એટલો પાસે ગયો કે થઈ ગયું-
દાઝવું નક્કી, અડું કે ના અડું.
ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2015

જિન્દગીનો તરાપો – -મકરંદ દવે

કોઈ અદીઠ ભણી વણથંભ્યા વાયરે
જિન્દગીનો જાય છે તરાપો.

લાખ વાર તરતા રહેવાની તાકાત ભલે
એક વાર ડૂબવાનું સાચું.
મોજાંની સોડ મારી ક્યાં રે ન જાણું
હું તો મોજાંએ મોજાંએ નાચું;
દરિયો તો બદલે મિજાજ એમાં બદલાતો
ખારવાનો ખોટો બળાપો.

આઘી આઘી કળાય આથમણી કોર એને
પાસે ને પાસે પિછાણી,
પાણી પર ઝલમલતાં કિરણો, ને કિરણોમાં
ઊંડાપતાળ જોઉં પાણી;
જળની આ ચાદરમાં પોઢું, તો પ્રાણ, મને
આખું આકાશ વણી આપો !

-મકરંદ દવે

સિદ્ધહસ્ત કલમે કેવું રમ્ય ચિત્રણ કર્યું છે !!! શબ્દસૌંદર્ય એવું મનોરમ છે કે અર્થગાંભીર્યને જરાપણ હાવી થવા દેતું નથી……

Comments (8)

અરે, કોઈ તો….. – જગદીશ જોષી

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્રક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કૂથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.

ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધારો ધબ…

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે:

‘‘કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ ! અરે, કોઈ તો
ઈલેક્ટ્રિશ્યનને બોલાવો !”
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે:
” અરે, ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ…”

અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે…

-જગદીશ જોષી

પ્રત્યેક પંક્તિમાં સૂચિતાર્થો છે. પ્રત્યેક નામમાં પણ ગુહ્યાર્થ ભર્યા છે. ફ્યૂઝ જતાં લાઈટ અંધારું થઈને પથરાઈ જાય છે……. – અદભૂત satire…..

ગંભીર વ્યંગ છે. ડંખીલો કે મારકણો વ્યંગ નથી. વિચારતા કરી દે એવો વ્યંગ છે. વાત માત્ર કવિના દેશને લાગુ પડતી નથી. સમગ્ર વિશ્વને સુપેરે લાગુ પડે છે. મીણબત્તી એટલે જેને બુદ્ધ ‘સમ્યક દર્શન’ કહે છે તેવી unbiased અને free દ્રષ્ટિ. દુનિયાના સૌથી કઠીન કામોમાંનું એક કામ છે – સ્વતંત્ર વિચાર કરવો. માનવજાત કોઈને કોઈ ઓઠા હેઠળ આ કામને ચતુરાઈપૂર્વક ટાળતી આવી છે.

Comments (12)

ગઝલ – નીરજ મહેતા

ગૂંજતો કલરવ પહાડી હોત ભીતર
વાંસળી દિલથી વગાડી હોત ભીતર

દ્વન્દ્વમાં અસ્તિત્વ જીત્યું હોત, જો તેં
એક ઇચ્છાને પછાડી હોત ભીતર

પીગળે પાષાણ ‘હું’પદના સમૂળાં
આગ થોડી પણ લગાડી હોત ભીતર

એ થયું સારું કે ઉગ્યાં ફૂલ એમાં
થડ ઉપર નહિતર કુહાડી હોત ભીતર

તપ કરો છો બંધ રાખી આંખ કિંતુ
એક બારી તો ઉઘાડી હોત ભીતર

– નીરજ મહેતા

આમ તો આખી ગઝલ સુંદર પણ હું તો આખરી શેર પર સમરકંદો-બુખારા ઓવારી બેઠો. ફિલસૂફીના કૃત્રિમ શેરોની ત્સુનામી આપણે ત્યાં બધા કાંઠા તોડીને ચડી બેસી છે એવામાં આવો સાવ જ સરળ-સહજ પણ અર્થગંભીરતાથી પરિપૂર્ણ શેર હાથ જડી આવે એ તો મોટી ઉપલબ્ધિ જ ને !

ડૉ. નીરજ મહેતાને એમના પ્રથમ ગઝલસંગ્રહ “ગરાસ”ના પ્રાગટ્યટાણે લયસ્તરો.કોમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (7)

ગઝલ – હિમલ પંડ્યા

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર.

હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ આટલું અંતર.

જેવો હું , એવો તું યે નક્કી હોવાનો,
ભેદ ભલે હો બહાર, બધું સરખું છે ભીતર.

