તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.
કુલદીપ કારિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નીરજ મહેતા ડૉ.

નીરજ મહેતા ડૉ. શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(माफ करना) - ડૉ. નીરજ મહેતા
આભ અમને ઓળખાયું - ડૉ.નીરજ મહેતા
ગઝલ - ડૉ. નીરજ મહેતા
ગઝલ - ડૉ. નીરજ મહેતા
ગઝલ - નીરજ મહેતા
ગઝલ - નીરજ મહેતા
વિલાનેલ - ડૉ. નીરજ મહેતાગઝલ – નીરજ મહેતા

સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને,
ત્યારથી પકડી શક્યો છું જિંદગીના તંતને.

આયખું આખું નીરખવામાં વહી જાશે હવે,
એટલાં ખિસ્સે ભર્યાં છે યાદના મન્વંતને.

છે…ક શાકુંતલ સમયથી વારસામાં ઊતરી,
એ જ પીડા – આજે પણ ક્યાં યાદ છે દુષ્યંતને

જિંદગી એની બનીને ગ્રંથ પૂજાશે સતત
પૃષ્ઠ માફક જે પલટશે આયખાના અંતને

કોઈના આંસુથી જેનાં ટેરવાં શોભ્યાં ન હો
હું નથી મળતો કદી પણ એવડા શ્રીમંતને

– નીરજ મહેતા

રાજકોટના તબીબ-કવિ ગઝલોનો “ગરાસ” લઈને ઉપસ્થિત થયા છે. કવિના પ્રથમ સંગ્રહમાંથી આ એક સંઘેડાઉતાર ગઝલ… એક-એક શેર અર્થગહન. એક-એક વાત પાણીદાર. કવિ અને સંગ્રહનું બા-અદબ બા-મુલાહિજા સ્વાગત.

Comments (5)

ગઝલ – નીરજ મહેતા

ગૂંજતો કલરવ પહાડી હોત ભીતર
વાંસળી દિલથી વગાડી હોત ભીતર

દ્વન્દ્વમાં અસ્તિત્વ જીત્યું હોત, જો તેં
એક ઇચ્છાને પછાડી હોત ભીતર

પીગળે પાષાણ ‘હું’પદના સમૂળાં
આગ થોડી પણ લગાડી હોત ભીતર

એ થયું સારું કે ઉગ્યાં ફૂલ એમાં
થડ ઉપર નહિતર કુહાડી હોત ભીતર

તપ કરો છો બંધ રાખી આંખ કિંતુ
એક બારી તો ઉઘાડી હોત ભીતર

– નીરજ મહેતા

આમ તો આખી ગઝલ સુંદર પણ હું તો આખરી શેર પર સમરકંદો-બુખારા ઓવારી બેઠો. ફિલસૂફીના કૃત્રિમ શેરોની ત્સુનામી આપણે ત્યાં બધા કાંઠા તોડીને ચડી બેસી છે એવામાં આવો સાવ જ સરળ-સહજ પણ અર્થગંભીરતાથી પરિપૂર્ણ શેર હાથ જડી આવે એ તો મોટી ઉપલબ્ધિ જ ને !

ડૉ. નીરજ મહેતાને એમના પ્રથમ ગઝલસંગ્રહ “ગરાસ”ના પ્રાગટ્યટાણે લયસ્તરો.કોમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (7)

વિલાનેલ – ડૉ. નીરજ મહેતા

ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં
જિંદગી આખી વિરહ સાલ્યા કર્યો
એક ડગલું આપણે ચાલ્યા નહીં

એટલે ફૂલ્યાં નહીં, ફાલ્યાં નહીં
આપણાં હુંકારે રસ્તો આંતર્યો
ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં

દૂર જાતાં પગરવો ઝાલ્યા નહીં
પ્રેમ આવી કેટલુંય કરગર્યો
એક ડગલું આપણે ચાલ્યા નહીં

મૂર્તિવત્ હાલ્યાં નહીં, ચાલ્યાં નહીં
છેવટે તો બાંકડોય થરથર્યો
ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં

સાવ સાંનિધ્યો હતા મ્હાલ્યા નહીં
આમ રહેવાને સમંદર પણ તર્યો
એક ડગલું આપણે ચાલ્યા નહીં

આંસુથી પગને તો પ્રક્ષાલ્યા નહીં
માનતા પાછા કે ચીલો ચાતર્યો
ધ્રૂજતા એ હાથને ઝાલ્યા નહીં
એક ડગલું આપણે ચાલ્યા નહીં

