પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગરબો

ગરબો શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આવી ન્હોતી જાણી - અવિનાશ વ્યાસ
ગરબો ગરબો - રિષભ મહેતા
રાજેન્દ્ર શાહ
સાંવરિયા - વેણીભાઇ પુરોહિત
સોળે શણગાર સજી - તુષાર શુક્લ
હો રંગ રસિયા -અવિનાશ વ્યાસસાંવરિયા – વેણીભાઇ પુરોહિત

સાંવરિયા, કાહે હોત નઠોર ?
ઠાકુર, મૈં ઠુમરી હું તેરી
કજરી હૂં ચિતચોર…
સાંવરિયા, કાહે હોત નઠોર ?

સાવન કી બેચૈન બદરિયાં
બરસત ભોલીભાલી :
ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભિગા લી :
કરજવા મોર : કરજવા તોર-
સાંવરિયા, કાહે હોત નઠોર ?

નંદકુંવર, મૈં જમુના ભઈ ના
ભઈ ના મધુરી બંસી :
દહી-મક્ખન કી મિઠાસ લે કર
કહાં છિપે યદુવંશી ?
ઇત ઉત ઢૂંઢત નૈન-ચકોર:
સાંવરિયા, કાહે હોત નઠોર ?

આપ હી દાવ લગા કર બેઠી,
જિયરા ભયા જુઆરી :
લગન અગન મેં લેત હિચકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા : ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

– વેણીભાઈ પુરોહિત

ગુજરાતી કવિ વ્રજભાષામાં ગીત લખે અને એ પણ આવું મધમીઠું ?! એલચીવાળું મીઠું પાન જેમ ધીમે ધીમે મમળાવીએ એમ વધુ સ્વાદ આપે એમ જ આ ગીત હળવી હલકથી વારંવાર ગાવાથી વધુ ને વધુ સ્વર્ગાનંદ આપશે એની ગેરંટી…

Comments (1)

આવી ન્હોતી જાણી – અવિનાશ વ્યાસ

આવી ન્હોતી જાણી,              .
પૂનમ, તને આવી ન્હોતી જાણી.

દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો,
એને જોતાં રે વેંત હું લજાણી.
.                                      પૂનમ, તને આવી ન્હોતી જાણી.

તું યે એવી ને તારો ચાંદલિયો એવો,
કરતો અડપલું તો યે મારે સહેવો,
એને વાર જરા મારી દયા આણી.
.                                      પૂનમ, તને આવી ન્હોતી જાણી.

અજવાળી રાતનું કાઢીને બહાનું,
કામ કરે દિલડું દઝાડવાનું છાનું.
.                                તને કોણ કહે રાતની રાણી ?
.                                      પૂનમ, તને આવી ન્હોતી જાણી.

– અવિનાશ વ્યાસ

હમણાં જ નવારાત્રિ પૂરી થઈ.  અને બે દિવસ પહેલા જ શરદપૂનમ પણ ગઈ, જેની આપ સૌને જરા મોડી મોડી શુભકામનાઓ.  જો કે અહીં અમેરિકામાં અમારે તો નવરાત્રિ અને રાસનું એક week-end હજી બાકી છે એટલે થયું કે આજે અવિનાશભાઈને યાદ કરીએ.  કારણ કે અવિનાશભાઈને યાદ કર્યા વગરનાં કોઈ પણ ગુજરાતી ગીત-ગરબા-રાસ અધૂરા જ ગણાય…  અવિનાશભાઈનાં ગીતોની ખાસિયત એ છે કે એને વાંચતા વાંચતા આપણા કાન પણ સળવળવા જ માંડે !

Comments (4)

રાજેન્દ્ર શાહ

પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો
સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો

ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
આસો તે માસના અકારા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
અંજવાળી રાતનો માણું ઉજાગરો
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.

કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીની છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કોને કે’વું ?
મેં તો
દીઠો રાધાની સંગ ખેલતો સાંવરો :
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.

 

મધમીઠાં શબ્દો મઢ્યું મનોરમ ગીત……આવા સુંદર ગરબાઓ કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે નવરાત્રિની ભીડ-ભાડમાં !

Comments (8)

સોળે શણગાર સજી – તુષાર શુક્લ

સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,
આવ્યા રે ચાંચરના ચોકમાં
માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં

માટીનું કોડિયું આ દિપક થઇ જાય
જ્યારે જગમગતી જ્યોતે સોહાય
દીવે થી દીવે જ્યાં પ્રગટી ઉઠે ને
ત્યાં તો અંધારા આઘા ઠેલાય

માડી આવો ને હૈયાના ગોખમાં
સોળે શરણાર સજી…

તાળી ને ચપટી લઇ, માથે માંડવણી લઇ
ગરબે ઘૂમે છે આજ ગોરીઓ
ગેબ તણો ગરબો આ ઘૂમ ઘૂમ ઘૂમતો
એ અંબા જગદંબા એ કોરીઓ

પેર્યો નવલખ તારાનો હાર ડોકમાં
સોળે શણગાર સજી…

– તુષાર શુક્લ

ગઈકાલથી શરૂ થયેલી નવરાત્રિની આપ સૌને શુભેચ્છાઓ, આજે આ ગરબાના રૂપમાં.

Comments (2)

હો રંગ રસિયા -અવિનાશ વ્યાસ

હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ?
આ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો ?

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,
આ ચૂડલિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.    હો રંગ o

આજ અમે ગ્યા’તાં દોશીડાને હાટ જો,
આ ચૂંદલડી રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.   હો રંગ o

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો,
આ મોજડિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.   હો રંગ o

-અવિનાશ વ્યાસ

આજકાલ ચાલી રહેલી આ ગરબા-રાસની મૌસમમાં આજે અવિનાશભાઈનો એક ખૂબ જ લોકપ્રિય રાસ માણીએ… ઉષા મંગેષકર અને હેમુ ગઢવીનાં સ્વરમાં આ રાસ આપ અહીં સાંભળી શકો છો.

Comments (4)

ગરબો ગરબો – રિષભ મહેતા

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો

પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો

જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો

ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો

મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો

– રિષભ મહેતા

હાલમાં ચાલી રહેલી નવરાત્રિની આપ સૌ મિત્રોને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

Comments (6)