વસ્તુ ભલે હો એક, છે અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કુલદીપ કારિયા ‘સારસ’

કુલદીપ કારિયા ‘સારસ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – કુલદીપ કારિયા

પાંખો કદીક એવડી, જો ફૂટી નીકળે,
આખી નદી ઊડે અને જોવા મને મળે.

વાહન બરફના ચોસલા જેવા હશે કદાચ,
ગરમી પડે ને રોડનો ટ્રાફિક ઓગળે.

જ્યારે ધીરજ તૂટી અને વેરાઈ જાય છે,
સાવરણી જેમ ચોતરફ આંખો ફરી વળે.

તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.

માથુ ભલેને આભમાં અથડાય રોજ રોજ
કુલદીપ લખી શકે છે એ નીચે નહીં વળે.

– કુલદીપ કારિયા

સૂર્યનો તાપ અને રસ્તાઓ પર થતી અસરના બે શેર ખાસ જોવા જેવા છે. જેમ જેમ ગરમી વધે એમ એમ લોકો ઘર બહાર નીકળવાનું ટાળે અને રસ્તાઓ ઉજ્જડ ભાસે એ સૂકી હકીકતને કવિના ચશ્માં કેવી રીતે કવિતામાં ફેરવે છે એ જોવા જેવું છે. બરફના ચોસલાં જેમ ગરમીથી ઓગળીને અદૃશ્ય થઈ જાય એમ જ કવિ વાહનોને અદૃશ્ય થઈ ગયેલાં જુએ છે. બીજી તરફ કવિ તડકાને વરસાદના રૂપમાં તાદૃશ કરે છે. વરસાદ વરસતો રહે ત્યાં સુધી રસ્તાઓ ભીનાં ને ભીનાં જ રહે છે, કોરાં થયા પછી જ પૂર્વવત્ થાય છે. કવિ તડકાના વરસાદથી સર્જાતા ઝળહળાટને તડકાનું પાણી કલ્પીને કમાલ કરે છે.

જો કે નવાનક્કોર કલ્પન સર્જવાનો આવેશ કવચિત્ અતિરેકમાં પરિણમવાની ભીતિ પણ રહેલી જ છે. મત્લાનો શેર એનું ઉદાહરણ છે.

Comments (5)

ગઝલ – કુલદીપ કારિયા

image

હવે તમારું જીવન લમણાઝીંક વગરનું છે,
નવા વરસનું કેલેન્ડર તારીખ વગરનું છે.

વાત અહીંથી ક્યાંય જશે નૈ, છોડી દે ચિંતા
જે ઘરમાં તું બેઠો છે એ ભીત વગરનું છે.

તારી આંખોની અંદર આવીને કરવું શું ?
કે એમાં દરિયાનું હોવું બીચ વગરનું છે.

જન્મ્યા પહેલા આખું જંગલ મરી ગયું, કુલદીપ
ઊગી ગયું છે ઝાડ પરંતુ બીજ વગરનું છે.

– કુલદીપ કારિયા

જીવનની સમસ્યાઓનું ખરું મૂળ સમય જ છે. સમયને જ ખતમ કરી દેવાય તો કદાચ કોઈ જ લમણાઝીંક ન રહે. વાત તો જૂની અને જાણીતી છે પણ કવિઓ જે ખૂબસુરતીથી રજૂ કરે છે એ અંદાજે-બયાઁની જ તો ખરી મજા છે…

રાજકોટથી કવિ કુલદીપ કારિયા એમનો પ્રથમ સંગ્રહ “ભીંત ખખડાવી તો ખૂલી” લઈને આવ્યા છે. કવિને લયસ્તરો તરફથી મબલખ સ્નેહકામનાઓ…

Comments (3)

ગઝલ – કુલદીપ કારિયા

સંબંધોની ટ્રેન અચાનક પાટા પરથી ખડી ગઈ છે,
બે-ત્રણ સપનાં થયાં છે ઘાયલ, બેત્રણ ઇચ્છા મરી ગઈ છે.

સૂરજને મેં ટોપી માફક પહેરી લીધો છે માથા પર
મારા રૂપે સૌને જાણે દીવાદાંડી મળી ગઈ છે.

બહુ જ દાઝ્યુ છે મન એથી એના પર હું બરફ ઘસું છું
તારી વાચારૂપે પાછી ગરમ તપેલી અડી ગઈ છે.

