બારણું નહીં ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે
-જવાહર બક્ષી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for May, 2006
May 31, 2006 at 11:36 PM by ધવલ · Filed under બ્લોગજગત
શ્રી હરીશભાઈ દવેએ ‘નવ-સુદર્શક’ ઉપનામથી બે નવા બ્લોગ શરુ કર્યા છે. પહેલો બ્લોગ મારો ગુજરાતી બ્લોગ એમના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ છે. જ્યારે બીજો ગુજરાત અને ગુજરાતી એ એમની સ્વરચિત કવિતાનો બ્લોગ છે. એમણે અહીં એમણે પોતે બનાવેલો કાવ્યપ્રકાર મુકતપંચિકા રજૂ કરેલો છે. આ મુક્તપંચિકા લગભગ તાન્કા જેવો જ લઘુકાવ્ય પ્રકાર છે અને માણવાલાયક છે.
આ બન્ને બ્લોગ પર અત્યારે એ ગુજરાતી ઈમેજ તરીકે રજૂ કરે છે પણ થોડા જ વખતમાં એ બીજા બ્લોગની જેમ યુનિકોડ વાપરવા માંડવાના છે – જો એમનું કોમ્પ્યુટર સાથ આપે તો !
Permalink
May 31, 2006 at 9:17 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
-ભગવતીકુમાર શર્મા
નખશિખ સુરતી મુરબ્બી શ્રી ભગવતીકાકા અમારા શહેરનું ગૌરવ છે અને આજે એમની સલામીમાં બબ્બે પ્રસંગો છે: એક તો આજે એમનો જન્મદિવસ (31-05-2006) છે અને બીજું, ગુજરાતમિત્રમાં વર્ષોથી ‘નિર્લેપ’ના નામે છેલ્લા પાને લખાતી હાસ્યકોલમના ચૂંટેલા લેખોના ચાર પુસ્તકોનો વિમોચન સમારોહ આ લખાઈ રહ્યું છે ત્યારે યોજાઈ રહ્યો છે! આજન્મ પત્રકાર, ઉત્તમ કવિ, નિબંધકાર, સુંદર વાર્તાકાર અને નવલકથાકાર પણ. લયસ્તરો તરફથી એમને જન્મદિનની શુભેચ્છાઓ અને દીર્ઘાયુષ્યની કામનાઓ…
Permalink
May 30, 2006 at 8:20 PM by ધવલ · Filed under ગઝલ, જલન માતરી
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
– જલન માતરી
Permalink
May 29, 2006 at 10:10 PM by ધવલ · Filed under ચિનુ મોદી, મુક્તક
પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?
– ચિનુ મોદી ‘ઈર્શાદ’
Permalink
May 29, 2006 at 2:23 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.
હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.
લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.
ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.
બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!
શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.
હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
ડૉ. વિવેક મનહર ટેલર
અડબંગ= જક્કી, હઠીલું
અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
Permalink
May 28, 2006 at 3:51 PM by ધવલ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે
ઘણા વખતથી આ ગઝલ મનમાં રમતી હતી. મૃત્યુને નવી રીતે જોવાની વાત અહીં સરસ રીતે આવી છે. ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,’આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો, એ મારી પ્રિય પંક્તિ છે. આ ગઝલ આખી શોધી આપવા માટે આભાર, ક્લ્પન.
Permalink
May 27, 2006 at 1:51 PM by ધવલ · Filed under ગીત, સંદીપ ભાટિયા
આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે
છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું
વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે
ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત કાશ મારુંયે સરનામું ગોતતો
વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.
– સંદીપ ભાટિયા
જોતા જ ગમી જાય એવા આ ગીતમાં પ્રેમની વાત ભીંજાવાના રુપકથી કરી છે. હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે એ વાત આમ તો પ્રેમ ન મળવાની વાત છે, છતા ય અહીં એ જરા પણ કડવાશ કે ડંખ વિના આવે છે. કલરવનો ડાકિયો અને વાછટનો વેપાર એવા પ્રયોગો પરાણે મીઠા લાગે એવા છે.
Permalink
May 26, 2006 at 3:18 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ, શબ્દસપ્તક
વ્હાલબાવરીનું ગીત
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો !
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
-રમેશ પારેખ
એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ.
શબ્દ સપ્તકની આજે આ સાતમી અને આખરી કડી છે… ર.પાના ખજાનામાંથી ભારે જહેમતથી પસંદ કરેલા આ સાત મોતી લયસ્તરો તરફથી ર.પા.ને અમારી શબ્દાંજલિ છે….
Permalink
May 25, 2006 at 2:49 AM by વિવેક · Filed under ગઝલ, રમેશ પારેખ, શબ્દસપ્તક
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
-રમેશ પારેખ
રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)
Permalink
May 24, 2006 at 2:37 AM by વિવેક · Filed under બાળકાવ્ય, રમેશ પારેખ, શબ્દસપ્તક
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
-રમેશ પારેખ
કોઈ એમ રખે માની લે કે રમેશ પારેખ એ માત્ર મમ્મી-પપ્પાનો જ ઈજારો છે. બાળકોની દુનિયામાં તહલકો મચાવી દેનારા બાળગીતોનું પણ એમણે સફળ સર્જન કર્યું છે. ખરું કહું તો એમના હાથમાં કંઈક એવી ગારુડી હતી કે શબ્દોના નાગ આપમેળે જ વશ થઈ જાય. નથી માનવી અમારી વાત? લ્યો ત્યારે… વાંચો આ બાળગીત અને પછી કહો કે….
Permalink
May 23, 2006 at 1:08 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ, શબ્દસપ્તક
મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !
પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક
ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો
મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી
અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ?
વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો.
– રમેશ પારેખ
મીરાંને અદેખાઈ આવી જાય એ સરળતાથી અને સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે. આ કાવ્યો એટલાં તો હૃદયાભિમુખ છે કે આપણાં પોતાનાં જ લાગે. સુરેશ દલાલ તો આગળ વધીને કહે છે કે: ‘ર.પા.ના મીરાંકાવ્યો એટલાં સહજ અને સ્વભાવિક છે કે એ કાવ્યોની નીચે ખુદ મીરાંને પણ સહી કરવાનું મન થાય’.
Permalink
May 22, 2006 at 2:23 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ, શબ્દસપ્તક
આલા ખાચરનું ‘આપણું તો…..’
ભવાયા આવીને કે’ :
‘બાપુ જોવા ન આવે તો રમીએ નંઈ.’
