ચા ઉછીની લઈ પીવા કરતાં મને
પીવા ગમશે ઝાંઝવા વેરાનમાં.

જ્યારથી તેં સાથ આપ્યો, જિંદગી!
જીવ રહેવા માંડ્યો છે ‘ગુમાન’માં.

– ગિરીશ પોપટ ‘ગુમાન’

ગઝલ કાવ્યપ્રકારનું આકર્ષણ જ કંઈ એટલું પ્રબળ છે જે નિતનવા કવિઓ એને મહેબૂબા બનાવતા જોવા મળે છે. ગિરીશ પોપટ સુરતમાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી આવતી કાવ્યગોષ્ઠી-ગૂફ્તેગુના કારણે પરિચિત થયા. ઓછું લખે પણ જે લખે એની નોંધ લેવાની ફરજ પડે એવું. ટૂંકી બહેરની આ ગઝલના બધા જ શેર પાણીદાર થયા છે. પોતાના તખલ્લુસનો અર્થસભર વિનિયોગ કરી શકનાર જૂજ પ્રવર્તમાન ગઝલકારોમાં એનું નામ નોંધવું પડે.

Comments (7)

ને એક છે ઉતારો – અમૃત ‘ઘાયલ’

છે કાંઈ જિંદગીમાં, તો એ જ છે સહારો,
એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો.

મારી જીવનવીણાના કંપી રહ્યા છે તારો,
કોણ એ ભલા કરે છે ઉરદ્વારથી ઈશારો?

મુજને ડુબાવનારા મારા જ છે વિચારો,
ક્યાં દૂર છે નહીં તો ચોપાસ છે કિનારો.

જખ્મોને દિલમાં રાખું કે અશ્રુઓને રાખું?
મે’માન છે હજારો ને એક છે ઉતારો.

દે તેજ ફાવે તેવી સાકી શરાબ મુજને,
હું તો છું આગને પણ પાણી કરી પીનારો.

જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે,
ચાહું તો કેમ ચાહું ગમથી હું છૂટકારો?

દુઃખ શોધ કોઈ કાયમ છોડી ક્ષણિક સુખોને,
કંઈ મૂર્ખ મિત્રો કરતાં એક ડાહ્યો શત્રુ સારો.

એવુ મરણ કરો કે ઝંખે જીવન તમોને
ડૂબો તો એમ ડૂબો શોધે સ્વયં કિનારો.

ઊગીને પાથરે ના કંઈ તેજ જે જગત પર,
મારી નજરમાં ‘ઘાયલ’ એ તારો છે તિખારો.

– અમૃત ઘાયલ

કહેવાતું કે ઘાયલ જેટલા કાફિયા જડી આવે એ બધા પર શેર કરતા એટલે ગઝલો બહુધા લાં..બી થતી. જીવનવીણા, સાકી-શરાબ જેવા ભરતીના બે’ક શેરોને બાદ કરીએ તો બાકીની આખી ગઝલ અફલાતૂન. મનુષ્યના પતન માટે બીજું કોઈ નહીં, મનુષ્ય પોતે જ જવાબદાર હોય છે અને જાતમાંથી નીકળી શકાય તો કિનારા તો ચારેતરફ છે જ છે વાળી વાત ઘાયલ જ આવી સહજતાથી કરી શકે. ગેસ્ટહાઉસ જેવા દિલમાં ઉતારાની વાત હોય, કે ગમથી કદી છૂટકારો મળનાર ન હોવાની સ્વીકૃતિની વાત હોય- ઘાયલ લાજવાબ છે. કિનારો સ્વયં ડૂબનારને શોધે એ શેર તો સર્વકાલીન શ્રેષ્ઠ છે.

એક આડવાત… મનુષ્યહૃદયના ભાવોને ભાષા નડતી નથી હોતી એટલે એક જ ભાવ લગભગ કોપી-પેસ્ટ કર્યો ન હોય એવી રીતે ઘણીવાર અલગ-અલગ ભાષાની કવિતામાં જોવા મળતી હોય છે. ‘જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે’ – આ પંક્તિ જુઓ… કંઈ યાદ આવે છે? ‘દિલ સે’ ફિલ્મમાં ગુલઝાર આ જ લખે છે,’દિલ હૈ તો દર્દ હોગા, દર્દ હૈ તો દિલ ભી હોગા.’ ગુલઝાર શું ઘાયલમાંથી ઊઠાંતરી કરવા ગયા હશે? ના… લાગણીઓની સમાનતાની જ આ કમાલ છે.