શિખર સુધી તો પહોંચ્યું છે બસ, મારા હોવાનું એક ટીપુ
ઓગળતા ઓગળતા આખી જાત પગથિયે રહી ગઈ છે

એને પાણી પીવડાવો મા, સાવ સમૂળી ઉખેડી નાખો
ફરી નકામા ઘાસની માફક તરસ અમારી વધી ગઈ છે

– કુલદીપ કારિયા

અતિરેકના બોજાથી ગુજરાતી ગઝલની ડોક લચી પડી હોવાની પીડાના પાટિયાં ગામભરમાં મારતા રહેતા વિવેચકોને આવી ગઝલ શું વાંચવા નહીં મળતી હોય ? અનિલ, મિલિન્દ, નિનાદ જેવા જૂજ મૌલિક બાની અને અનૂઠી અભિવ્યક્તિ સાથે પોતીકા ચીલા ચાતરનાર ગઝલકારોની પાંખી યાદીમાં કુલદીપ કારિયાનું નામ ન મૂકો તો યાદી અધૂરી રહે. આપણી કવિતાએ આ પહેલાં જોયા ન હોય એવા કલ્પન, અક્ષુણ્ણ રજૂઆત અને સરવાળે સિદ્ધ થતો કાવ્યપદાર્થ આ ગઝલને નખશિખ આસ્વાદ્ય બનાવે છે.

Comments (8)

ગઝલ – કુલદીપ કારિયા

જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર,
તો દૃશ્ય પણ વહી શકે, નસનસની આરપાર.

અજવાળું ઊગશે, હજારો વાર ઊગશે,
અંધારું નીકળ્યું ભલે ફાનસની આરપાર.

એણે કહેલો માર્ગ ક્યાં સમજી શક્યું કોઈ !
ખીલાની જેમ સૌ ગયા જીસસની આરપાર.

પૂછો નહીં કે એ પછી આકાર શો થયો
ચારેય રેખા વિસ્તરી ચોરસની આરપાર.

સાચી ગઝલ હશે તો કશું પણ થશે નહીં,
તલવાર જઈ શકે નહીં તાપસની આરપાર.

સંબંધ આપણો કદી જાહેર ના થયો,
એક આગ આવી નૈ કદી બાકસની આરપાર.

– કુલદીપ કારિયા

સંઘેડાઉતાર રચના… એક એક શેર બળકટ…

Comments (7)

ગઝલ – કુલદીપ કારિયા

બે-ત્રણ કિરણ કરતાં વધુ ચોરી ન થઈ શકે
આખા સૂરજની કોઈથી કોપી ન થઈ શકે

આકાશમાંથી છીપમાં હર જન્મમાં પડે
એક ટીપુ કે જે કોઈ દી’ મોતી ન થઈ શકે

કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે
તારા કડક સ્વભાવની કોફી ન થઈ શકે

શું એને ફેવિક્વિકથી ચોંટાડી દીધી છે?
કે ભૂખ પેટથી કદી નોખી ન થઈ શકે?

ટેટૂની જેમ જીભ પર ત્રોફાવશે બધા
સૌરાષ્ટ્ર જેવી ક્યાંય પણ બોલી ન થઈ શકે

– કુલદીપ કારિયા

ગુજરાતી ગઝલમાં અગાઉ જોવા ન મળ્યા હોય એવા કલ્પનોથી વધુ આસ્વાદ્ય બનતી ગઝલ… પાંચેય શેર સરસ… પણ કોફીવાળો શેર સૌથી ‘કડક’ ! સ્વાતિ નક્ષત્રની ગેરહાજરીમાં છીપમાં પડી પડીને મોતી બનવામાં વિફળ જતું ટીપું ફરી ફરીને બાષ્પીભૂત થતું રહે અને ફરી ફરીને ઘનીભૂત થઈ ટીપું બની વરસ્યા કરે એ શેર શરૂમાં મને જરાય સમજાયો નહોતો પણ સમજાયો ત્યારે અહો ! અહો ! વાહ, કવિ…

Comments (9)

ગઝલ – કુલદીપ કારિયા

ઝાડવું ને સ્ટ્રીટલાઇટ પાસપાસે છે
જોઈએ કે કોને કોનો ચેપ લાગે છે

વાદળા આકાશમાં વ્યાપેલ ખેતર છે
કોઈ એને ખેડીને પાણી ઉગાડે છે

બારી પાસે જો નથી કાતર તો શેનાથી
એ સ્વયંના કદ મુજબ આકાશ કાપે છે

વ્હેતા પડછાયામાં નાહી લો ધરાઈને
સારું છે તમને નદીનું સપનું આવે છે

બારણા પાસે બધા દૃશ્યો થયાં ભેગાં
જલ્દી અંદર ઘૂસવા સૌ ધક્કા મારે છે

એફબી પર જઈ અને સૂંઘી શકે છે સૌ
ફૂલ જે ઘરથી હજારો ગાઉ આઘે છે

હૂંફમાં પણ મેળવણ જેવી અસર છે કે?
ભાન ખોવાતું જતું ને ઊંઘ જામે છે

– કુલદીપ કારિયા

આજની ગઝલનો એક અલાયદો અવાજ… કુલદીપ કારિયા… સાવ નવા નક્કોર કલ્પન અને અનૂઠા શબ્દચિત્રો… ફેસબુક તો ગુજરાતી ગઝલમાં ઘણીવાર જોવા મળે છે પણ એફબી શબ્દ તો કદાચ પ્રથમવાર જ પ્રયોજાયો હશે… બધા શેર મજાના પણ છેલ્લો શેર… દૂધમાં મેળવન નાંખીએ ને દહી જામતું જાય્વાળી વાત હૂંફ અને ઊંઘમા પરિપ્રેક્ષ્યમાં કમાલ કરીને કવિ દિલ જીતી લે છે…