-હાળાંવને દીધાં બે ગામ, તાંબાના પતરે.
હડાળાનો કણબી કે’કે ‘દીકરીના આણાં અટક્યા છ્ !
અફીણ ખાઉં.’
કાઢી દીધો પગનો તોડો,
નગદ સોનાનો:
‘જા હાળાં, કર્ય આણાં…..’
નગરશેઠે પગ ઝાલ્યા :
‘બારે વા’ણ બૂડ્યાં,
વખ ઘોળું, લેણદારોને શેં મોઢું બતાવું ?’
દીધાં જરઝવેરાતનાં ગાડાં :
‘લ્યો, રાખો મૂછનાં પાણી….’
આપણું તો એવું.
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.
ઠકરાણાં ક્યે :
‘સૌને દીધું, અમને?
અમે વાંઝિયાં.’
‘લ્યો, ત્યારે’
– એમ કહીને દેવના ચક્કર જેવા ખોળાના બે ખૂંદતલ
દઉં દઉં ત્યાં ગધની આંખ્યું ઊઘડી ગૈ.
000
રામજી લુવાર ઊભો છે.
કે’છે : ‘ઘરાક આવ્યું છ્, બાપુ….!
બારતેરમાં સાટું સધરી જાશે
વેચી દેવી છે ને તલવાર ?
આમેય તમારે પડી પડી કાટ ખાય છે….’
આપણું તો એવું…..
દઈ દીધી !
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.
આલા ખાચરના પાત્રનિરૂપણ વડે ર.પા.એ સૌરાષ્ટ્રની ભગ્નાવશેષ બાપુશાહીના ભવાડાઓ અને વિડંબનાઓને કલમની તલવારથી જનોઈવઢ વાઢ્યાં છે. સપનામાં બાપુ ક્યાં રાચે છે તે તો જુઓ: ભવાઈ કરનારાં જાણે બાપુ વિના ભવાઈ જ કરવાનાં ન હોય એમ બાપુ બે ગામ લખી દે છે. કણબીને દીકરીનું આણું કરવા માટે નકદ સોનાનો તોડો આપી દે છે તો નગરશેઠને ગાડાં ભરી સંપત્તિ લૂંટાવે છે. પાછાં કહે છે કે માંગનાર મૂંઝાય, આપનાર નહીં ! નપુંસક બાપુ તો સપનામાં ઠકરાણીને પણ એક કહેતાં બબ્બે દીકરા આપવાના મૂડમાં હતાં, પણ કમબખ્ત આંખ જ ખૂલી ગઈ….સપનામાં ‘માંગ-માંગ, માંગે તે આપું’ના રાજાપાઠમાં રાચનાર બાપુની વરવી વાસ્તવિક્તા તો એ છે કે બાપદાદાની નિશાની અને પડી પડી સડી ગયેલી નિરુપયોગી સામંતશાહીના પ્રતિક સમી કાટ ખાધેલી તલવાર બારતેર રુપિયામાં વેચી દેવાની નોબત આવી ઊભી છે. અહીં કટાયેલી તલવાર નથી વેચાતી, ઈજ્જત વેચાઈ રહી છે અને તોય સિંદરી બળે પણ વળ ન છૂટે ના ન્યાયે બાપુનો ‘દઈ દીધી’નો હુંકાર ર.પા.ની કાવ્યસિદ્ધિ છે.
Permalink
May 21, 2006 at 12:54 AM by વિવેક · Filed under અછાંદસ, રમેશ પારેખ, શબ્દસપ્તક
ફૂલનો વિશ્વાસ
ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….
ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.
ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….
– રમેશ પારેખ
શબ્દસપ્તકની બીજી કડીમાં આજે અછાંદસ કૃતિ આસ્વાદીએ. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. એક ગઝલમાં જાણે આ વાતથી વાકેફ હોય એમ એમણે કહ્યું છે:
‘ઉઠાવું પેન ત્યાં થાતાં પતંગિયાનાં શુકન,
ફૂલોનું નામ લખ્યું – ત્યાં જ અનુકૂળ પવન.’
Permalink
May 20, 2006 at 2:59 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ, શબ્દસપ્તક
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ
કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ
ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ
ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
-રમેશ પારેખ
ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં ર.પા.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!! ર.પા.ના શબ્દસપ્તકની શરૂઆત એમના સોનલ કાવ્યથી જ કરીએ.
રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલે શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલ!
સોનલ 1
સોનલ 2
Permalink
May 19, 2006 at 2:48 AM by વિવેક · Filed under રમેશ પારેખ, શબ્દસપ્તક
પ્રિય મિત્રો,
રમેશ પારેખની હસ્તી જળમાંથી નીકળી જતી આંગળી જેવી ન્હોતી કે આંગળી કાઢો અને જગા પૂરાઈ જાય. ર.પા. નામનો ખાલીપો ગુજરાતી ભાષાએ હવે સદાકાળ વેઠવાનો છે. ર.પા.ને દિલથી શ્રદ્ધાંજલિ આપવી હોય તો શું કરી શકાય? વિચારતાં અમને એવું જણાયું કે ર.પા.ના કવિ તરીકેના સાત અલગ-અલગ રંગોથી વાંચકોને રંગી શા માટે ન દઈએ? તો, લયસ્તરો પર અમે એક અઠવાડિયા સુધી દરરોજ એકના હિસાબે ર.પા.ના કાવ્યોના સાત રૂપ લઈને હાજર થઈશું. પણ એ પહેલાં લયસ્તરો પર ર.પા.ની અત્યાર સુધી પ્રકાશિત કૃતિઓ શા માટે ફરીથી ન માણીએ?
લયસ્તરો પર ર.પા.ની અગાઉ પ્રગટ થયેલી રચનાઓ:
ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
તમે હાથ હેઠા કરી દ્યો હવે
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય
ચરણ મારાં તારા ભણી હોય છે
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
કંઈક તો થાતું હશે…
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
ગઢને હોંકારો તો કાંગરાય દેશે
પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
Permalink
May 18, 2006 at 3:04 AM by વિવેક · Filed under રમેશ પારેખ, સાહિત્ય સમાચાર
રમેશ પારેખ ( 27-11-1940 થી 17-05-2006)
રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !
