સમજી જાજે સાનમાં -બાલમુકુન્દ દવે
સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ,
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ !
-બાલમુકુન્દ દવે
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ,
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ !
-બાલમુકુન્દ દવે
વારા ફરતી વારામાંથી નીકળવું છે
મારે આ જન્મારામાંથી નીકળવું છે
જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;
તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;
કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;
સદીઓથી એમાં ને એમાં સપડાયો છું
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે
કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ
જગની જર્જર ધારામાંથી નીકળવું છે
કોઇ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર
મારે તારા-મારામાંથી નીકળવું છે
અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
ભીતરના અંધારામાંથી નીકળવું છે
– હરજીવન દાફડા
(સંપૂર્ણ ગઝલ માટે આભાર, નીરજ મહેતા અને જનક દેસાઈ. નીચે કોમેંટ જુઓ.)
ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
કિનારો હોય કે મઝધાર મારે શો ફરક પડશે ?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
-ભગવતીકુમાર શર્મા
મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
-બેફામ
ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.
-રમેશ પારેખ
ક્યાંક ઊઘડતું આવે અંતર,
ક્યાંક ઓસરી જાય !
બે આંખોમાં કંઈ કંઈ આવે,
કંઈ કંઈ ચાલી જાય !
ક્યાંક કશું પકડાતું આવે,
ક્યાંક છૂટતું જાય.
-ચંદ્રકાંત શેઠ
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
-મનોજ ખંડેરિયા
એવા વળાંક પર હવે ઊભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ
અહીંથી હું શ્વેત શ્વેત કંઈ સ્વપ્ને લચી શકું
અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું
અહીંથી હું ભવ તરી શકું -અહીંથી ડૂબી શકું
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ
અહીંથી ઉમંગ ઊડતા અવસરમાં જઈ વસું
કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું
અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું
અહીંથી જવાય હમણાં-તરફ, અહીંથી કદી-તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ …
-કિસન સોસા
જા તારા સપના મોટા થાય.
લાગણીઓના ખોળામાંથી ઉતરીને
જલ્દી જમીન પર ચાલતાં શીખે.
ચાંદ-તારા જેવી અપ્રાપ્ય ઊંચાઈઓને માટે
રીસાતા જીદ કરતા શીખે.
હસે
મલકાય
ગાય.
દરેક દીવાનું તેજ જોઈને લલચાય,
પોતાની આંગળી દઝાડે.
પોતાના પગ પર ઊભા રહે.
જા તારા સપના મોટા થાય.
-દુષ્યંતકુમાર
હિન્દીના મોટા ગજાના કવિ દુષ્યંતકુમારની આ કવિતા મારી અતિપ્રિય કવિતાઓમાંથી એક છે. એ વાચકને આશીર્વાદ આપવાને બદલે સીધા સપનાઓને આશીર્વાદ આપે છે ! સપનાના મોટા થવાની ઘટના આખી જીંદગી ચાલ્યા જ કરે છે. અને ખરેખર જોઈએ તો જીંદગી સપનાના સરવાળાથી વધારે છે પણ શું ?
મૂળ કવિતા एक आशीर्वाद ‘કાવ્યાલય’ પર ઉપલબ્ધ છે.
હા કબૂલ્યું ગુપ્તચર છું હું,
નામ બદલી
મૌનના કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છગ્નવેશે.
છંદના ખંડેરમાં બેસું કદી
બાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.
હાઈકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારે દઉં ગઝલના કાનમાં.
એકેક ચપટા શબ્દના પોલાણને,
અંદર જઈ જોઉં તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઈને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.
હા કબૂલ્યું ગુપ્તચર છું હું.
-‘આદિલ’ મન્સૂરી
તમે જેને
કાફલો કહો છો
એ તો ખરેખર –
ભૂલા પડેલા
માણસોનું ટોળું છે.
-સદાશિવ વ્યાસ
મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે
અરધી રાતે દરશન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે
તુલસીની આ માળા પહેરી, મીરાં સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !
કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલ કી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે
-સુરેશ દલાલ
પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે
-રમેશ પારેખ
સતત ઘડિયાળના કાંટા ફર્યા તે ગૌણ બાબત છે
પળોના મુડદાં ટપટપ ખર્યા તે ગૌણ બાબત છે
છે બાબત બંધ મુઠ્ઠીથી ટપકતાં ઝાંઝવાઓની
હથેળીમાં કંઈ રણ વિસ્તર્યા તે ગૌણ બાબત છે
ઝીલી લે છે કે નહીં વાતાવરણ પડઘા અવાજોના
ખીણો કંપી, પહાડો થરથર્યા તે ગૌણ બાબત છે
તમે ક્યા કારણોસર સાંભર્યા તે મુખ્ય બાબત છે
અચાનક-અણઅચાનક સાંભર્યા તે ગૌણ બાબત છે
ખરેખર મોરમાં આશ્ચર્ય જેવું હોય તો -ટહુકો,
ને એના કેટલાં પીછાં ખર્યાં તે ગૌણ બાબત છે.
-ભરત વિંઝુડા
હાથમાં અકબંધ દરિયા સાત છે,
તે છતાં ભરતી અમારી ઘાત છે.
જોઈ લીધા કૈંક તોફાનો અમે,
દિલ અમારું ખારવાની જાત છે.
રેતનું ઘર આખરે ડૂબી જશે,
મોજદરિયા રોજનો આઘાત છે.
રક્તની ટશરો પછી તો ફૂટશે,
ક્યાં ઉઝરડાની હવે ઓકાત છે.
રાખમાં તણખો બનીને જીવશે,
આગના પડખે ઠરેલી વાત છે.
-દિનેશ દેસાઈ
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
-મકરંદ દવે
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.
-દલપતરામ
અહીં અમેરિકા આવીને fall, autumnના ચક્કરમાં ભારતીય ઋતુઓ ભૂલી જવાય છે. વળી, અહીં ચોમાસા જેવી તો ઋતુ જ નથી. બારેમાસ વરસાદ પડે રાખે. અહીં એક અમેરીકન દોસ્તને સમજાવતો’તો કે ચોમાસું શું ચીજ છે. બિચારાને માનવામા આવે જ નહીં કે ગુજરાતમાં માત્ર ચાર જ મહીના વરસાદ પડે અને બાકીના આઠ મહીના તદ્દન કોરા ! રોજે રોજ હવામાનના સમાચાર જોઈને જીવતા લોકોને કેમ કરીને સમજાવવું કે અમને અઠ્યાવીસ વરસ લગી કદી હવામાનના સમાચાર સાંભળવાની જરુર લાગેલી જ નહીં !
મારે કવિતા લખવી નથી.
મારે તો લખવો છે કાગળ
-સરનામા વિનાનો,
મારા નામ વિનાનો !
તું યાદ આવે છે એટલે
હું કાગળ લખતો નથી.
હું કશુંક ભૂલવા માંગુ છું
એટલે કાગળ લખું છું.
-સુરેશ દલાલ
ગુજરાતી સાહિત્ય પરિષદ આ વર્ષે સો વર્ષ પૂરા કરે છે એ અવસરે આરપાર મેગેઝીને આ વખતના અંકમાં પરિષદના ભૂતકાળ, વર્તમાન અને ભાવિ પર કેટલાંક વાંચવા ને વિચારવા યોગ્ય લેખો પ્રગટ કર્યા છે. પરિષદના ઈતિહાસ પરનો લેખ ખાસ વાંચવાલાયક છે. પરિષદનું રાજકારણ મનને દુ:ખે છે. સાહિત્ય એ જનમાનસનુ પ્રતિબિંબ છે, એમ પરિષદએ આપણા સાહિત્યકારોનું જ પ્રતિબિંબ છે.
વાત વર્ષોની જર્જર પુરાણી હતી, એક રાજા હતો એક રાણી હતી,
સાવ ઈતિહાસથીયે અજાણી હતી, એક રાજા હતો એક રાણી હતી.