– ડૉ. નીરજ મહેતા

કેટલીક વાર એકબીજા તરફ માત્ર એક ડગ ન ભરી શકવાની  ભીરૂતાના કારણે સમ્-બંધ થતા થતા રહી જાય છે.  વિલાનેલ કાવ્ય સ્વરૂપમાં પંક્તિઓના નિયમિત અંતરાલે થતા પુનરાવર્તનના કારણે ઘણીવાર કવિતા મરી પરવારવાનો ડર રહેલો હોય છે. પણ અહીં કવિ ખૂબ સરસ રીતે સાહજિકતાથી કાવ્યસ્વરૂપ અને કાવ્ય- બંનેને નિભાવી શક્યા છે.

ફ્રેન્ચ કાવ્ય પ્રકાર વિલાનેલના સ્વરૂપ વિશે વિશેષ માહિતી આપ અહીં મેળવી શકશો.

Comments (2)

આભ અમને ઓળખાયું – ડૉ.નીરજ મહેતા

પછી એવું થયું કે યાદમાં ધુમ્મસ છવાયું પણ
પછી એવું થયું કે એમને ભૂલી જવાયું પણ

પછી એવું થયું ગુલમ્હોરના છાંયા ભૂંસાયા ‘ને
પછી એવું થયું ખુદથી કશે ઊગી જવાયું પણ

પછી એવું થયું કે કંઠમાં જઈ મોર બેઠેલા
પછી એવું થયું કે આવડ્યું એવું ગવાયું પણ

પછી એવું થયું મધરાત એવી મેઘલી આવી
પછી એવું થયું કે મન થયું સાજું, ઘવાયું પણ

પછી એવું થયું એક સ્મિત ઊગ્યું સાત રંગોનું
પછી એવું થયું કે આભ અમને ઓળખાયું પણ

– ડૉ.નીરજ મહેતા

પછી એવું થયું કે વ્હૉટ્સએપ પર મિલિન્દ ગઢવીનો સંદેશો આ ગઝલ સાથે આવ્યો જેમાં એણે કહ્યું, “આ રચના લયસ્તરો પર હોવી જોઈએ કેમકે પેટર્નની દૃષ્ટિએ તો સારી છે જ પણ જે સરળતા ઉતરી આવી છે એ સરળ નથી. અને ‘મોર’વાળો શેર તો OMG (ઑહ માય ગૉડ) થયો છે. તમે જુઓ કે ‘આવડ્યું એવું ગવાયું’માં જે નિખાલસતા અને સહજતા આવી છે એ ગઝલની ભાષામાં બહુ ઓછી જોવા મળે છે. કંઠમાં મોર બેઠેલા જેવું એક સ્ટ્રૉંગ વિધાન અને પછીની જે ડાઉન-ટુ-અર્થ અભિવ્યક્તિ! આને કહેવાય, મારી નાઇખા“.

Comments (7)

ગઝલ – ડૉ. નીરજ મહેતા

સ્મરણના રાફડામાંથી કીડી ઊભરાય ને ! એમ જ
સખત ઘેરી વળ્યો તું આજ મારી સાંજને એમ જ

અહીંથી નીકળ્યો’તો ને થયું મળતો જઉં – એવાં
બહાનાં સાવ ખંખેરી તું મળવા આવ ને એમ જ

મળે જો કોઈ રસ્તામાં મુંઝાયેલું ને રત ખુદમાં
કશું નહિ તોય એને ‘કેમ છો?’ પૂછાય ને, એમ જ

હશે, કરવું પડે સંબંધ સાચવવા : ખરું છે, નહિં ?
શરત તો વ્હાલમાં હોતી નથી એક્કે – મને એમ જ

અઢેલી છાતીએ તો ઘૂઘવાયો કાનમાં દરિયો
અરે ! કાને ધરેલા શંખમાં સંભળાય ને, એમ જ

ઘણું છે તોય, ‘અહિંયા કેમ ?’ પૂછે કોઈ’ને સામે
હસીને આપણાથી એટલું કહેવાય ને – ‘એમ જ !’