આ અંધારા-અજવાળાની સતત ઊતરચડ,
કોણ યુગોથી ખેલે આવાં જાદુમંતર ?

જુઓ, કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું,
ચાલો અહીંયા અટકી જઈએ, નાખો લંગર.

– હિમલ પંડ્યા

મજાની ગઝલ… એક-એક શેર પાણીદાર…

આ ગઝલ આપ ગુજરાતી કાવ્ય-સંગીતની શિરમોર વેબસાઇટ ટહુકો.કોમ પર માણી શક્શો.

 

Comments (4)

ચ્હેરાઓ – હર્ષદ ચંદારાણા

કોઈ ચ્હેરો સાવ ઢીલો, કોઈ તોરીલો હતો
ભીંત જેવો એક તો બીજો વળી ખીલો હતો

એટલે ચૂંટ્યો હતો, ખોસ્યો હતો મારે ખમીસ
પુષ્પ ઉર્ફે વિશ્વનો ચહેરો જ ગમતીલો હતો

ખૂબ વરસેલો હતો વરસાદ ચુંબનનો અહીં
તો લચ્યા ખેતર સમો ચ્હેરો પછી લીલો હતો

દાઝવાના ડરથી એને ના કદી સ્પર્શી શક્યો
એક ચ્હેરો જે હિમાલય જેમ બર્ફીલો હતો

ઊંડી રેખા રહી કપાળે એક, બીજું કૈં નથી
ઉમ્ર નામે કાફલો ત્યાંથી ગયો, ચીલો હતો

– હર્ષદ ચંદારાણા

ચહેરા વિશે પાંચ મધુરા કલ્પન… આપને કયો ચહેરો વધુ ગમ્યો, કહો તો…

Comments (5)

સ્વપ્ન – લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે

એનો વિચાર કરતાં
મારી આંખો મળી ગઈ
અને એ આવ્યો :
જો મને ખબર હતે કે આ
માત્ર સ્વપ્ન છે
તો હું કદી જાગી ન હોત.

– લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે

જાપનીઝ કાવ્ય તેના લાઘવ માટે પ્રખ્યાત છે. ઉર્દુના શેરની જેમ ગાગરમાં સાગર ભરે જાપનીઝ કવિઓ…. આ ટચૂકડા કાવ્યમાં નઝાકત સાથે વાંઝણી ઝંખનાની ઉત્કટતા ઝલકે છે.

Comments (5)

સાંજ – પાબ્લો નેરુદા – અનુ.-હરીન્દ્ર દવે

આપણે આ સંધ્યા પણ ગુમાવી,
આ સાંજે જયારે નીલ રાત્રિ પૃથ્વી પટે ઊતરી
ત્યારે કોઈએ આપણને આંકડિયા ભીડી ફરતાં ન જોયા

મારી બારીએ મેં જોયો
દૂરના પર્વતો પરનો સાંધ્ય ઉત્સવ.

કવચિત સૂર્યનો એક
મારા હાથ વચ્ચેના સિક્કાની માફક સળગી ગયો.
તને પરિચિત એવા વિષાદમાં ડૂબેલા
આત્મા વડે મેં તને યાદ કરી.

તું ક્યાં હતી ત્યારે ?
બીજું કોણ હતું ત્યાં ?
શું કહેતું હતું ?
જયારે હું ઉદાસ છું અને તું દૂરસુદૂર છે એ અનુભવું છું
ત્યારે જ કેમ આ પ્રેમ એક સપાટામાં મને ચકરાઈ વળે છે ?

હંમેશાં હંમેશાં તું સાંજમાં ઓસરતી જાય છે –
જ્યાં સાંધ્ય પ્રકાશ સ્મારક પ્રતિમાઓને ભૂંસતો જાય છે ત્યાં.

-પાબ્લો નેરુદા – અનુ.-હરીન્દ્ર દવે

એક ભાવવિશ્વ સર્જાય છે જયારે આપણે આ કાવ્યને બે-ત્રણ વાર ધીમેથી વાંચીએ છીએ ત્યારે….. ઉદાસી ઘેરી વળે છે…..વિખૂટી પડી ચૂકેલી પ્રિયતમા જાણે વધુ ને વધુ દૂરને દૂર સરકતી જાય છે……

Comments (3)

મુંબઈ – વિપિન પરીખ

હિલસ્ટેશન પર હું થોડીક તાજગી ખરીદવા ગયો હતો
હું તને ચાહતો નથી, મુંબઈ !
તારું ફિક્કું આકાશ મારી આંખોમાં વસતું નથી.
તારા ગંદા અને મેલા દરિયાને હું ધિક્કારું છું
રોજ સવારે ચર્ચગેટ પરની ભીડમાંથી મારી જાતને
હું માંડમાંડ છૂટી પાડું છું.
રોજ રાતે સપનામાં હું તારું ગળું ટૂંપું છું
છતાંય જો,
હું ફરી પાછો આવ્યો છું !