અમરેલીમાં જન્મ. મેટ્રિક સુધી અભ્યાસ. કર્મભૂમિ રાજકોટ. પત્ની રસિલાબેન અને નીરજ, નેહા સંતાનો. સરકારી કારકૂની પણ કરી. દુનિયાદારીમાં મન ન લાગે અને કલમ દિશાહીન. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. માંહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો અંગદ યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનિલ જોશી નામના અંગદ ન મળ્યાં હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે. રજનીકુમાર કવિતા લખવા પ્રેરે અને અનિલ જોશી વાર્તા લખવા માટે. ચિડાઈને એકવાર ર.પા.એ રજનીકુમારને કહી દીધું: ‘ સાલા, તું વાર્તાકાર છે એટલે મને કવિતામાં ધકેલે છે અને પેલો અનિલ કવિ છે એટલે મને વાર્તા લખવા કહે છે. સાલાઓ, તમે બધાં મારાથી ડરો છો’.
સાંઠનો દાયકો પતવા આવ્યો અને ર.પા.એ પોતાની જાત સાથે અનુસંધાન સાધી લીધું. લોહી કવિતા બની કાગળ પર વહેવા માંડ્યું. સોનલકાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. સુરેશ દલાલ કહે છે:’ એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’. આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે. મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું: ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’.
હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોકવાયકા ર.પા.ના જીવનમાં જ સાચી પડી શકે. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં. લોકપ્રિયતા કદી માથે ચડીને બોલી હોય તો એ જણ કોઈ અન્ય હોય તો હોય, ર.પા. તો નહીં જ.
હૃદયરોગના જીવલેણ હુમલાએ ર.પા.ના નશ્વર દેહને આજે અકારણ ખૂંચવી લીધો પણ એમનો અ-ક્ષરદેહ સદા શ્વસતો રહેશે આપણી ભાષા અને આપણી સ્મૃતિમાં.
કાવ્યસંગ્રહો: ‘છ અક્ષરનું નામ’ (1991) સમગ્ર કવિતામાં સંગ્રહસ્થ કાવ્યસંગ્રહો: ‘ક્યાં’ (1970), ‘ખડિંગ’ (1980), ‘ત્વ’ (1980), ‘સનનન’ (1981), ‘ખમ્મા, આલા બાપુને!’ (1985), ‘મીરાં સામે પાર’ (1986), ‘વિતાન સુદ બીજ’ (1989), ‘અહીંથી અંત તરફ’ (1991). ત્યાર બાદ ‘છાતીમાં બારસાખ’, ‘લે તિમિરા! સૂર્ય’, ‘ચશ્માંના કાચ પર’ અને ‘સ્વગતપર્વ’.
નવલિકા: ‘સ્તનપૂર્વક’
નાટક: ‘સગપણ એક ઉખાણું’, ‘ ‘સૂરજને પડછયો હોય’, ‘તરખાટ’
લેખો: ‘હોંકારો આપો તો કહું’.
બાળ સાહિત્ય: ‘હાઉક’, ‘દે તાલ્લી’, ‘ચીં’, ‘હફરક લફરક’, ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’, ‘જંતર મંતર છૂ’.
સંપાદન: ‘ગિરા નદીને તીર’, ‘આ પડખું ફર્યો લે!’.
પારિતોષિકો: કુમાર ચંદ્રક, ગુજ. સાહિત્ય અકાદમી પારિતોષિકો, ગુજ. સાહિત્ય પરિષદ પારિતોષિકો, રણજિતરામ સુવર્ણચંદ્રક, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય ઢગલોક પુરસ્કારો.
Permalink
May 17, 2006 at 11:18 PM by ધવલ · Filed under અછાંદસ, મનમોહન નાતુ
શબ આ કવિનું
બાળશો નહીં રે,
જિંદગીભર એ
બળતો જ હતો
ફૂલો પણ એ પર
ચડાવશો નહીં રે,
જિંદગીભર એ
ખીલતો જ હતો.
– મનમોહન નાતુ
(મૂળ મરાઠી, અનુ.જયા મહેતા)
Permalink
May 17, 2006 at 10:19 AM by ધવલ · Filed under રમેશ પારેખ, સાહિત્ય સમાચાર
ગુજરાતી ભાષાને અનેક લાડ લડાવનાર અને સદાનવીન ઘાટ આપનાર કવિ રમેશ પારેખનું આજે રાજકોટમાં નિધન થયું છે. રમેશ પારેખ, આ છ અક્ષરનું નામ ગુજરાતી ભાષા પર અનરાધાર વરસ્યું છે. એમના વિષે ઘણું લખાયું છે અને હજુ ઘણું લખાશે. મારે તો બસ એટલું જ કહેવાનું કે ગુજરાતી ભાષાનું આવું જાજરમાન રુપ આપણને બતાવનાર કવિના શબ્દોનું સદા ઋણ રહેશે.
કવિની સાચી અંજલી એ તો એના શબ્દોને આપેલી અંજલી જ હોય શકે. સુરેશ દલાલે રમેશ પારેખની આપેલી આ શબ્દાંજલીથી વધારે સારી અંજલી મળવી મુશ્કેલ છે.
રમેશ પારેખના શબ્દો
રમેશ પારેખના શબ્દો
એ મીરાંની બાવરી આંખ છે;
રમેશ પારેખના શબ્દો
એ આલા ખાચરને આવેલા મોતિયાની ઝાંખ છે.
ધોધમાર ગુલમ્હોર
એ રમેશ પારેખના ગીત છે;
સ્તનમાં ટહુકેલા મોર;
એ રમેશ પારેખની કવિતાનું કુંવારું સ્મિત છે.
રમેશ! તારાં અછાંદસ કાવ્યો
એ લયના ઝંઝાવતનું નીખરેલું રૂપ છે.
રમેશ! તારા સોનેટ
એ જળ અને આસવના બિલોરી સ્તૂપ છે.
રમેશ! તારી ગઝલ
એ રણ પર ઊગેલો ચાંદ છે;
રમેશ! તારી કવિતા
એ ઝાડને ફૂટેલું લીલેરું પાંદ છે.
-સુરેશ દલાલ
Permalink
May 17, 2006 at 9:18 AM by વિવેક · Filed under રમેશ પારેખ, સાહિત્ય સમાચાર
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !
રમેશ પારેખ
ગુજરાતી કવિતાનો મોભ આજે અચાનક તૂટી પડ્યો. રમેશ પારેખ ‘છે’માંથી ‘હતાં’ થઈ ગયાં. ‘છ અક્ષરનું નામ’ હવે નથી રહ્યું… લખતી વખતે જાણે લાગે છે કે હાથને લકવો થઈ ગયો છે….
Permalink
May 16, 2006 at 7:00 PM by ધવલ · Filed under અછાંદસ, રાજેન્દ્રસિંહ રાયજા
ભાઈ!
