મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નીરવ વ્યાસ

નીરવ વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(નહીં આવે) – નીરવ વ્યાસ

ગમે છે ખૂબ પણ એ એમ સપનામાં નહીં આવે,
કે મંઝિલ દોડીને સામેથી રસ્તામાં નહીં આવે.

કબૂલાતો તમારી ખાનગીમાં સાંભળી છે જે,
તમે ચિંતા ન ક૨શો એ બધું ચર્ચામાં નહીં આવે.

અરે ઓ જિંદગી! તું આ રીતે પજવીશ જો સૌને,
જતા રહેશે, જનારા પાછા દુનિયામાં નહીં આવે.

લડત લડશું, તો મુદ્દાસ૨ કરીશું વાત ઘટનાની,
કશી અંગત બયાની દોસ્ત ઝઘડામાં નહીં આવે.

ગઝલ લાધ્યા પછી એને કશી પરવા નથી ‘ની૨વ’,
એ પૂજામાં નહીં બેસે કે સજદામાં નહીં આવે.

– નીરવ વ્યાસ

સરળ બાનીમાં સહજ-સાધ્ય ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

Comments (16)

(મજા થઈ જશે) – નીરવ વ્યાસ

કોણ ક્યારે ખફા થઈ જશે?
આપણાં, પારકાં થઈ જશે.

જો વધારે ઘસાશે હજુ,
પથ્થરો આયના થઈ જશે.

રક્ત થીજી જશે તે પછી,
ઘા રુઝાઈ મતા થઈ જશે.

પાથરો છો ભલે ખાર પણ,
કૂંપળો તે છતાં થઈ જશે.

સ્હેજ નીરવ’ પડો-આથડો,
દોસ્તોને મજા થઈ જશે.

– નીરવ વ્યાસ

ટૂંકી બહરમાં સરળ અને મજાની ગઝલ…

Comments (1)

(ભલા માણસ) – નીરવ વ્યાસ

બધાની પોતપોતાની જ આદત છે, ભલા માણસ,
રડે છે એય કે જેના શિરે છત છે, ભલા માણસ.

ખબર એવીય છે કે તાજને માથે છે કૈં જોખમ,
અમારું ઝૂંપડું પણ ક્યાં સલામત છે? ભલા માણસ.

જુબાની નહિ, પુરાવા નહિ, અમારા કંઈ ખુલાસા નહિ,
તમારી તો અજબની આ અદાલત છે, ભલા માણસ.

હજારો દાવેદારી છે, તમારી થોડી મિલકતમાં,
અમારી પાસે શબ્દોની રિયાસત છે, ભલા માણસ.

કહી દો છો ઉઘાડેછોગ, ‘નીરવ,’ જે વિચારો છો,
ઘણા લોકોની એવી પણ શિકાયત છે, ભલા માણસ.

– નીરવ વ્યાસ

લયસ્તરોના આંગણે કવિશ્રીના ગઝલસંગ્રહ ‘ખડિયાની પેલે પાર’નું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી એક મજાની ગઝલ આપ સહુ માટે… ભલા માણસ જેવી વિશિષ્ટ રદીફ કવિએ કેવી સુપેરે નિભાવી છે એ ખાસ નોંધવા જેવું છે… એ સિવાય આખી ગઝલ સહજ-સાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણીની મોહતાજ નથી,…

Comments (5)

નોંધ ના લીધી – નીરવ વ્યાસ

ન રસ્તાની, ન દુનિયાની કશાની નોંધ ના લીધી,
અમે નીકળ્યાં ઘરેથી તો હવાની નોંધ ના લીધી!

અમારા  હાથ  સમજ્યા છે, સદાયે હાથની ભાષા,
દુઆ ના સાંભળી કે બદ્-દુઆની નોંધ ના લીધી.

કશોયે  અર્થ  તેથી  ના સર્યો મહેફિલમાં રોકાઇ;
તમે સાકીને ના જોયો, સુરાની નોંધ ના લીધી!

શરૂમાં એમ લાગ્યું, હોય  જાણે  ગુપ્ત  સમજૂતી;
બધાયે એકસરખી આયનાની નોંધ ના લીધી.

કસબ સમજી શક્યું બાળક, તો એની નોંધ લીધી મેં;
સભામાં  બેસનારા  ખેરખાંની  નોંધ ના લીધી.

– નીરવ વ્યાસ

એક સ્પર્શમાં જે સહારો અને તાકાત હોય છે એ દુઆમાં નથી હોતા. માણસો દુનિયામાં બધાની નોંધ લે છે પણ એક આયનાની – કે જે દરેકને પોતાની જાતથી સન્મુખ કરાવે છે – નોંધ લેતા બધા કતરાય છે. ને છેલ્લો શેર પણ સરસ થયો છે.

(ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી)

Comments (7)