– વિપિન પરીખ

મહાનગરના અનિષ્ટ અને એમાં જીવન જીવવાની મજબૂરીના બે સમાંતર વચ્ચેથી ચપ્પુની ધારની જેમ ચીરતું જતું કાવ્ય…

Comments (6)

ગઝલ – મુકુલ ચોક્સી

ભલે આજે નહીં સમજે કોઈ ‘ઉન્માદ’નો મહિમા,
ઉનાળામાં જ સમજાઈ શકે વરસાદનો મહિમા.

અલગ છે શબ્દનો મહિમા! અલગ છે નાદનો મહિમા,
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા.

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ,
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

પ્રણયની વેદનામાં વેદનાનું દુઃખ નથી હોતું,
અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા.

‘મુકુલ’ એવી જગાએ જઈ ગઝલ ના વાંચશો હરગીઝ,
ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા.

-મુકુલ ચોક્સી

કયો શેર વખાણવો અને કયો નહીં એવી મીઠી મૂંઝવણ થાય ત્યારે કવિનું નામ જોઈ લેવું… મુકુલ ચોક્સી જ હોઈ શકે…

Comments (10)

સ્ત્રી – જયા મહેતા

સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.

– જયા મહેતા

છેલ્લે તીર્થેશે “સ્ત્રી” વિશેની મનીષા જોષીની કવિતા મૂકી એટલે મને આ રચના યાદ આવી… બંને રચના સ્ત્રી વિશેની અને બંને રચના કવયિત્રીઓ વડે લખાયેલી…

તમે પુરુષ હોવ કે સ્ત્રી, જો તમારી છાતીના પિંજરામાં એક સહૃદય હૈયું ધબકતું હોય તો આ કવિતા વિશે એક પણ શબ્દ બોલવાની જરૂર નથી…

આખી કવિતા કવયિત્રી એકીશ્વાસે બોલતા સંભળાય છે એ આ કવિતાનો વિશેષ છે. સ્ત્રી વિશેના બધા વિશેષણ પૂરા થાય ત્યાં સુધી કવિતામાં ક્યાંય પણ એકે અલ્પવિરામ, પૂર્ણવિરામ કે ઉદગારચિહ્ન આવતા જ નથી. સ્ત્રીના જીવનમાં પણ કોઈ વિરામ, અલ્પ કે પૂર્ણ- ક્યારેય ક્યાં આવતો જ હોય છે? પંક્તિઓ એકમાંથી બીજામાં પાણીની જેમ દડી જાય છે, બિલકુલ એ જ રીતે જે રીતે સ્ત્રી એક જીવનમાંથી બીજા જીવનમાં સમાઈ જાય છે.

Comments (10)

સ્ત્રી – મનીષા જોષી

મારી અંદર એક વૃક્ષ
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે.
નવાં મહોરતાં ફૂલોના રંગથી મહેકતી,
તાજાં જન્મેલાં પંખીઓનાં બચ્ચાનાં
તીણા અવાજથી ચહેકતી,
તસુએ તસુ, તરબતર, હું એક સ્ત્રી.
કીડીઓની હાર ફરી વળે છે મારા અંગ પર,
અજગર વીંટળાય છે,અંધારું આલિંગે છે
અને મારી શાખાઓ પરથી ઝર્યા કરે છે મધ.
મોડી સાંજે,
ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી
સરકતી આવતી ઉદાસીને
પાંદડાની છાલમાં છુપાવી લેતાં મને આવડે છે.
મને આવડી ગયું છે
પાનખરમાં પાંદડાઓને ખંખેરી નાખતાં.
સૂકાં, પીળાં પાન
તાણી જાય છે ઉદાસીને
નદીના વહેણમાં.
હું અહીંથી પડખુંયે ફરતી નથી,
પણ મને ખબર છે,
નદીપારના કોઈક સ્મશાનમાં
સૂકાં, પીળાં પાંદડાઓ ભેગી
ભડકે બળતી હશે મારી ઉદાસી.
પાંદડાં બળવાની સુગંધ
ઓળખી લે છે,
દરેક લીલુંછમ વૃક્ષ.