મારું એક કામ કરીશ?
મારે એક સંદેશો પહોંચાડવો છે.
બુદ્ધ મળે તો કહેજે
કે
રાઈ માટે ધેર ધેર ભટકતી ગૌતમીને
આજે વહેલી સવારે
મળી આવ્યું છે
એક નવજાત બાળક
ગામને ઉકરડેથી!
– રાજેન્દ્રસિંહ રાયજાદા
ભગવાન બુદ્ધ મૃત્યુની અનિવાર્યતા સમજાવવા ગૌતમીને જે ઘરમાં કોઈ મૃત્યુ ન થયું હોય એવા ઘરમાંથી રાઈ લઈ આવવા મોકલે છે, એવી કથાની ભૂમિકા પર રચાયેલું કાવ્ય એકી સાથે કેટલાય મર્મસ્થળોને અડકી લે છે. તમે કાંઈ પ્રતિભાવ આપી શકો એ પહેલા જ આ કાવ્ય તમને ગાઢ વિચાર કરવા પર મજબૂર કરી દે છે.
Permalink
May 15, 2006 at 7:12 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે,
પાણીના બે અણુ સમું બંધાણ સઘળું છે.
જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
લૂંટાવું તારા હાથે, એ નિશ્ચિત હતું, ઓ કાબ !
છે હાથ, છે કળા ને ધનુષ-બાણ, સઘળું છે.
ચઢતાં જે થાક લાગ્યો, ઉતરતાં ન લાગ્યો એ,
સમજ્યો, આ દેહ શૂન્ય છે, ખેંચાણ સઘળું છે.
આગળ ખબર નથી અને પાછળ કશું નથી,
બે-ચાર પળનું આપણું રોકાણ સઘળું છે.
શબ્દોને વાવ્યાં લોહીમાં તો શ્વાસ થઈ ઊગ્યાં,
મારા કવનમાં કંઈ નથી, ભેલાણ સઘળું છે.
ડૉ. વિવેક મનહર ટેલર
(કાબ=કાબો,લૂંટારો, ભેલાણ=બગાડ,નુકસાન)
વિવેકની આ અને બીજી ગઝલો આપ એની સ્વરચિત ગઝલોના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.
Permalink
May 15, 2006 at 12:27 PM by ધવલ · Filed under ગઝલ, લાભશંકર દવે
ઊતરી ગયું છે પાણી બધું ચાસેચાસમાં
એનો વિકાસ થાય છે આ લીલા ઘાસમાં.
હું ફૂલ એનાં જોઈને નિશ્ચિંત થઈ ગયો !
મારું કફન વણાઈ રહ્યું છે કપાસમાં !
મારો અભાવ કેવો લીલછમ બની ગયો !
ઊગી ગયું છે ઘાસ કબરની આસપાસમાં.
તું એને શોધવાના પ્રયાસો ન કર હવે,
એ પણ કદાચ હોય તારા શ્વાસેશ્વાસમાં !
– લાભશંકર દવે
નવીન કલ્પનોથી સજાવેલી આ ગઝલને સનાતન અસ્તિત્વ એવું નામ આપીને કવિએ આખો નવો અર્થ આપ્યો છે. એના સંદર્ભમાં ગઝલને સમજવાનો પ્રયાસ કરો તો અર્થનું એક વધારે પડ ઉઘડે છે.
Permalink
May 14, 2006 at 7:28 AM by વિવેક · Filed under સંકલન
એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
શું એમ કોઈનાય માર્યા મરી જવાના !
-અમૃત ‘ઘાયલ’
પીડા મહીં પણ એમ હસું છું,
જાણે ગયો છે રોગ સમૂળ.
-અમૃત ‘ઘાયલ’
કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.
-અમૃત ‘ઘાયલ’
આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
-મરીઝ
વીતે વર્ષો પછી એ તપ ફળે છે,
મળ્યું જે ‘દર્દ’ તે કોને મળે છે ?
નથી આ દર્દ, છે ઈશ્વરની લીલા,
’તબીબ’ ઉપચારથી આગળ વધી જા.
-મરીઝ
(‘તબીબ’ને પૈસા ખાતર ‘દર્દ’ સંગ્રહ નામે વેચી દીધેલી કૃતિઓમાંની એકનો અંશ)
ભૂલી જાઓ તમે એને તો એ સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.
-મરીઝ
છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે !
-મરીઝ
એના સિવાય દર્દનો બીજો નથી ઈલાજ,
આનંદથી નિભાવો બધી સારવારને.
-મરીઝ
પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-ડૉ. રઈશ મનીઆર
ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?-
‘શૂન્ય’ પાલનપુરી(સૌજન્ય: સુરેશ જાની)
બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે દીધા ઘાવ છે.
-વિવેક
દર્દીનો હું ઇલાજ છું, મારો ઇલાજ શો ?
મુજ દર્દના ઇલમ બધાં શેં ભૂલી જાઉં છું ?!
-વિવેક
આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
-વિવેક
લયસ્તરોમાં આ પ્રકારનો બદલાવ આપને કેવો લાગ્યો? આ વિષય પર ઘણા બીજા શાયરોના પણ ઘણા બીજા શેર આપણા સાહિત્યના બાગમાં છે જ. આપ અમને લખી મોકલશો તો બીજી કડીમાં આપના સૌજન્યસ્વીકાર સાથે રજૂ કરીશું. દર અઠવાડિયે એકવાર આ પ્રકારે એક જ વિષય પર અલગ અલગ શેરોનો રસાસ્વાદ કરાવવાની નેમ છે…. આપનો અભિપ્રાય આપશો?
-વિવેક
Permalink
May 13, 2006 at 9:57 AM by વિવેક · Filed under ગઝલ, દત્તાત્રય ભટ્ટ
રોજ ઉદાસી ઢળે મારી ભીતર,
એક સન્નાટો ભળે મારી ભીતર.
રેતનો દરિયો અહર્નિશ વિસ્તરે,
ઝાંઝવાં ટોળે વળે મારી ભીતર.
નીકળે નિઃશ્વાસ નિત ઉચ્છવાસમાં,
કોણ શ્વાસોને છળે મારી ભીતર ?
ચક્રવ્યૂહોમાં ફસાતાં શ્વાસ, ને –
આગલા જન્મો કળે મારી ભીતર.
સ્થૂળ રૂપે સાંપડે સમશાનમાં,
જે ચિતા હરદમ બળે મારી ભીતર.