Comments (10)

ક્યારે સવાર થાશે? – કુલદીપ કારિયા

અટકાવ તું ભલેને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

અહિયાં તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઇ કહો, ખરેખર ક્યારે સવાર થાશે?

સમજાવ એમને તું, છેટા રહે નહીતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળું પસાર થાશે

કેવી જમીન છે આ? વાવો તો કંઈ ઊગે નૈ
વાવો નહિ તો ઊગશે, ઊગી અપાર થાશે

– કુલદીપ કારિયા

મજાની અર્થગંભીર ગઝલ…

Comments (9)

હવા ચાલી – કુલદીપ કારિયા

ફૂલોનો પ્રેમ એ આખા જગતને આપવા ચાલી,
હવાનો હાથ ઝાલીને મહેક સૌની થવા ચાલી.

મને પૂછો કે વૃક્ષો પર હતાં એ પાંદડાં ક્યાં છે ?
સમય પીળો હતો ત્યારે જ તોફાની હવા ચાલી.

હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની,
નદી પર્વતથી ઊતરી તોય સાગર પામવા ચાલી.

હતા નહિ રાગ ને વૈરાગ્ય મારા પ્રાણમાં ક્યારેય,
છતાં શેનું હતું આ દર્દ ને શેની દવા ચાલી ?

સમય આવી ગયો ચાલો હવે આકાશ પહેરી લો,
ક્ષણો કાતર બનીને જિંદગીને કાપવા ચાલી.

– કુલદીપ કારિયા

એક મહેકનુમા ગઝલ… પરંપરાની ખુશબૂ આધુનિક્તાની હવાની પાલખી પર બેસીને આપણી રુહને તરબતર કરે છે…

Comments (10)

ઝાકળ વચ્ચે – કુલદીપ કારિયા ‘સારસ’

રોજ સવારે તારું ગાવું કોયલ ટહુકે ઝાકળ વચ્ચે,
એક હૃદય ત્યાં એવું જાણે ફૂલો મહેકે ઝાકળ વચ્ચે.

એક હવાનું ઝોકું આવ્યું, સામે જોઈ તેં સ્મિત કર્યું, ને
ઝોકું પણ અવઢવમાં પડ્યું, અહીંયા રહું કે ઝાકળ વચ્ચે ?

મસ્તીમાં હું બેઠો હોઉં ને ત્યાં જ અચાનક કોઈ આવીને
સરનામું જો તારું પૂછે, હું કહી દઉં કે ઝાકળ વચ્ચે.

મેં કહ્યું કે પ્રેમ કરું છું ને પૂછ્યું તું પ્રેમ કરે છે ?
એણે પૂછ્યું, આનો ઉત્તર અહીંયા દઉં કે ઝાકળ વચ્ચે ?

ફૂલો, ડાળી, પર્ણો કહે છે તારા સ્પર્શમાં એવો જાદુ,
વસંતને પણ વસંત ફૂટે, તું જો અડકે ઝાકળ વચ્ચે.

કુલદીપ કારિયા ‘સારસ’

ગુલાબની મસૃણ પાંખડી પર રાતના છેલ્લા પહોરમાં જામતા ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ રાજકોટના કવિ કુલદીપ કારિયા તરફથી… ઝાકળના દરબારમાં કોયલના ટહુકો એટલે ભીનાશમાં મીઠાશનું હળવાશથી ભળવું. ઠંડી હવાની એક લહેરખી પ્રિયતમાના વદન પર એક સ્મિતની લહેરખી બનીને લહેરાઈ ત્યારે હવાને પણ વિમાસણ થઈ જાય કે ક્યાં રહેવું વધારે સારું છે, આ સૌંદર્યસામ્રાજ્ઞી કને કે પછી ઝાકળ પાસે? વિરોધાભાસ ઇંગિત કરતા ‘કે’ના કાફિયા પાંચ શેરની આ ગઝલમાં સળંગ ત્રણ-ત્રણવાર વપરાયા હોવા છતાં ગઝલ પકડ ગુમાવતી નથી એ કવિની વિશેષતા છે.

Comments (16)