Comments (3)

(કવિતા થતી રહી) – રઈશ મનીઆર

અજવાળું પણ થયું અને પીડા થતી રહી
છાતીના એક ખૂણે કવિતા થતી રહી

રસ્તા ઉપર ..મકાનોમાં.. હત્યા થતી રહી
મંદિરમાં, દેવળોમાં તપસ્યા થતી રહી

માણસ ઉલેચતો જ રહ્યો અંધકારને
દીવાસળીની સાવ ઉપેક્ષા થતી રહી

સત્કાર ન મળ્યો તો જવાનું કર્યું મેં બંધ
કહે છે ત્યાં મારી રોજ પ્રતીક્ષા થતી રહી

જૂની સમસ્યા લોકો ઉકેલ્યા વિના ભૂલ્યા,
વરસોવરસ નવી જ સમસ્યા થતી રહી

ભૂલી ગયો એ મારી કટુતા સમય જતાં,
ને એ પછી મને ઘણી પીડા થતી રહી

સળગી રહેલા ઘરમાં હવાની અવરજવર..
શ્વાસોની રોજ અગ્નિપરીક્ષા થતી રહી

– રઈશ મનીઆર

કવિતાની વ્યાખ્યા કરવું કયા કવિને નથી ગમ્યું? રઈશ મનીઆર પણ એમની વ્યાખ્યા લઈ આવ્યા છે. કવિતા લાગણીની ભાષા છે એટલે જ કવિતાનું ઉદભવસ્થાન મગજ નહીં પણ છાતી-હૃદય નિર્ધારાયું છે. કવિતા અસ્તિત્વને અજવાળે ખરી પણ કવિતા અસ્તિત્વ સમગ્ર નથી એટલે “કવિ એક ખૂણા”ની વાત કરે છે. આ સાથે જ કવિતા સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલી પીડા અને પીડામાંથી રેલાતા પ્રકાશના સાયુજ્યનો નિર્દેશ કરી કવિ કવિતાને વ્યાખ્યાયિત કરે છે… બાકીના શેરોમાંથી પણ કયા પર હાથ મૂકવો અને કયા પર નહીં એ વિમાસણ બની રહે છે.

Comments (8)

નરસૈયાનું નામ જ લેતાં – લતા હિરાણી

આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો
તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો.

હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતો
શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો !

નીરખે આભમાં કાનને હરઘડી બાથમાં હરપળે એ જ ભાસે
સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.

શ્હેર જૂનાગઢે શ્રી હરિને સ્મરી, કુંડ દામોદરે કેલિ કરતો
નાગરી નાતનો વંશવેલો રૂડો, કૃષ્ણના ગાનમાં લીન થાતો.

એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.

– લતા હિરાણી

રાજસ્થાનમાં એક મીરાં થઈ ગઈ ને ગુજરાતમાં એક નરસિંહ. આ બે ભક્ત વિના તો કૃષ્ણનેય કદાચ અધૂરું લાગે. કૃષ્ણપ્રેમની કવિતા તો ઘણા લખી ગયા, ઘણા લખશે પણ લતા હિરાણી જરા અલગ ફ્લેવરની નરસિંહસ્તુતિની રચના લઈ આવ્યા છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. જેનો શ્વાસ પૂર્ણને પામી જાય છે એ अहं ब्रह्मास्मि છે, એ જ આદિ, એ જ મધ્ય ને એ જ અંત પણ. કણ-કણમાં પછી એ જ. અને એકવાર જે મોરના પિચ્છધર પાસે પ્રેમરસ પી લે એનું ઉર છલકાઈને સમસ્તિ સાથે એકરસ થઈ જાય છે. ખુદ નરસિંહને ફરી આવવાનું મન થાય એવી મજાની ગીતરચના…

*

કેવી મોટી ભૂલ! અમેરિકાથી મિત્ર દેવિકાબેન ધ્રુવે ધ્યાન ન દોર્યું હોત તો આખું કોળું જ શાકમાં ચાલ્યું ગયું હતું. ગીતરચનાનો પરિચય ભૂલથી ગઝલ તરીકે અપાઈ ગયો. વાચકમિત્રોની અને લતાબેનની ક્ષમા સાથે ફેરફાર કરી લઉં છું…

Comments (16)

અનુભવ – જવાહર બક્ષી

શબ્દની તો વાત ક્યાં છે, એક અક્ષરમાં નથી,
જે અનુભવ છે, લિપિ એની ચરાચરમાં નથી.
પંડિતો હું કેમ સમજાવું? તમે સમજોય શું!
કૈં બન્યું એવું જ છે જે કોઈ શાસતરમાં નથી.