દત્તાત્રય ભટ્ટ (જન્મ: 8-6-1958), હાલ ગોધરા રહે છે. એમની ગઝલોમાં ઊર્મિની વેધક રજૂઆત ઊડીને આંખે વળગે છે. આખી ગઝલમાં ઉદાસીનો રંગ ધીમે-ધીમે ખૂબ ઘેરો બનતો જતો હોવાની પ્રતીતિ થાય છે. મક્તાના શેરમાં ચિત્તમાં કાયમ પ્રજ્વળતી રહેતી ચિતાનો સ્થૂળ દેહ એક ઊંડો વિષાદ જન્માવવામાં સફળ થાય છે જે કૃતિ અને કવિની સફળતા છે.
Permalink
May 12, 2006 at 11:42 AM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
વાવાઝોડું તો પસાર થઈ જશે
સમય પડખું પણ બદલશે
શનિ દશા, રાહુ અન્તર દશા જશે ને
ગુરુ ધીમાં ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં
વાદળો તો ખસશે આકાશમાંથી
પણ સૂરજના ઊગવામાં હું
શ્રદ્ધા ખોઈ બેસીશ તો?
શાણા માણસો કહે છે:
બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
પણ ત્યાં સુધીમાં
હું હસવાનું ભૂલી જઈશ તો?
-વિપિન પરીખ
Permalink
May 11, 2006 at 1:46 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.
અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.
કોઈ મને પાડે ફરજ ? ના-ના, કદી મુમકિન નથી,
હું જે કરું છું, જેમ છું – મારા જ બસ, આદેશમાં
સમજાયું અંતે તો મને કે તું જ સૌથી શ્રેષ્ઠ છે,
ભૂલી ગયો’તો મૂલ્ય હું કાયમના સંનિવેશમાં.
અલ્લાહની આગળ કયામત પર જઈશું શાનથી,
વાતો નથી મારામાં જે એ ક્યાં છે કો’ દરવેશમાં ?
હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
ડૉ.વિવેક મનહર ટેલર
Permalink
May 10, 2006 at 9:48 PM by ધવલ · Filed under ગઝલ, જગદીશ જોષી
પડઘાની આંખ આંજીને બેહદનું ખુશ થવું,
બસ આટલો આ મારી તિતિક્ષાનો ભાર છે.
પહેલાંની જે બપોર તે મધરાત થઈ બળે,
તારાઓ રૂપે સૂર્યની કરચોની ધાર છે.
નવરાશના તટે જે ચણ્યા મ્હેલ મેં-તમે,
બારી મૂકી’તી ત્યાં હવે ભૂરો ઉભાર છે.
– જગદીશ જોષી
જે કલમે ખોબો ભરીને અમે અને એક હતી સર્વકાલિન વાર્તા જેવી રચનાઓ આપી એને રૂપકોની અછત હોય જ નહી. જેવો સ્નિગ્ધ વિષાદ આ ગઝલમાં જોવા મળે છે, એ જગદીશ જોષી સિવાય કોઈની રચનામાં જોવા મળતો નથી.
(તિતિક્ષા=સહનશીલતા,ધૈર્ય)
Permalink
May 10, 2006 at 10:18 AM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…
વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…
પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…
ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…
છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…
મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…
– નયન દેસાઈ
નયનભાઈને સાંભળવા એક મોટો લાહવો છે. મોટા ભાગના કવિઓ ગઝલ લખે છે અને સંભળાવે છે. જયારે નયન ગઝલ જીવે છે અને જીવી બતાડે છે. આંખ બંધ કરીને એ ઘેરા સ્વરથી ગઝલ, એવી તન્મયતાથી સંભળાવે કે જાણે એ પોતે ગઝલના વિશ્વમાં જ પહોંચી ગયા ન હોય અને સાથી શ્રોતાઓને પણ પોતાની સાથે જ લઈ જાય.
આ ગઝલના તો એટલા અર્થસ્વરૂપો છે કે રોજ એક જ શેર વાંચીને એને આખો દિવસ મમળાવો ત્યારે જ સંતોષ થાય.
Permalink
May 9, 2006 at 7:25 PM by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો
આગને કોણ સળગતી રાખે
શહેરના શે’ર બળે છે રોકો
ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો
શબની પેટીથી મતની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો
છે ઈમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો
– આદિલ મન્સૂરી
Permalink
May 9, 2006 at 2:24 AM by વિવેક · Filed under બ્લોગજગત
ગુજરાતી બ્લોગજગત ધીમેધીમે એના નિર્ધારિત મુકામે પહોંચી રહ્યું છે. કોઈ એક સમયે કોઈ એક ગુજરાતીએ પોતાની માતૃભાષાને સદૈવ જીવંત અને વિનામૂલ્યે સૌ કોઈ સુધી પહોંચાડવાનું સ્વપ્ન જોયું હતું, એ હવે પૂર્ણ થવાને આરે છે. બ્લોગજગતમાં દરરોજ નવા બ્લોગર્સ ઉમેરાતા જાય છે અને જેમ સ્પર્ધા વધતી જવાની, આપણને વધુ સારા બ્લોગ્સ પણ મળતાં જશે. ‘દિવ્ય ભાસ્કર’ પછી ‘નવનીત સમર્પણ’ અને હવે ગુજરાતી ભાષાના લોકપ્રિય અઠવાડિક ‘અભિયાન’ની ટીમે (૦૬-૦૫-૨૦૦૬) પણ ગુજરાતી બ્લોગ્સના વધતા જતા વ્યાપની નોંધ લેવાની ફરજ પડી છે. આ માહિતી પૂરી પાડવા માટે ઈલાક્ષી અને ડૉ. નીરવનો આભાર માનીએ છીએ અને સાહિત્યનો આ માર્ગ વધુ પ્રદિપ્ત અને ઉજ્જવળ બને એવી સૌ બ્લોગર્સને શુભેચ્છા પાઠવીએ છીએ.
Permalink
May 8, 2006 at 7:28 PM by ધવલ · Filed under ગીત, હરીન્દ્ર દવે
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!
જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર,
અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,
જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!
જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક,
પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,
ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!
– હરીન્દ્ર દવે
(કાંચનાર=નાગકેસરનું વૃક્ષ)
Permalink
May 8, 2006 at 1:09 PM by ધવલ · Filed under મુક્તક, રમેશ પારેખ
તમે હાથ હેઠા કરે દ્યો હવે,
કે સંબંધ તોડી શકતા નથી.
તમે ફોડી શકશો અરીસા કદી,
ચહેરાઓ ફોડી શકતા નથી.