– ડૉ. નીરજ મહેતા

‘એમ જ’ – આપણા રોજિંદા જીવનવ્યવહારમાં આ શબ્દપ્રયોગ કંઈ એવી રીતે વણાઈ ગયો છે કે આપણે પણ એને ‘એમ જ’ -casually- લઈને જ આગળ વધી જઈએ છીએ. પણ પારખુ ગઝલકાર નીરજની પારેખનજરમાંથી વ્યવહારમાં ચવાઈને ચુથ્થો થઈ ગયેલ આ શબ્દપ્રયોગ બચી શક્યો નથી… પરિણામે બિલકુલ બોલ-ચાલની આ રદીફમાંથી આપણને મળી આ બિલકુલ બોલચાલની ગઝલ.. વાહ કવિ!

Comments (14)

ગઝલ – ડૉ. નીરજ મહેતા

ભલે તું બાદશાહી દે
ધરાની ધૂળને ભૂલું નહીં એવી ઊંચાઈ દે

હૃદયનું ખોરડું નાનું
બધા અક્ષર પરત લઈ નાથ મુજને ફક્ત ઢાઈ દે

થશે કર અબઘડી પાંખો
ખરેખર આપવી હો તો મને ચોપાસ ખાઈ દે

ધર્યો ચોખ્ખો જ ઉરકાગળ
ગઝલ આપી ન દે તો કૈં નહીં નાની રૂબાઈ દે

બધું ફાવી ગયું ‘નીરજ’
કવન રંગીન રાખીશું ભલે કાળી સિયાહી દે

– ડૉ. નીરજ મહેતા

શેરના ઉલા મિસરા (પહેલી કડી)માં લગાગાગાના બે આવર્તન અને સાની મિસરા (બીજી કડી)માં એનાથી બેવડા આવર્તનો લઈને ચાલતી આ ગઝલને શું કહીશું? દોઢવેલી ગઝલ? વિષમ છંદ ગઝલ?

ગઝલના બંધારણને જે નામ આપવું હોય એ આપીએ પણ મને તો કવિનો ખુમારીદાર મિજાજ ગમી ગયો. સમૃદ્ધિના શિખરે પણ છકી ન જવાની ચિવટાઈ સ્પર્શી ગઈ. નાના અમથા હૃદયમાં બીજું કશું ન માઈ શકે તો કંઈ નહીં, માત્ર પ્રેમના અઢી અક્ષર જ સમાઈ શકે તોય કવિ ખુશ છે. અને જિંદગી પાસેથી ભલે દુઃખ અને વેદનાની કાળી શાહી કેમ ન મળે, કવિ એના કાવ્યોને રંગીન ઓપ જ આપવા માંગે છે… સાહિરના લબ્ધપ્રતિષ્ઠ શેરથી સાવ વિપરીત પણ કદાચ વધુ ઉજળી વાત છે આ. (દુનિયાને તજુર્બાતોં હવાદિશ કી શક્લમેં, જો કુછ મુજે દિયા હૈ, વો લૌટા રહાહૂઁ મૈં)

Comments (15)

(माफ करना) – ડૉ. નીરજ મહેતા

तू कहाँ है मेरी जानिब ? माफ करना
तू नहीं दिखता है साहिब, माफ करना

अनसुनी कर दी खला की सब सदायें
क्या पता किस से मुखातिब ? माफ करना

बेसबब ही आप पढलें इस ग़ज़ल को
ये नहीं लगता मुनासिब, माफ करना

साफ दिल से एक धेला कम न लूंगा
है हमारा दाम वाजिब, माफ करना

लोग ‘नीरज’ नाम से पहचानते हैं
मैं नहीं हूँ मीर-ग़ालिब, माफ करना

– डॉ. नीरज मेहता

‘ફોર-અ-ચેઇન્જ’ આજે એક ગુજરાતી કવિની એક ઉર્દૂ ગઝલ. માફ કરના જેવી રદીફને પાંચ શેરોમાં કવિએ જે રીતે બહેલાવી છે એ કાબિલે-દાદ છે. કોઈ એક શેર પસંદ કરવો હોય તો તકલીફમાં મૂકી દે એવું સંઘેડાઉતાર કામ આ મૂળ અમરેલીના પણ હાલ રાજકોટમાં વસતા ડોક્ટરસાહેબે કર્યું છે. आज गुजराती ग़ज़ल को छोडकर मैं, उर्दू से हुआ मुक़ारिब, माफ करना ।

(खला = અવકાશ, ખાલી જગ્યા; मुख़ातिब = વાત કરનાર; बेसबब = અકારણ; धेला = અધેલો; અર્ધો પૈસો, मुक़ारिब = સમીપે, નજીક)

Comments (17)