મેં અમસ્તી લખેલી કથાના સહુ પાત્ર સાચાં મળે છે તો હું શું કરું ?
કોના હોવાની ઘટના કહાણી હતી ? એક રાજા હતો એક રાણી હતી.
એક અવસ્થા હતી, ફૂલકન્યા હતી, તીરની સાથે છોડેલ ચિઠ્ઠી હતી,
ઊડતી એક ઘોડી પલાણી હતી, એક રાજા હતો એક રાણી હતી.
કે, ઝઝૂમ્યું હતું કોણ છેવટ સુધી શેરમાટીમા સપનાની સામે સતત ?
કોની વંશાવેલી ધૂંળ-ધાણી હતી? એક રાજા હતો એક રાણી હતી.
શાપ લાગ્યો હતો એક પળનો અને યુગ પથ્થર થઈને વિતાવ્યા હતા,
તોય વરદાન જેવી જ વાણી હતી, એક રાજા હતો એક રાણી હતી.
-અરવિંદ ભટ્ટ
એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…
-હરિહર ભટ્ટ
ઝોલે ચઈડું મન પછી ઊંઈઘું નહીં,
કામ હારું કોઈ પણ કઈરું નહીં.
ઓટલા ડા’પણની ડાળે હ્ળવળ્યા,
હાવ હારું કોઈ પણ હમજ્યું નહીં.
એક હેરીમાં ઉત્તું સપનું સરસ,
પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં.
કૂતરાની જેમ હઉ ભાગી ગિયા,
કે મહાણે કોઈ પણ થોઈભું નહીં.
લો, જુઓ આવી ગિયો છું બારણે,
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.
માણહાઈ ચેહ પર જોઈ છતાં,
ચૂપ થઈ બેહી રિયા, બોઈલું નહીં.
-મનહરલાલ ચોકસી
વરસો પહેલા વાચેલી આ ગઝલ થોડા દિવસ પર ફરીથી અચાનક યાદ આવી ગઈ. સૂરતી ભાષાનો ગઝલમાં ઉપયોગ સૂરતના માનીતા કવિ સ્વ.મનહરલાલ ચોકસીનો અનોખો પ્રયોગ છે. આજે એમના નામ આગળ સ્વ. લગાડવું પડે છે એ દુ:ખની ઘટના છે.
આ ગઝલનો લો, જુઓ… વાળો શેર મારો અત્યંત પ્રિય શેર છે. આ શેર અમે મિત્રો કોલેજકાળ દરમ્યાન ઘણીવાર ટાંકતા. સૂરતી ભાષાનો પ્રયોગ અહીં વિશેષ અર્થ ઉપસાવે છે. ગઝલમાં સૂરતીપણું માત્ર ભાષા સુધી જ સીમિત નથી. સમગ્ર ગઝલ જ સૂરતી સ્વભાવનું પ્રતિબિંબ પાડે છે.
આ ગઝલ પ્રેમપૂર્વક શોધી આપવા માટે કવિમિત્ર વિવેકનો ખાસ આભાર !
મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.
– શેખાદમ આબુવાલા
પળોની લડાઈમાં મરતા જતા નગરનો સાક્ષી છું.
આ માટી મારો શ્વાસ છે,
અહીં મારો જીવ ગભરાશે.
ઘૂંટાયેલા અવિશ્વાસથી જન્મેલી શૂન્યતાનો સાક્ષી છું.
તારા હાથે મને ઘડ્યો છે,
તારા હાથે હું તૂટી જઈશ.
સૂનકાર સાગરમાં રખડતા તોફાનોનો સાક્ષી છું.
મોજાઓનું તાંડવ મારો મદ છે,
એ મારા સૌથી ચિર સાથી બનશે.
ટેરવે ઉગેલી વેલના ગુલાબી ફૂલનો સાક્ષી છું.
સ્પર્શ મારી લત છે,
એ મારી તરસ બનશે.
-અખિલ શાહ