– જવાહર બક્ષી

ભાષા માધ્યમ છે આપણી અનુભૂતિને આકાર આપવાનું, પ્રત્યાયન કરવા માટેનું. પણ શું કદી કોઈ ભાષા, કોઈ શબ્દો કોઈપણ લાગણીને યથાવત્ અક્ષરદેહ આપી શકે ખરી? અનુભૂતિને અનુભૂતિની સંપૂર્ણ તીવ્રતા સાથે વર્ણવી શકે એવી કોઈ લિપિ જડ-ચેતનમાં શક્ય જ નથી… આ વાત સદીઓથી કહેવાતી આવી છે, જવાહર બક્ષી પણ ચાર પંક્તિના નાના મકાનમાં રહીને આ જ વાતનું વિશ્વ ઊઘાડી આપે છે.

Comments (14)

બેસ્ટ છે – જય કાંટવાલા

બહુ વિચારે એને માટે વેસ્ટ છે
માણવા માંડો તો જીવન બેસ્ટ છે

આગનો દરિયો નથી તરવો હવે,
એના એક ટીપાનો અમને ટેસ્ટ છે.

પથ્થરોના જંગલોમાં દોડતા
પથ્થરો પાસે હવે કયા રેસ્ટ છે ?

આપણે યજમાન થઈ રહેવું સદા
સુખ અને દુઃખ જિંદગીમાં ગેસ્ટ છે

દોસ્ત! ટહુકાયુ કશું ઘોંઘાટમાં,
શહેરમાં નક્કી કવિતા ફેસ્ટ છે.

– જય કાંટવાલા

દાયકાઓ સુધી જનમાનસ પર કબ્જો જમાવી બેઠેલા કાવ્યપ્રકારો ગઝલનું આગમન થયા પછી હતા-ન હતા થઈ ગયા એનું કારણ ફક્ત બે જ પંક્તિની ગાગરમાં ગાગર સમાવી દેવાની એની કમાલ જ ગણી શકાય.પ્રસ્તુત ગઝલનો મત્લા આ વાતની પુષ્ટિ કરે છે. જિંદગી જીવવાની ફિલસૂફી જ એ છે કે જે ખુશી આવી એને ઝાઝું પિષ્ટપેષણ કર્યા વિના માણી લેવી. બીજો શેર જો કે થોડું ડિફેન્સીવ રમે છે. સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં રહી-રહીને ખુદ પથ્થર જેવા થઈ ગયેલા માણસોના ખિસ્સામાં આરામ નામની અસ્ક્યામત જ બચી નથી. સુખ અને દુઃખ -બંનેને યજમાનભાવે આવકારતો શેર રુમીની “અતિથિગૃહ” રચનાની યાદ અપાવે છે. ઘોંઘાટની વચ્ચે પણ ટહુકી શકે એ જ કવિતા. અંગ્રેજી કાફિયા પણ બિલકુલ ગુજરાતી લિબાસ પહેરીને દૂધમાં સાકરની જેમ ગઝલમાં પ્રવેશી ગયા છે.

Comments (11)

સમજાય છે – સંધ્યા ભટ્ટ

એકધારા કામથી અકળાય છે,
એટલે આ મોસમો બદલાય છે.

કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે !

કોણ કહે, પાષાણને ભાષા નથી ?
પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !

જયારે કોઈ પંખીનો માળો તૂટે,
વૃક્ષ પણ સાથે જ ત્યાં વીંધાય છે.

વન અને વનવાસીને જોયા પછી,
દેહ ને આત્મા વિશે સમજાય છે.

– સંધ્યા ભટ્ટ

બારડોલીથી સંધ્યા ભટ્ટ એમનો બીજો કાવ્યસંગ્રહ “શૂન્યમાં આકાર” લઈને આવ્યા છે. લયસ્તરોના આંગણે એમનો સહૃદય સત્કાર. એમની આ ગઝલ જૂની-જાણીતી અને મારી માનીતી હોવા છતાં લયસ્તરો પર છેક આજે પધારી છે. બધા જ શેર સરળ અને સંતર્પક.

Comments (16)