અરેરે, ખુદા, આ તે કેવું જીવન છે ?
મરી જાય માણસ જીવનની ફિકરમાં !
દિલહર સંઘવી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભાર્ગવ ઠાકર

ભાર્ગવ ઠાકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - ભાર્ગવ ઠાકર
છોડી દે - ભાર્ગવ ઠાકરછોડી દે – ભાર્ગવ ઠાકર

બધાં વળગણ, બધા સગપણ, બધું મિથ્યા છે, છોડી દે,
તું કેળવ આટલી સમજણ – બધું મિથ્યા છે, છોડી દે.

કરચલીઓ ત્વચા પરની સહજતાથી ઝીલી લઈને,
કહે છે આટલું દર્પણ – બધું મિથ્યા છે, છોડી દે.

નથી સંયમ, નિખાલસતા, અલખનો રંગ પણ ક્યાં છે ?
તો ભગવા કેમ છે પહેરણ ? બધું મિથ્યા છે, છોડી દે.

હું ઓજારો લઈ કંડારવા બેસું મહેચ્છાઓ,
મળે ત્યાં એટલી ટાંચણ, બધું મિથ્યા છે, છોડી દે.

પરમને પામવા શરણું જ પૂરતું છે પ્રતીક્ષાનું,
વરસ, મહિના, દિવસ કે ક્ષણ બધું મિથ્યા છે, છોડી દે.

– ભાર્ગવ ઠાકર

બધું મિથ્યા છે, છોડી દે કહેવું કેટલું સરળ છે ! અને કવિએ કેટલી સરસ રીતે આખી વાતને ગઝલના એક-એક શેરમાં રજૂ પણ કરી છે ! પણ આ નિગ્રહવૃત્તિને અમલમાં મૂકવી ? છોડી દે…

Comments (5)

ગઝલ – ભાર્ગવ ઠાકર

હૃદયની આરપાર છે,
સ્મરણ આ ધારદાર છે.

નહીં રૂઝાય ઘાવ આ,
અતીતનો પ્રહાર છે.

આ દેહ કાયમી નથી,
આ શ્વાસ પણ ઉધાર છે.

તમે કહો સુગંધ પણ,
એ પુષ્પનો પ્રચાર છે.

કદી જતાવતો નથી,
હા, પ્રેમ બેશુમાર છે.

-ભાર્ગવ ઠાકર.

નાની બહેરમાં કામ કરવું એ આમે દોરી પર ચાલવા બરાબર છે અને એમાંય લગાલગાના આવર્તન લઈને ગઝલ લખવી એ તો વળી હાથમાં વાંસ પકડ્યા વિના ચાલવા બરાબર છે. બહુ ઓછા કવિ આ નાજુક સમતુલન જાળવીને ઉત્તમ ગઝલ આપી શક્યા છે.  રાજકોટના ભાર્ગવ ઠાકર પ્રસ્તુત ગઝલમાં આ કામ સુપેરે કરી શક્યા છે…માણીએ એક શાનદાર, જાનદાર અને ધારદાર ગઝલ !

 

Comments (12)