ઘસાતો હોય જળ માટે ને જળ ના આંગળી ઝાલે,
હવામાં હોય ખામોશી ખડક દ્વારા, ખડક માટે !
નિર્મિષ ઠાકર

યાદગાર ગીતો :૦૩: જીવન અંજલિ થાજો – કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

(જન્મ: ૨૮-૧૧-૧૯૦૧, મૃત્યુ: ૧૮-૧-૧૯૭૮)

[audio:http://urmisaagar.com/saagar/audio/jivan-anjali-thajo.mp3]

આખું નામ કરસનદાસ નરસિંહ માણેક અને ઉપનામ ‘વૈશંપાયન’.  મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે ઘણું સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી હતી.  કરાંચીમાં જન્મેલા પરંતુ મૂળ જામનગર જિલ્લાના હડિયાણાના વતની અને મુંબઈમાં વસવાટ. અસહકારની ચળવળ વેળાએ જેલવાસ પણ ભોગવેલો.  ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ સામયિકના તંત્રી પણ રહેલા, જે બંધ થઈ જતાં એમણે ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક પણ શરૂ કરેલું.  ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. (વધુ વિગતે કવિ પરિચય અહીં વાંચો)

ખૂબ જ જૂજ ગીતો એવા હોય છે કે જે પ્રાર્થનાની કક્ષાએ પહોંચી શકે છે.  પ્રાર્થનાની કક્ષાએ પહોંચેલું કવિનું આ ગીત શાળાથી માંડીને છેક મરણપ્રસંગોમાં આજે પણ અચૂક ગવાય છે.  પોતાના આખા જીવનને એક અંજલિ તરીકે પ્રભુને સમર્પિત કરી દેવાનો દિવ્ય ભાવ જ આ ગીતને પ્રાર્થનાસમી ઊંચાઈ બક્ષે છે. જીવનમાં માત્ર સારા કાર્યો કરવાની ક્ષમતા જ નહીં, પરંતુ (કુંતામાતાની જેમ) પોતાના પથમાં થોડી અડચણો માંગે છે. અને જો અડચણો આવશે તો એને લીધે ક્યાંક શ્રદ્ધા ખોઈ બેસવાની ભીતિ પણ કવિને છે જ, અને એટલે જ સૌથી મહત્વની વસ્તુ જે કવિ છેલ્લે માંગે છે, એ છે અખૂટ શ્રદ્ધા.  ખબર નહીં કેમ, પરંતુ આ ગીત કાયમ મને આપણા ‘ગાંધીબાપુ’ અને એમના જીવનની યાદ અપાવે છે.  કવિ અહીં જીવનમાં જેટલું અને જે જે માંગે છે એટલું અને એ બધું જો આપણને ખરેખર મળી જાય (એટલે કે એટલું જો આપણે જીવનમાં ઉતારી શકીએ) તો આપણે પણ જરૂર ‘ગાંધીજી’ બની શકીએ… પરંતુ એટલું સામર્થ્ય હોવું, શું એ જ ગાંધીપણું નથી?!

7 Comments »

 1. Sudhir Patel said,

  December 6, 2009 @ 12:56 am

  જીવનને અંજલિ કરવા પ્રેરતું કરસનદાસ માણેકનું ઉત્તમ પ્રાર્થના ગીત! વધુમાં આ અંજલિ ગીત મધુર સ્વર અને અદભૂત સ્વરાંકન સાથે અહીં પ્રથમવાર સાંભળ્યું એ બદલ આનંદ આનંદ અને આભાર!
  સુધીર પટેલ.

 2. AMRIT CHAUDHARY said,

  December 6, 2009 @ 1:31 am

  પ્રિય ઊર્મિબહેન્,
  તમે ગુજરાતીના યાદગાર ગીતો આપીને ફરીવાર ગુજરાતીના એ સાહિત્યિક વાતાવરણમાં લઈ
  જઈને આપણા સાહિત્યિક વારસાનુ જતન કરીને ભાવકોને આનન્દ આપો છો, તે બદલ તમને
  ખૂબ જ અભિનન્દન.

 3. વિવેક said,

  December 6, 2009 @ 6:03 am

  સુંદર પ્રાર્થનાકાવ્ય…

  કવિતામાં સૌથી અગત્યની કડી કદાચ છેલ્લી બે છે…

  વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
  શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો…

  – કવિની પ્રાર્થના જીવનનૈયાને કદી વમળ ન નડે એવી નથી એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે… હા, આ તોફાનમાં પણ શ્રદ્ધાનો દીવો બુઝાઈ ન જાય એ જ કવિની પ્રાર્થના છે… અને એ જ આ કવિતાનું હાર્દ પણ છે

 4. pink said,

  December 6, 2009 @ 8:22 am

  ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
  દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
  મારું જીવન અંજલિ થાજો !

 5. pragnaju said,

  December 7, 2009 @ 1:11 am

  વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
  શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
  મારું જીવન અંજલિ થાજો !

  આ ગાતા જ ભાવમા આંખભીની થાય

 6. manhar m.mody ('mann' palanpuri) said,

  December 7, 2009 @ 1:34 am

  ખુબ જ ભાવવાહિ પ્રાર્થના ગીત એવા જ સુમધુર સંગીત અને કર્ણમધુર સૂરમાં ઢાળીને ચારચાંદ લગાવી દીધા.

 7. Viren Patel said,

  December 7, 2009 @ 5:21 am

  School ni prarthana bani gayelun aa geet aapva badal aabhar.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment