સવાલ કર- ભાર્ગવ ઠાકર
વિકટ છે આ સમય હવે, તું બેધડક સવાલ કર!
હવે ન મૌન પાલવે, તું બેધડક સવાલ કર!
કબૂલ, એની હા કે ના જીવન-મરણનો પ્રશ્ન છે
ભલે હો જીવ તાળવે, તું બેધડક સવાલ કર!
શું એ વધુ છે કિંમતી, કે કિંમતી સ્વમાન છે?
મૂકી સંબંધ ત્રાજવે, તું બેધડક સવાલ કર!
કસોટી આગની જુઓ પરાસ્ત થઈ જવાબમાં
કહ્યું રજકને રાઘવે તું બેધડક સવાલ કર!
સશક્ત હો ભૂજા અને સમર્થ સારથિ છતાં
વિશાદભાવ ઉદ્ભવે તું બેધડક સવાલ કર!
– ભાર્ગવ ઠાકર
* * *
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.
સંવાદનો અભાવ એ પ્રવર્તમાન સમાજની કદાચ સૌથી વિકટ સમસ્યા છે. માણસ ભીતર જે અનુભવે છે એ સામી વ્યક્તિ સાથે સહિયારતા ડરે છે. અને સવાલ? રામ રામ… સવાલ પૂછવાનો ડર તો એથીય મોટો… એટલે જ કવિ સીધા મૂળમાં જ ઘા કરે છે. કહે છે- ‘તું બેધડક સવાલ કર!’ હવે મૌન પાલવે એમ જ નથી, કેમ કે સમય જ વિકટ છે… સ્વીકાર કે ઇનકાર જીવન-મરણનો પ્રશ્ન કેમ ન બની ગયો હોય, સવાલ જ નહીં કરો તો વાતનો નિવેડો કઈ રીતે આવશે? ત્રીજો શેર સાધારણ થયો છે, પણ સીતાની અગ્નિપરીક્ષા અને અર્જુનના વિષાદયોગના સંદર્ભ સાથે લખાયેલ છેલ્લા બે શેર સરસ થયા છે.


મધુસૂદન પટેલ 'મધુ' said,
December 25, 2025 @ 12:31 PM
વાહ!!!
લલિત ત્રિવેદી said,
December 25, 2025 @ 12:34 PM
વાહ
Mayank Oza said,
December 25, 2025 @ 12:46 PM
વાહ . . સરસ . . 🌹🙏🌹
Vinorai said,
December 25, 2025 @ 12:53 PM
પહેલા ત્રણ શેર સારા છેલ્લા બે માં મજા ન આવી એક ભાવક તરીકે નો અભિપ્રાય
Tisha Badiyani said,
December 25, 2025 @ 1:15 PM
ક્યા બાત હૈ !
ગમ્યું !!
Diptin Doshi. said,
December 25, 2025 @ 1:19 PM
સ્વાગત છે કવિરાજ આપનું
બેધડક આજના સમાજ નું ચિત્ર સમાજ સામે મૂકવા માટે
લાવતા રહો આવું નવું નવું👍👍
Aasifkhan Pathan said,
December 25, 2025 @ 1:27 PM
વાહ
ખુબસરસ રચના
વ્રજેશ said,
December 25, 2025 @ 3:16 PM
વાહ… મીથ… સરસ
Dina Chhelavda said,
December 25, 2025 @ 4:12 PM
વાહ વાહ
Kishor Ahya said,
December 25, 2025 @ 7:29 PM
કવિ શ્રી ભાર્ગવ ઠાકરની ‘સવાલ કર’ ગઝલ પ્રેમમાં પડનારા પ્રેમીઓ કે જે પોતાનો પરસ્પર પ્રેમ પ્રગટ કરતા હોય છે પણ સાથે જીવન જોડવાના પ્રશ્ને હું નહી તે પૂછશે, એવી આશાએ બંને પ્રેમીઓ લાંબા સમય સુધી સમય વિતાવે છે તેના માટે પ્રથમ ત્રણ પંક્તિઓ કવિએ ખૂબ સરસ લખી છે.
‘બે ધડક સવાલ કર ‘ કવિ કહે છે. “વિકટ છે સમય”. સાચી વાત, અને આજના સમયમાં પ્રશ્નો પણ ખૂબ છે, તેમ છતાં લોકો ભાગ્યેજ બેધડક પૂછવાનું પસંદ કરે છે! જોકે એની પાછળ કારણો હોય છે, પણ કવિ નું કહેવાનું એટલુ જ છે કે પ્રશ્ન એકવાર બેધડક પૂછો તો ઉતર મળશે. પૂછો તો ઉતર મળે ને!
અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ ને બેધડક પોતાનો વિષાદ ભાવ કહ્યો અને જીવ ને મોક્ષ મળી જાય તેવો સરસ ઉતર મળ્યો. …
“કહ્યું રજકને રાઘવે તું બેધડક સવાલ કર!” રજક ના અર્થ ધોબી. જોકે આ એક કલ્પના છે કે જાણે ભગવાન શ્રી રામ ધોબીને પણ કહે છે તારો પ્રશ્ન શું છે ?તું મને બેધડક સવાલ કર?
સરસ ગઝલ છે, પણ આજે બેધડક પૂછવા વાળા ને બેધડક ઉતર આપનારા ને બેધડક ઉતર સાંભળનારા કેટલા? આનો વિચાર કરીએ તો કવિ કહે છે તેમ “મૂકી સંબંધ ત્રાજવે બેધડક સવાલ કર” પંક્તિ ઉચિત જગ્યાએ જ છે.કવિ શ્રી ભાર્ગવ ઠાકરને સરસ ગઝલ આપવા માટે અભિનંદન.
શ્રી વિવેકભાઈ એ ગઝલનો સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Shailesh Gadhavi said,
December 25, 2025 @ 8:29 PM
સાદ્યંત સુંદર ગઝલ!!
Sejal Desai said,
December 26, 2025 @ 8:07 PM
વાહ
સુંદર રદીફ
Riyaz Langda said,
December 28, 2025 @ 10:15 AM
વાહ