-મનીષા જોષી

દરેક ઉગતા સૂર્યને જોતા મારી તમામ નિરાશાઓ ખરી પડે છે……નિરાશ થવા સુદ્ધાં બદલ શરમ આવે છે…..

Comments (4)

રુમી

Are you searching for your soul?
Then come out of your prison.
Leave the stream and join the river
that flows into the ocean.
Absorbed in this world
you’ve made it your burden.
Rise above this world.
There is another vision…

– રુમી
[ સૌજન્ય – નેહલ ]

ભાષા સરળ છે અને વળી આ પોતે પણ અનુવાદ જ છે તેથી ત્રીજો અનુવાદ કરતો નથી.

કેદખાનામાંથી બહાર આવવાનું આહવાન છે….સ્વરચિત કેદખાનામાંથી. બાળપણથી જ અસંખ્ય રૂઢિઓ વડે થતાં conditioning ના કેદખાનામાંથી…. ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે….. વ્યવહારુ રીતે આમ કરવું કઈ રીતે ? – એક જ ઉપાય છે – સંપૂર્ણપણે open mind રાખીને honest inquiry કરતા રહેવાનો…..સતત…….

Comments (5)

ગઝલ – ધ્રુવ ભટ્ટ

નિજના તમામ દોષને આગળ ધરી ગયા
એના ગુનાઓ એમ અમે છાવરી ગયા

લો દાઢ ગઈ, દંશ ગયા, દંશવું ગયું
ઉત્પાત બધા ઝેરની સાથે ઝરી ગયા

મારા પછીયે હું જ ઊભો છું કતારમાં
જાણ્યું કે તુર્ત દૃશ્યને દૃષ્ટિ ફરી ગયાં

માંડો હિસાબ કોઈ કસર રાખશું નહીં
આ જેટલું જીવ્યા તે બધુંયે મરી ગયા

ચાલી શક્યા ન એટલે અડધે નથી રહ્યા
રસ્તામાં કોઈ રોકવા આવ્યે રહી ગયા

હોવું અમારું વૃક્ષ સરળ એમ થઈ ગયું
પર્ણોની જેમ નામના અક્ષર ખરી ગયા

– ધ્રુવ ભટ્ટ

નવલકથા અને ગીતોનો કસબી ગઝલમાં પણ કેવું મજાનું કામ કરી લે છે !

Comments (7)

ગઝલ – કરસનદાસ લુહાર

આંખમાં આકાશને પ્રસરાવ મા !
વ્યર્થ હે વિશાળતા, લલચાવ મા !

ચિત્રમાં દરિયા બતાવીને પછી –
ભવ્યતાના અર્થને ભરમાવ મા !

ના ભલે આંબો ઉગાડે એક પણ –
બીજ બાવળનાં કદાપિ વાવ મા !

આવી છે લઈને ઉદાસી રેશમી,
સાંજને ચૂંગી મહીં સળગાવ મા !

આગ મારામાં અને તું બાગ છે,
ધીમે ધીમે પણ નિકટ તું આવ મા !

મન હજી મુશાયરા જેવું નથી,
દોસ્ત ! હમણાં તું ગઝલ સંભળાવ મા !

– કરસનદાસ લુહાર

કેવી મજાની ગઝલ ! છેલ્લો શેર વાંચતા જ હેમેન શાહ યાદ આવી જાય: તો દોસ્ત ! હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે

Comments (1)

છાની વાતને ફડક – ધૂની માંડલિયા

મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
પ્રત્યેક છાની વાતને એની ફડક છે.

ફૂલોને મળવા તોય દોડી ગઇ હવા,
એને ખબર છે, કાંટાનો પહેરો કડક છે.

હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો
આંસુ કહે, એવો અમારો મલક છે.

હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે.

– ધૂની માંડલિયા

Comments (8)

વાત છે – હિમાંશુ ભટ્ટ

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે

સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે

રજનીની બીજી કોઇ નિશાની નહીં મળે
ઝાકળની વાત છે એ શમણાંની વાત છે

ઓળખ તો માનવીની બીજી કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે

મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે

દેખાય છે જે એજ હકીકત નથી હ’તી
ઇશ્વર, ધરમ ને પ્રેમ એ શ્રધ્ધાની વાત છે

– હિમાંશુ ભટ્ટ

ભાષા સરળ છે…….અને એ જ ખૂબી છે….

Comments (6)

ગઝલ – મુકુલ ચોક્સી

કોરા કાગળને કચડતા સૌ વિચારો જાય છે,
લ્યો, ગઝલના નામનો છેલ્લો સહારો જાય છે.

આમ ચંચળ થઈને જળ માફક નથી વહેતો છતાં,
જળની સાથોસાથ છેવટ લગ કિનારો જાય છે.

અવનતિમાં યે જુઓ મંઝિલ મળી કેવી વિશાળ !
કે ખરીને કોઈ પણ સ્થળ પર સિતારો જાય છે.

કોઈ જોનારું નથી ને કો’ ભજવનારું નથી,
આપણા નાટકનો છેલ્લો અંક સારો જાય છે.

આ રમત જીતી જવામાં રસ નથી એને નકર,
આપણો ‘ઉન્માદ’ જાણે છે કે વારો જાય છે.

– મુકુલ ચોક્સી

ગુજરાતી ગઝલને મુકુલ ચોક્સીની નિષ્ક્રિયતાથી મોટી ખોટ કદી પડનાર નથી. ગુજરાતી ગઝલનો છેલ્લો નહીં તોય અગ્રસ્થ સહારો બની શકે એવા આ કવિના વિચારો માત્ર નિર્દયતાપૂર્વક કાગળને કોરો જ કચડતા જાય છે.

Comments (6)

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ

Vivek Tailor Holi

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !

ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !

ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !

– રાજેન્દ્ર શુક્લ

ધૂળેટી પર્વ નિમિત્તે લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને રંગસભર શુભકામનાઓ…

Comments (3)

ફાગણ – ? ભૂરો

Holi 1 (12 X 18)

*

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને હોળી તથા ધૂળેટીની રંગબેરંગી શુભકામનાઓ…

*

કપટી ના’વ્યા કાનજી, ગિરધારી ગોકૂલ,
સાથ લાગ્યો સોહામણો, ફાગણ ખીલ્યાં ફૂલ.
ફાગણ ફુરંગા, શામ સુરંગા ! અંગ રંગા ઓપીએ,
મુળગી ન માયા, નંદજાયા ! કંસ ઉપર કોપીએ,
ભામન ભોળી, રમે હોળી, તેમ ટોળી તાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને.
જી ! કહે રાધા કાનને.

– ? ભૂરો

ફાગણનાં ફૂલ ખીલી ઊઠ્યાં છે આવામાં એનો સાથ સોહામણો લાગે પણ કપટી કૃષ્ણ ગોકુળ પરત આવ્યા નથી. હે સોહામણા રંગવાળા શ્યામ ! ફાગણ ફોરી ઊઠયો છે. આવામાં તો અંગ ઉપર રંગ હોય તોજ શોભે પણ હે નંદજીના લાલ ! તને તો મૂળથી જ અમારી માયા નથી રહી. આવો ગુસ્સો તો કંસ ઉપર જ કરાય, ભરપૂર જોબનવંતી રાધા ટોળીમાં હોળી રમતાં રમતાં કૃષ્ણને આમ કહે છે.

અંત્યપ્રાસ અને આંતર્પ્રાસની અદભુત રચનાના કારણે આ ચારણી કૃતિ સાદ્યંત સંતર્પક થઈ છે. રચનાકારનું નામ મોટા ભાગે ભૂરો છે. કદાચ ઉપલેટાના રહીશ ભૂરો રાવળ અથવા ભૂરો મીર હોઈ શકે…

Comments (2)

આવો – નાઝિર દેખૈયા

તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.

ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.

તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?

લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.

નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર ‘નાઝિર’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.

– નાઝિર દેખૈયા

શાયરનો ખાસ પરિચય નથી, પણ રચના સશક્ત છે…..

Comments (8)

‘અથાતો ભક્તિ જીજ્ઞાસા’ પુસ્તકમાંથી – ઓશો

आज कुछ नहीं दिया मुझे पूर्व ने
यों रोज कितना देता था।
छंद—छंद हवा के झोंके
प्रकाश गान गंध
आज उसने मुझे कुछ नहीं दिया
शायद मेरे भीतर नहीं उभरा
मेरा सूरज
खोले नहीं मेरे कमल ने
अपने दल
रात बीत जाने पर!

– ‘અથાતો ભક્તિ જીજ્ઞાસા’ પુસ્તકમાંથી – ઓશો

ઈશ્વરને અને ઈશ્વરની ફરિયાદ કરવી સાવ સહેલી છે, આપણી પાત્રતા-receptiveness ને મૂલ્યાંકિત કરવી અતિકઠિન છે.

Comments (4)