ઉડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જિજ્ઞા ત્રિવેદી

જિજ્ઞા ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

નથી માગવી - જિજ્ઞા ત્રિવેદી
મસ્ત છે - જિજ્ઞા ત્રિવેદીમસ્ત છે – જિજ્ઞા ત્રિવેદી

મસ્ત છે આ મૌનની જાહોજલાલી,
એટલે ખપતા નથી શબ્દો શરાબી.

કંકુ ચોખાથી વધાવ્યાં સંસ્મરણ ત્યાં
આંખમાં વરસી ગયાં વાદળ અષાઢી.

જે અદાથી દૃશ્ય ઝીલાતું રહ્યું એ
જોઈને લાગે નજર જાણે નવાબી.

શાન છે સંધ્યા સમયના હોઠની કે,
કોઈએ ઉન્માદની લાલી લગાડી ?

કંટકોને રોકડું પરખાવવામાં,
ફૂલ થઈ જાશે હવે હાજરજવાબી.

– જિજ્ઞા ત્રિવેદી

ભાવનગરના કવયિત્રી જિજ્ઞા ત્રિવેદી એમનો બીજો ગઝલ સંગ્રહ “શુકન સાચવ્યાં છે” લઈને આવ્યાં છે. એક મજાની ગઝલ સાથે લયસ્તરોના આંગણે એમનું સસ્નેહ સ્વાગત છે.

Comments (3)

નથી માગવી – જિજ્ઞા ત્રિવેદી

નથી માંગવી શ્વાસની આજ ભિક્ષા,
કરીશું અમે જિંદગીની પ્રતીક્ષા.

સમય સાથ આપે ન આપે ભલે ને,
દુઆ સાથ અમને મળી આજ દીક્ષા.

સમયના બહાને વફાની અમારી,
ભલે દોસ્તો પણ કરી લે પરીક્ષા !

બધાં દોષ દુર્ગુણ નજરમાં સમાવી,
અમે જાતની પણ કરી છે સમીક્ષા !

ગઝલના નશામાં કહી આ ગઝલ તો,
અમોને કરી આકરી કેમ શિક્ષા ?

– જિજ્ઞા ત્રિવેદી

Comments (7)