– રમેશ પારેખ
Permalink
May 7, 2006 at 3:11 AM by વિવેક · Filed under ગઝલ, મણિલાલ દેસાઈ
વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.
તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !
જો તું નથી તો તાય, અહીં કોઈ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.
સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.
લીલો અવાજ મોરનો હજુ યે ઉદાસ છે –
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.
ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.
લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.
મણિલાલ ભગવાનજી દેસાઈ (19-7-1939 થી 4-5-1966) વલસાડના ગોરેગામમાં જન્મ્યા અને યુવાનવયે અમદાવાદમાં મૃત્યુ પામ્યા. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.
Permalink
May 6, 2006 at 9:29 AM by વિવેક · Filed under ગીત, ગેમલ
હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.
વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને.
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને.
વહાલે મીરાં તે બાઈના ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીના પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને.
વહાલે આગે સંતોના કામ. પૂરણ કરિયાં રે;
ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુઃખ હરિયાં રે. હરિને.
ગેમલ
ગેમલ (ઈ.સ. 19મી સદી પૂર્વાર્ધ) એટલે જાણે કે એક જ પદના કવિ. આ પદ એટલું તો વંચાયું, ગવાયું અને સંભળાયું છે કે કવિતા કવિને અતિક્રમી જાય છે એ વાત સાચી લાગે.
Permalink
May 5, 2006 at 11:20 AM by ધવલ · Filed under સાહિત્ય સમાચાર
હિન્દી ફીલ્મોના ખ્યાતનામ સંગીત નિર્દેશક નૌશાદસાહેબ ગઈકાલે 86 વર્ષની વયે અવસાન પામ્યા. હિન્દી ફીલ્મો જોનારી ત્રણ પેઢી એમનું સંગીત સાંભળીને મોટી થઈ છે. શકીલ બદાયુનીના શબ્દો અને નૌશાદસાહેબની ધૂન – એ જોડીએ કેટલાય અવિસ્મસ્ણીય ગીતો આપ્યા છે. સંગીતકાર હોવા ઉપરાંત નૌશાદસાહેબ શાયર પણ હતા. અહીં એમના ચંદ અશઆર પેશ છે.
अब भी साज़-ए-दिल में तराने बहुत हैं
अब भी जीने के बहाने बहुत हैं
गैर घर भीख ना मांगो फ़न की
जब अपने ही घर में खजाने बहुत हैं
है दिन बद-मज़ाकी के “नौशाद” लेकिन
अब भी तेरे फ़न के दीवाने बहुत हैं.
(આભાર, સાગરભાઈ)
तूफ़ाने जुनूँ हमने उतरते देखा,
एक ज़ख़्म पुराना सा उभरते देखा,
ऐ वहशते दिल वो भी अजब मंज़र था,
जब अक्स को आईने से डरते देखा
सब कुछ सरे बाज़ारे जहाँ छोड़ गया है
ये कौन खुली अपनी दुकाँ छोड़ गया है
Permalink
May 5, 2006 at 9:30 AM by ધવલ · Filed under મુક્તક, રમેશ પારેખ
ચરણ મારાં તારા ભણી હોય છે,
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે.
મુઠ્ઠીમાં જ રાખીને ફરીએ છતાં,
ક્ષણો કેટલી આપણી હોય છે ?
– રમેશ પારેખ
Permalink
May 4, 2006 at 1:38 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
દૂર દૂર પરહરતાં, સાજન !
વરસો આમ જ સરતાં, સાજન !
કારતકના કોડીલા દિવસો –
ઊગી આથમી ખરતા, સાજન !
માગશરના માઝમ મ્હોલોમાં
નેવાં ઝરમર ઝરતાં, સાજન.
પોષ શિશિરની રજાઈ ઓઢી
અમે એક થરથરતા, સાજન !
માઘ વધાવ્યા પંચમ સ્વર તો
કાન વિષે કરગરતા, સાજન !
છાકભર્યા ફાગણના દહાડા –
હોશ અમારા હરતા, સાજન !
ચૈત્ર ચાંદની, લ્હાય બળે છે,
તમે જ ચંદન ધરતા, સાજન !
એ વૈશાખી ગોરજવેળા,
ફરી ફરીને સ્મરતા, સાજન !
જેઠ મહિને વટપૂજન વ્રત,
લોક જાગરણ કરતા, સાજન !
આષાઢી અંધારે મનમાં
વીજ સમાં તરવરતાં, સાજન !
શ્રાવણનાં સરવરની પાળે,
હવે એકલા ફરતા, સાજન !
ભાદરવો ભરપૂર વહે છે,
કાગ નિસાસા ભરતા, સાજન !
આસોનાં આંગણ સંભારે
પગલાં કુંકુમઝરતાં, સાજન !
– રાજેન્દ્ર શુક્લ
માસે માસ પ્રિયજનને સંભારતા વિતેલા વર્ષની કથારૂપે વણેલી આ ગઝલ તરત જ દિલમાં ઘર કરી જાય એવી છે. કવિએ પસંદ કરેલા શબ્દો એટલાં મીઠાં છે કે વિરહને વેદના ભૂલીને કવિની ભાષાસિદ્ધિને બિરદાવવાનું મન થઈ આવે છે ! દરેક માસનું આગવું ચિત્ર અહીં આબાદ ઉપસી આવે છે. સૌથી છેલ્લી કડીમાં, આસો માસમાં એટલે કે દિવાળી વખતે રંગોળી પૂરવાના મહીનામાં, આંગણ ખુદ સાજનના કુંકુમઝરતાં પગલાને યાદ કરે છે એવી વાત કરીને કવિ અભિવ્યક્તિને એક વધારે ઊંચા મૂકામ પર લઈ ગયા છે.
( પરહરતાં=છોડી જતા, મ્હોલો=મહેલો, છાક=કેફ, ગોરજવેળા=સાંજ )
Permalink
May 4, 2006 at 8:31 AM by વિવેક · Filed under ગઝલ, મનહરલાલ ચોકસી
ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.
સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.
વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.
ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની સળવળતી રહી.
હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.
હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.
-મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’
આજે મનહરલાલ ચોક્સીની વિદાયને એક વર્ષ થયું (29-09-1929 થી 04-05-2005). ગુજરાતમિત્રમાં ‘શાયરીની શમા’ વર્ષો લગી ઝળહળતી રાખનાર મનહરલાલ પારદર્શી વ્યક્તિત્વ ઉપરાંત સાદગી, સહિષ્ણુતા અને સમભાવના કારણે આજીવન અજાતશત્રુ રહ્યાં અને તે એટલી હદે કે પાર્કિન્સનની બિમારી સાથે ય કાયમી દોસ્તી રાખી. એમની ચોકસી નજર નીચે કેટલાય કવિઓ છંદ-લયથી સમૃદ્ધ થયાં. ઉર્દૂના ઉસ્તાદ કક્ષાના જાણકાર. જ્યોતિષવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રના પ્રખર જાણભેદુ. ગુજરાતને કવિતા, નવલકથા અને વાર્તાઓ આપવા ઉપરાંત એમણે મુકુલ ચોક્સી પણ આપ્યા! પદ્ય પદાર્પણ :‘ગુજરાતી ગઝલ’ (ગઝલ), ‘અક્ષર’ અને ‘ ‘વૃક્ષોના છાંયડાઓ મને ઓળખી ગયા’ (કાવ્ય સંગ્રહો), ‘હવાનો રંગ’ (મુક્તક).
Permalink
May 4, 2006 at 1:10 AM by વિવેક · Filed under સાહિત્ય સમાચાર
ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યના ફેલાતા જતા વ્યાપથી ગુજરાતી ભાષાની આવતીકાલ નિઃશંકપણે ઉજ્જવળ ભાસે છે. બ્લોગરોની વધતી જતી સંખ્યા અને દરેક બ્લોગરોના પોતાના મિત્રવૃંદ હોવાના કાળ-ક્રમે દરેક બ્લોગને મિત્રતાની સીમા વળોટી આવેલા વાંચકો અને ચાહકો મળતા રહે છે. રીડગુજરાતી.કૉમના સંપાદક મૃગેશ શાહ સર્વપ્રથમ ગુજરાતી ઈ-દૈનિક લઈને આવ્યા છે જેની નોંધ તાજેતરમાં જ ગુજરાતના નંબર એક દૈનિક દિવ્ય ભાસ્કરે પણ લીધી. વળી ગુજરાતી ભાષાના ‘રિડર્સ ડાયજેસ્ટ’ ગણાતા ‘નવનીત સમર્પણ’ ના આ મહિનાના અંકમાં પણ એમનો લેખ છપાયો છે. લયસ્તરો ટીમ તરફથી મૃગેશ શાહને ખૂબ ખૂબ અભિનંદન. લયસ્તરો પર મૃગેશભાઈની નોંધ અગાઉ પણ લેવામાં આવી હતી.
Permalink
May 3, 2006 at 7:23 PM by ધવલ · Filed under બ્લોગજગત
વિસ્તરતા જતા ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત છે આ બઘા બ્લોગનું :
- મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’એ સ્વરચિત ગઝલોનો બ્લોગ બાગે વફા શરુ કર્યો છે. વફાસાહેબની ગઝલ લયસ્તરોમાં રજૂ કરેલી તે આપે માણી જ હશે.
- સુવાસ એ બ્લોગ સ્વરૂપે શરું કરેલું ઈસ્લામી મેગેઝીન છે. એ ઈસ્લામ વિષે સાચી સમજ ફેલાવવાનું ધ્યેય રાખે છે.
- સલીમ વલી દેવલ્વીએ બ્લોગ ઉજાસ શરૂ કર્યો છે. અત્યારે એમા ચાર જ પોસ્ટ છે. એમાંય ઈસ્લામી ઝાંય દેખાય છે. આજની પરિસ્થિતિ પર એમનો છેલ્લો પોસ્ટ મેરા ભારત મહાન જોશો.
- સુવાસ ટીમે જ સમાચાર સાર નામે બ્લોગ શરૂ કર્યો છે. એમના જ શબ્દોમાં, ‘અમારો આશય છે કે શિક્ષણ ક્ષેત્રે પછાત લધુમતિ કોમ એટલે કે મુસલમાનોને શિક્ષણ પ્રતિ આકર્ષવામાં આવે, આધુનિક શિક્ષણ પ્રતિ તેમનું ઓણમાયું વર્તન બદલાય એવા પ્રયત્નો કરવામાં આવે, આ જ આધારે અમુક વિશેષ પ્રકારના સમાચાર અને બોધદાયક વાતો સમાચારસારમાં પ્રગટ કરવાનો વિચાર છે.’
Permalink
May 3, 2006 at 10:23 AM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
(સોમનાથ મહાદેવ, વેરાવળ: 1992)
રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.
લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.
બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –
કોઈ કોઈને હવે ભજશે નહીં.
રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.
આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.
ડૉ.વિવેક મનહર ટેલર
છેલ્લા બે દિવસથી રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સંસ્કારનગરી વડોદરામાં અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી.
Permalink
May 2, 2006 at 9:13 PM by ધવલ · Filed under મુક્તક, હરકિશન જોષી
સડક ચાલનારાની પાછળ રહી છે,
અને સાવ એકલતા એણે સહી છે;
સમર્પણનો રસ્તો પ્રસિદ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે!
– હરકિશન જોષી
Permalink
May 2, 2006 at 5:28 PM by ધવલ · Filed under અછાંદસ, સુનીલ ગંગોપાધ્યાય
કોઈ વચન પાળતું નથી. તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં
કોઈ વચન પાળતું નથી.
નાનપણમાં એક વૈષ્ણવ બ્રાહ્મણીએ એનું એક સ્વાગતગીત
એકાએક થંભાવીને કહ્યું હતું,
સુદ બારસને દિવસે બાકીનો અંતરો સંભળાવી જઈશ.
ત્યાર બાદ કેટલીયે ચન્દ્રહીન અમાસ ચાલી ગઈ
પણ એ વૈષ્ણવ બ્રાહ્મણી પાછી ન આવી.
પચીસ વરસથી રાહ જોઉં છું.
મામાના ઘરના નાવિક નાદેરઅલીએ કહ્યું હતું,
દાદાઠાકુર, મોટો થા,
તને હું ત્રણ પ્રહરનું જળાશય જોવા લઈ જઈશ.
ત્યાં કમળના માથા પર સાપ અને ભમરો રમે છે.
નાદેરઅલી, હું હવે કેટલો મોટો થઈશ ?
મારું માથું આ ઘરનું છાપરું ફાડી આકાશને
સ્પર્શ કરશે પછી શું તું મને
ત્રણ પ્રહરનું જળાશય બતાવીશ ?
એકાદ મોંઘી ચોકલેટ કદી ખરીદી શક્યો નથી.
લોલીપોપ દેખાડી દેખાડીને ચૂસતાં હતાં
આર્મીના છોકરાઓ.
