ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.
મીરાંબાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નંદિતા ઠાકોર

નંદિતા ઠાકોર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(કદંબ ને ગુલમ્હોર) – નંદિતા ઠાકોર

અડખે પડખે ઊગ્યાં જોને
.           કદંબ ને ગુલમ્હોર
અહો, શો રંગીલો આ તોર!

એકમેક પર ઢળે ડાળીઓ
જ્યમ રાધા ને શ્યામ
કેસરભીની રૂપછટા પર
મન મોહે અભિરામ
પાનપાનમાં ઊઘડે જાણે લીલપનો કલશોર…

મદભીની મોસમની આ તો
વહે મનહર માયા
છેક આભને ખોળે એની
રંગબિરંગી છાયા
લીલેરા પટકૂળને જાણે સુહે સુનેરી કોર…

– નંદિતા ઠાકોર

અડખે પડખે ઊભેલાં બે અલગ-અલગ રંગના ફૂલોવાળાં વૃક્ષને જોઈને કવિ કેવી મજાની કલ્પનાઓ કરી બેસે છે તે તો જુઓ… ગીતકાર પોતે ઉમદા ગાયક અને સંગીતના જાણતલ હોવાના નાતે ગીતનો લય તો પ્રવાહી જ હોવાનો…

Comments (2)

(શીદ ચાલ્યા?) – નંદિતા ઠાકોર

છાતીમાં ચોમાસું રોપીને આમ તમે
.           વરસ્યા વિના તે શીદ ચાલ્યા?
કહો, વરસ્યા વિના તે શીદ ચાલ્યા?

તપતા ઉનાળાનો કાળઝાળ થોર
જો ને આઠે તે અંગ અહીં વાગે
વાદળિયા શમણાંથી વળતું ના કાંઈ
એ તો જળબંબાકાર થવા માંગે
.           વેરીને આમ તમે વહાલપના વાયરાઓ
.           ફરક્યા વિના તે શીદ ચાલ્યા?

કીકીમાં કેટલાય જન્મોથી રોપેલી
કૂંપળ કોળ્યાના મને કોડ
વરસાદી વાયદાને નાહક પંપાળીને
વહેતા મૂકવાનું હવે છોડ
.           રોપીને આંગણામાં મોરલાનું થનગનવું
.           ગહેક્યા વિના તે શીદ ચાલ્યા?

– નંદિતા ઠાકોર

ડાયાસ્પોરા સર્જકોમાંનુ એક નામ એટલે નંદિતા ઠાકોર. ગુજરાતી કળારસિકોમાં જો કે એમણે કોકિલકંઠી ગાયિકા તરીકે વધુ નામના મેળવી છે. સંગીતના ઊંડા જાણકાર હોવાના કારણે એમના ગીતો ગણગણવાનું મન થાય એવા લયબદ્ધ હોય છે. એમની રચનાઓમાં ખાસ કરીને ગીતોના મુખડા સિદ્ધહસ્ત ગીતકારને પણ ઈર્ષ્યા આવી શકે એવા અને તરત જ ધ્યાન ખેંચે એવા જોવા મળે છે.

Comments (4)

એક પળમાં – નંદિતા ઠાકોર

એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?

સાંજ મને સોનેરી જોઈતી નથી  કે નથી રૂપેરી રાતનાં ય ઓરતા,
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં, એમાં ગુલમ્હોર છોને મ્હોરતા.

અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું સાંજ તણી આશાએ અહીં,
બોલ, આપી શકીશ એવું કંઈ ?

મારામાં ઊગેલું મારાપણું ય હવે તારામાં રોપી હું છુટ્ટી,
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી.

ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ એવું આંખોમાં જોતી હું રહી,
બોલ, આપી શકીશ એવું કંઈ ?

– નંદિતા ઠાકોર

Comments (21)