ભિખારીની જેમ ચૌધરીના ગેટ પાસે ઊભા રહીને જોયો છે અંદરનો રાસોત્સવ.
અવિરત રંગની છોળો વચ્ચે સુવર્ણ-કંકણ પહેરેલી
ગોરી ગોરી યુવતીઓ
કેટકેટલા આનંદથી હસતી હતી.
મારી તરફ તેઓએ વળીને જોયું ય નથી.
બાપુજી મારા ખભાને સ્પર્શતાં બોલ્યા હતા, જોજે,
એક દિવસ આપણે પણ…
બાપુજી હવે અંધ છે, અમે કંઈ કરતાં કંઈ જોઈ શક્યા નથી.
એ મોંઘી ચોકલેટ. એ લોલીપોપ, એ રાસોત્સવ મને કોઈ પાછા લાવી આપવાના નથી.
છાતી પાસે સુગંધી રુમાલ રાખીને વરુણાએ
કહ્યું હતું,
જે દિવસે મને ખરેખર ચાહીશ
તે દિવસે મારી છાતીમાંથી પણ આવી અત્તરની સુવાસ આવશે.
પ્રેમને માટે મેં જીવને મુઠ્ઠીમાં બાંધ્યો
તોફાની-વકરેલા સાંઢની આંખે લાલ કપડું બાંધ્યું.
આખી દુનિયા ખૂંદી વળી લઈ આવ્યો 108 નીલકમળ
તોપણ વચન પાળ્યું નથી વરુણાએ, હવે
એની છાતીમાં ફક્ત માંસની ગંધ
હવે એ કોઈક અજાણી સ્ત્રી !
કોઈ વચન પાળતું નથી, તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં,
કોઈ વચન પાળતું નથી.
– સુનીલ ગંગોપાધ્યાય
(અનુવાદ – નલિની માડગાંવકર)
સુનીલ ગંગોપાધ્યાયની કવિતાઓમાં જાણે વાર્તા ડોકીયું કરતી હોય એવું લાગે. આવા કાવ્યને માટે કથાકાવ્ય ઉચિત નામ છે. જીવનમાં સપનાની પાછળ દોડવાની અને એમાં પછડાટ ખાવાની વાતને એમણે સરસ રીતે રજૂ કરી છે. આ પહેલા રજૂ કરેલું એમનું જ કથાકાવ્ય ચાની દુકાનમાં પણ જોશો.
Permalink
May 2, 2006 at 12:40 PM by ધવલ · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી
શ્રી રતિલાલ ચંદરયાએ બનાવેલ ગુજરાતીલેક્સીકોન.કોમ વેબસાઈટ એ શંકા વિના ગુજરાતી ભાષાનો એક શ્રેષ્ઠ શબ્દકોશ છે. આપમાંથી મોટા ભાગના જણાએ આ વેબસાઈટની મુલાકાત લીધી જ હશે.
હવે એમણે આ શબ્દકોશને ઓફલાઈન ઉપયોગ માટે ડેસ્કટોપ એપ્લીકેશનનું રૂપ આપ્યું છે. આ એપ્લીકેશન આપ ગુજરાતીલેક્સીકોન.કોમના ડાઉનલોડ વિભાગમાંથી ડાઉનલોડ કરી શકો છો. મેં હમણાં જ આ શબ્દકોશને મારા કોમ્પ્યુટર પર ચલાવી જોયો. ઘણા વખતથી જે સપનું હતું ગુજરાતીમાં ઈલેક્ટ્રોનીક શબ્દકોશનું, એ આનાથી પૂરું થાય છે. આ શબ્દકોશમાં વિરોધી શબ્દો, રુઢિપ્રયોગો અને ગુજરાતી થેસારસ પણ છે !
આ સાથે જ સરસ નામનું એક સ્પેલચેકર પણ ઉપલબ્ધ છે જોકે આ હજુ મેં વાપરી જોયું નથી.આવો અદભૂત શબ્દકોશ અને એ પણ ગુજરાતીઓની ગમતી કીમતે (એટલે કે મફત!) ઉપલબ્ધ કરાવવા માટે શ્રી ચંદરયા અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર.
ચિત્રલેખાના એપ્રીલ 24ના અંકમાં ગુજરાતીલેક્સીકોન ઉપર આખો લેખ આવ્યો છે. એમાં શ્રી ચંદરયા અને એમની ટીમ (જેમાં ‘ઉત્કર્ષ’વાળા કાર્તિકનો પણ સમાવેશ થાય છે) વિષે માહિતી છે. ભારતમાં તો ચિત્રલેખાના આ અંક સાથે શબ્દકોશની સીડી મફત સામેલ કરી છે. આવી દીર્ઘદ્રષ્ટી માટે ચિત્રલેખાને પણ મારા અભિનંદન.
કોઈની પાસે ચિત્રલેખાનો આ અંક હોય તો મને આ લેખની કોપી મોકલી આપશો.
તાજા કલમ: કાર્તિકે લેખની કોપી મને મોકલી છે. એ તમે અહીં વાંચી શકો છો..
Permalink
May 1, 2006 at 11:39 AM by ધવલ · Filed under અછાંદસ, મધુ કોઠારી, મોનો ઇમેજ
(1)
ચાંદની
મારા પર ફેલાઈ
ને હું
બની ગયો બગલો.
હવે પકડ્યા કરું છું
વિચારોની માછલી
આખી રાત
(2)
દમયંતીએ કહ્યું:
‘ઓઢવા માટે વસ્ત્ર
નથી’
નળે તરત જવાબ વાળ્યો:
‘આ ચાંદની ઓઢી લે!’
(3)
ચંદ્ર નામનો
સફેદ કરોળિયો
વણે છે ચળકતી જાળ
તેને કહે છે ચાંદની!
(4)
આ ચાંદની નથી
ફેલાઈ ગયેલી
મારી અસીમ વિરહવેદના છે…
-મધુ કોઠારી
ચાંદની કેન્દ્રીત રુપકડાં શબ્દ-ચિત્રો. જાણે વિચારોની નાની નાની ચૂસકીઓ ભરતા હોઈએ એવી લાગણી જન્માવે છે.
Permalink
May 1, 2006 at 8:01 AM by વિવેક · Filed under ગીત, નર્મદ
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
-કવિ નર્મદ
આજે પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિન. આજના દિવસે જનની જન્મભૂમિના ચરણે કવિ નર્મદનું સુંદર શબ્દફૂલ અર્પણ કરું છું. જય ગુજરાત.
Permalink